ટૅલન્ટ અને કૉન્ટ્રૅક્ટ

05 July, 2020 04:05 PM IST  |  Mumbai | Manoj Joshi

ટૅલન્ટ અને કૉન્ટ્રૅક્ટ

પ્રતીકાત્મક તસવીર

એક્ઝૅક્ટલી, આ જ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને આ પરિસ્થિત‌િ સાથે એ મુદ્દો પણ બહાર આવ્યો છે કે શું ઍક્ટર કે ડિરેક્ટરને કૉન્ટ્રૅક્ટથી બાંધવા જોઈએ ખરા? એક પ્રોજેક્ટ માટે તમે તમારી સેફ્ટી વિચારો એ સમજી શકાય અને એને માટે કૉન્ટ્રૅક્ટ બને એ પણ સમજી શકાય, પરંતુ ત્રણ અને ચાર પ્રોજેક્ટ માટે કે પછી ૮ અને ૧૦ વર્ષ માટે તમે કૉન્ટ્રૅક્ટથી ટૅલન્ટને બાંધી દો એ ચાલે ખરું? એક વાત યાદ રાખજો કે કળા દરિયો છે અને કલાકાર ઘુઘવાતો દરિયો. ઘુઘવાતા દરિયાને બાંધવાનો પ્રયાસ કરનારાઓ ભૂલી જતા હોય છે કે આ દરિયો ઇચ્છે ત્યાં સુધી બંધાયેલો રહેશે, પણ જે સમયે લગામ તોડશે એ સમયે તબાહી મચી જશે અને એ તબાહી સહન નહીં થાય એવી હશે.

કૉન્ટ્રૅક્ટ-પ્રથા નાબૂદ થાય એ જરૂરી છે. એક ફિલ્મ માટે તમે કોઈ શરત રાખો કે પછી એક ફિલ્મ માટે તમે કોઈને નિયમોમાં બાંધો તો હજી પણ સમજી શકાય, વાજબીપણું અકબંધ લાગે; પણ લાંબા સમય માટે તમે કોઈને બાંધી દો, તેની પાસે શરત મૂકો કે તેણે જેકાંઈ પ્રોફેશનલ કામ કરવું હોય એ પૂછીને કરવાનું એ ગેરવાજબી છે. આ ગેરવાજબીપણાને લીધે આજે એવી પરિસ્થિતિ થઈ છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસે પૂરતી ટૅલન્ટ હોવા છતાં એણે હેરાનગત‌િ ભોગવવી પડે. રીજનલ ફિલ્મોમાં આ પ્રકારની રાડ સાંભળવા નથી મળતી, પણ જો કૉન્ટ્રૅક્ટ-સિસ્ટમ ત્યાં પણ હોય તો એ ગેરવાજબી છે. આવી ‌કોઈ સિસ્ટમ ન હોય.

કૉન્ટ્રૅક્ટ નોકરિયાતના હોય, ટૅલન્ટના નહીં. કૉન્ટ્રૅક્ટ એક ચોક્કસ કામના હોય, કરીઅરના નહીં. માન્યું કે તમે સિક્યૉર થઈને આગળ વધવા માગો છો, પણ ક્યારેય ભૂલવું નહીં, સિક્યૉરિટીનો અર્થ એવો નથી કે તમે બીજાના જીવનમાં અસલામતી ભરી દો. ના, જરાય એવો અર્થ નથી નીકળતો અને એટલે જ કૉન્ટ્રૉક્ટની વાત ગેરવાજબી લાગે છે. કૉન્ટ્રૅક્ટને કારણે આજે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક પ્રકારની અવઢવ ઊભી થાય છે. આઇટી-સેક્ટરની વાત કરીએ તો આઇટી-સેક્ટરમાં અમુક કંપનીઓ વિશે તો એવું સાંભળ્યું છે કે એ નોકરી પર આવનારા યંગસ્ટર્સ જો બે વર્ષ પહેલાં જૉબ છોડે તો બે વર્ષની આખી સૅલેરી પાછી લેવડાવે છે. આવું હશે તો જ બોલાતું હશે એવું હું ધારી લઉં છું અને જો એવું હોય એ બહુ ગેરવાજબી છે. ભારત હવે યુવાનોનો દેશ છે. જો યુવાનોને આ રીતે બંધનમાં લેવાનો પ્રયાસ થયા કરશે તો કાં તો યુવાનો તોફાની માર્ગ અપનાવશે અને કાં તો એ ખોટી દિશામાં આગળ વધી જશે. યાદ રાખજો કે બહુ મુશ્કેલથી ટૅલન્ટ મળતી હોય છે. ટૅલન્ટને સાચી રીતે, યોગ્ય રીતે જાળવવી એ સૌકોઈની ફરજ છે અને આ ફરજમાં અત્યારે આપણે બધા ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ રહ્યા છીએ. બહેતર છે કે આજે, હવે જાગ્યા છીએ ત્યારે આપણે થયેલી ભૂલનું પુનરાવર્તન રોકીએ અને થયેલી ભૂલને સુધારવાનું કામ પણ કરીએ. જો ભૂલ સુધારવામાં નહીં આવે તો ફરીથી ભૂતકાળનું પુનરાવર્તન થશે અને જો ભૂતકાળનું પુનરાવર્તન થયું તો રડવાનો વારો આવશે. હવે નથી રડવું, છાતીમાં અટવાયેલો ડૂમો હજી પણ અકબંધ છે. ઘુઘવાતા દરિયા જેવું યુવાધન જાતે જ પોતાનો જીવ આપે એવું નથી થવા દેવું અને એવું ન થાય એ જોવાની જવાબદારી આપણા સૌની, એકેક ભારતીયની છે. બસ, સજાગ થઈને જવાબદારી નિભાવીએ.

columnists manoj joshi