આયુષ મંત્રાલય આયુષમાન ભવઃ

25 June, 2020 10:26 PM IST  |  Mumbai | Ruchita Shah

આયુષ મંત્રાલય આયુષમાન ભવઃ

આપણી પ્રાચીન ઉપચાર-પદ્ધતિની ધરોહરને જાળવવાની જવાબદારી સુપેરે નિભાવી રહેલું આયુષ મંત્રાલય કોવિડ-19ના કાળમાં જે રીતે કામ કરી રહ્યું છે એને જોતાં આવા આશીર્વાદ તમારા મનમાંથી પણ નીકળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેના અભ્યુદયનો આરંભ કર્યો એ આયુષ મિનિસ્ટ્રીએ છેલ્લા ત્રણ મહિનામાં ઇમ્યુનિટી બૂસ્ટરની ગાઇડલાઇન આપવાથી લઈને વિવિધ પરંપરાગત સિસ્ટમની કોવિડ-કેસમાં થતી પુરાવાયુક્ત અસર પર રિસર્ચ-બેઝ્‍ડ કામ કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશ્વવ્યાપક બનાવવામાં પાયાના પથ્થરનું કામ કરનારા આ મંત્રાલયની જર્ની ખાસ્સી રોચક રહી છે. નાનકડા વિભાગમાંથી સ્વતંત્ર મંત્રાલયમાં પરિવર્તિત થયેલી આયુષ મિનિસ્ટ્રીની કાર્યપ્રણાલીને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વધુ નજીકથી જાણવાની કોશિશ કરીએ...

૨૦૧૪ની ૯ નવેમ્બરે આયુષ મિનિસ્ટ્રીનું ગઠન થયું. એ પહેલાં સુધી એ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન ઍન્ડ હોમિયોપથી તરીકે હેલ્થ મિનિસ્ટ્રીનો એક હિસ્સો હતો જેની રચના ૧૯૯૫માં કૉન્ગ્રેસની સરકાર દ્વારા થઈ હતી. જોકે ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકાર અંતર્ગત નવેસરથી એનું નામકરણ થયું, જેમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી એ ૬ ઉપચાર પદ્ધતિના પહેલા અક્ષરને લઈને આયુષ નામ રાખવામાં આવેલું, જેનો ઉદ્દેશ હતો ભારતીય પરંપરાગત ઉપચાર-પદ્ધતિની અકસીરતા પર રિસર્ચ કરવું અને શૈક્ષણિક દૃષ્ટિએ એને વધુમાં વધુ વિકસિત કરવી. જોકે ૨૦૧૪માં મે મહિનામાં મોદી સરકાર આવી અને નવેમ્બરમાં આયુષને તેમણે વિભાગમાંથી મંત્રાલયમાં કન્વર્ટ કરી નાખી, જેથી એ વધુ બહેતર રીતે અને વધુ ફોકસ્ડ થઈને કામ ક‍રી શકે. પહેલાં ૬ સિસ્ટમથી શરૂ થયેલી આ મિનિસ્ટ્રીમાં બીજા બે મોટા બદલાવ પણ છેલ્લા થોડા સમયમાં આવ્યા. એક, એમાં વધુ એક સિસ્ટમ ઉમેરાઈ. સોવા રિગ્પા નામની હિમાલયન હિલિંગ થેરપીને પણ આયુષમાં ઉમેરવામાં આવી અને બીજો બદલાવ એટલે આયુષ એ વિવિધ ઉપચાર-પદ્ધતિના ઍક્રોનિમ અેટલે કે બીજા શબ્દોના આદ્યાક્ષર પરથી બનેલો શબ્દ ન રહેતાં એને અેક સ્વતંત્ર શબ્દનો દરજ્જો મળી ગયો છે. હવે આયુષ શબ્દનો નવો અર્થ છે ટ્રેડિશનલ ઍન્ડ નૉન-કન્વેન્શનલ સિસ્ટમ ઑફ હેલ્થકૅર ઍન્ડ હિલિંગ, જેમાં આપણે આગળ ડિસ્કસ કરેલી સાતેય સિસ્ટમ આવી જાય. મૂળભૂત રીતે આયુષ મિનિસ્ટ્રીની કાર્યપ્રણાલીનું લક્ષ્ય છે ભારતીય પરંપરાગત ઉપચાર-પદ્ધતિઓને શૈ‌ક્ષણિક દરજ્જો સુધારવો. વધુ ને વધુ આ પદ્ધતિઓને રિસર્ચ-બેઝ્‍ડ કરવી અને એની અકસીરતા પુરાવા સાથે રજૂ કરવી. આ પદ્ધતિઓમાં જે કુદરતી પદાર્થોનો ઉપયોગ થાય છે, કોઈ ઔષધિય પ્લાન્ટનો ઉપયોગ થાય છે એ દરેક વનસ્પતિને વધુમાં વધુ ઉગાડાય, એનો પ્રચાર-પ્રસાર કરવો. હોમિયોપથી અને આયુર્વેદિક દવાઓના ફાર્માસ્યુટિક સ્ટાન્ડર્ડને સતત બહેતર બનાવતા જવા. મજાની વાત એ છે કે છેલ્લા થોડા મહિનામાં આયુષ મિનિસ્ટ્રીના વિવિધ પ્રોજેક્ટ પરના કામ બમણી ગતિએ આગળ વધ્યા છે. કોવિડકાળમાં આયુષે લોકજાગૃતિનું અનોખું કાર્ય બખૂબી પાર પાડ્યું છે ત્યારે આયુષ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક અગ્રણીઓ સાથે આ સંદર્ભે વાત કરીએ...

નક્કર કામ

આયુષ મિનિસ્ટ્રીનું નામ તમે તમારા જીવનકાળમાં નહીં સાંભળ્યું હોય અેટલું છેલ્લા ત્રણ મહિનામાં સાંભળ્યું હશે. શરૂઆતમાં થોડા વિવાદ થયા પણ પછી મિનિસ્ટ્રી વિવાદમાં સપડાઈ પછી જાતજાતના કાઢા અને આયુર્વેદિક દવાઓની અલર્ટ મિનિસ્ટ્રી દ્વારા સતત જાહેર કરાતી રહી છે અને અેમાં પણ માત્ર શિખામણો દ્વારા શબ્દોના સાથિયા પૂરવાને બદલે આ વખતે મિનિસ્ટ્રીઅે નક્કર લેવલ પર કામ કરી દેખાડ્યું. જ્યાં-જ્યાં જરૂર હતી ત્યાં હોમિયોપથી દવાઓ, કાઢાનાં પૅકેટ્સનાં વિતરણ કરાયાં. રિસર્ચ-બેઝ્‍ડ કામ પણ તેમણે પૂરી વ્યવસ્થા સાથે શરૂ કર્યું. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘અત્યારે અમારું લક્ષ્ય છે કે આયુષની ગાઇડલાઇન પ્રમાણે આવેલા પરિણામની વૈજ્ઞાનિક પરિમાણોના આધારે નોંધ લઈએ. એને સાયન્ટિફિક અેવિડન્સ દ્વારા સાબિત કરીઅે. અેટલે ત્રણ સ્તર પર અમે રિસર્ચ કરી રહ્યા છીઅે. રેન્ડમાઇઝ્‍ડ કન્ટ્રોલ ટ્રાયલ જે આયુષ મિનિસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે જેમાં અમારી સાથે અન્ય બે મિનિસ્ટ્રી પણ છે. કોવિડ-19ના ગાળામાં કેટલીક હેલ્થકૅર ગાઇડલાઇન નક્કી કરી હતી જેમાં યોગ, આયુર્વેદ, નેચરોપેથ વગેરેને સામેલ કર્યાં છે. કોવિડ થઈ શકે અેવા અને કોવિડ હોય અેવા બન્ને દરદીઓ પર આયુષ ટ્રીટમેન્ટની કેવી અસર થઈ રહી છે એનું ઝીણવટભર્યું ઑબ્ઝર્વેશન દેશભરની ૨૦ મેડિકલ કૉલેજમાં થઈ રહ્યું છે. કોવિડ પેશન્ટ પર ઍડઓન થેરપી તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અે સિવાય ગળો, જેઠીમધ અને આયુષે મલેરિયા માટે બનાવેલું એક ખાસ ફૉર્મ્યુલેશન આયુષ ૬૪ તેમ જ હાઇડ્રોક્સિક્લોરોક્વિનના કમ્પેરમાં અશ્વગંધાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. દેશની ૫૫ જગ્યાઅે આ પ્રકારનાં ઑબ્ઝર્વેશન અભ્યાસ ચાલી રહ્યા છે. ત્રીજું પૉપ્યુલેશન બેઝ્‍ડ સ્ટડી પર પણ કામ કરી રહ્યા છીએ.’

આયુર્વેદના સિદ્ધાંત મુજબ સાજાને સારા રાખવા અને રોગીને નીરોગી બનાવવાના સિદ્ધાંત પર આયુષ કામ કરી રહ્યું છે. અન્ડર વન રૂફ, ઑલપથી વિથ સિમ્પથીવાળા ફન્ડા સાથે ગરમ પાણી, હળદરવાળું દૂધ, ચ્યવનપ્રાશ, દેશી કાઢાં અને નસ્ય જેવા અઢળક પ્રયોગોથી કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધે, આયુર્વેદ કઈ રીતે તમારી ઇમ્યુનિટીને મદદ કરશે એ વિશે આ વર્ષે આયુષ મિનિસ્ટ્રીએ જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો અને લોકોએ પણ એેને જોરદાર પ્રતિસાદ આપ્યો છે. બીજી બાજુ હોમિયોપથી દવાઓનું મોટા પાયે વિતરણ કર્યું. આયુષ મિનિસ્ટ્રી આ અનાઉન્સ પર અટકી નથી. એનો કોઈ ફાયદો થયો કે નહીં એની પણ તેમણે તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ જેવી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આ દિશામાં તેઓ પૉપ્યુલેશન સ્ટડી કરી રહ્યા છે એમ જણાવીને વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘કોરોના માટે ઇમ્યુનિટી પ્રમોશન ગાઇડલાઇન આપ્યા પછી એની અસરને લગતી ડૉક્યુમેન્ટ સ્ટડી પર અમે લગભગ ૫૦ લાખ લોકોને ટાર્ગેટ કરવાના હતા અને એને માટે અમે આયુષની સંજીવની ઍપ બનાવી છે. લગભગ પાંચ લાખ લોકોએ આ ઍપ ડાઉનલોડ કરી છે અને ૪૦ લાખ લોકોએ એમાં પોતાનો ડેટા ભર્યો છે કે તેમણે કેવા દેશી ઇલાજ કર્યા અને શેનાથી તેમને લાભ થયો. આયુર્વેદ ડૉક્ટર માટે એમાં જુદું પૉર્ટલ છે. ૫૦ લાખમાંથી ૪૦ લાખ ડેટા પ્રાપ્ત થઈ ગયા છે, જે જૂનના અંત સુધીમાં ટાર્ગેટ અચીવ થઈ જશે. તો લગભગ જુલાઈમાં આ ડેટાના આધારે એક કન્સ્ટ્રક્ટિવ કન્ક્લુઝન શૅર કરી શકાશે. બીજું, આયુષે કોવિડ-19 દરમ્યાન કરેલી તમામ કામગીરીની ઇફેક્ટિવનેસ પર વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન થર્ડ પાર્ટી ક્વૉલિટેટિવ અસેસમેન્ટ કરશે એટલે ન્યુટ્રલ રહીને આપણને મળેલાં પરિણામોની તેઓ સમીક્ષા કરશે.’

છોટા પૅકેટ, બડા ધમાકા

આયુષ મિનિસ્ટ્રીની વિકાસ યાત્રા પર મિનિસ્ટ્રીના જૉઇન્ટ સેક્રેટરી પી. એન. રણજિતકુમાર કહે છે, ‘આયુષ મિનિસ્ટ્રી સેકન્ડ હેલ્થ મિનિસ્ટ્રીના સ્તરે છે. ભારત જેવા બહુ ઓછા દેશો છે જ્યાં બે હેલ્થ મિનિસ્ટ્રી છે. અત્યારે તમામ મિનિસ્ટ્રીઓની તુલનામાં સૌથી નાનામાં નાનુ મંત્રાલય હોવા છતાં એનાં કાર્યોનો ગ્રાફ જોશો તો અેમાં ૩૦૦ ગણો વધારો થયો છે. હેલ્થ મિનિસ્ટ્રીના કુલ બજેટમાંથી માત્ર ત્રણ ટકા બજેટ આયુષ મિનિસ્ટ્રીને ફાળવવામાં આવે છે. ૨૦૧૫-’૧૬માં લગભગ ૭૦૦ કરોડનું બજેટ હતું જે હવે લગભગ ૨૧૦૦ કરોડની આસપાસ છે. યોગ વર્ટિકલ મારા અંતર્ગત આવે છે. જ્યારે પણ લોકો મારી સાથે વાત કરે તો પહેલી વાત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હોય. જ્યારે તેમને ખબર પડે છે કે મારી સાથે માત્ર ૬ જણની ‌ટીમ આંતરરાષ્ટ્રીય યોગ ડેના કાર્યમાં લાગેલી હોય છે ત્યારે તેઓ ખરેખર આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે એની ગ્રાઉન્ડ-ઇમ્પૅક્ટ એટલી જોરદાર હોય છે. બેશક, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અદ્ભુત વિઝન અહીં તીવ્રતા સાથે કામ કરી રહ્યું છે. તેઓ આપણા દેશને સમજે છે. અત્યાર સુધી આયુષને જે સ્થાન મળવું જોઈતું હતું એ નહોતું મળ્યું જે હવે પ્રાઇમ મિનિસ્ટર આપી રહ્યા છે.’

આયુષ મિનિસ્ટ્રીને લોકજીભે ચડાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન રહ્યું છે એમાં કોઈ બેમત નથી. પોતાના સંભાષણમાં ત્રણ વાર તેમણે આયુષ મિનિસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો અને દરેક વખતે આયુષની સાઇટ પર જબ્બર ટ્રાફિક થયાના અહેવાલ આપણી સામે હતા. પછી અે પહેલી સપ્તપદીની સ્પીચમાં આયુષની ગાઇડલાઇનની વાત હોય કે છેલ્લી ‘મન કી બાત’માં ‘માય લાઇફ માય યોગ’ની ચર્ચા હોય. ૨૦૧૭માં આયુષ મિનિસ્ટ્રી પણ આયુષ્માન ભારતનો હિસ્સો બની. જેના અંતર્ગત મિનિસ્ટ્રી દ્વારા સાડાબાર હજાર સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં આયુષનું ઍન્ડાર્સમેન્ટ કર્યું ત્યાં બીજી બાજુ આયુષ મિનિસ્ટ્રીના કર્તાહર્તાઓએ ખરા અર્થમાં તએને કૅપિટલાઇઝ્‍ડ પણ કર્યું. વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘બેશક પ્રધાનમંત્રીના શબ્દોની અસર થઈ છે. કદાચ પોસ્ટ કોવિડ સમયમાં આયુષનું કૉમર્સની દૃષ્ટિએ કામકાજ ડબલ કરતાં પણ વધી ગયું હશે. અત્યારે પણ અમુક ઔષધિઓની માગમાં અકલ્પનીય વધારો થયો છે. અશ્વગંધાનું અેક્સપોર્ટ ચાર ગણું વધી ગયું છે. અમે પણ અત્યારના સમયને લઈને બહુ ગંભીરતા સાથે દરેક મોરચા પર કાર્ય ચાલુ રાખ્યું છે. એક બાજુ અમે દરેક પદ્ધતિને વૈજ્ઞાનિક આધારભૂત પુરાવા મળે અે માટે કડક સંશોધનાત્મક વલણ સાથે આગળ વધી રહ્યા છીઅે તો બીજી બાજુ ઇન્ટિગ્રેટેડ અપ્રોચ તરીકે આ તમામ પદ્ધતિઓ રોજબરોજના જીવનમાં સામેલ થાય અેવા પ્રયાસ પણ કરી રહ્યા છીઅે. અેક દાખલો આપું. હમણાં થોડા સમય પહેલાં જ એઇમ્સમાં માઇગ્રેનના દરદીઓ પર એક રિસર્ચ થયું જેમાં માઇગ્રેન ધરાવતા લોકોને રેગ્યુલર મેડિસિન સાથે યોગનો અભ્યાસ પણ કરાવડાવ્યો અને તેમને બહુ જ પૉઝિટિવ રિઝલ્ટ મળ્યું. મેં આ સંદર્ભે એઇમ્સના ડિરેક્ટરને પત્ર લખ્યો છે કે જો યોગથી ફાયદો થયો છે તો અે તાલીમને તેમની ટ્રીટમેન્ટનો હિસ્સો બનાવવો જોઈએ અને આ આપણે ત્યાં જ થશે એવું નથી. અમેરિકામાં અત્યારે પણ આ રીત અપનાવાઈ છે. અમેરિકન હાર્ટ અસોસિએશનની ગાઇડલાઇન છે કે કોરોનરી આર્ટરીને લગતી સમસ્યા પછી પોસ્ટ સર્જરી ટ્રીટમેન્ટમાં યોગ કમ્પલ્સરી છે. માત્ર યોગ નહીં; આયુર્વેદ, નેચરોપથી, યુનાની, સિદ્ધા કે સોવા એમ દરેક સિસ્ટમની અકસીરતાના આધારે એનો ઉપયોગ થાય. એમાં ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ભળે એ અમારું લક્ષ્ય છે.’

અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય યોગ ડે અંતર્ગત કેટલાક વર્લ્ડ રેકૉર્ડ વિશ્વભરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. દર વર્ષે એમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પણ કરોડોમાં વધી છે. એક રફ એસ્ટિમેટ પ્રમાણે ૨૦૧૬માં લગભગ ૮૫ લાખ લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ ડે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ૨૦૧૭માં આ આંકડો વધીને ૩ કરોડ થયો, ૨૦૧૮માં ૯ કરોડ અને ૨૦૧૯માં લગભગ ૧૩ કરોડ લોકોઅે આ આયોજનમાં ભાગ લીધો હતો. દુનિયાભરના દેશો યોગ ડેની મોટા પાયે ઉજવણી કરે છે. દરેકની પ્રૅક્ટિસમાં સમાનતા રહે અેટલે એક કૉમન યોગ પ્રોટોકૉલ મિનિસ્ટ્રી દ્વારા જ લૉન્ચ કરવામાં આવ્યો છે, જેની ફ્રી ટ્રેઇનિંગ દરેક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે. આ જ વાતને આગળ વધારતાં રણજિતકુમાર કહે છે, ‘રિસર્ચ પ્રોજેક્ટ પર અમે દેશની ઘણી અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈને યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. એ સિવાય લોકોમાં જાગૃતિ લાવવા કૅલેન્ડર્સ, બાળકો માટે કૉમિક બુક્સ અને અન્ય મર્કન્ડાઇઝ પણ બનાવ્યાં છે. આયુષની વિવિધ પદ્ધતિઓમાં કમ્પ્યુટરાઇઝેશન લાવવાના પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. બધું જ ડિજિટલી થાય અને બધા ડેટા ફીડ કરેલા હોય અે રીતે આગળ વધાય એ અમે ખાસ જોઈ રહ્યા છીઅે. જેના માટે લગભગ ૨૦૦ જેટલા આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપથી વગેરેને ટ્રેઇન કર્યા છે. ઇલેક્ટ્રૉનિક હેલ્થ મૅનેજમેન્ટ સિસ્ટમથી પણ બહુ મોટો બદલાવ આવશે સારવાર પદ્ધતિમાં. નૅશનલ આયુષ મિશન અંતર્ગત રાજ્ય સરકાર સાથે મળીને આયુષની ફૅસિલિટી ધરાવતી હૉસ્પિટલો બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.’

ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પણ આયુષ મિનિસ્ટ્રીની હવે ચાંપતી નજર છે જેથી ખોટા દાવા કે ખોટી દવા પર જાપ્તો રાખી શકાય અેવી સિસ્ટમ પણ તેઓ ઊભી કરી ચૂક્યા છે. જોકે આયુર્વેદ, નેચરોપેથ અને યોગ જેટલી પૉપ્યુલરિટી અન્ય સિસ્ટમને નથી મળી અે દિશામાં તમે શું કરો છો એના જવાબમાં રણજિતકુમાર કહે છે, ‘અહીં જ્યૉગ્રાફિકલ ડિફરન્સ કામ કરી રહ્યા છે. નૉર્થમાં આયુર્વેદ અને નેચરોપેથ છે અને તામિલનાડુમાં સિદ્ધા વધુ ચાલે છે. કાશ્મીર તથા આંધ્ર પ્રદેશમાં યુનાનીની બોલબાલા છે તો હવે નવી ઇન્ટ્રોડ્યુસ કરેલી સોવા સિસ્ટમ લદાખ અને પહાડી એરિયામાં ચલણ ધરાવે છે. કોઈક પદ્ધતિ ભાષાની સીમિતતાને કારણે વ્યાપક નથી બની શકી. જોકે આયુષ મિનિસ્ટ્રી માટે કોઈ પક્ષપાત નથી. દરેક સિસ્ટમમાં રહેલા પોટેન્શિયલ બેનિફિટ્સ પબ્લિકને મળી રહે એવા પ્રયત્નો અમારા પક્ષે ચાલુ જ છે.’

          આયુષનો હિસ્સો બનેલી તમામ સિસ્ટમ મોટા ભાગે લોકોની નજીક રહી છે અને કદાચ અેટલે જ વડા પ્રધાન મોદી પણ એનો પ્રચાર કરતા રહ્યા છે, કારણ કે આ એવી દવા નથી જેને માટે નાના ગામડાના લોકોને બહુ ટ્રાવેલ કરીને દૂર જવું પડે. આપણી રોજબરોજની જીવનશૈલી સાથે સંકળાયેલી આ સિસ્ટમ છે અને આપણા લોહીમાં છે. જોકે અફસોસ અે છે કે ઘણી વાર આપણે જ આપણને મળેલી વિરાસતની સાચી કિંમત નથી કરી શકતા. કદાચ, આયુષને અે જ માનસિકતાનો પડકાર તરીકે સામનો કરવાનો છે. જેનો ઉલ્લેખ એક વાર પોતાની ‘મન કી બાત’માં વડા પ્રધાન કરી ચૂક્યા છે. કદાચ વર્ષોની ગુલામીને કારણે ક્યાંક આપણી માનસિકતા અે સ્વીકારી નથી શકતી કે આપણને જે ઉપચાર-પદ્ધતિનો અને જીવનશૈલીનો વારસો પૂર્વજો પાસેથી મળ્યો છે અે સોનાની ખાણ જેવો છે. આપણે એને સોનું માની જ નથી શકતા જ્યાં સુધી બહારની વ્યક્તિ આવીને એને પ્રમાણિત ન કરી જાય. હવે આ માનસિકતાને દૂર કરવાનો અને પોતાને મળેલા શ્રેષ્ઠને સ્વીકારવાનો અને એની મહત્તાને આપણે જાતે વર્તમાન પૅરામીટર્સના આધારે સાબિત કરવાના પ્રયત્નો કરવાના છે. આયુષ મિનિસ્ટ્રીઅે અે દિશામાં ઝંપલાવી દીધું છે, પણ જો અેમાં આપણા સૌનો સાથ મળી જાય, આપણી પરંપરાગત પદ્ધતિઓ પ્રત્યે આપણને માન જાગે અને અેમાં શ્રેષ્ઠતાની ડિમાન્ડ જાગે તો ૧૦૦ ટકા આવનારા સમયમાં ભારતીય ઉપચાર-પદ્ધતિઓનો ડંકો વિશ્વભરમાં વધુ જોરશોરથી વાગે એમાં જરાય નવાઈ નહીં હોય.

કોરોના માટે ઇમ્યુનિટી પ્રમોશન ગાઇડલાઇન પછી ડૉક્યુમેન્ટ સ્ટડી પર અમે લગભગ ૫૦ લાખ લોકોને ટાર્ગેટ કરવાના હતા અને એને માટે અમે આયુષની સંજીવની ઍૅપ બનાવી છે. લગભગ ૪૦ લાખ લોકોઅે અેમાં પોતાનો ડેટા ભર્યો છે કે કેવા દેશી ઇલાજથી તેમને લાભ થયો. જૂનમાં ટાર્ગેટ અચીવ થઈ જશે તો જુલાઈમાં આ ડેટાના આધારે અેક કન્સ્ટ્રક્ટિવ કન્ક્લુઝન શૅર કરી શકાશે.

-વૈદ્ય રાજેશ કોટેચા,  સેક્રેટરી ઑફ આયુષ મિનિસ્ટ્રી

આયુષ મિનિસ્ટ્રી સેકન્ડ હેલ્થ મિનિસ્ટ્રીના સ્તરે છે. ભારત જેવા બહુ ઓછા દેશો છે જ્યાં બે હેલ્થ મિનિસ્ટ્રી છે. અત્યારે તમામ મિનિસ્ટ્રીઓની તુલનામાં

સૌથી નાનામાં નાનું મંત્રાલય હોવા છતાં એનાં કાર્યોનો ગ્રાફ જોશો તો એમાં ૩૦૦ ગણો વધારો થયો છે. હેલ્થ મિનિસ્ટ્રીના કુલ બજેટમાંથી માત્ર ૩ ટકા બજેટ આયુષ મિનિસ્ટ્રીને ફાળવવામાં આવે છે.

- પી. એન. રણજિતકુમાર, જૉઇન્ટ સેક્રેટરી, આયુષ મિનિસ્ટ્રી

columnists ruchita shah