સોમનાથની પવિત્ર ભૂમિ નીચે ધરબાયો છે પૌરાણિક સુવર્ણકાળ

10 January, 2021 04:35 PM IST  |  Mumbai | Shailesh Nayak, Rashmin Shah

સોમનાથની પવિત્ર ભૂમિ નીચે ધરબાયો છે પૌરાણિક સુવર્ણકાળ

કારતક પૂનમે રાતે ૧૨ વાગ્યે જોવા મળતું અલૌકિક દૃશ્ય, જેમાં ચંદ્ર, સોમનાથ મંદિરના શિખરની બરોબર ટોચ પર જોવા મળે છે

ભોળા શંભુની આ ઐતિહાસિક નગરીની પવિત્ર ભૂમિ પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-ગાંધીનગરના પુરાતત્ત્વવિદો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સોમનાથ મંદિર નજીક આવેલી જમીન નીચે ત્રણ માળની ઇમારત અને બૌદ્ધ ગુફાઓનાં નિશાન પણ જોવા મળ્યાં છે. પુરાતત્ત્વ વિભાગે તાજેતરમાં ૩૨ પાનાંનો રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને સોંપ્યો છે. આ રિપોર્ટમાં શું છે એ જાણીએ અને ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મહાદેવના મંદિરની ભૂમિના પૌરાણિક ઇતિહાસની કેટલીક વાતોને વાગોળીએ...

‘સોમનાથની જે સોઇલ એટલે કે માટી છે એ માટીમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ મળતાં એકાદ વર્ષ પહેલાં તપાસનો આદેશ આપવામાં આવ્યો, એ તપાસમાં જે કંઈ આવ્યું છે એના આધારે એટલું કહી શકાય કે જમીનમાં ઓછામાં ઓછા પંદર મીટર અંદર સુધી કોઈ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર માત્ર મંદિર પાસે જ નહીં, પ્રભાસપાટણમાં અન્ય પણ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારમાં સિગ્નલ્સ મળ્યા છે, જે દેખાડે છે કે આ આખા વિસ્તારનો એક વિશિષ્ઠ પ્રકારનો કોઈ ઈતિહાસ છે’

ઇન્ડિયન ઇન્સિટ્યુટ ઓફ ટેકનોલોજી અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવેલી ટીમના એક મેમ્બર ‘મિડ-ડે’ સાથે ઓફ ધી રેકોર્ડ વાત કરતાં કહી રહ્યા છે. બાવીસ દિવસ સુધી એકધારા ચાલેલા આ સર્વેના રીપોર્ટને પેપર પર લેવાનું કામ કરનારા આ ઓફિસર કહે છે, ‘પ્રભાસ પાટણમાં કુલ ચાર જગ્યાએ સર્વે થયો છે અને એ ચારેચાર જગ્યાએ કોઈને કોઈ પ્રકારના સેમ્પલ્સના મળ્યા છે જે પુરવાર કરી શકે છે કે આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવે તો અનેક પ્રકારના ઇતિહાસના આંખો દેખ્યા પુરાવાઓ પણ મળી

શકે છે.’

જેમનું નામ જપતાં જ શાંતિનો અહેસાસ થાય છે, જેમના સ્મરણથી આધી, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે એવા દેવાધિદેવ મહાદેવ જ્યાં સાક્ષાત્ બિરાજમાન છે એ સૌરાષ્ટ્રની ભૂમિ પર આવેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ હમણાં ચર્ચામાં આવ્યું છે. હા, કેમ કે ભોળા શંભુની આ ઐતિહાસિક–પૌરાણિક નગરીની પવિત્ર ભૂમિ પર સોમનાથ મંદિર નજીક આવેલી જમીન નીચે સ્ટ્રક્ચર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ વિગતો બહાર આવી છે અને શ્રી સોમનાથ ટ્રસ્ટને એનો રિપોર્ટ આપ્યો છે. સર્ચ દરમ્યાન નિષ્ણાતોને એવાં વાઇબ્રેશન મળ્યાં છે કે આ પવિત્ર ભૂમિ નીચે કંઈક છે. કહેવાય છે કે આ રિપોર્ટ તો હજી શરૂઆત છે, પણ અહીં પૌરાણિક સંસ્કૃતિની ધરબાયેલી રસપ્રદ ચીજો મળી શકે છે. જ્યારે આ મુદ્દે સંશોધન થશે અને ખોદકામ થશે ત્યારે કદાચ સોમનાથનો એ પૌરાણિક સુવર્ણકાળનો ભવ્ય ભૂતકાળ આપણી સમક્ષ ઊભરીને આવી શકે છે અને એ પછી સોમનાથ મંદિરને જોવાનો નજરિયો બદલાઈ શકે છે.

સોમનાથનો ભવ્ય પૌરાણિક ભૂતકાળ છે, જ્યાં નટખટ નંદકિશોર અને મર્યાદા પુરુષોત્તમે તેમનાં પાવન પગલાંથી ભૂમિને પવિત્ર-પલ્લવિત કરી છે. ૧૨ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ અને આદ્ય જ્યોતિર્લિંગની જ્યાં સ્થાપના થઈ છે એ હિરણ, સરસ્વતી અને કપિલા નદીઓનો જ્યાં સાગર સાથે સંગમ થાય છે એવી અલૌકિક દિવ્ય ભૂમિ પર ભાવિકોને દિવ્ય દર્શનથી ભોળા શંભુ સોમનાથ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે એવું પ્રભાસ પાટણ સોમનાથના ઇતિહાસનું એક આગવું મહત્ત્વ છે. જો વાત સાચી હોય તો આ વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધન કરાવવાની પહેલી મહેચ્છા નરેન્દ્ર મોદી સમક્ષ કે.કા.શાસ્ત્રીએ મૂકી હતી. જોકે એ સમયે નરેન્દ્ર મોદી માત્ર સંઘ સાથે જોડાયેલા હતાં. હવે જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે અને તેમને ભારતીય સંસ્કૃતિની ખોજ, જતન અને સંવર્ધનમાં ઊંડો રસ પડતો હોવાથી અને પૌરાણિક વાતોને શ્રદ્ધેય ભાવથી જોતાં હોવાથી તેમણે જ ૨૦૧૭માં પહેલ કરીને આ પ્રાચીન નગરની આસપાસની ભૂમિમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવાનું સૂચન કરેલું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-ગાંધીનગરના આર્કિયોલૉજિસ્ટ્સ અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વે હાથ ધરાયો અને પ્રભાસ પાટણ – સોમનાથની આ પવિત્ર ભૂમિ નીચે કદાચિત કંઈક ઇતિહાસ ધરબાયો હોવાના સંકેત મળ્યા છે. પુરાતત્ત્વવિદોને એવું લાગી રહ્યું છે કે સોમનાથ મંદિર પાસેની ભૂમિમાં ચોક્કસ જગ્યાએ ત્રણ માળની ઇમારત હોવી જોઈએ. અમુક ભાગોમાં તો બૌદ્ધ ગુફાઓ હોવાની સંભાવના પણ જતાવાઈ રહી છે.

અલબત્ત, આ હજી ખૂબ પ્રાથમિક તબક્કાની વાત છે. સોમનાથ નીચે ઇતિહાસ છે તો કયા કાળનો અને કેવા પ્રકારનો એનો જવાબ તો ભવિષ્યમાં જ મળશે પણ એ મુદ્દે વાત શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી ‘મિડ-ડે’ને કહે છે, ‘સર્ચ થયું છે અને જમીન નીચે કૅવિટી છે. લગભગ ૩૦ ફુટનું સ્ટ્રક્ચર છે. એ રિપોર્ટ આઇઆઇટી-ગાંધીનગરે તૈયાર કર્યો છે, જેનું મૂલ્યાંકન કરીશું. આ મુદ્દે પુરાતત્ત્વ વિભાગ સાથે ચર્ચા ચાલે છે તેમ જ બેઠક પણ કરી છે. આમેય આ ભૂમિ દરિયાકાંઠે જમીનનું પૂરણ કરીને બની છે એટલે અહીં મૂર્તિઓ પણ નીકળતી રહે છે. થોડા સમય પહેલાં સૂર્ય ભગવાનની મૂર્તિ મળી આવી હતી.’

હવે આ રિપોર્ટના આધારે કઈ રીતે ખોદકામ આગળ વધારવું એ પણ બહુ મોટો સવાલ છે. આ પૌરાણિક ભૂમિની નીચે હકીકતમાં કયું રહસ્ય છે એ વિશે તો આવનારા સમયમાં જાણવા મળશે. પી. કે. લહેરીની વાતમાં સૂર પુરાવતાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજય સિંહ ચાવડા ‘મિડ-ડે’ને કહે છે, ‘મંદિર ટ્રસ્ટ દ્વારા આઇઆઇટીના પ્રોફેસર પાસે સર્વે કરાવ્યો હતો, જેથી ખ્યાલ આવે કે જમીન નીચે શું છે. આ સર્વે કરાયો હતો એમાં જે સ્ટ્રક્ચર દેખાયું છે એ સોમનાથ મંદિર પરિસરમાં નથી, પણ મંદિરની સામે સરદાર પટેલની પ્રતિમાથી અહિલ્યાબાઈ મંદિરના વચ્ચેના ભાગમાં જમીન નીચે દીવાલ મળી આવી છે એ બાબતનો રિપોર્ટ આપ્યો છે. ૧૧ જાન્યુઆરીએ એટલે કે આવતી કાલે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળશે એમાં આ રિપોર્ટ બાબતે ચર્ચા થશે. પ્રભાસ પાટણ વર્ષોજૂનું છે એટલે કોઈ પણ જગ્યાએ ખોદકામ થાય તો કંઈક અનોખું અને વિશિષ્ટ મળી આવતું હોય છે.’

જો વાત સાચી માનો તો ઈતિહાસકારો કહે છે કે સોમનાથ મંદિરની આગળ આજે જ્યાં દરિયો છે ત્યાં પહેલાં દરિયો નહોતો પણ એક સમયે એ આખો નગર વિસ્તાર હતો. આ વાતની સાથોસાથ એ પણ પુરવાર થયું છે કે સોમનાથ અને દ્વારકાનો ઈતિહાસ સમયાંતરે સાથે ચાલનારો છે. કૃષ્ણે પણ દ્વારકા છોડીને આ વિસ્તારમાં આવીને દેહત્યાગ કર્યો હતો, જે દર્શાવે છે કે એ સમયે આ વિસ્તારની હયાતી હતી. જો આ જ વાતના અન્ય પુરાવાઓ પણ સાંપડે તો દ્વારકાની જેમ જ સોમનાથ પાસેથી પણ સમુદ્રમાં ગરક થઈ ગયેલાં કહેવાતા નગરના પણ પુરાવાઓ મળી શકે છે. જુનાગઢના ઈતિહાસકાર જી.કે.સરવૈયા કહે છે, ‘પ્રભાસપાટણ પછી હવે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે સ્વતંત્રપણે એ વિસ્તારના સાગરકાંઠામાં સર્વે કરવો જોઈએ. અગાઉ પણ અનેક વખત આ વિસ્તારમાંથી મૂર્તિઓ મળી છે, જે પુરવાર કરે છે કે અત્યારના સોમનાથની નીચે એક સોમનાથ છે.’

ભારતની એકતા અને અખંડિતતાના પ્રહરી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો ત્યાર બાદ સોમનાથ મંદિરનો પાયો નખાયો એ સમયના સાક્ષી એવા ૮૦ વર્ષના ઇતિહાસકાર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જીવણભાઈ પરમાર સોમનાથ–પ્રભાસ પાટણની ધરતીમાં શું ધરબાયેલું છે એ માટે કરવામાં આવેલા સર્વેની માંડીને વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક મળી હતી એમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે ‘અમદાવાદને જો વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન મળ્યું તો આ પ્રભાસ-પાટણ અને સોમનાથ ઘણું પ્રાચીન નગર છે. ત્યાં તપાસ કરવી જોઈએ. જોકે ત્યાર બાદ ૨૦૧૭ની ૨૬ જૂને પ્રભાસ પાટણ–સોમનાથમાં સર્વે કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની આઇઆઇટીના બે નિષ્ણાતો અને બે સહાયકોએ કરેલા સર્વેમાં હું પણ તેમની સાથે હતો. સાંજે ચાર વાગ્યાથી લઈને રાતે બે વાગ્યા સુધી ચાર સ્થળોએ સર્વે કર્યો હતો. પહેલાં ગીતામંદિર સામે હિરણ નદીના કાંઠે, સરદાર પટેલની પ્રતિમાથી અહિલ્યાબાઈ મંદિર વચ્ચેની ખુલ્લી જમીન પર, એની પાસે પોલીસ જ્યાં યાત્રિકોનું ચેકિંગ કરે છે એ જગ્યાએ અને પ્રભાસ પાટણ વેરાવળ બાયપાસ પાસે બૌદ્ધ ગુફાઓ છે ત્યાં તપાસ હાથ ધરી હતી. આ નિષ્ણાતો તેમની સાથે જમીનની અંદર ૧૦થી ૧૨ મીટર સુધી શું છે એ દર્શાવી શકે એવા આધુનિક જીપીઆર મશીન લઈને આવ્યા હતા અને એના દ્વારા સ્કૅન કરવામાં આવ્યું હતું.’

જમીનની અંદર કંઈક છે કે નહીં એની વાત કરતાં પ્રો. જીવણભાઈ પરમાર કહે છે, ‘તપાસ દરમ્યાન એવી પ્રતીતિ થઈ કે સરદાર પટેલની પ્રતિમાથી અહિલ્યાબાઈ મંદિર સુધી વચ્ચે જે ખુલ્લી જમીન છે ત્યાં જમીનની અંદર ત્રણ માળ છે. પોલીસ જ્યાં ચેકિંગ કરે છે એ જગ્યા જે જૂનું ચક્રતીર્થ કે ચક્કરિયું તરીકે ઓળખાતુ ત્યાં એલ આકારનું સ્ટ્રક્ચર છે. વેરાવળ બાયપાસ પાસે જ્યાં બૌદ્ધ ગુફાઓ છે ત્યાં વાઇબ્રેશન વધુ આવે છે એટલે ત્યાં જમીનની અંદર કોઈક ધાતુની પ્રતિમા હોય એવી સંભાવના છે. હવે ખોદકામ થાય પછી ખરો ખ્યાલ આવે કે જમીનની અંદર ખરેખર શું છે.’

સર્વેમાં સામે આવેલી વિગતોએ ભારે ઉત્કંઠા જગાવી છે કે જમીનની અંદર શું હશે. સોમનાથ – પ્રભાસ પાટણની ધરતીમાં શું ઇતિહાસ છુપાયો છે એ જાણવાની ઇંતેજારી પણ વધુ રોમાંચિત કરી મૂકે છે ત્યારે દેવાધિદેવ મહાદેવ સોમનાથ ભગવાનની પવિત્ર ભૂમિમાંથી કંઈક તો શુભત્વ મળી રહેશે જ એવી આશા અસ્થાને નહીં ગણાય. ચાલો ત્યારે દાદાને યાદ કરીને બોલીએ જય સોમનાથ. હર હર મહાદેવ.

સંશોધન કઈ રીતે થયું?

સોમનાથ અને પ્રભાસ પાટણના કુલ ચાર વિસ્તારમાં એટલે કે ગોલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર, સરદાર પટેલની પ્રતિમા પાસે અને એક બૌદ્ધ ગુફામાં જીપીઆર (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. આઇઆઇટી-ગાંધીનગરના એક્સપર્ટ્સની દેખરેખમાં પાંચ કરોડ રૂપિયાની મશીનથી આ ચાર વિસ્તારોમાં ખોજ કરવામાં આવી હતી. સાથે હેવી મેટલ ડિટેક્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમીન નીચેની જે વાઇબ્રેશન્સ મળ્યાં એના પરથી રિપોર્ટ તૈયાર થયો હતો. સોમનાથ મંદિર પાસેની જગ્યામાં એક માળ અઢી મીટર, બીજો માળ પાંચ મીટર અને ત્રીજો માળ સાડા સાત મીટરની ઊંડાઈ પર છે. અત્યારે જ્યાં દર્શનાર્થીઓનું સિક્યૉરિટી ચેક કરવામાં આવે છે એની નીચે ભૂમિગત અંગ્રેજીના એલ શેપનું નિર્માણ છે.

શું મળી શકે છે જમીનમાંથી?

સોમનાથ કે પછી પ્રભાસ પાટણના ભૂતળની વાત કરતાં પહેલાં એક વાતની ચોખવટ કરવાની કે જે ગ્રાઉન્ડ પૅનિટ્રેટિંગ રડારનો ઉપયોગ સર્વે માટે કરવામાં આવ્યો છે એના રિઝલ્ટ પર કોઈ જાતની શંકા આજ સુધી થઈ નથી. હવે વાત કરીએ સોમનાથના ભૂતળમાં જોવા મળતાં સૅમ્પલ્સ શું હોય શકે છે. અનેક પ્રકારની સંભાવના જોવામાં આવે છે જે પૈકીની એક સંભાવના છે, સલ્ફર વૉલની. દરિયા કિનારે રહેલી જમીનમાં ક્ષારના કારણે એક વિશિષ્ઠ પ્રકારની વૉલનું કુદરતી નિર્માણ થતું હોય છે, બની શકે કે સોમનાથમાં જોવા મળેલું ત્રણ માળની ઊંચાઈ ધરાવતું સ્ટ્રક્ચર એ જ પ્રકારની વૉલ હોય.

બીજા નંબરની સંભાવના એવી માનવામાં આવે છે કે સાચા અર્થમાં સોમનાથ નીચે પૌરાણિક સોમનાથ જોવા મળે અને એક નવી જ સંસ્કૃતિ મળી આવે. આ બીજી શક્યતા સૌ કોઈને વધારે રોમાંચિત કરી દે એવી છે. જો એવું બન્યું તો પ્રભાસ પાટણમાં રહેલાં એ આખા નગરને અકબંધ રીતે બહાર કાઢવામાં આવે એવી પણ શક્યતા જોવામાં આવે છે. જોકે એવું કરતાં પહેલાં હજુ પણ અન્ય અલ્ટ્રામૉર્ડન મશીન મૂકીને વધારે ઊંડાઈ સુધીનો સર્વે કરવામાં આવે એવી શક્યતા વધારે મજબુત છે. એ સેકન્ડ રિપોર્ટ પછી પુરાતત્ત્વવિભાગ ખોદકામ માટેની સ્ટ્રૅટેજી પર કામ કરે એવું બની શકે છે.

આજથી બરાબર ૯૯૫ વર્ષ પહેલાં મહમૂદ ગઝનવીએ ભલે સોમનાથ લૂંટ્યું, પણ ગઝની પ્રદેશમાં આક્રંદ થઈ ગયો

ઇન્ટ્રોઃ સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસનાં પાનાં ખોલે છે ઇતિહાસકાર પ્રો. જીવણભાઈ પરમાર

સોમનાથ મંદિરની જાહોજલાલીની વાત સાંભળીને અફઘાનિસ્તાનથી સોમનાથ મંદિર લૂંટવા નીકળેલો મહમૂદ ગઝનવી લગભગ ૯૯૫ વર્ષ પહેલાં સોમનાથ આવ્યો. ભલે તેણે સોમનાથ મંદિર લૂંટ્યું, પણ એનો શ્રાપ ગઝનવીએ ચૂકવવો પડ્યો કેમ કે તે પાછો ગઝની પ્રદેશમાં પહોંચ્યો ત્યારે આક્રંદ થઈ ગયો હતો અને ઘરે-ઘરે રોકકળ મચી ગઈ હતી.

સોમનાથ મંદિરના સુવર્ણ ઇતિહાસનાં પાનાં ખોલીને સોમનાથના ભવ્ય ભૂતકાળની યાદ અપાવવાની સાથે મહમૂદ ગઝનવીની હકીકતો પર પણ પ્રકાશ પાડતાં ઇતિહાસકાર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જીવણભાઈ પરમાર ‘મિડ-ડે’ સમક્ષ દાવો કરતાં કહે છે, ‘મહમૂદ ગઝનવીએ ૧૬ વખત સોમનાથ પર ચડાઈ કરી હતી એવું કહેવાઈ રહ્યું છે, પણ એવું નથી. સોમનાથ પર તેણે ફક્ત એક જ વખત ચડાઈ કરી છે, બાકી ૧૬ વખત તો તેણે ઉત્તર ભારતના બનારસ સહિતનાં મંદિરો પર ચડાઈ કરી હતી. સોમનાથ મંદિરની બહુ સંપત્તિની પ્રશંસા તેણે સાંભળી હતી. તેને સંપત્તિમાં રસ હતો એટલે પહેલાં તેણે સોમનાથ મંદિરની તપાસ કરાવી હતી. ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં આવેલા ગઝની પ્રાંતમાંથી તે એક લાખ માણસોનું લશ્કર લઈને સોમનાથ પર ચડાઈ કરવા નીકળ્યો હતો. તેને એમ લાગતું હતું કે રસ્તામાં મારે બીજા રાજાઓનો પણ સામનો કરવો પડશે જેથી જો યુદ્ધ થાય અને માણસો મરી જાય તો સોમનાથ સુધી પહોંચવામાં વાંધો ન આવે. આમ તો માળવા થઈને સીધો રસ્તો સોમનાથ આવે, પરંતુ માળવાના રાજા બાહોશ હોવાથી સિદ્ધપુર–પાટણનો રસ્તો પકડીને તે સોમનાથ આવ્યો હતો જેથી રસ્તામાં કોઈ આડે ન આવે. ૧૦૨૬ની ૬ જાન્યુઆરીએ ગુરુવારે તે લશ્કર સાથે સોમનાથ આવી પહોંચ્યો હતો. ચાર દિવસ સુધી લડાઈ ચાલી હતી અને મંદિરમાં પ્રવેશીને શિવલિંગ તોડીને લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ તે સોમનાથમાં થોડા દિવસ રોકાયો હતો અને પછી તેના વતન જવા નીકળ્યો હતો.’

ભલે મહમૂદ ગઝનવી બાહોશ હોવાનું કહેવાય છે, પણ તે હિન્દુ રાજાઓથી ગભરાતો હતો એટલે સોમનાથ મંદિર લૂંટાયા બાદ તે રણના રસ્તે અફઘાનિસ્તાન ગયો હતો એની રસપ્રદ વાત કહેતાં જીવણભાઈ કહે છે, ‘સોમનાથ મંદિર લૂંટ્યા પછી હિન્દુ રાજાઓ પીછો કરશે એવી બીક મહમૂદ ગઝનવીને લાગી હતી એટલે તેણે રણનો રસ્તો પકડ્યો હતો અને રાજસ્થાન થઈને અફઘાનિસ્તાન તરફ ગયો હતો. રણમાં ભૂખ અને તરસથી તેના ઘણા સૈનિકો મરી ગયા હતા. લૂંટનો સામાન પશુઓ પર મૂક્યો હતો એમાંથી ઘણાં પશુઓ મરી જતાં ખજાનો લઈ જવો મુશ્કેલ બનતાં રણમાં ઘણો ખજાનો દાટી દીધો હતો. રણમાં એ કયો માર્ગ હતો જ્યાં ખજાનો દાટી દીધો છે એને લોકો આજે પણ શોધી રહ્યા છે.’

પાપનાં કર્મોની સજા તમારે ભોગવવી જ પડે છે એવું કહેવાય છે ત્યારે મહમૂદ ગઝનવીના કિસ્સામાં પણ કંઈક એવું જ બન્યું હતું એની વાત કરતાં જીવણભાઈ કહે છે, ‘એક લાખ માણસોનું લશ્કર લઈને અફઘાનિસ્તાનથી નીકળેલો મહમૂદ ગઝનવી જ્યારે ગઝની પાછો પહોંચ્યો ત્યારે તેની સાથે બાવીસ માણસો રહ્યા હતા. ગઝની પ્રાંતમાં થોડા માણસો સાથે તેણે પ્રવેશ કર્યો ત્યારે ઘરે-ઘરે રોકકળ મચી ગઈ હતી. આખા પ્રદેશમાં આક્રંદ થઈ ગયો હતો, કેમ કે લશ્કરમાં જોડાયેલા મોટા ભાગના સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં જેથી ઘરે-ઘરે રોકકળ મચી ગઈ હતી. સોમનાથ પર ચડાઈ કર્યા પછી ખુદ મહમૂદ ગઝનવી ૬ મહિના જ જીવી શક્યો હતો. ભૂખ અને તરસની અસર તેના પર થઈ હતી. ઈશ્વરે તેને યાદ દેવડાવી દીધું અને તેને કુદરતી ન્યાય મળ્યો. સંપત્તિ લૂંટવાનો શોખીન હતો એટલે જે હેતુ માટે તેણે સોમનાથ પર ચડાઈ કરીને ખજાનો લૂંટ્યો તો ખરો, પણ એ તેને કામ ન આવ્યો.’

આજે આપણે સોમનાથ ભગવાનનું ભવ્ય મંદિર જોઈ શકીએ છીએ એ સરદાર વલ્લભભાઈ પટેલને આભારી છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો પાયો નખાયો ત્યારના સાક્ષી અને સરદાર પટેલ અહીં આવ્યા હતા ત્યારે તેમને નજરોનજર જાનારા જીવણભાઈ સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણોની વાત કરતાં કહે છે, ‘મહમૂદ ગઝનવીએ સોમનાથ પર એક વખત ચડાઈ કરી એની ભારે ચર્ચા થઈ હતી અને એ પછી સોમનાથ મંદિર પર ૬થી ૭ વખત વિધર્મી આક્રમણ થયાં. મોહમ્મદ ઘોરી, મોહમ્મદ બેગડા, મુઝફ્ફર શાહ સહિતનાઓએ સોમનાથ પર ચડાઈ કરી. જાણે કે નામના મેળવવા એક ચીલો થઈ ગયો કે સોમનાથ પર ચડાઈ કરવાથી નામના થશે. ત્યાર બાદ ઔરંગઝેબના કહેવાથી ૨૦૦ વર્ષ સુધી મંદિરમાં પૂજાપાઠ થયાં નહીં, પરંતુ ત્યાર પછી મહારાણી અહિલ્યાબાઇ હોળકરે ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી અને સોમનાથના નામે પૂજા ચાલુ રાખી હતી.’

પૌરાણિક કાળમાં સોના–ચાંદી અને હીરા–માણેકથી શોભતા સોમનાથ મંદિરના અખૂટ ખજાનાની દિલચશ્પ વાત કરતાં જીવણભાઈ કહે છે, ‘સોમનાથ મંદિરમાં પુષ્કળ સોનું હતું. એક સોનાનો ઘંટ હતો એને લટકાવવા માટે ૨૦૦ મણ સોનાની સાંકળ હતી તો વિચારો કે મંદિરમાં કેટલુંબધું સોનું હશે. એ સમયે સોમનાથ મંદિર લાકડાનું હતું. મંદિરના થાંભલા પર સોનાનાં પતરાં જડાતાં હતાં અને એમાં હીરા–માણેકનું જડતર હતું. મંદિરનાં સાધન-સામગ્રી તેમ જ અભિષેકનાં વાસણો પણ સોનાનાં હતાં જેની કિંમત આંકવી મુશ્કેલ છે.’

સોમનાથ મંદિરની જાણવા જેવી ઐતિહાસિક વાતો

૦ સોમનાથની પ્રભાસ તીર્થદર્શન માહિતી પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પ્રાગૈતિહાસિક કાળમાં સોમનાથ મંદિર બન્યું હતું, જે ઐતિહાસિક યુગમાં પણ પુનઃ નિર્માણ પામતું રહ્યું. કહેવાય છે કે સોમનાથ મંદિરનું સાત વખત પુનઃ નિર્માણ થયું છે.

૦ મહારાજ કુમારપાળે પણ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

૦ આપણાં શાસ્ત્રો, વેદ અને પુરાણોમાં સોમનાથ મંદિરને લઈને અનેક પૌરાણિક વાતોનો ઉલ્લેખ જોવા મળે છે.

૦ ૧૯૪૭ની ૧૨ નવેમ્બરે ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા દિગ્વિજયસિંહ (જામસાહેબ), શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓ સોમનાથ આવ્યા હતા ત્યારે મંદિરની દશા જોઈને સરદાર પટેલે હાથમાં દરિયાનું પાણી લઈને સોમનાથ મંદિરનું નવનિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો.

૦ ૧૯૪૭ની ૧૩ નવેમ્બરે બેસતા વર્ષના દિવસે જાહેર સભા યોજાઈ હતી અને એમાં સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની વાત કરીને સોમનાથ મંદિરની પુનર્રચનાની યોજનાની જવાબદારી ક. મા. મુનશીને સોંપી હતી.

૦ મહાત્મા ગાંધીજીએ સરદાર પટેલને કહ્યું હતું કે પ્રજા પોતે જ આ કાર્ય વિશેનો ખર્ચ સંપૂર્ણ વહન કરે એ વાજબી ગણાશે એટલે સરદાર પટેલે ગાંધીજીની વાત સ્વીકારીને શ્રી સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

૦    ૧૯૫૦ની ૧૯ એપ્રિલે સૌરાષ્ટ્રના એ સમયના મુખ્ય પ્રધાન યુ. એન. ઢેબરે ભૂમિપૂજન કર્યું હતું. ૧૯૫૦ની ૮મી મેએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહે નવા મંદિરની શિલારોપણવિધિ કરી હતી. ૧૯૫૧ની ૧૧ મેએ શુક્રવારે ભારતના એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ દ્વારા સોમનાથના શિવલિંગની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.

૦ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના કાર્યમાં મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહનો ફાળો પણ અમૂલ્ય છે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ પણ હતા. તેમની સ્મૃતિમાં રાજમાતા ગુલાબકુંવરબાએ મંદિરના કલાત્મક દ્વારનું નિર્માણ કરાવી એનું નામ દિગ્વિજય દ્વાર આપ્યું હતું. ૧૯૭૦ની ૧૯ મેએ સત્ય સાંઈબાબાએ દિગ્વિજય દ્વારની ઉદ્ઘાટનવિધિ કરી હતી.

૦ જેમના સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું એ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની કાંસાની પ્રતિમા સોમનાથ પરિસરમાં મૂકવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે દિગ્વિજય દ્વારની પાર થઈને સોમનાથ મંદિરના પ્રવેશદ્વારથી સીધી નૃત્યમંડપ અને સભામંડપ પાર કરીને ગર્ભગૃહમાં આવેલા ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગનું સરદાર પટેલની આંખો દર્શન કરી શકે એ રીતે સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે. ૧૯૭૦ની ૪ એપ્રિલે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજે કર્યું હતું.

૦ સોમનાથ મંદિરના આ પુનઃનિર્મિત મંદિરને કૈલાશ મહામેરુપ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે. સોમનાથ મંદિરની ઊંચાઈ ૧૫૫ ફુટ છે. એના પર ૩૧ ફુટનો ધ્વજદંડ છે. મંદિર ૯ માળનું છે. મંદિરના મુખ્ય શિખર પર ૧૦ ટન વજનનો કળશ છે.

૦ સોમનાથ મંદિરની દક્ષિણે સમુદ્રકિનારે એક સ્તંભ છે જેના પર પૃથ્વીનો ગોળો અને તીરનું નિશાન છે એ એમ દર્શાવે છે કે સોમનાથ શિવલિંગના સ્થાનેથી દક્ષિણધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ છે. અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર અને દક્ષિણ ધ્રુવસાગરમાં વચ્ચે ક્યાંય જમીન આવતી નથી. માત્ર પાણી જ છે. આ સ્થાનનું આવું ભૌગોલિક મંહત્ત્વ છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં સમુદ્ર જળ લઈને સોમનાથના નવનિર્માણનો સંકલ્પ લીધો હતો. તેમની યાદમાં આ ઘાટને વલ્લભ ઘાટ નામ આપવામાં આવ્યું છે. અહીંથી સૂર્યાસ્તનાં દર્શન કરવાનો એક લહાવો છે.

૦ દર વર્ષે કારતક માસમાં કારતક પૂનમે રાતે ૧૨ વાગ્યે ચંદ્ર, સોમનાથ મંદિરના શિખરની બરોબર ટોચ પર જોવા મળે છે. આ એક ભૌગોલિક આશ્ચર્યજનક ઘટના છે. જાણે સોમનાથ મહાદેવના મસ્તક પર ચંદ્ર બિરાજમાન હોય એવું અલૌકિક દૃશ્ય સર્જાય છે.

columnists shailesh nayak Rashmin Shah