આટલા દિવસ કેવું લાગ્યું શૉપિંગ વિના?

06 May, 2020 11:31 AM IST  |  Mumbai | Bhakti D Desai

આટલા દિવસ કેવું લાગ્યું શૉપિંગ વિના?

1. શૉપિંગનું મન તો ઘણું થાય, પણ જીવન કરતાં એ વધુ જરૂરી નથીઃ પૂનમ પાંચાલ

મલાડમાં રહેતાં પૂનમ પાંચાલ મેકઓવર આર્ટિસ્ટ છે. તેમનું ક્ષેત્ર સાંભળીને કદાચ એવું લાગે કે  તેમને કૉસ્મેટિક્સ ખરીદવાનો શોખ હશે જે તેઓ મોટા પ્રમાણમાં ખરીદે જ છે પણ માત્ર તેમના પ્રોફેશનને કારણે, બાકી ખરો શોખ તો છે ઍન્ટિક વસ્તુઓ ખરીદવાનો. તેઓ કહે છે, ‘મને શૉપિંગ કરવું ખૂબ ગમે છે. મારાં ભાઈ-બહેન માટે અને પપ્પા માટે પણ હું ખરીદી કરું છું. ગિફ્ટ આપતી હોઉં છું. જ્યારે પણ મને ખબર પડે કે કોઈ સ્ટોરમાં નવી ઍન્ટિક અથવા મિનીએચર વસ્તુઓ મળે છે અથવા એનું ક્યાંય એક્ઝિબિશન લાગ્યું છે ત્યાં હું પહોંચી જાઉં છું અને નાની સાઇકલ, વૉચ, એકદમ નાના રમકડા જેવી વસ્તુઓ, જૂના જમાનામાં વપરાતી ઍન્ટિક વસ્તુઓ વગેરે. ક્યારેક મને નવાઈ લાગે છે કે એક ક્લિક કરો અને ખરીદી થઈ જાય અને બીજા ક્લિક પર પૈસા પણ અપાઈ જાય.’

અત્યારે તેમના શૉપિંગના શોખ પર તાળાં લાગી ગયાં છે ત્યારે પૂનમ કહે છે, ‘લૉકડાઉનના થોડા દિવસો પહેલાં જ મેં મારા ઘરમાં એમ કહ્યું કે કાશ આપણે પહેલાંથી જ આવી સાદી જિંદગી જીવતા હોત તો કેવું! જ્યાં આ  બધાની કોઈ જરૂર જ ન હોત અને બધું સરળતાથી ઉપલબ્ધ ન હોત તો દુનિયા કેવી રીતે ચાલત! સાચે જ લૉકડાઉનમાં લોકો પહેલાંની જેમ માત્ર જરૂરિયાતની વસ્તુઓ સાથે જ જીવી રહ્યા છે. મને ખરીદી કરવાનું મન થાય છે, બહાર જવાની ઇચ્છા પણ થાય છે છતાંય એવું લાગે છે કે આ બધું જીવન કરતાં વધારે જરૂરી નથી.

2. મહિનાના મુશ્કેલીથી બે કે ત્રણ દિવસ એવા હશે કે મેં કોઈ ખરીદી ન કરી હોય: કોકિલા શાહ

વાલકેશ્વરમાં રહેતાં અને પોતાની ફાર્માસ્યુટિકલ કંપની ચલાવતાં કોકિલા શાહ પોતાના ખરીદી કરવાના શોખ વિષે કહે છે, ‘મને એવું લાગે છે જાણે હું ખરીદી કરવા માટે જ બની છું. મને ઘણી વાર સપનામાં પણ રંગબેરંગી દુનિયા દેખાય. જાણે બધે વિશ્વમાં ખુશી જ છે. હું દરરોજ એક વસ્તુની ખરીદી તો કરું જ છું. ક્યારેક મોટી વસ્તુ તો ક્યારેક માત્ર હજાર રૂપિયાની વસ્તુ લાવું છું. કેટલા રૂપિયાનું લાવું એ મહત્ત્વનું નથી, પણ વસ્તુ અને એની પસંદગી મહત્ત્વની છે. એક વાત ચોક્કસ છે કે મહિનાના મુશ્કેલીથી બે કે ત્રણ દિવસ એવા હશે કે મેં કોઈ ખરીદી ન કરી હોય. હું ખરીદી માટે બહાર જાઉં ત્યારે મને વિવિધ વસ્તુઓની સુંદરતા, રંગો, સૌંદર્ય એની તરફ આકર્ષે છે. કપડાં, ઘરની શોભાની કોઈ વસ્તુ, રસોડાની કોઈ ઉપયોગી પણ સુંદર વસ્તુ આવી અનેકવિધ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. મને કોઈ એક વસ્તુ ખરીદવાનો શોખ છે એવું નથી અને હું  ફક્ત મારે માટે જ ખરીદી કરું છું એવું પણ નથી.’

કોકિલાબહેનને ઑનલાઇન ખરીદી કરવી ગમતી નથી, તેઓ જાતે બહાર જઈને જ વસ્તુઓ લાવવાનું પસંદ કરે છે. લૉકડાઉનના અનુભવ પછી હવે શું? એ વિશે તેઓ કહે છે, ‘છેલ્લા દોઢ મહિનાથી તો હું ઘરની બહાર ઘરનો સામાન ખરીદવા પણ નથી ગઈ. મારાં દીકરા-વહુ અને પતિ જાય છે. થોડું અઘરું લાગે છે, પણ હવે ક્યારેક વિચાર કરું તો લૉકડાઉન દરમ્યાન એમ થાય છે કે આટલી ખરીદી કરવાનો શો અર્થ? કદાચ બની શકે કે લૉકડાઉન ખૂલ્યા પછી અને બધું વ્યવસ્થિત ચાલવા લાગે પછી હું આટલું શૉપિંગ ન પણ કરું. હું આવું કહું તો મારા પતિને પણ નવાઈ લાગે છે અને સાચે જ ખાતરીપૂર્વક હું પણ આ વાત ન કહી શકું.’

3. ઓનલાઇન શૉપિંગ મારા માટે સ્ટ્રેસ-બસ્ટર છેઃ હિરલ સોલંકી, પવઈ

પવઈમાં રહેતાં આઇટી પ્રોફેશનલ હિરલ સોલંકી ઑનલાઇન શૉપિંગ કરવાનો શોખ ધરાવે છે. તેઓ કહે છે, ‘હું સંયુક્ત પરિવારમાં રહું છું અને મારાં બે નાનાં બાળકો છે. હું આઇટીના ક્ષેત્રમાં છું તેથી બહાર ફરીને ખરીદી કરવાનો નવરાશનો સમય મને મળતો જ નથી તેથી હું ઑનલાઇન ઍપ પરથી ખરીદી કરું છું. જરૂરિયાતની ખરીદીની વાત અલગ છે, પણ અન્ય ખરીદીઓ માટે હું કહીશ કે શૉપિંગ મારે માટે સ્ટ્રેસ-બસ્ટર છે. ઘણી વાર હું ગુસ્સામાં કે નારાજ હોઉં ત્યારે ફોન પર ઍપ ખોલીને બેસું અને ઍપમાં વસ્તુઓ જોઉં અને કાર્ટમાં નાખી ઑર્ડર કરી લઉં. એક વાર આવી જ રીતે મેં વીસ હજારની વસ્તુઓ મંગાવી લીધી અને પછી જ્યારે મૂડ બરાબર થયો ત્યારે સમજાયું કે આ મેં શું કર્યું?  જોકે ઑનલાઇન શૉપિંગનો એક ફાયદો છે કે વસ્તુઓ કૅન્સલ કરી શકાય અને રિટર્ન પણ કરી શકાય. આવું થયું ત્યારે મેં થોડા જ સમયમાં વસ્તુઓ કૅન્સલ કરી દીધી હતી.’

લૉકડાઉનમાં જરૂરી ચીજોની ખરીદીમાં પડતી તકલીફ વિશે હિરલ કહે છે, ‘શૉપિંગની વ્યક્તિગત પરિભાષા હોઈ શકે. મારાં બાળકો માટે કપડાં ખરીદવાની ખૂબ જરૂર છે, બાળકો ઘરમાં જ રહે છે તેથી બિસ્કિટ, ચૉકલેટ્સ, વેફર્સ આવી વસ્તુઓની માગ તેઓ તરફથી પહેલાં કરતાં વધારે જ હોય એ સ્વાભાવિક છે; કારણ કે તેમની પાસે કોઈ પ્રવૃત્તિ નથી. આ સિવાય પણ અન્ય ઘણી વસ્તુઓ મારે માટે જીવનજરૂરિયાતની જ છે જે કોઈ ઍપ કે માર્કેટની જીવનજરૂરિયાતની યાદીમાં નથી આવતી. શૉપિંગ માત્ર શોખ નથી, એ જરૂરિયાત છે એ સમજવું પણ ખૂબ જરૂરી છે.’

4. ખરીદવા કરતાં મૉલમાં ફરવું વધુ ગમતું: કાજોલ વજાણી

સીએનું ભણી રહેલી મલાડની કાજોલ વજાણીને શૉપિંગ કરવા કરતાં વધુ મજા મૉલમાં ફરવામાં આવે છે. તે કહે છે, ‘કપડાંની ખરીદી હું ઘણી કરું, પણ ઓવરઑલ હું શૉપિંગ કરવા પાછળ ક્રેઝી નથી. હા, મને જ્યારે પણ થોડીક નવરાશ મળે તો હું મૉલમાં ફરવા જાઉં, વસ્તુઓ જોઉં છું. હું પોસ્ટ-ગ્રૅજ્યુએટ છું અને સીએસ કરવા પહેલાં લેક્ચરર તરીકે પણ કામ કરતી હતી તો આવામાં ક્યારેક મગજને કોઈક નવીનતા આપવા માટે હું મૉલ જતી રહું. ત્યાં જાતજાતની ચીજો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય. લૉકડાઉનમાં મને ખાસ ફરક નથી પડતો. હું માનું છું કે પ્રકૃતિને ટકાવી રાખવા આ પણ જરૂરી છે અને તેથી જ આપણી દરેક પ્રવૃત્તિ પર થોડા સમય માટે પ્રતિબંધ લાગવો સ્વાભાવિક છે.’

5. મનપસંદ ચૉકલેટ્સ, ફ્રૂટ્સ અને ટોસ્ટ મિસ કરું છું: પૂનમ વડેરા

પાર્લા-જુહુ સ્કીમ પર રહેતાં વાસ્તુ-કન્સલ્ટન્ટ તથા ઍસ્ટ્રોન્યુમેરોલૉજિસ્ટ પૂનમ વડેરા ચૉકલેટનાં દીવાના છે. તેઓ કહે છે, ‘મને ચૉકલેટ્સ ખાવાનો અને ખરીદવાનો જબરો શોખ છે. મારા ઘર પાસે એવા સ્ટોર્સ છે જ્યાં હાઈ ક્વૉલિટી અને ઇમ્પોર્ટેડ ચૉકલેટ્સ મળે છે. મેં લૉકડાઉન જાહેર થતાં જ ઘણી ચૉકલેટ્સ લાવીને રાખી હતી, પણ મને અંદાજ નહોતો કે હું ઘરમાં રહીશ તો આ ચૉકલેટ્સ અઠવાડિયામાં કે દસ દિવસમાં જ પૂરી થઈ જશે અને પછી ક્યાંય મળશે જ નહીં. આવી જ રીતે મને બેબી ઑરેન્જિસ, ડ્રૅગન ફ્રૂટ, વાઇન ગ્રેપ્સ જેવાં અવનવાં ફળોની ખરીદી કરવાની પણ આદત છે. આ સિવાય મારા ઘરની નજીક એક દુકાન છે ત્યાંના કાજુ ટોસ્ટ મને ખૂબ જ ભાવે છે. આવતાં-જતાં હું લઈને આવતી, પણ લૉકડાઉનને કારણે એ ઉપલબ્ધ નથી. બીજી જગ્યાના ટોસ્ટ મને ભાવતા નથી. મને આવી બધી વસ્તુઓ ખૂબ ગમે છે અને હું ખરીદું છું. મારું નાનપણ કાંદિવલીમાં ગયું છે અને આજે પણ મને યાદ છે કે સૌથી પહેલો મૉલ બોરીવલીનો ઇન્દ્રપ્રસ્થ હતો. હું ત્યાં ખરીદી કરવા જતી હતી. ત્યાં એકમાત્ર સ્ટોર હતો જેમાં ફક્ત બ્લૅક ઍન્ડ વાઇટ કપડાં મળતાં હતાં. મારા કામને કારણે મુંબઈની ઘણી જગ્યા મને ખબર છે તેથી પ્રવાસમાં મનગમતી વસ્તુઓનું શૉપિંગ કરવું મારે માટે નવાઈ નથી, પણ હવે લૉકડાઉનમાં આમાંનું કશું જ નથી થઈ શકતું.’ 

6. લૉકડાઉન ખૂલતાં જ પહેલાં ખરીદી કરવા જઈશઃ મીના જાની

કાંદિવલીના મીના જાની એક ગૃહિણી છે. તેમને  બંગડીઓની ખરીદી કરવાનો ખૂબ શોખ છે. મીનાબહેન કહે છે, ‘જો હું તમારા હાથમાં એવી બંગડીઓ જોઉં કે જે મને ખૂબ ગમી જાય તો ગમે ત્યાંથી હું મારે માટે એવી બંગડીઓ શોધીને લઈ આવું. રંગબેરંગી બંગડીઓની ખરીદી એ મારો પહેલો શોખ છે અને બીજો શોખ છે કપડાંનો અને અન્ય વસ્તુઓની ખરીદીનો. હું ભારતમાં વિવિધ સ્થળે તથા દુબઈમાં ફરવા ગઈ છું. મારા ફરવા જવા પાછળનું કારણ ખરીદી કરવાનું હોય છે. મારી ભાભીઓ પણ જ્યારે મારે ઘરે આવે ત્યારે પહેલાં અમે ખરીદી માટે જઈએ છીએ. લૉકડાઉનમાં પણ હું નવાં કપડાં પહેરીને રહું છું. લૉકડાઉન ખૂલે કે પહેલાં ખરીદી કરવા જઈશું.’

indian food columnists bhakti desai