ખારેકને નડશે ખારાશ

14 July, 2020 07:05 PM IST  |  Kutch | Mavji Maheshwari

ખારેકને નડશે ખારાશ

રણનું ફળ ગણાતી ખારેક કચ્છની ઓળખ છે. કોઈ સમયે માત્ર મુન્દ્રાની આસપાસ થતી ખારેકનું હવે અંજાર અને ભુજ તાલુકામાં પણ વ્યવસાયિક ધોરણે ઉત્પાદન થવા માંડ્યું છે. આ એક એવું ફળ છે જેની ખેતી જોખમી છે. હવામાનમાં આવતા પલટાઓ અને વહેલો વરસાદ આ ફળના ઉત્પાદક માટે જોખમી નીવડે છે. મોટા ભાગનાં ફળનું ફલિનીકરણ પવન દ્વારા થતું હોય છે, જ્યારે ખારેકના નરનાં ફૂલ માદાનાં ફૂલ પર નાખવાની ક્રિયા ખેડૂતે કરવી પડે છે. વળી, આ ફળનાં વૃક્ષની પાણીની અધિક ખપત કચ્છના ભૂગર્ભ જળ હાલમાં માંડ પૂરી કરી શકે છે. કચ્છના તટીય વિસ્તારમાં ઉદ્યોગો દ્વારા ફેલાતું પ્રદૂષણ અને પાણીમાં વધતી ખારાશ આ વૃક્ષનો મૃત્યુઘંટ વગાડશે એવી શંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

મૂળે અરબસ્તાનનું વૃક્ષ ખારેક આમ તો ભારતનાં પંજાબ, રાજસ્થાન તેમ જ દક્ષિણના તટીય વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ ભારતમાં એક ફળ તરીકે ખારેકની વ્યાવસાયિક ખેતી માત્ર કચ્છમાં થાય છે. એટલું જ નહીં, આ ફળ કચ્છની ઓળખ બની ચૂક્યું છે. કચ્છમાં ખારેકનાં ઉત્પાદન માટે ધ્રબ અને ઝરપરા ગામ કોઈ સમયે વિખ્યાત હતાં. આ ગામોની ખારેક ખાવા મળે એ પણ એક લહાવો હતો. તુર્ક મુસ્લિમ અને ગઢવીઓની વાડીઓ ખારેકના પાકથી લચી પડતી હતી. કચ્છમાં બેય જ્ઞાતિનો ખારેકનાં સંવર્ધન અને વિકાસમાં સાથે શરૂઆતથી જ જોડાયેલી છે.  એવું કહેવાય છે કે આજથી ૪૦૦ વર્ષ પહેલાં ઈરાનથી કચ્છમાં આવેલા શાહ બુખારીએ ધ્રબ ગામના મુસ્લિમોને દુઆ સાથે ખારેકનાં બી આપીને કહ્યું હતું કે આ બી વાવજો. આમાંથી જે વૃક્ષ થશે એ તમારી જીવનજરૂરિયાતોને પૂરી કરશે. એને એક માન્યતા ગણીએ તો પણ કચ્છમાં ખારેક ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં આવી એ હકીકત છે. આ વૃક્ષ ન માત્ર ફળ આપે છે, એ ખેડૂતની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરે છે. કોઈ સમયે માત્ર મુન્દ્રા તાલુકાના કાંઠાળના વિસ્તારોમાં ખારેકની ખેતી થતી હતી. હવે ભુજ અને અંજાર તાલુકાને જોડતા વિસ્તારોમાં ખારેકનો મબલક પાક ઊતરે છે. ધ્રબ અને ઝરપરાની સાથે હવે અંજાર તાલુકાના ખેડોઈ ગામનું નામ પણ ખારેકની ખેતી માટે જાણીતું બન્યું છે. ભારતમાં કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ખારેકનાં વૃક્ષો કુદરતી રીતે ઊગી નીકળેલાં જોવા મળે છે. એ ખલેલા તરીકે ઓળખાય છે. એના ફળમાં ગર્ભ અને મીઠાશ સાવ ઓછાં હોય છે. એ ખાવાથી ગળામાં ડૂચો વળે છે.

કચ્છમાં ખારેક તરીકે ઓળખાતું ખજૂરનું વૃક્ષ પામકૂળની વનસ્પતિ છે. કેટલાક લોકો એ વાતથી અજાણ છે કે ખજૂર અને ખારેકના એક જ વૃક્ષ છે. આ એવું વૃક્ષ છે જેનાં ફળ જુદા-જુદા દેશમાં જુદાં-જુદાં નામે ઓળખાય છે, વેચાય છે અને ખવાય છે. એક જ વૃક્ષ હોવા છતાં ભારત સિવાય અન્યત્ર ખારેક બહુધા મળતી નથી. આને માટે ભારત અને અન્ય દેશો વચ્ચેના તાપમાનનું અંતર જવાબદાર છે. અરબસ્તાન અને અન્ય દેશોનું સૂકું અને ઊંચું તાપમાન એને ઝાડ પર સૂકવી દેવામાં મદદ કરે છે, જે ખજૂર બને છે. જ્યારે કચ્છનું ભેજવાળું હવામાન એને ખજૂર બનવા દેતું નથી. જોકે એશિયા અને આફ્રિકાના કર્કવૃતીય પ્રદેશોમાં ખજૂરીનાં વૃક્ષો પુષ્કળ છે અને તેની વ્યાવસાયિક ખેતી થાય છે. આમ તો ખજૂરની ખેતી ૪૦૦૦ વર્ષથી વધુ સમયથી થતી હોવાના પુરાવા છે. ઇરાક, ઈરાન, ઇજિપ્ત, સાઉદી અરબ, અલ્જિરિયા, સુદાન, ઓમાન, યમન, પાકિસ્તાન, કૅલિફૉર્નિયા, ઇઝરાયલ, લિબિયા જેવા ગરમ તાપમાનવાળા દેશોમાં આ વૃક્ષની ખેતી થતી રહી છે. ભારત સિવાયના દેશો આ વૃક્ષનાં ફળને આંતરરાષ્ટ્રીય બજારમાં ખજૂર તરીકે વેચે છે. ખજૂરનાં ફળ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. ભીની ખજૂર, સૂકી ખજૂર અને ભારતમાં ખારેક તરીકે ઓળખાય છે. સૂકી ખજૂરનો સમાવેશ સૂકા મેવા તરીકે પણ થાય છે. ખજૂરીનાં ફળના ઔષધિય ગુણો અને ખોરાકીય તત્ત્વો અત્યંત લાભકારી હોવાના કારણે વિશ્વમાં ખજૂર ઊંચા ભાવે વેચાય છે.

દુનિયામાં ખારેકની ચાલીસેક જેટલી જાતો જોવા મળે છે, એ પૈકી કચ્છમાં બારહી, હલાવી, ખદરાવી, સામરણ, ઝાહીદી, મેડજુલ, જગલુલ અને ખલાસ જાત ઉત્પાદન અને ગુણવત્તામાં સારી છે. ખારેક સામાન્ય રીતે ત્રણ રંગમાં હોય છે લાલ, પીળી અને કથ્થઈ. કચ્છમાં સારી જાતો સોપારો, ત્રોફો, ગુડચટી અને જાકુબી નામે ઓળખાય છે. ખારેકની ખેતી થોડી જટિલ પણ છે. જો ખેડૂત જાગૃત ન રહે તો એનાં ઉત્પાદન અને ગુણવત્તા પર ભારે અસર પડે છે. ખારેકની સીઝન સામાન્ય રીતે ભારતમાં જૂન અને જુલાઈ મહિનો ગણાય છે. ખારેકનાં વૃક્ષને ફૂલ આવે ત્યારે પણ સાવધાની રાખવી પડતી હોય છે. સામાન્ય રીતે વૃક્ષોમાં ફ‌‌‌‌લિનીકરણ કુદરતી રીતે થતું હોય છે, પરંતુ ખારેકનાં વૃક્ષમાં ફલિનીકરણ ખેડૂતે કરવું પડે છે. ખારેકના માદા અને નર એવા બે પ્રકાર છે. એનાં પર ફૂલ ન આવે ત્યાં સુધી નર-માદાનો ફરક જોવા મળતો નથી. ખેડૂતો નરનાં ફૂલો માદા વૃક્ષનાં ફૂલો પર નાખે છે. કચ્છમાં આને ‘નરવાની ક્રિયા’ કહેવાય છે. જો ખેડૂત નરવાની ક્રિયામાં ચૂક કરે અથવા એ ગાળામાં વરસાદ કે વધારે પડતો પવન આવે તો ઉત્પાદન ઘટે છે. ખારેકના રોપા બે રીતે મેળવાય છે. એનાં બી વાવીને અને બીજા વૈજ્ઞાનિક રીતે એના ‌‌ટિશ્યુ ‌‌દ્વારા પેદા થયેલા રોપા મેળવીને. બી વાવીને ઊછરેલાં વૃક્ષની ગુણવત્તા બાબતે શંકા રહે છે. એ પોતાના માતૃવૃક્ષ જેવું ન પણ હોય એવું બને. જ્યારે ટિશ્યુ કલ્ચર દ્વારા ઊછરેલા રોપામાં એનાં મૂળ વૃક્ષના બધા જ ગુણધર્મો હોય છે. ટિશ્યુ એક રસપ્રદ ક્રિયા છે. આ માટે ખારેકના સારા વૃક્ષને પસંદ કરાય છે. ખારેકના થડના ઉપરના છેડે એક ચોક્કસ જાતનો મીઠો અને સ્વાદિષ્ટ પદાર્થ હોય છે. સ્થાનિક ખેડૂતો તેને ‘બરઈ’ કહે છે. એ પદાર્થમાંથી કૃષિ વૈજ્ઞાનિકો ટિશ્યુ તૈયાર કરે છે અને એમાંથી ખારેકનો છોડ તૈયાર થાય છે. આવો એક છોડ ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયાની કિંમતનો થાય છે. ગુજરાતમાં દાંતીવાડા ખાતે ખેતી સંશોધન કેન્દ્રમાં ખારેક પર ખાસ્સું સંશોધન થયેલું છે. કચ્છમાં ગજોડ પાસે આવેલી એક ખાનગી કંપની પણ ખારેકના ટિશ્યુ પેદા કરી ખેડૂતોને વેચે છે. સરકાર ખેડૂતોને ટિશ્યુની ખરીદી માટે સબસિડી પણ આપે છે. ખારેકનું એક વૃક્ષ ૧૦૦થી ૨૦૦ કિલો ઉતાર આપે છે. સારાં વૃક્ષો ૩૦૦ કિલોનો ઉતાર આપવાના દાખલા છે. જે બજારમાં ગુણવત્તા મુજબ ૩૦૦થી ૧૨૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. કચ્છમાં અંદાજે ૧૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર આ વૃક્ષ સાથે જોડાયેલું છે. ખારેકની ખેતી ખેડૂત, મજૂર, પરિવહન તથા જથ્થાબંધ તેમ જ છૂટક વેપારીઓને રોજી આપી રહી છે.

કચ્છમાં ખારેકની ખેતી માટે અનુકૂળ હવામાન છે. કોઈ સમયે માત્ર ખેડૂતોની સૂઝ પર થતી ખારેકની ખેતીને હવે કૃષિ સંશોધનનો સહારો મળ્યો છે, પરંતુ જ્યારે કચ્છ વિકસી રહ્યું છે ત્યારે જ આ વૃક્ષના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ખારેકની માતૃભૂમિ એવા મુન્દ્રા તાલુકાના તટીય વિસ્તારોમાં ખારાં થતાં જતાં ભૂગર્ભ જળને પરિણામે વિક્રમી પેદાશ આપતા ખારેકની ખેતી પર જોખમ સર્જાયું છે. ખારેકનું વૃક્ષ ૨૦૦૦ ટીડીએસ સુધીની ખારાશ સહન કરી જાય છે, પરંતુ મુન્દ્રા વિસ્તારનાં પાણીમાં ૫૦૦૦થી વધુ ટીડીએસની માત્રા જોવા મળે છે. પરિણામે ખારેકનાં ઉત્પાદનમાં પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. મોંઘા ભાવે ખરીદેલા ટિશ્યુને આ પાણી માફક આવતું નથી. તટીય વિસ્તારોના જંગી ઉદ્યોગોના પ્રદૂષણની અસર પણ આ વૃક્ષ પર જોવા મળી રહી છે. કેટલાક ધરતીપુત્રો નિરાશ થઈને વૃક્ષોને કુદરતને હવાલે છોડી અન્ય વ્યવસાયો શોધવા લાગ્યા છે. ખેડૂતો માને છે કે ખારેકની ખેતીને હવે માત્ર અને માત્ર નર્મદાના નીર જ ઉગારી શકે એમ છે.

columnists mavji maheshwari kutch saurashtra