મુંબઈ સ્ટૉક એક્સચેન્જની વાતો પછી હવે હેમંત પાસેથી સાંભળો આનંદગામની વાતો

20 January, 2021 02:46 PM IST  |  Mumbai | Rashmin Shah

મુંબઈ સ્ટૉક એક્સચેન્જની વાતો પછી હવે હેમંત પાસેથી સાંભળો આનંદગામની વાતો

‘સ્કૅમ ૧૯૯૨ – ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં હર્ષદ મહેતાને એકધારો સપોર્ટ આપીને સૌકોઈનાં દિલ જીતી લેનારા તેના ભાઈ અશ્વિન મહેતાનો રોલ કરનારા હેમંત ખેરની ઇચ્છા છે કે તે સુરતના કોસંબા-કુંવારદા વચ્ચે આનંદગામ ડેવલપ કરે અને એ ગામમાં લોકો આવીને રહે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત એ છે કે ‘સ્કૅમ ૧૯૯૨ – ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં મુંબઈ સ્ટૉક એક્સચેન્જની સામે પોતાનું સામ્રાજ્ય ઊભું કરવામાં મહત્ત્વનો રોલ ભજવનારા અશ્વિન મહેતાએ રિયલ લાઇફમાં આનંદગામ બનાવવાની તૈયારી પણ પોતાની બાર એકર જમીન પર ચાલુ કરી દીધી છે.

રશ્મિન શાહ

ઍક્ટર, ડિરેક્ટર, રાઇટર. ઍક્ટિંગ કોચ, ક્રીએટિવ ડિરેક્ટર.

ક્રીએટિવ ફીલ્ડમાં આટલી જવાબદારીઓ ઉપાડનારા હેમંત ખેર અત્યારે સુરત પાસે આવેલા કોસંબા-કુંવારદા નજીકના આનંદગામે છે. આ આનંદગામ ખરા અર્થમાં ગુજરાત સરકારના નકશા પર કોઈ વજૂદ નથી ધરાવતું પણ એ હેમંતના સપનાનું ગામ છે. ‘સ્કૅમ ૧૯૯૨ – ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાનું કૅરૅક્ટર કરીને લોકોનાં દિલ જીતી લેનારા હેમંત ખેર કહે છે, ‘મારી લાઇફનું એકમાત્ર સપનું આ ગામ છે. મારે ડેવલપ કરવું છે આ ગામ. નામકરણ તો મેં અત્યારે જ કરી નાખ્યું છે, આનંદગામ. આ એક એવું ગામ હશે જ્યાં તમારે કુદરતના સાંનિધ્યમાં રહેવાનું અને નેચરની સાથે જીવવાનું. મડ હાઉસ હોય. તમે તમારી મનગમતી પ્રવૃત્તિ કરો. પેઇન્ટિંગ કરો, મ્યુઝિકનો શોખ હોય તો એ કરો પણ મનગમતી પ્રવૃત્તિ કરો. શાકભાજી પણ અહીં જ ઉગાડ્યાં હોય. તમને જે ખાવાનું મન થાય એ તમારે જાતે જ તોડવાનું અને એક કિચન હોય એ કિચનમાં આપો એટલે તમને રસોઈ કરી આપે. તમારે જમવાનું. રાતે ખુલ્લા આકાશ નીચે તારાઓ જોતાં-જોતાં સૂવાનું. સવારે નાનું તળાવ હોય એમાં નાહવાનું ને ગરમ પાણી જોઈતું હોય તો પાણી ભરીને તડકા નીચે મૂકી દેવાનું. એ પણ કુદરતી રીતે જ ગરમ થાય. બધું કુદરતના સાંનિધ્યમાં. અને ત્યાં સુધી કે કુદરતને જ બધું પાછું મળે એટલે કે જમવામાં થાળી નહીં પણ મોટાં પાન હોય. જમી લીધા પછી એ પાન જમીનમાં જ દાટી દેવાનાં એટલે જમીનને પણ મળતું રહે.’

આનંદગામની આ જે યોજના છે એ આગળ સાંભળો તો તમારા શરીરનું એકેક રૂવાંડું ઊભું થઈ જાય. આનંદની સાચી પળો જીવવા મળે અને જીવનની એકેક ક્ષણમાં આનંદનું પૂરણ ઉમેરાય એવા હેતુથી એનો વિચાર કરવામાં આવ્યો છે. આ વિચાર એ જ કરી શકે જે જમીન સાથે જોડાયેલું હોય અને હેમંત ભૂમિપુત્ર છે. જવલ્લે જ કોઈને ખબર હશે, પણ આ હકીકત છે. હેમંત ખેર ખેડૂત છે અને તેણે પોતાની જ બાર એકર જમીનમાં ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય એવું આ આનંદવન ઊભું કરવાનું શરૂ કર્યું છે. હેમંત અત્યારે પણ પોતાના ખેતરે જ છે. ખેતીની એકેક કામગીરી તેને આવડે અને તે સિદ્ધહસ્ત ખેડૂતની જેમ કરી પણ શકે. બળદગાડું પણ ચલાવી શકે અને ખેતર ખેડી પણ શકે. ટ્રૅક્ટર ચલાવવાનું હોય તો એમાં પણ હેમંતની હથરોટી. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડો ખુલાસો કરવાનો કે ટ્રૅક્ટર ચલાવવું એ કોઈ ટ્રક ચલાવવા કરતાં સહેજ પણ ઓછું ઊતરતું કામ નથી પણ એ કામમાં પણ હેમંતે મહારત હાંસિલ કરી છે. તે પીયત પણ કરી શકે અને રોપણીથી લઈને લણણી સુધીનાં તમામ કામ કરી શકે. કરી શકે જ નહીં, કર્યાં પણ છે. હેમંત કહે છે, ‘સમજણો થયો ત્યારથી આ કરતો આવ્યો છું. કહો કે મારા લોહીમાં છે. દાદાના સમયથી અમે ખેતી સાથે જોડાયેલા છીએ. અત્યારે ઘઉં અને તુવેરનો પાક અમે લીધો છે. આ ઉપરાંત ખેતરની બૉર્ડર પર ચારેક હજાર વૃક્ષો પણ વાવ્યાં છે.’

હેમંતના ખેતરમાં વાવેલાં વૃક્ષોમાં બામ્બુથી લઈને મહોગની, જમરુખ, ચીકુ, શેતુર, આંબળા, કેરી, સાગ, નાળિયેરી, ચંદન, ગુલમહોરનાં ઝાડ છે. ખેતરની ફરતે ઝાડનું આખું અડાબીડ જંગલ ઊભું કરવાનો વિચાર પણ હેમંતનો જ હતો. હેમંત કહે છે, ‘ઝાડને કારણે આખો દિવસ પક્ષીઓનું મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રા ચાલતું જ રહે. તમને એમ થાય કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ બનાવી છે!’

હેમંત ખેર પોતાની ખેતીમાં એક પણ પ્રકારના પેસ્ટિસાઇડ કે કેમિકલયુક્ત ફર્ટિલાઇઝર વાપરતા નથી. સંપૂર્ણ ઑર્ગેનિક ખેતી કરતા હેમંત ખેર કહે છે, ‘ખેતી ટાઇમપાસ કે પછી સાઇડ ટાઇમ પ્રોફેશન નથી. જો તમે ખેતી કરતા હો તો બીજું કશું કરી શકો નહીં, તમારે તમારી પ્રાયોરિટીમાં ખેતીને જ પહેલા નંબરે રાખવી પડે. મુંબઈ જવાનું વધી ગયું એટલે ખેતી પર ધ્યાન આપવાનું ઓછું થયું, પણ જીવ તો ફાર્મરનો જ એટલે જેવો ટાઇમ મળે કે તરત જ ફાર્મ પર પહોંચી જાઉં. નક્કી પણ રાખ્યું છે કે ક્રીએટિવ કામમાંથી રીટાયરમેન્ટ લીધા પછી ફુલટાઇમ ખેતી જ કરીશ. ખેતી મારું બીજા નંબરનું પૅશન છે, જેને મેં અત્યારે અંદર દબાવીને રાખ્યું છે.’

આનંદવનનો વિચાર પણ હેમંતને ખેતીના તેના પૅશનમાંથી જ આવ્યો છે. હેમંત કહે છે, ‘બહુ અઘરું છે એક આખું એવું ગામ વિકસાવવું, પણ જે સમયે પૂરતો સમય અને પૈસો હશે એ સમયે હું ડેફિનેટલી મેં કહ્યું એ પ્રકારનું આનંદવન વિકસાવીશ. લોકો ત્યાં રહેવા આવે અને નેચરની નજીક જાય એવી મારી ઇચ્છા છે.’

શેરુ અને હું

હેમંત ખેરના લોહીમાં જ ખેતી છે એવું નથી, તેના લોહીમાં ઘોડેસવારી પણ ઠાંસી-ઠાંસીને ભરી છે. તેણે બે ઘોડા પણ રાખ્યા, જેને ટ્રેઇનિંગ પણ જાતે જ આપી. આ બન્ને ઘોડા એટલે શેરુ અને તિલક. મુંબઈ રહેવાનું બનતાં તેણે શેરુ અને તિલક તેના રિલેટિવ્સને સાચવવા આપી દીધા પણ આજે પણ તે જ્યારે ગામ જાય ત્યારે તે શેરુ-તિલકને મળવા અચૂક જાય છે. શેરુ સાથેના તો અઢળક કિસ્સાઓ તેને આજે પણ યાદ આવે છે. હેમંત કહે છે, ‘શેરુ તોફાની હતો. એણે મને ત્રણથી ચાર વાર પછાડ્યો છે. બેસવા જ ન દે અને જબરદસ્તીથી બેસું તો મસ્ત આઇડિયા સાથે નીચે પછાડે. આવું વાંરવાર બનવા માંડ્યું એટલે મેં ટ્રિક કરીને એને ફ્રેન્ડ બનાવ્યો.’

ઘોડાના સ્વભાવની એક ખાસિયત હોય છે. જે ફીલ તમારા મનમાં હોય એ જ ફીલ એની અંદર પણ હોય. જો તમે એનાથી ડરતા નથી એવું દેખાડો પણ અંદરખાને એનાથી ડરતા હો તો ઘોડાને પણ એવું જ હોય. આ ખાસિયત માત્ર અને માત્ર ઘોડામાં જ હોય છે. હેમંત કહે છે, ‘જેવી મને ખબર પડી કે હું ડરું છું એટલે એ પણ મારાથી ડરે છે પણ પછી અમે બન્ને જબરદસ્તીથી એકબીજા સામે મક્કમ બનીને ઊભા રહીએ છીએ એટલે મેં રસ્તો કાઢ્યો અને મારી અંદરનો ડર કાઢવાનો ચાલુ કર્યો. મારો અને શેરુનો ડર કાઢવામાં અમને હેલ્પ કરી ગોળે.’

ઘોડાને ગોળ અત્યંત ભાવે. હેમંત સવાર-બપોર-સાંજે શેરુને ગોળ ખવડાવે. ગોળે બન્નેની બીક કાઢી અને સાથોસાથ બન્નેને નજીક લાવવાનું પણ કામ કર્યું. હેમંત એ દિવસો યાદ કરતાં કહે છે, ‘પછી તો એવો સમય આવ્યો કે હું તિલક પર સવારી કરું એટલે શેરુ અકળાય અને મને નીચે ઉતારાવી પોતાના પર બેસાડે. આટલો નિર્દોષ પ્રેમ તમને બીજું કોઈ ન કરી શકે, ક્યારેય ન કરી શકે.’

columnists Rashmin Shah