અત શ્રી મહાઅક્ષત કથા

03 January, 2021 05:48 PM IST  |  Mumbai | Rashmin Shah

અત શ્રી મહાઅક્ષત કથા

ઍન્ટાર્કટિકા સિવાય આખી દુનિયામાં ચોખાનું ઉત્પાદન થાય છે કે કરવામાં આવ્યું છે

બૉર્ડર પર ભારોભાર ટેન્શન હોવા છતાં ચીને ભારતથી ચોખા ઇમ્પોર્ટ કર્યા. દાયકાઓ પછી પહેલી વાર એવું બન્યું કે ચોખા માટે ચીને ભારત સામે હાથ ફેલાવવો પડ્યો. જાની દુશ્મનને પણ ઘૂંટણિયે પાડી દેવાની તાકાત ધરાવતા અને બીમાર શરીરમાં તાકાત ભરી દેવાનું કામ કરતા ચોખાની દુનિયામાં એક ડોકિયું કરવા જેવું છે...

‘હેવ યુ હેડ યૉર રાઇસ ટુડે?’

આ ચીનની પરંપરા છે. એવી જ રીતે જેવી રીતે આપણે સામે મળનારાઓને પૂછીએ કે ‘તમે કેમ છો?’ પણ ચીનમાં આ વાત ‘હેવ યુ હેડ યૉર રાઇસ ટુડે?’ના સ્વરૂપમાં પુછાય છે. એટલે કે મહોદય, આજે તમે ભાત ખાધા? જેનો મોટા ભાગે જવાબ ‘યસ’માં એટલે હકારાત્મક જ આવે અને એનો ભાવાર્થ એવો નીકળે કે જીવનમાં બધું સમુંસૂતરું છે, પણ ચીન પોતાની આ વાતમાં હવે સુધારો કરે એવા સમાચાર આવ્યા છે. ચીને દસકાઓ પછી પહેલી વાર ભારત પાસેથી રાઇસ લેવાનું કામ કર્યું છે. ચીને રાઇસ શું કામ ભારત પાસેથી ખરીદવા પડ્યા અને શું કામ દુશ્મનીના એકધારા બ્યૂગલ વચ્ચે પણ ભારતના શરણે આવવું પડ્યું એની વાત કરતાં પહેલાં રાઇસ-માર્કેટ વિશે થોડું જાણી લેવું પડે.

આખા વર્લ્ડમાં ચોખાની સૌથી મોટી એક્સપોર્ટ કરતો કોઈ દેશ હોય તો એ ભારત છે, જ્યારે દુનિયાભરમાં સૌથી મોટી ચોખાની ખરીદી કરતો કોઈ દેશ હોય તો એ ફિલિપીન્સ પછી ચીન છે. ક્રમમાં બીજું હોવા છતાં ચીનને ચોખા ઇમ્પોર્ટ કરે છે એનો આંકડો ખાસ્સો મોટો છે. ચીન માત્ર પોતાના પૂરતું જ ચોખાની ખરીદારી નથી કરતું, પણ ચીન પોતાના વપરાશ ઉપરાંત થાઇલૅન્ડ, વિયેટનામ, મ્યાનમાર અને પાકિસ્તાનને પણ ચોખા સપ્લાય કરે છે. ચીન વર્ષેદહાડે ૪ મિલ્યન ટન ચોખાની ખરીદી કરે છે અને એ પછી પણ અંગત ખુન્નસ વચ્ચે એણે હંમેશાં ભારતીય ચોખા ખરીદવાનું અવૉઇડ કર્યું છે. રાઇસ એક્સપોર્ટ અસોસિએશનના બી. વી. ક્રિષ્ન રાવના કહેવા મુજબ, છેલ્લા સાડાત્રણ દસકામાં તો ક્યારેય એવું બન્યું નથી કે ચીને ભારત પાસેથી ચોખા ખરીદ્યા હોય, પણ આ વર્ષે પહેલી વાર એવું બનશે કે ચીન ભારતથી ચોખા ઇમ્પોર્ટ કરશે. ભારતીય ચોખા ખરીદવા પાછળ એક નહીં, અનેક કારણ જવાબદાર છે.

દુનિયાભરમાં ચોખાની ગુણવત્તાનું સ્તર નીચું ગયું છે તો સાથોસાથ ભારતીય ચોખાની ગુણવત્તામાં અઢળક વધારો થયો છે. આ ઉપરાંત ચોખાની સપ્લાયમાં પણ હવે જગત પાછળ રહેવા માંડ્યું છે. ચોખા માટે જે પ્રકારની આબોહવા, જમીન, પાણી અને જહેમતની આવ્યશ્યકતા રહેતી હોય છે એ કરવાનું કામ માત્ર અને માત્ર ભારતીય ખેડૂત કરે છે એવું કહેવામાં જરાય ખોટું નથી. જો આંકડાને જ આગળ વધારીને કહેવાનું હોય તો કહેવું પડે કે ભારતે આ વર્ષે ચોખાનો રેકૉર્ડબ્રેક પાક લીધો અને ચાલુ વર્ષે ભારતમાં ૧૧૭.૯૪ મેટ્રિક ટન ચોખાનું ઉત્પાદન થયું. આ ચોખા જો ભારત એક્સપોર્ટ ન કરે તો એવી પરિસ્થિતિ ઊભી થાય કે ભારતમાં એકથી ત્રણ રૂપિયાના કિલો ચોખા વેચવાનો વારો આવે. અફકોર્સ, આવી કફોડી પરિસ્થિતિ આવી નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એ સ્તરે ચોખાનું ઉત્પાદન થયું છે જેની ક્યારેય કલ્પના ન થઈ શકે. ચીન પાસે ભારત પાસેથી ચોખા લેવા સિવાય છૂટકો નહોતો એટલે ચીને ભારત પાસેથી એક લાખ મેટ્રિક ટન ચોખા ખરીદ્યા અને એ પણ ૩૦૦ ડૉલર ટનના તોતિંગ ભાવે. આ ડિલિવરી ડિસેમ્બરથી શરૂ થઈ અને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં પૂરી થઈ જશે, જેની સામે પછીના ૭થી ૮ મહિનામાં ચોખાનો નવો પાક લઈ પણ લેવામાં આવશે. રાઇસ એક્સપોર્ટ અસોસિએશનના બી. વી. ક્રિષ્ન રાવ કહે છે, ‘રાઇસની બાબતમાં ભારત ફરી એક વાર પોતાનું કિંગડમ ઊભું કરશે એ નક્કી છે અને ચાઇનાથી માંડીને દુનિયાઆખીએ રાઇસ માટે ભારત પાસે આવવું પડશે એ પણ કન્ફર્મ છે. આપણે રાઇસની બાબતમાં એવું નવું સંશોધન કરીએ છીએ જે દુનિયાભરમાં અચંબો આપનારું છે.’

પલળે કે ભાત તૈયાર...

હા, બરાબર વાંચ્યું તમે. ચોખા પલાળો એટલે રાંધેલો ભાત તૈયાર થઈ જાય. ચોખાને કુક કરવા માટે કુકર કે ગૅસ-સ્ટવ કોઈની આવશ્યકતા નથી. આ પ્રકારના રાઇસ બિહારના એક ખેડૂતે તૈયાર કર્યા છે. બિહારમાં તૈયાર થયેલા આ ચોખાને ‘મૅજિક રાઇસ’ નામ આપવામાં આવ્યું છે. આ ચોખા તૈયાર કરનાર ખેડૂતનું નામ વિજયગિરિ. પશ્ચિમ ચંપારણના હરપુર નામના નાના ગામમાં રહેતા વિજયગિરિએ તૈયાર કરેલા ચોખા એવા છે જે જમતાં પહેલાં સામાન્ય પાણીમાં ૪૫થી ૫૦ મિનિટ પલાળી દેવામાં આવે એટલે એ સીધા ખાઈ શકાય. રાંધેલા ભાત કરતાં એ જરા પણ જુદા નથી કે એનો ટેસ્ટ પણ બિલકુલ જુદો નથી. વાત સાંભળવામાં કે વાંચવામાં સરળ લાગતી હોય તો સ્પષ્ટતા સાથે કહેવાનું કે ના, એવું નથી. આ ‘મૅજિક રાઇસ’નો વપરાશ જો દુનિયાઆખી કરતી થઈ જાય તો એને રાંધવામાં ટાઇમની સાથોસાથ અબજો રૂપિયાનું ઈંધણ પણ બચે, જે અત્યંત આવશ્યક છે. બીજું એ કે સામાન્ય ચોખા બનાવવા માટે વાપરવામાં આવતા ભાતભાતના બળતણને લીધે ઊભું થતું પૉલ્યુશન પણ બંધ થાય, જેનો સીધો લાભ સૃષ્ટિને મળે. વિજયગિરિ કહે છે, ‘ગામડામાં બળતણ માટે લાકડાં વાપરવામાં આવે, એનો વપરાશ બંધ થાય એવા હેતુથી મેં આ ચોખા તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો.’

‘મૅજિક રાઇસ’ની માર્કેટ-પ્રાઇસ ૪૦થી પ૦ રૂપિયા પ્રતિ કિલોની છે, જે રાબેતા મુજબના ચોખાથી માત્ર ૨૦થી ૩૦ ટકા વધારે છે, પણ એ વધારો જરાય અક્ષમ્ય નથી. સમય અને બળતણની બચત બહુ મહત્ત્વની છે. વિજયગિરિએ જે ચોખા તૈયાર કર્યા છે એ સાવ જ નવતર પ્રયોગ છે એવું કહી ન શકાય. આ પ્રકારના સીધા પલાળીને ખાવા યોગ્ય ચોખા આસામમાં પૉપ્યુલર છે. આસામમાં એને ‘બોકા સોલ’ કહેવામાં આવે છે. આ બોકા સોલને કેન્દ્ર સરકાર દ્વારા જીઆઇ ટૅગ પણ આપવામાં આવ્યું છે. આસામીઝ આ ચોખાનો ઉપયોગ સવારે બ્રેકફાસ્ટમાં કરે છે. સામાન્ય ચોખા કરતાં આ ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનની માત્રા વધારે છે. આ ચોખા ટ્રાવેલિંગ દરમ્યાન ભારોભાર ઉપયોગી બની શકે એમ છે તો આર્મી માટે ‘મૅજિક રાઇસ’ જીવાદોરી બનવાને સમર્થ છે. એક તબક્કે માત્ર આસામમાં જ થતા આ ચોખાને વિજયગિરિએ દેશના અન્ય સ્થાને ઉગાડીને પુરવાર કર્યું કે એનો વિપુલ માત્રામાં પાક લઈ શકાય છે.

બન્યું એમાં એવું હતું કે વિજયગિરિએ ૨૦૧૯માં કલકત્તામાં થયેલા ઍગ્રિકલ્ચર ફેરમાં ભાગ લીધો અને ત્યાં તેણે આસામના આ ચોખા વિશે જાણ્યું. વિજયગિરિને રસ પડ્યો અને તેણે આ ચોખાનું બિયારણ ખરીદીને અમુક પ્રકારના સુધારાવધારા કરીને એનો પાક બિહારમાં લેવાનો પ્રયાસ કર્યો અને અકલ્પનીય રિઝલ્ટ મળ્યું. વિજયગિરિને ત્યાં થયેલા વિપુલ માત્રાના આ ચોખાને જોઈને હવે તો બિહારના ઘણા ખેડૂતોએ પણ આ રાઇસ ઉગાવવાનું શરૂ કર્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે, પણ ચીનની ત્રણ ઇમ્પોર્ટ કંપનીએ આ મૅજિક રાઇસ માટે પણ ઇન્ક્વાયરી કરી છે તો અમેરિકાએ પણ મૅજિક રાઇસ માટે ઇન્ક્વાયરી કરી છે. એવું નથી કે માત્ર ખેડૂતો દ્વારા જ ચોખાના વિવિધ પ્રકાર પર કામ કરવામાં આવે છે. ભારતની વિવિધ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ ચોખાનો પાક વધુ ઊતરે એવી જાતો વિકસાવવામાં છેલ્લા બે દાયકાથી વ્યસ્ત થઈ છે. ચોખાની બાબતમાં આપણે સૌથી મોટા એક્સપોર્ટર હોવાથી ભારતની ઇકૉનૉમીમાં પણ ચોખાનું ઘણું અગત્યનું સ્થાન છે તો ચોખા આપણો સૌથી કૉમન ખોરાક હોવાને લીધે પણ ચોખા આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે.

ધી કૉમન ફૂડ

ચોખા આપણા ભારતીય પરિવારના કિચનની સૌથી અગત્યની ચીજ છે. ગરીબ હોય કે તવંગર, ભાત અને ચોખાની બનાવટો મુખ્ય રહે છે. ચોખાની ક્વૉલિટી બદલે, પણ દરેકની થાળીમાં ચોખા હોય એવું અચૂક બને. મૅક્સિમમ વરાઇટીના ચોખા આપણે ત્યાં થાય છે. ૪ રૂપિયાના ચોખાથી લઈને ૧૭૫ રૂપિયે કિલો એવા બાસમતી ચોખા પણ આપણે ત્યાં પ્રોડ્યુસ થાય છે. ભારતમાં ચોખાની ખપતના આંકડા દર્શાવે છે કે સરેરાશ એક વ્યક્તિ અંદાજે ૧૦૦ ગ્રામ ચોખા ઝાપટી જાય છે. વધતી વસ્તી માટે ખોરાક પૂરો પાડવા માટે ચોખા સૌથી સરળતાથી પ્રાપ્ય એવું ધાન્ય છે. દક્ષિણ-પૂર્વ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોની ખાણીપીણીમાં ભાતનું પ્રમુખ સ્થાન છે. ભારત અને ઇન્ડોનેશિયા ક્રમશ: સૌથી વધુ ચોખાનું ઉત્પાદન ધરાવતો દેશો છે તો છેલ્લાં થોડાં વર્ષોથી ચોખા એક્સપોર્ટ કરવામાં અમેરિકા પણ ખૂબ આગળ આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં ચોખાનું ઉત્પાદન ઓછું છે, પણ ત્યાં ચોખાની ખપત ન હોવાથી એનું એક્સપોર્ટ વધ્યું છે. ચીનમાં ચોખાનું ઉત્પાદન વિપુલ માત્રામાં છે, પણ ચોખા મુખ્ય ખોરાક હોવાથી ચીને ચોખા ઇમ્પોર્ટ કરવા પડે છે.

ચીન અને ભારતમાં લગભગ સાથે-સાથે ડાંગરની ખેતી શરૂ થઈ હશે એવું માનવામાં આવે છે. અલબત્ત, બન્ને દેશનો દાવો તો એ જ છે કે એમણે ચોખાની ખેતી પહેલાં શરૂ કરી હતી. જોકે બન્નેની પ્રાચીનતાને લગતા જે પુરાવા મળે છે એ લગભગ સરખા સમયના છે. ચોખાને દુનિયાભરના લોકો દ્વારા આટલા લાડ મળવા પાછળ કેટલીક ખૂબી જવાબદાર છે. જેમ કે રાંધવામાં એ ફટાફટ બને છે તો વિપુલ ક્વૉલિટીને લીધે એ સસ્તા છે. આ ઉપરાંત એને રાંધવાની પણ અનેક પ્રક્રિયા હોવાથી અને કોઈની પણ સાથે મિક્સ થઈ શકતા હોવાથી પણ એની બોલબાલા વધી છે તો આયુર્વેદે પણ ચોખાને સન્માનનીય નજરે જોઈને કહ્યું છે કે એ બીમાર પણ ખાઈ શકે અને તંદુરસ્ત વ્યક્તિ પણ ખાઈ શકે. ચોખાની આ વર્સેટાલિટીને લીધે એની પૉપ્યુલરિટી વધી છે. અલબત્ત, ચોખા એશિયામાં સૌથી વધારે ખવાય છે એ પણ એટલું જ સાચું છે. ગરીબીરેખા હેઠળ જીવતા લાખો લોકો તેમની આવકનો અડધોઅડધ હિસ્સો ચોખા ખરીદવામાં વાપરે છે. એશિયાની બેતૃતીયાંશ વસ્તી ચોખા ખાઈને જીવે છે. બીજી તરફ એશિયા અને આફ્રિકા થઈને લગભગ ૧૦ કરોડ લોકો માટે ચોખાની ખેતી આવકનો મુખ્ય સ્રોત છે.

વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ ૮૦ કરોડ ટન ચોખાનું ઉત્પાદન થાય છે. વિશ્વમાં સર્વાધિક ઉત્પાદન શેરડીનું છે તો બીજા નંબરે મકાઈ અને ત્રીજા નંબરે ચોખા છે. શેરડી અને મકાઈના ખાવા સિવાયના પણ અનેક ઉપયોગ છે, જ્યારે ચોખા માનવઆહારના આશય સાથે ઉગાડવામાં આવતા હોવાથી એનો સવિશેષ ઉપયોગ માનવજાત દ્વારા કરવામાં આવે છે. તમારી જાણ ખાતર કે આખા વિશ્વના લોકોને પાંચમા ભાગની કૅલરી ચોખા પૂરી પાડે છે.

નોંધ ઇતિહાસમાં પણ

યજુર્વેદમાં ચોખા અને એની ખેતી વિશે ઉલ્લેખ જોવા મળે છે. જોકે ભારતમાં ચોખાની ખેતીના પુરાવા ૫૦૦૦ બીસી (બિફોર ક્રાઇસ્ટ)થી જોવા મળ્યા છે. એવું માનવામાં આવે છે કે ચીનમાં ૪૦૦૦ વર્ષ પહેલાંથી ચોખાની ખેતી થવા લાગી અને પંદરમી સદીમાં ચોખા ઇટલી અને ફ્રાન્સ પહોંચ્યા અને છેક ૧૯૬૪માં સાઉથ કૅરોલિનામાં ચોખાની ખેતી શરૂ થઈ. છેક અઢારમી સદીમાં સાઉથ અમેરિકામાં ચોખાનો પ્રવેશ થયો. અહીં વધુ એક વાર પુરવાર થાય છે કે ઇતિહાસ પણ કહે છે કે ચોખા મુખ્વત્વે એશિયન ફૂડ રહ્યું છે.

હડપ્પાના ખોદકામ વખતે પણ ચોખાના અવશેષ મળ્યા છે તો ચાણક્યએ પોતાના સાહિત્યમાં ચોખાનો ઉલ્લેખ કર્યો છે. બૌદ્ધ ધર્મની કથાઓમાં પણ ચોખાનો ઉલ્લેખ છે. વિશ્વમાં સૌથી વધુ ચોખા પ્રોડ્યુસ કરવામાં ચીન નંબર-વન સ્થાને છે, પણ એનો વપરાશ પણ સૌથી વધુ ચીનનો હોવાથી ચોખાની આયાતમાં પણ ચીન નંબર-વન જેવા અગ્રીમ સ્થાન પર રહ્યું છે. ચીન પછી પ્રોડક્શનમાં બીજા નંબરે ભારત આવે છે.

આપણે ત્યાં ચોખાનો સૌથી વધુ પાક કરતાં પહેલાં પાંચ રાજ્યોમાં પહેલા નંબરે પશ્ચિમ બંગાળ અને એ પછી ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને તામિલનાડુનો સમાવેશ થાય છે. ભારત અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચોખાની એક્સપોર્ટ કરનાર દેશોમાં પહેલા નંબરે છે. નૅશનલ અને ઇન્ટરનૅશનલ ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે ત્યાંના ખેડૂતોએ હવે જિનેટિકલી મૉડિફાય કરેલા બ્લૅક રાઇસ ઉગાડવાનું શરૂ કર્યું છે, જે ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયે કિલો વેચાય છે અને ન્યુટ્રિશન્સની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ ગણવામાં આવે છે. 

બ્લૅક રાઇસ ચોખાની કેટલીક પૈકીની એક જાત નથી, કારણ કે ચોખામાં પ્રાંત એટલી જાતનો નિયમ રહ્યો છે.

પ્રાંત એટલી જાત

હા, ચોખાની બાબતમાં આ વાત સાવ સાચી છે. દુનિયામાં લગભગ ૧,૪૦,૦૦૦ જેટલી ચોખાની જાતો નોંધાઈ છે. જોકે કેટલીક જાતો કાળક્રમે લુપ્ત થઈ ગઈ છે. અત્યારે એકલા ભારતમાં જ ૪૦૦૦ જેટલી જાત ઊગે છે. પંજાબના બાસમતી ચોખા શ્રેષ્ઠ ગુણવત્તાના ગણાય છે. ચોખાની જાતનો મુખ્ય આધાર જમીનનો પ્રકાર, ભેજ અને બિયારણ પર છે. આપણે પરિમલ, મસૂરી, બાસમતી, કોલમ જેવી પેટાજાતોથી ચોખાને ઓળખીએ છીએ, પણ ચોખાની આ પેટાજાતો મોટા ભાગે ચોખાની સુગંધ, દાણાની લંબાઈ, રંગ અને આકાર પરથી નક્કી કરવામાં આવે છે. આ તમામ જાતોમાં સૌથી શ્રેષ્ઠ બાસમતી ચોખાને ગણવામાં આવે છે.

 

લાંબા, આખા, સુગંધીદાર બાસમતી ચોખાની જાત ભારત અને પાકિસ્તાનની સ્પેશ્યલિટી છે. ભારતમાંથી દર વર્ષે ૧૦ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ થાય છે જે ભારતને ઘણો મોટો આર્થિક લાભ અપાવે છે. આ ચોખા નૉન-ગ્લુટેનિયસ એટલે કે ગળી ન જાય એવા હોવાથી એક-એક દાણો છુટ્ટો રહે છે. બાસમતી ચોખા પૉપ્યુલરિટીના મામલે દુનિયામાં પહેલા સ્થાને છે તો બીજા મોસ્ટ ફેમસ ચોખા એબ્રોઇરોના છે, જેના દાણા નાના અને બાફ્યા પછી ચીકાશવાળા બની જાય છે. એ પછી ત્રીજા ક્રમે આવે છે જેસ્મિન રાઇસ, જે એની સુગંધને કારણે જ નહીં, પણ સાથોસાથ એના પિન્ક રંગને કારણે પણ વધારે પૉપ્યુલર થતા જાય છે.

પિન્ક ચોખા?

આવું વાંચીને જો તમારી આંખમાં અચરજ અંજાયું હોય તો થોભો, ચોખા શ્વેત જ હોય એવું તમે જાણો છો, બાકી દુનિયામાં લાલ, કાળા અને બ્રાઉન રાઇસ પણ છે જ.

બ્રાઉન રાઇસ હવે આપણે ત્યાં સાવ અજાણ્યા નથી. હેલ્થ-કૉન્સિયસ પ્રજા આ બ્રાઉન રાઇસ તરફ ભાગતી થઈ છે. બ્રાઉન રાઇસ વિશે સમજતાં પહેલાં શ્વેત ચોખા વિશે જાણી લેવું જોઈએ. સામાન્ય રીતે ચોખાનો પાક લણ્યા પછી એની ઉપરનાં છોતરાં કાઢીને એને પૉલિશ કરવામાં આવે છે. ચોખા જેટલા સ્પષ્ટ અને ચળકતા સફેદ રંગના હોય એટલું વધુ પ્રોસેસિંગ એના પર થયું હોય છે. પ્રોસેસિંગ કરવાને કારણે એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે, જેને લીધે બ્રાઉન ચોખાનો ક્રેઝ વધ્યો, કારણ કે આ એવા ચોખા છે જેને પૉલિશ કરવામાં નથી આવ્યા. ચોખાને છડીને ઉપરછલ્લાં છોતરાં કાઢી નાખવામાં આવે, પરંતુ દાણાની ઉપરના હલકા બ્રાઉન રંગના આવરણને એમ જ રાખવામાં આવે છે. આ આવરણને કારણે ચોખામાં ફાઇબરની માત્રા વધે, એટલું જ નહીં, વિટામિન-બી, આયર્ન અને કૅલ્શિયમ પણ જળવાઈ રહે છે. આમાં રહેલા નાયાસીનને કારણે વિટામિન-બી અને કૅલ્શિયમનું શોષણ શરીર માટે સરળ બને છે. એટલે જ જ્યારે કૅલ્શિયમની ઊણપ હોય ત્યારે કૅલ્શિયમની દવાઓની સાથે બ્રાઉન રાઇસની ચીજો ખાવાની સલાહ આપવામાં આવે છે.  જોકે પૉલિશ કરેલા એટલે કે સફેદ ચોખાને ૮થી ૧૦ વર્ષ સુધી કંઈ થતું નથી, પણ બ્રાઉન રાઇસમાં ૬ મહિના પછી જીવાત પડવાનું અને ચોખા બગડવાનું શરૂ થઈ જાય છે, જેને લીધે બ્રાઉન રાઇસ લાંબો સમય રાખી શકાતા નથી.

રંગબેરંગી અક્ષત

આપણે સફેદ ચોખા જ જોયા છે, પરંતુ લાલ અને કાળા ચોખા પણ ખૂબ પ્રચલિત છે. લાલ ચોખા યુરોપ, બ્રાઝિલ, ક્યુબા અને ભુતાનમાં જોવા મળે છે. હિમાલયની પૂર્વીય તળેટીમાં આવા ચોખા ઊગે છે. લાલ ચોખામાં પણ વિવિધ જાતો હોય છે, પણ એ જાત ચોખાના દાણાની સાઇઝ પર આધારિત છે. જેમ લાલ ચોખા યુરોપ અને અન્ય દેશોમાં થાય છે એવી રીતે કાળા ચોખા થાઇલૅન્ડ, ચીન અને ઇન્ડોનેશિયામાં થાય છે. પહેલાંના જમાનામાં એવું મનાતું કે આ ચોખા માત્ર અમીરો અને રાજા-રજવાડાંઓ જ વાપરી શકે. એ જ કારણસર એ ફોરબિડન રાઇસના નામે પણ ઓળખાય છે. ચીનમાં બ્લૅક રાઇસનો ઉપયોગ દિવસે-દિવસે વધતો જાય છે. આ ચોખામાં સફેદ ચોખાની સરખામણીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે.

ચોખાની ખેતીની એ, બી, સી

ખેડૂત બળદ અને હળ સાથે ૮૦ કિલોમીટર જેટલું ચાલે ત્યારે એક હેક્ટરમાં ચોખાનો પાક ઊગે.

એક કિલો ચોખા ઉગાડવા માટે ૫૦૦૦ લિટર પાણી જોઈએ.

એશિયામાં પાણીનું સ્તર જમીનમાં ઊંડે જઈ રહ્યું હોવાનું એક કારણ ચોખાની ખેતીને પણ ગણવામાં આવે છે.

એશિયાના દેશોમાં રહેતા લોકો વર્ષે સરેરાશ ૧૫૦ કિલો ચોખા ખાય છે, જ્યારે યુરોપમાં વર્ષે માત્ર પાંચ કિલો ચોખા વ્યક્તિદીઠ ખવાય છે. દુનિયાના તમામ લોકોની સરેરાશ કાઢવામાં આવે તો એક વ્યક્તિ વર્ષે ૬૫ કિલો ચોખા ખાય છે.

એશિયામાં નાનાં-મોટાં લગભગ ૨૦ કરોડ ખેતરોમાં ચોખાની ખેતી થાય છે.

ચોખાનું ક, ખ, ગ...

ભારત ઉપરાંત ચીન, જપાન અને થાઇલૅન્ડમાં પણ ચોખાને દેવી-દેવતાઓ સાથે સાંકળવામાં આવ્યા છે.

ચોખાની લગભગ ૪૦,૦૦૦થી વધુ વરાઇટી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

આખા વિશ્વમાંથી એકલા એશિયાઈ દેશો ૯૦ ટકા ચોખાનું પ્રોડક્શન કરે અને એટલું જ કન્ઝમ્પ્શન પણ એશિયાઈ દેશોનું છે.

ચોખામાંથી પુલાવ, ખીચડી, ભાત કે ચોખાના પાપડ જ બને છે એવું ધારતા હો તો ભૂલ છે તમારી; ચોખામાંથી રાઇસ-વાઇન, રાઇસ-વિનેગર, રાઇસ-બિયર તો બને જ છે, પણ એ ઉપરાંત ચોખામાંથી ટૂથપેસ્ટ, સ્ટ્રૉ, દોરી, પેપર જેવી વસ્તુઓ પણ બને છે.

ચોખાના દાણા પર નામ લખાવવાની કે પછી પેઇન્ટિંગ બનાવવાની કળા પણ ચોખાના ટકાઉપણાને કારણે પૉપ્યુલર થઈ છે.

columnists Rashmin Shah