મેથીના મજેદાર ગુણ

25 December, 2020 02:17 PM IST  |  Mumbai | Bhakti D Desai

મેથીના મજેદાર ગુણ

શિયાળામાં થતા સાંધા અને કમરના દુખાવા માટે સૂકી મેથીના ચપટીક દાણા ચમત્કારિક અસર કરી શકે છે. આ જ સીઝનમાં મેથીના લાડવા પણ સારીએવી માત્રામાં ખવાય છે. મેથીનો સમજીવિચારીને ઉપયોગ કરો તો ઠંડીની સીઝનમાં વકરતા વાયુને કારણે થતી અનેક સમસ્યાઓનો હલ બની શકે છે. આજે નિષ્ણાત પાસેથી જાણીએ મેથી કેવા રોગોમાં કામની છે અને એનું સેવન કઈ-કઈ રીતે થઈ શકે છે...

ભારતનાં દરેક ઘરમાં પ્રાકૃતિક ઔષધિઓનો ભંડાર રહેલો છે. આ વિધાનથી આશ્ચર્યચકિત થતાં પહેલાં એક નજર દરેકે પોતાના રસોડામાં રહેલા મસાલાઓ પર નાખવી જોઈએ. જવાબ આપમેળે જ મળી જશે. હા, આપણે ત્યાં વપરાતા તેજાના અને ખાસ કરીને વઘારમાં જે બે-ત્રણ મસાલાનો ઉપયોગ થાય છે એ માત્ર સ્વાદની પૂર્તિ નથી કરતા, પણ આપણા શરીરમાં એની નિયમિત જરૂર પડતી હોય છે. તેથી જ આપણી પારંપરિક રસોઈમાં આ બધાનો સમાવેશ રોજબરોજ થયો છે. શિયાળામાં જેના સેવનની બોલબોલા છે એવા મેથીના દાણાની આજે વાત કરીએ. દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં વપરાતી મેથી માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે. આવો જાણીએ મેથીમાં રહેલા ગુણો, એના વિવિધ ઉપયોગ અને શિયાળાના દૃષ્ટિકોણથી એનું મહત્ત્વ.

મેથી કેમ છે ગુણકારી?

કાંદિવલીમાં રહેતાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવનાર આયુર્વેદિક વૈદ્ય અને આહાર નિષ્ણાત ડૉ. સ્વાતિ જાવળીકર સૌથમ આયુર્વેદ અને ઍલોપથીના દૃષ્ટિકોણથી મેથીના દાણાના ગુણો વર્ણવતાં કહે છે, ‘મેથીનું વધારે સેવન શિયાળામાં થાય છે, પણ આખા વર્ષ દરમ્યાન મસાલામાં વપરાતા મેથીના અમુક દાણા પણ આપણા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ આપે છે. મેથીના દાણામાં કોડલીવર ઑઇલ જેટલા ગુણો છે. મેથી પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. આમાં વિશેષ કરીને વિટામિન B1, B2, B3, B6, B9 આમ વિટામિન બીની આખી શૃંખલા જ રહેલી છે એમ પણ કહી શકાય. આ સિવાય વિટામિન સી પણ આમાંથી મળી રહે છે. આમાં આયર્ન, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે. મેથી કૉલેસ્ટરોલ અને ચરબી ઓછી કરવા માટે પણ ઉત્તમ છે. મેથીના દાણામાં થોડા પ્રમાણમાં તેલ રહેલું છે અને આયુર્વેદ મુજબ જે પદાર્થમાં તેલ હોય એ વાયુનું શમન કરે છે. મેથીમાં રહેલી સ્નિગ્ધતાને કારણે એ પેટમાં શુષ્કતા નિર્માણ નથી કરતી. મેથી એક એવો પદાર્થ છે જેનો રસ તીખો (આયુર્વેદમાં કડવાટનું તીખા રસ તરીકે વર્ગીકરણ થાય છે) છે અને એ પાચન પછી શરીરમાં ઉષ્ણતા અર્પે છે. ઉષ્ણતાને કારણે એ શરીરમાંથી વાતને ઓછો કરે છે. મેથી શરીરમાં પચ્યા પછી વાયુ શમન કરે છે, કફ પણ ઓછો કરે છે પણ સાથે જ એક વાતનું ધ્યાન રહે કે મેથી ઉષ્ણ છે તેથી પિત્તને વધારે છે. અલબત્ત, પિત્ત એટલું પણ નથી વધતું કે એની આડઅસર થાય. છતાંય પિત્ત પ્રકૃતિ ધરાવનારે મેથીનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું.’

મેથીના સેવનની યોગ્ય રીત

શિયાળામાં મેથીનું સેવન કેમ અને કેવી રીતે કરવું જોઈએ એ વિશે ડૉ. સ્વાતિ કહે છે, ‘શિયાળામાં બહારની હવા ઠંડી હોય છે અને આપણા શરીરમાં ગરમાટાની જરૂર હોય છે. મેથીનું સેવન  ઉષ્ણતા નિર્માણ કરે છે. સાથે જ બીજું એક મુખ્ય કારણ એ છે કે ઠંડીની ઋતુમાં શરીરમાં વાયુ થાય છે અને આ વાયુને કારણે શરીરમાં અમુક દુખાવા પણ અનુભવાય છે. આવા સમયે મેથીના સેવનથી વાયુનો નાશ થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. શિયાળામાં મેથીનું ચૂર્ણ લઈ શકાય છે અથવા મેથી અને ગુંદરના લાડવાનું સેવન કરી શકાય છે. મેથીનું શાક પણ ખાઈ શકાય છે.’

આખું વર્ષ મેથીના લાડવા ન ખવાય

મેથીનું સેવન આખું વર્ષ હિતાવહ નથી એવી ચેતવણી આપીને ડૉ. સ્વાતિ એનાં કારણો સમજાવતાં કહે છે, ‘આખા વર્ષ દરમ્યાન મેથીપાક અને મેથીના લાડવા બજારમાં મળે છે, પણ એનું સેવન શિયાળાની ઋતુ સિવાય અન્ય ઋતુઓમાં કરવું હિતાવહ નથી. આનું કારણ એ છે કે આપણે રોજ મસાલામાં અને વઘારમાં મેથીનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી આપણા શરીરમાં જેટલી એની જરૂર છે એ પૂરી પડે છે, પણ મેથીનું વધારે સેવન ગરમીમાં વધુ ઉષ્ણતા નિર્માણ કરી શકે છે અને આને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. એક ઉદાહરણ આપું તો રાઈ પણ લાભદાયી છે તો શું આપણે એનું શાક બનાવીને ખાઈએ છીએ? આહારમાં ઔષધીના સ્વરૂપે જે પદાર્થ લેવાય એ માટે ડૉક્ટર પાસે નાડી અને પ્રકૃતિની તપાસ કરાવીને સલાહ લેવી જરૂરી છે.’

ડિલિવરી પછી મેથીનું સેવન લાભદાયી   

કોઈ પણ ઋતુમાં મેથી સ્ત્રીની ડિલિવરી પછી મોટા પ્રમાણમાં અપાય છે. આનું કારણ સમજાવતાં ડૉ. સ્વાતિ કહે છે, ‘મેથીનો ઉપયોગ વધારે પ્રમાણમાં સ્ત્રીઓ માટે પ્રચલિત છે. મહારાષ્ટ્રમાં બાળકના જન્મ પછી સ્ત્રીને મેથીના દાણાનું શાક (મેથીચી ઉસળ) અથવા મેથીનો શીરો અથવા મેથીના લાડવા પણ ખવડાવવામાં આવે છે. આનાથી બાળકના જન્મ પછી સ્ત્રીને પેટમાં અને શરીરના સ્નાયુઓમાં જે પીડા થાય છે એમાં તેને ઘણી રાહત મળે છે. આ સિવાય બાળક જન્મ્યા પછી માતાના શરીરમાં વાયુનું પ્રમાણ પણ વધે છે અને મેથીનું સેવન આને માટે અકસીર ઇલાજ છે. ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં કૅલ્શિયમ અને અમુક વિટામિન્સની કમી સર્જાય છે, જે મેથીના સેવનથી પૂરી પડે છે. આનાથી બાળકને પણ માતા થકી પોષણ મળી રહે છે.’

છેલ્લે ડૉ. સ્વાતિ કહે છે, ‘મેથી દાણાનો ઉપયોગ સમસ્ત ભારતમાં વિવિધ રીતે મોટા પ્રમાણમાં થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં દાળમાં અને કઢીમાં મેથી વપરાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં ઇડલી અને ઢોસા સાથે નિયમિત રીતે સંભાર બનાવાય છે અને આના મસાલામાં મેથીની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. અહીં મેથીનો ઉપયોગ સ્વાદ અને સુગંધ બન્ને માટે કરવામાં આવે છે. પરંપરાગત રીતે આને થોડી શેકીને વાપરવામાં આવે છે. એનું કારણ એ છે કે મેથીના દાણા શેકાઈ ગયા પછી એમાં રહેલી કડવાટ ઓછી થઈ જાય છે. પ્રમાણમાં અને ઋતુ પ્રમાણે સેવન થાય તો મેથી ગુણકારી છે.’

મેથીના દાણામાં થોડા પ્રમાણમાં તેલ રહેલું છે અને જે પદાર્થમાં તેલ હોય એ વાયુનું શમન કરે છે. મેથીમાં રહેલી સ્નિગ્ધતાને કારણે એ પેટમાં શુષ્કતા નિર્માણ નથી કરતી. મેથી પાચન પછી શરીરમાં ઉષ્ણતા અર્પે છે. ઉષ્ણતાને કારણે એ શરીરમાં વાતનાશક અસર કરે છે. મેથી શરીરમાં પચ્યા પછી વાયુ શમન કરે છે, કફ પણ ઓછો કરે છે; પણ સાથે જ એક વાતનું ધ્યાન રહે કે મેથી ઉષ્ણ છે તેથી પિત્તને વધારે છે એટલે ગરમી પડવાનું શરૂ થાય એટલે એનો ઉપયોગ સીમિત કરી દેવો જરૂરી છે

- ડૉ. સ્વાતિ જાવળીકર

મેથીચી ઉસળ (મેથીનું રસાવાળું શાક)

સામગ્રી

☞ પાંચ ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળવા

☞ આમાં ફણગાવેલા મેથીના દાણા પણ વાપરી શકાય

☞ વઘાર માટે થોડું તેલ અને હિંગ

☞ ચાર-પાંચ લસણની પેસ્ટ

☞ ચપટી હળદર

☞ પા ચમચી લાલ મરચું

☞ થોડો ગોળ

☞ સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

તેલમાં હિંગ નાખી લસણની પેસ્ટ નાખવી. પછી મેથીના પલાળેલા દાણા નાખી પાણી નાખવું અને ઢાંકીને ધીમી આંચે ચડવા દેવી. મેથી ચડી જાય એટલે દાણા નરમ થઈ જશે. પછી એમાં હળદર, મરચું, ગોળ અને મીઠું નાખી મસાલો ભળે એટલે ગરમાગરમ પીરસવી. રોટલા સાથે આ ઉસળ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ભાતમાં પણ આને લઈ શકાય છે.

મેથીના હાથવગા ઘરગથ્થુ ઉપાયો

મેથીના દાણાને વાટીને (શેકીને અથવા કડવાટ સહન થાય તો શેક્યા વગર) ચૂર્ણ બનાવી નાની  પા ચમચી ચૂર્ણનું ખાલી પેટે ગરમ પાણી સાથે સેવન કરી શકાય.

પિત્ત પ્રકૃતિવાળા અને અપચાની સમસ્યાવાળા લોકોએ મેથીના ચૂર્ણને થોડા ઘીમાં ભેળવી એને ચાટી લેવું અને પછી ગરમ પાણી પીવું. ઘી સાથે લેવાથી પિત્ત નહીં વધે. (પ્રમાણ પા નાની ચમચી)

મેથી અને ગુંદરના લાડવાનું સેવન માત્ર શિયાળામાં જ કરી શકાય.

શિયાળામાં અઠવાડિયામાં બે વાર મેથીનું શાક સવારે નાસ્તામાં લઈ શકાય. આ સ્વાદમાં સરસ લાગે છે, પણ એની માત્રા વ્યક્તિદીઠ ફક્ત ચારથી પાંચ ચમચી જેટલી જ હોવી જોઈએ. વધારે ખાવાથી પિત્ત વધી શકે.

મેથી, હળદર અને જીરાનું મિશ્રણ લેવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે.

લૂઝ મોશન્સની સમસ્યામાં મસૂર દાળ સાથે મેથીના દાણા લેવાથી રાહત મળે છે.

ડાયાબિટીઝના દરદી ૭-૮ મેથી દાણા (શેકીને) અને એનાથી વધારે પ્રમાણમાં અસેરિયાના દાણાનું મિશ્રણ ખાઈ શકે છે. આનાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું થાય છે. (ડૉક્ટરની સલાહ જરૂરી) 

શરીરમાં કોઈ દુખાવો હોય, સોજો હોય અથવા મૂઢ માર વાગ્યો હોય તો મેથીના દાણાને મિક્સરમાં વાટીને થોડું ગરમ પાણી અથવા તેલ ભેળવી લેપ બનાવવો અને વાગ્યું હોય ત્યાં લગાડવો. સુકાઈ જાય પછી આશરે ૨૦થી ૩૦ મિનિટમાં એ કાઢી નાખવો. દુખાવામાં અને સોજામાં રાહત અનુભવાશે. 

જેમના વાળ ખરતા હોય અથવા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોવાથી વાળ નરમ પડી ગયા હોય, વાળમાં સ્પ્લિટ એન્ડ્સ હોય તેમણે ૨૫ ગ્રામ મેથી દાણાનો પાઉડર સો ગ્રામ નારિયેળના તેલમાં પલાળી રાખવો. ત્રણ રાત પછી તેલ ઉકાળી લેવું. ઠંડું થાય પછી બાટલીમાં ભરીને આ તેલ લગાડવાથી વાળ મજબૂત થતા જણાશે.

columnists bhakti desai