ઉત્તર ભારતના ગુંડારાજની ગલીઓમાં એક લટાર...

12 July, 2020 07:15 PM IST  |  Mumbai | Deepak Soliya

ઉત્તર ભારતના ગુંડારાજની ગલીઓમાં એક લટાર...

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા યુપીના ગૅન્ગસ્ટર વિકાસ દુબેનો મૃતદેહ અંતિમવિધિ માટે કાનપુરના ભૈરવ ઘાટ પર લાવવામાં આવ્યો ત્યારે ત્યાં આવી પહોંચેલી વિકાસની પત્ની રિચા દુબેએ કેટલાક પત્રકારોને કહ્યું, ‘જિસને જૈસા સલૂક કિયા ઉસકો વૈસા સબક સિખાઉંગી. ઝરૂરત પડી તો બંદૂક ભી ઉઠાઉંગી.’

છેલ્લા અઠવાડિયામાં વિકાસ દુબે ઉપરાંત તેના મામા પ્રેમપ્રકાશ પાંડે, પિતરાઈ ભાઈ અતુલ દુબે, નિકટના સાગરીત અમર દુબે (જેનાં બે દિવસ પહેલાં લગ્ન થયેલાં) જેવા વિકાસના લેફ્ટ-હૅન્ડ, રાઇટ-હૅન્ડ વગેરે સહિત ગૅન્ગના કુલ ટોચના ૬ માથાંઓનાં એન્કાઉન્ટર થઈ ચૂક્યાં છે. વિકાસ-ગૅન્ગની કમર તૂટી ચૂકી છે છતાં વિકાસની પત્નીનો જુસ્સો જુઓ. અહીં ત્રિરાશિ એ માંડવા જેવી છે કે મરી ચૂકેલા વિકાસના જોર પર પત્ની જો આટલું જોશ દાખવી રહી હોય તો પછી જીવતા વિકાસનો પોતાનો રોફ-ખોફ કેટલો હશે.

બીજી ત્રિરાશિની વાત કરીએ. વિકાસ દુબેના હિસાબનીશ-ખજાનચી ગણાતા જય વાજપેયીને પોલીસે પકડ્યો છે. આ જય વાજપેયી આજથી ૭ વર્ષ પહેલાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યારે તેનો પગાર ફક્ત ૪૦૦૦ રૂપિયા હતો, પરંતુ આજે તેની પાસે એકલા કાનપુરના બ્રહ્મનગરમાં ડઝનથી વધુ મકાનો, દુબઈમાં એક ફ્લૅટ, આઠ લક્ઝરી કાર, સેંકડો એકર જમીન તથા એક ગેરકાયદે પેટ્રોલ પમ્પની માલિકી હોવાની વાતો બહાર આવી છે. જયના ખજાનામાં હજી કેટલો માલ છે એની વધુ વિગતો પોલીસ-તપાસમાં હવે પછી જાણવા મળે એ શક્ય છે.

મુખ્યત્વે વિવાદાસ્પદ જમીનો-મકાનો પાણીના ભાવે પડાવ્યા બાદ એને મોંઘા ભાવે વેચીને તથા માર્કેટમાં પૈસા વ્યાજે ફેરવીને માલદાર બનેલો જય સરવાળે એક પ્યાદું છે. પ્યાદું માલથી આટલું લબાલબ હોય તો તેનો બૉસ વિકાસ દુબે કેટલા ધન-દૌલતનો માલિક હશે! અલબત્ત, વિકાસ દુબે એક નથી. વિકાસ દુબે અપવાદ નથી. ‘બળિયાના બે ભાગ’ અને ‘જિસકી લાઠી ઉસકી ભેંસ’નો જંગલ-કાયદો છેક ગુફાયુગથી આજ સુધી વિશ્વભરમાં જોવા મળતો આવ્યો છે, પરંતુ યુપી-બિહારમાં ગુંડા-કલ્ચર આખા અલગ જ ઢબથી અને અલગ જ લેવલ પર કામ કરી રહ્યું છે. તો આવો, વિકાસ દુબેના મોત નિમિત્તે ઉત્તર ભારતના ગુંડારાજ અને તેના ‘કલ્ચર’ વિશે જાણવા જેવી કેટલીક વાતો જાણીએ...

ઘોર ગોળીયુગ!

અતિઅશાંત વિસ્તારમાં પોલીસ ‘દેખો ત્યાં ઠાર કરો’નો આદેશ આપે એ રીતે યુપીમાં જાણે ‘લોચો પડે કે ઠાર કરો’ એવી નીતિ પ્રચલિત હોય એવું લાગી શકે. છેલ્લા એકાદ મહિનાની જ વાત કરીએ તો ગઈ છઠ્ઠી જુલાઈએ આઝમગઢમાં બાઇક પર આવેલા બે ગુંડાઓએ એક પોલ્ટ્રી ફાર્મના મૅનેજરની ગોળી મારીને હત્યા કરી હતી. એના આગલા દિવસે, પાંચમી જુલાઈએ જૌનપુરમાં એક કૉલેજના મૅનેજરની હત્યા કરવામાં આવી હતી. એના બે દિવસ પહેલાં ત્રીજી જુલાઈએ વિકાસ દુબેની ગૅન્ગ દ્વારા આઠ પોલીસ જવાનોની હત્યા થઈ. એ અગાઉ ૨૯ જૂને મેરઠમાં આંચલ નામની યુવતીનાં લગ્ન થવાનાં હતાં એના બે દિવસ પહેલાં ઘરમાં ઘૂસી આવેલા કેટલાક લોકોએ આંચલની તથા તેના પિતાની હત્યા કરી હતી. એ પહેલાં ૨૫ જૂને બુલંદશહરમાં એક માણસને ઠાર કરવામાં આવ્યો હતો. ૧૯ જૂને ઉન્નાવમાં પત્રકાર શુભમ મણિ ત્રિપાઠીની હત્યા કરવામાં આવી (આ પત્રકાર રેતી-માફિયા અને જમીન-માફિયાને બહુ ખૂંચતો હોવાનું કહેવાય છે). ૬ જૂને અમરોહા ખાતે મંદિરમાં પૂજા કરવાને લગતો વિવાદ વકરતાં ૧૭ વર્ષના એક દલિત યુવકને ઠાર મારવામાં આવ્યો. હજી વધુ પાછળ જઈ તો શકાય, પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે પાછળ પણ એ જ છે, મારામારી-ગુંડાગીરી-ડકૈતી-બહારવટાનો એક સળંગ લોહિયાળ સિલસિલો. તો શું યુપીમાં કાયદાના રાજ જેવું કશું છે જ નહીં? છે, યુપીમાં ખાસ ગૅન્ગસ્ટરો માટેનો એક વિશેષ કાયદો છે, જે ગૅન્ગસ્ટર ઍક્ટ તરીકે ઓળખાય છે. છેક ૧૯૮૬માં યુપીમાં નાના-મોટા મળીને ૨૫૦૦ જેટલા ગૅન્ગસ્ટર્સ સક્રિય હતા ત્યારે તેમની સાથે પનારો પાડવા માટે, તેમને કાબૂમાં લેવા માટે ગૅન્ગસ્ટર ઍક્ટ અમલી બનાવાયો હતો, પરંતુ એમાં એટલાં અને એવાં છીંડાં હતાં કે ઍક્ટ લાગુ થયાના આઠ જ મહિનામાં ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ પકડાયેલા ૭૭૧ આરોપીમાંથી ૪૭૫ છૂટી ગયેલા. પછીના દાયકાઓમાં પણ આ ઍક્ટ હેઠળ ધરપકડો તો થતી રહી, પરંતુ એનાથી યુપીમાં ગૅન્ગ્સના પ્રભાવમાં ઘટાડો થયો નહીં. ૨૦૧૭માં યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ ૬૦૦થી વધુ ગૅન્ગસ્ટરોની ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ ધરપકડ થઈ ચૂકી છે.

અતીકનો અતીત

ગૅન્ગસ્ટર ઍક્ટ અંતર્ગત ડઝનથી પણ વધુ કેસ જેની સામે નોંધાયેલા છે એવા એક મહારથી બાહુબલી નેતાનું નામ છે અતીક અહમદ. સામે ગૅન્ગસ્ટર ઍક્ટ ઉપરાંત કાયદાની બીજી કેટલીક કલમો હેઠળ કુલ મળીને ૪૪ કેસ થઈ ચૂક્યા છે. અતીક સામે પહેલો કેસ દાખલ થયેલો ત્યારે તેની ઉંમર ફક્ત ૧૭ વર્ષ હતી અને તેના પર આરોપ હતો હત્યાનો. એ કેસ પછી તેના પર જેમ-જેમ કેસની સંખ્યા વધતી ગઈ એમ તેનો દબદબો પણ વધતો ગયો. ફક્ત ૨૮ની ઉંમરે ૧૯૮૯માં અતીક ધારાસભ્ય બન્યો. પછી તો સળંગ ચાર વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો અતીક ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ફૂલપુરની બેઠક જીત્યો (જે એક જમાનામાં જવાહરલાલ નેહરુની બેઠક હતી). સંસદસભ્ય બન્યા પછી અતીકે ખાલી કરેલી અલાહાબાદ વિધાનસભા બેઠક પર અતીકના ભાઈ અશરફને હરાવીને બસપાના રાજુ પાલે એ બેઠક જીતી તો લીધી, પણ પછી ટૂંક સમયમાં તેમની જાહેરમાં હત્યા થઈ. એમએલએ રાજુ પાલના ખૂનકેસના મુખ્ય આરોપી તરીકે અતીક જેલમાં પુરાયો, પરંતુ જેલ અને બહારની દુનિયા વચ્ચે જાણે કોઈ ફરક જ ન હોય એમ તેણે જેલમાં પોતાનો કારોબાર ચાલુ રાખ્યો. મોહિત જાયસ્વાલ નામના એક વેપારીની ફરિયાદ મુજબ અતીકના માણસો તેને ઉઠાવીને દેવરિયા જેલમાં લઈ ગયા અને જેલમાં અતીકની હાજરીમાં, અતીકના આદેશથી તેને માર મારવામાં આવ્યો અને તેની પાસેથી કેટલાક દસ્તાવેજો પર પરાણે સહી કરાવવામાં આવેલી. આ પરાક્રમ બાદ અતીકને દેવરિયા જેલમાંથી પ્રયાગરાજ જેલમાં ધકેલવામાં આવ્યો અને છેવટે અતીક યુપીની જેલમાં બેસીને ધાકધમકીથી પૈસા પડાવવાનો કારોબાર ચાલુ ન રાખી શકે એ માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અતીકને છેક ગુજરાતની જેલમાં ખસેડવામાં આવેલો.

રાજા, તળાવ અને મગર

જેલમાંથી પોતાનું રજવાડું ચલાવનાર અન્ય એક મહારથીનું નામ છે રાજાભૈયા ઉર્ફે રઘુવીર પ્રતાપ સિંહ. ૨૦૦૨માં માયાવતીની સરકારે રાજાભૈયાને જેલમાં નાખેલો અને તેને આતંકવાદી જાહેરી કરીને તેના પર પોટાની કલમ લગાડેલી. પછી ૨૦૦૩માં યુપીમાં મુલાયમ સિંહ યાદવની સરકારે સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં એની ફક્ત પચીસ મિનિટ બાદ રાજાભૈયા સામે પોટાની કલમ પડતી મૂકતો આદેશ જારી થયેલો. જેલમાંથી પોતાનું રજવાડું ચલાવવાનો જેના પર આરોપ હતો એવા આ રાજાભૈયાને ૨૦૧૨માં મુલાયમપુત્ર અખિલેશની સરકારમાં જેલ પ્રધાન બનાવાયેલો. અલબત્ત, પછી આ મંત્રીશ્રી પર કુંડા જિલ્લાના ડીએસપીની હત્યાનો આરોપ મુકાતાં તેમણે જેલમાં જવું પડેલું. સીબીઆઇની ઝડપી તપાસમાં રાજાભૈયા નિર્દોષ સાબિત થતાં ફરી આઠ જ મહિનામાં ફરી તેનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવેલો.

દેખાવમાં એકદમ સૌમ્ય અને સજ્જન લાગતા ચશ્માંધારી રાજાભૈયા વિશે સૌથી વધુ ચર્ચાતી એક વાત એવી છે કે કુંડા વિસ્તારમાં તેમના બંગલાની પાછળ ૬૦૦ એકરમાં ફેલાયેલું મોટું તળાવ છે અને આ તળાવ રાજાભૈયાના દુશ્મનો માટે જાણે ‘કબ્રસ્તાન’ છે. આ તળાવના ખોદકામ વખતે મળી આવેલા એક હાડપિંજર વિશે એવું કહેવાય છે કે એ હાડપિરં સંતોષ મિશ્રા નામના માણસનું હતું, જેનો વાંક એટલો હતો કે તેનું સ્કૂટર રાજાભૈયાની જીપ સાથે અથડાઈ ગયું હતું અને પછી રાજાભૈયાના માણસોની મારઝૂડને લીધે તેનું મૃત્યુ થયું હતું. બાય ધ વે, લોકોનું એવું કહેવું છે કે રાજાભૈયાએ તળાવમાં કેટલાક મગર પાળી રાખ્યા છે. જોકે રાજાભૈયાએ લોકોની આ ધારણાને ખોટી ગણાવી છે.

અજગરપ્રેમી અનંત સિંહ

જેમ રાજાભૈયા વિશે મગર પાળવાની વાતો ચગેલી છે એવી જ રીતે બિહારના એક બાહુબલી નામે અનંત સિંહ વિશે એવું કહેવાય છે તે અજગર પાળવાનો શોખીન છે. આ અનંત સિંહ પર ખૂન, બળાત્કાર, લૂંટફાટ અને અપહરણ જેવા ૩૦થી વધુ કેસ થયેલા છે. એકલા બાઢ નામના પોલીસ-થાણામાં જ તેની સામે ૨૩ સંગીન ગુનાઓની ફરિયાદો નોંધાઈ છે. લોકોમાં તે છોટે સરકાર તરીક ઓળખાય છે. છોટે સરકારે પોતે એક પત્રકાર સમક્ષ, ઑન ધ રેકૉર્ડ એવો દાવો કરેલો કે તેના મોટા ભાઈની એક નક્સલીએ ગોળી મારીને હત્યા કરી ત્યારે ભાઈના ખૂનીનો પીછો કરતાં-કરતાં આ છોટે સરકાર આખી નદી તરીને સામે કાંઠે પહોંચેલો અને પછી તેણે ખૂનીને દબોચીને ખતમ કરેલો.

લાંબા સમય સુધી જેડી(યુ)ના નીતિશકુમારના માનીતા ગણાયેલા અનંતકુમાર સિંહે ૨૦૧૫માં જેડી(યુ) સાથે છેડો ફાડ્યો હતો. હવે તેને એવું લાગે છે જેડી(યુ) તેની સામે ખાર રાખે છે અને સતાવે છે. હાલમાં અપક્ષ એમએલએ એવા અનંતકુમાર સિંહના ઘર પર ગયા વર્ષે પોલીસે છાપો મારેલો ત્યારે ખુદ છોટે સરકાર તો ન મળ્યા, પણ ઘરમાંથી એક એકે-૪૭ રાઇફલ અને બે બૉમ્બ મળી આવ્યાં હતાં.

ડૉક્ટરની ફી? ડૉનને પૂછો

બિહારના અન્ય એક બાહુબલીનું નામ છે શાહબુદ્દીન. તે બહુ ભણેલો છે. પૉલિટિકલ સાયન્સમાં તેણે પીએચડી કર્યું છે. લાલુ યાદવના ટેકે આગળ આવેલા તથા અનેક વાર એમએલએ તરીકે ચૂંટાયેલા શાહબુદ્દીન સામે અનેક ગંભીર અપરાધો નોંધાયેલા છે. ૨૦૦૧માં એક વાર પોલીસ-ટીમ તેમની ધરપકડ કરવા પહોંચી ત્યારે શાહબુદ્દીને પોલીસ અધિકારી સંજીવ કુમારને લાફો મારેલો અને શાહબુદ્દીનના માણસોએ પોલીસની પિટાઈ કરી હોવાનું જગજાહેર છે. એક વાર બિહાર અને યુપીની પોલીસ મળીને શાહબુદ્દીનના ઘરે છાપો મારવા ગઈ ત્યારે થયેલી ધબાધબીમાં બે પોલીસ સહિત ૧૦ જણ માર્યા ગયા હતા. એ વખતે શાહબુદ્દીન તો હાથમાં નહોતો આવ્યો, પણ તેના ઘરમાંથી ત્રણ એકે-૪૭ મળી આવેલી.

૨૦૦૪ની લોકસભાની ચૂંટણી લડેલા શાહબુદ્દીનની એ ચૂંટણીના આઠ મહિના પહેલાં એક ખૂનકેસમાં ધરપકડ થયેલી. પછી જ્યારે ચૂંટણી નજીક આવી ત્યારે મેડિકલ ગ્રાઉન્ડ પર શાહબુદ્દીન હૉસ્પિટલમાં શિફ્ટ થયો અને ત્યાં તેણે હૉસ્પિટલના એક આખા માળને પોતાનું ચૂંટણી-કાર્યાલય બનાવી દીધેલું. છેવટે ચૂંટણી તો યોજાઈ, પણ શાહબુદ્દીનના ઇશારે ૫૦૦થી વધુ બૂથ કૅપ્ચર થયાં હોવાની ફરિયાદ બાદ ચૂંટણી ફરી યોજાઈ, જેમાં જેડી(યુ)એ શાહબુદ્દીનને જોરદાર ટક્કર આપી, પણ છેવટે જીત શાહબુદ્દીનની થઈ અને એ ઘટના પછીના થોડા મહિના દરમ્યાન જેડી(યુ)ના એ વિસ્તારના અનેક કાર્યકરોની હત્યા થઈ હતી.

બિહારના સિવાન જિલ્લાને પોતાની જાગીર સમજતો શાહબુદ્દીન હાલમાં જેલમાં છે, પણ અગાઉ તે સિવાન જિલ્લામાં પોતાની સમાંતર સરકાર ચલાવતો હતો. તેની પોતાની એક અલગ અદાલત પણ હતી, જ્યાં લોકો ઘરેલુ ઝઘડા અને જમીનના વિવાદોથી માંડીને બીજી અનેક નાનીમોટી ફરિયાદો સાથે અરજીઓ કરતા અને શાહુબદ્દીન જજ બનીને ન્યાય તોળતો. સિવાન જિલ્લામાં ડૉક્ટરોએ કેટલી કન્સલ્ટેશન-ફી લેવી એનો નિર્ણય પણ શાહબુદ્દીન લેતો.

જાતિ જો કભી નહીં જાતી

યુપી-બિહારના ગુંડારાજની અને બાહુબલીઓની વાતો કરીએ તો કિસ્સાઓનો કોઈ પાર ન આવે. મુખ્તાર અન્સારી, બ્રિજેશ સિંહ, મુન્ના બજરંગી, અમરમણિ ત્રિપાઠી, રાજન તિવારી જેવા બીજા અનેક ભારાડીઓનાં પરાક્રમો વિશે અને ફિલ્મી કાર્યશૈલી વિશે ઘણી વાતો થઈ શકે. પરંતુ છેલ્લે આખી વાતનું મૂળ ખાસ સમજી લેવા જેવું છે. યુપી-બિહારમાં જોવા મળતી ખુનામરકી પાછળ અંગત અદાવતથી માંડીને આર્થિક માથાકૂટ જેવાં છૂટાંછવાયાં કારણો ઉપરાંત જો કોઈ એક મુખ્ય, કેન્દ્રીય પરિબળ ગણાવવું હોય તો એ છે જ્ઞાતિનાં સમીકરણો.

ફિલ્મ ‘ઇશ્કિયા’માં સ્મૉલ ટાઇમ ટપોરી એવા મામા-ભાણેજ મધ્ય પ્રદેશથી ભાગીને જ્યારે યુપીમાં ગોરખપુર નજીક છુપાય છે ત્યારે થોડા દિવસ બાદ ભાણેજ (અર્શદ વારસી) મામા (નસીરુદ્દીન)ને કહે છે ઃ ‘ખાલુ, મૈં કૈ ર્‍યા હૂં, અપને યહાં (એમપી મેં) તો શિયા-સુન્ની હોતે હૈ, યહાં (યુપી મેં) તો ઠાકુર-યાદવ-પાંડે-જાટ સબને અપની અપની ફૌજ બના રખ્ખી હૈ.’

વાત સાચી છે. અહીં જ્ઞાતિઓની ‘ફોજ’ છે. ઉત્તર ભારતનાં હિન્દીભાષી રાજ્યોમાં તમારે કોઈ કામ કરાવવું હોય કે ન્યાય મેળવવો હોય તો મુખ્ય બે રીત છે ઃ જો રાજ્યમાં તમારી જ્ઞાતિનું રાજ ચાલતું હોય તો રાજકીય વગના જોરે કામ કઢાવો અને જો તમારી જ્ઞાતિ સત્તામાં ન હોય તો કોઈ બાહુબલી પાસે જાઓ. ગુંડાગીરી-રાજકારણ-જ્ઞાતિના તાણાવાણા યુપીમાં પહેલેથી જ કેટલી હદે ગૂંથાયેલા છે એનો અંદાજ મેળવવો હોય તો ૧૯૮૦ના દાયકા પર એક ઊડતી નજર નાખવા જેવી છે. એ દાયકાના આરંભે ઇન્દિરા ગાંધીએ યુવાન ઠાકુર નેતા વી. પી. સિંહને યુપીના મુખ્ય પ્રધાન બનાવ્યા અને ત્યાર બાદ જ્યારે વી. પી. સિંહે ડકૈતોનો સફાયો બોલાવવાની ઝુંબેશ શરૂ કરી ત્યારે ફક્ત એક જ વર્ષમાં ૨૯૯ ડકૈતોનું એન્કાઉન્ટર થયું અને ૧૨૨૮ને જીવતા પકડવામાં આવ્યા. પછી, જાણે આ ઝુંબેશનો બદલો લેવામાં આવી રહ્યો હોય એમ વી. પી. સિંહના ભાઈ જજસાહેબ સીએસપી સિંહ એક સાંજે પોતાના ટીનેજર દીકરા સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ વીપી સિંહે રાજીનામું આપ્યું હતું. આ સમયગાળામાં મુલાયમ સિંહ યાદવનો ઓબીસી નેતા તરીકે ઝડપી ઉદય થયો એના પાયામાં પણ મુખ્ય વાત એ જ હતી કે મુલાયમ સિંહે ઓબીસી ડકૈતોના માનવ અધિકારોનો મુદ્દો છેડ્યો હતો અને વી. પી. સિંહની સરકાર દ્વારા કરવામાં આવેલાં એન્કાન્ટર્સ સામે અવાજ ઉઠાવ્યો હતો. મુલાયમના ઉદય સાથે ઓબીસીનું જોર યુપીના રાજકારણમાં વધ્યું. ત્યાર પછી માયાવતીના ઉદય સાથે પછાત જાતિઓનો દબદબો વધ્યો. અત્યારે યુપીના જે સીએમ છે એ યોગી આદિત્યનાથ ઠાકુર છે. યુપીમાં ઠાકુર અને બ્રાહ્મણ વચ્ચે વર્ચસની લડાઈ બહુ જૂની છે. યુપીમાં છેલ્લે ૧૯૮૮માં બ્રાહ્મણ મુખ્ય પ્રધાન હતા, એન. ડી. તિવારી. ત્યાર પછી છેલ્લાં ૩૨ વર્ષથી યુપીમાં સત્તાનો દોર બ્રાહ્મણોના હાથમાં નથી આવ્યો, પરંતુ આ સમયગાળામાં બ્રાહ્મણ બાહુબલીઓ ઘણા ઊભર્યા, કારણ કે બ્રાહ્મણોએ એવું વિચાર્યું કે જો આપણો માણસ સત્તાસ્થાને ન હોય તો આપણા પોતાના એવા મજબૂત બાહુબલી હોવા જોઈએ જે આપણાં કામ કરાવી શકે, આપણને ન્યાય અપાવી શકે. વિકાસ દુબને યુપીના મોટા ભાગના બ્રાહ્મણો આવશ્યક બાહુબલી તરીકે જોતા હતા. વિકાસ દુબેના એન્કાઉન્ટર પછી પણ યુપી-બિહારમાં જ્ઞાતિકેન્દ્રી બાહુબલીઓનું ગુંડારાજ ખતમ થાય એવી શક્યતા ઓછી છે, કારણ કે આ સમસ્યાનાં મૂળ ઘણાં ઊંડા છે. એક ગૅન્ગસ્ટરના મોતથી આ મૂળિયાં ઊખડી શકે એમ નથી.

columnists