25 February, 2024 11:01 AM IST | Mumbai | Aashutosh Desai
આ પ્રતીકાત્મક તસવીર એઆઇથી જનરેટ કરેલી છે.
૨૦૨૩નું વર્ષ વિશ્વઆખા માટે ટેક્નૉલૉજી ક્ષેત્રના સંદર્ભમાં જબરદસ્ત ઇનોવેટિવ વર્ષ સાબિત થયું છે. એમાંય આ વર્ષને જો કોઈ એક ટૅગ આપવો હોય તો એને ‘AI Year’નો ટૅગ આપી શકાય એટલાં ઇનોવેશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે થયાં છે. આજનો સમય ટેક્નૉલૉજી ક્ષેત્રે એટલો ઝડપી યુગ લઈ આવ્યો છે કે કોઈ એક બાબતમાં જેવું કંઈક નવું આવ્યું નથી કે તરત તમને મૂળ શોધમાં થોડાઘણા ફેરફાર કે નવીનતા સાથે એનાં જ બીજાં અનેક સ્વરૂપ હાથવગાં થઈ જાય. જુઓને હજી તો આપણે ChatGPT શું છે એ વિશે થોડુંઘણું કંઈક જાણી જ રહ્યા હતા ત્યાં વિશ્વ-ફલક પર બાર્ડ, ટેક સોનિક અને બિન્ગ જેવાં કેટલાંય બીજાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં પ્લૅટફૉર્મ આપણી સેવામાં હાજર પણ થઈ ગયાં! આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એ ટેક્નૉલૉજી ક્ષેત્રે ભરાયેલી એટલી મોટી હરણફાળ છે કે આવનારા સમયમાં માણસોની રોજિંદી જિંદગી જ નહીં, અનેક ક્ષેત્રે કામ કરવાની આખેઆખી સિસ્ટમ જ બદલાઈ જશે.
એમાં ઇનોવેટર્સ માટે એક અત્યંત પ્રોત્સાહક મૉડલ આજકાલ ખૂબ વહાલું બન્યું છે, જેનું નામ છે સ્ટાર્ટઅપ! AI ક્ષેત્રે હવે વિશ્વમાં એટલાં બધાં સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યાં છે કે ChatGPT વિશે વાત કરીએ ત્યારે કહેવું પડે કે આ તો હજી માત્ર શરૂઆત થઈ છે. AIમાં જોજો આગળ કંઈકેટલુંય નવું-નવું આવશે. તમે નહીં માનો, પણ આવું આપણે કોઈકને કહીએ એ પહેલાં જ પતાસા ખાઈ હરખાવા જેવાં શુકન થઈ ચૂક્યાં છે. જી હા, ChatGPTને જબરદસ્ત ટક્કર આપે એવું, આપણા જ દેશમાં શોધાયેલું, આપણા તજ્જ્ઞો દ્વારા બનાવાયેલું AIનું નવું વર્ઝન જન્મ લઈ ચૂકયું છે!
રિલાયન્સ જિયો અને આઇઆઇટી-મુંબઈ ભેગાં મળીને આવતા મહિને એક AI વર્ઝન લૉન્ચ કરી રહ્યાં છે BharatGPT - હનુમાન. જો એક વાક્યમાં ‘BharatGPT - હનુમાન’ શું છે એ કહેવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે ‘એક લાર્જ લૅન્ગ્વેજ મૉડલ પ્રોગ્રામ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું એ રીતે ટ્રાન્સફૉર્મેશન કરવાનો પ્રયાસ, જેથી તે બીજાં અનેક ક્ષેત્રે કામમાં આવી શકે.’ ખાસ કંઈ સમજાયું નહીં, ખરુંને? એક સરળ ઉદાહરણ દ્વારા આ વાત સમજવાનો પ્રયત્ન કરીશું તો તરત સમજાઈ જશે.
BharatGPT - હનુમાન શું છે
ધારો કે એક સેલ્સમૅન છે જેને ગુજરાતી કે હિન્દી ભાષા સિવાય બીજી કોઈ ભાષા ખાસ આવડતી નથી. હવે એ સેલ્સમમૅનને કેરળના કોઈ વ્યક્તિને પોતાની કંપનીનું મશીન વેચવું છે, પણ મુશ્કેલી એ છે કે પેલા કેરળના માણસને પણ મલયાલમ સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી. બન્ને વાત જ કરી શકે એમ નથી, કારણ કે બન્નેને એકબીજાની ભાષા જ સમજાતી નથી. હવે એક મશીન વેચવા માટે પેલો ગુજરાતી સેલ્સમૅન કોઈ દુભાષિયો (ઇન્ટરપ્રિટર) તો નહીં લાવી શકેને, પણ ધારો કે કોઈક એવું મળી જાય જે પેલી કેરળની વ્યક્તિ મલયાલી ભાષામાં જેકાંઈ કહે કે લખી મોકલે એ બધું પેલા ગુજરાતી સેલ્સમૅનને ગુજરાતીમાં કહી કે લખી આપે તો? અને પેલો ગુજરાતી છોકરો જેકંઈ કહે કે લખી મોકલે એ ફરી પેલી ચીજ કેરળના મલયાલીને પોતાની ભાષામાં કહી સંભળાવે કે લખી મોકલાવે તો? કામ સાવ સરળ થઈ ગયું કે નહીં? સરળ જ નહીં, આપણે કહીશું કે આ તો જબરદસ્ત મેળ પડી ગયો કહેવાય, ખરુંને? તો એટલું સમજી લો કે આ AI વર્ઝનનું કંઈક મૂળભૂત કામ આવું જ છે. હવે વધુ વિગતે જાણવાનો રસ પડ્યો બરાબરને? તો એમાં મૂંઝાવાનું શું? ચાલો આજે આ BharatGPTની આખી જન્મકુંડળી જ ખોલી નાખીએ. અંદર-બહારથી લઈને બધું કહેતાં બધું જ એના વિશે જાણી લઈએ.
કઈ રીતે કામ કરશે?
BharatGPT એક LLM મૉડલ છે, એટલે કે લાર્જ લૅન્ગ્વેજ મૉડલ. હવે જે રીતે દરેક વ્યક્તિને પરમકૃપાળુ પરમાત્માએ દિમાગ નામનું એક જબરદસ્ત ડાયનૅમિક યંત્ર આપ્યું છે એ જ રીતે AIને પણ દિમાગ આપવામાં આવે છે. જે રીતે આપણા દિમાગમાં અનેક બાબતોના, અનેક રીતે હજારો, લાખો, કરોડો ડેટા, માહિતી વગેરે ફિટ થયેલાં હોય છે અને સતત રોજેરોજ થતાં રહે છે એ જ રીતે આ AIને આપવામાં આવેલા દિમાગમાં પણ અનેક પ્રકારના એવા ડેટા ફિટ કરવામાં આવે છે જેથી તમે એને કોઈ પણ પ્રશ્ન પૂછો અથવા તમારે શું જોઈએ છે એ વિશે તમે કહો એટલે સૌથી પહેલાં તો એ વાતને તે સમજે છે, સમરાઈઝ કરે છે, ત્યાર બાદ જનરેટ કરે છે અને સાથે જ પ્રિડિક્શન્સ પણ કરે છે. હવે આ વાત સમજવા માટે પણ આપણે એક સરળ ઉદાહરણ લેવું પડશે. ધારો કે કોઈ દીકરો કે દીકરી પપ્પાને કહે કે પપ્પા, સાંજે મારા મિત્રો સાથે ફલાણો-ફલાણો પ્રોગ્રામ ફિક્સ થયો છે, એટલે પપ્પાનું દિમાગ તરત કામે લાગી જાય. દીકરાના કયા-કયા મિત્રો હશે, ફિલ્મ જોવા જવાનાં છે તો કયા થિયેટરમાં જશે, ત્યાં કેટલા વાગ્યાનો શો છે, બહાર ખાવાનાં છે તો ક્યાં અને શું-શું ખાઈ શકાય એમ છે, એ માટે કેટલા પૈસાની જરૂર પડશે વગેરે, વગેરે. એ જ રીતે ધારો કે તમે BharatGPTને કહો કે મારે કર્ણાટકના એક ક્લાયન્ટને મારી પ્રોડક્ટ્સ વિશે કન્નડ ભાષામાં એક પ્રેઝન્ટેશન મોકલવું છે જેનું અંગ્રેજી વર્ઝન આ રહ્યું. તમે એ અંગ્રેજી વર્ઝન તેને અપલોડ કરી આપ્યું કે પળવારમાં એ તમને કન્નડ ભાષામાં આખું પ્રેઝન્ટેશન તૈયાર કરીને આપી દેશે. એટલું જ નહીં, તમે એ પ્રેઝન્ટેશનને કઈ રીતે બહેતર બનાવી શકો, એમાં શું સુધારા-વધારા કરી શકો, કયા પ્રકારની વધુ માહિતી એમાં ઉમેરી શકો અથવા આપી શકો તો ફાયદો થશે? આવી અનેક મદદ પણ એ કરી શકવા સક્ષમ હશે બોલો. ટૂંકમાં, આ આવિષ્કાર ફક્ત જવાબ જ નહીં, પરંતુ સવાલ પણ આપણા વતીથી વિચારશે!
આશય શું છે?
આપણે બધા જાણીએ છીએ કે ChatGPT એ ઓપન AI કંપની દ્વારા અને બાર્ડ ગૂગલ દ્વારા અસ્તિત્વમાં લવાયેલાં પ્લૅટફૉર્મ્સ છે. એ જ રીતે BharatGPT પૂર્ણ રીતે ભારતમાં તૈયાર થયેલું પ્લૅટફૉર્મ છે, એથી જ એનો સૌથી મોટો ફાયદો એ થશે કે એ ભારતીયોને માફક આવે એ રીતનું અને ભારતીય ભાષાઓની વિવિધતા સાથેનું પ્લૅટફૉર્મ હશે. આ AI વર્ઝન બનાવવાનો મુખ્ય આશય ભારતના ઇકૉનૉમિક ગ્રોથમાં એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાનો છે, જેથી ઇન્ટર સ્ટેટ ટ્રેડ પ્રોગ્રામ, ઇન્ટર સ્ટેટ પ્રોડક્શન ઍન્ડ બિઝનેસ પ્રોગ્રામને એક મજબૂત પુશ મળી શકે. એટલે કે રાજ્યો-રાજ્યો વચ્ચે વેપાર કરવામાં જે અવરોધ આવે છે એનું સાવ સહેલું નિરાકરણ એમ કહીયે તો પણ ચાલે.
આ આખા પ્રોજેક્ટને એક બૅકબૉન તરીકે તમામ પ્રકારનો સપોર્ટ ભારતની મહાકાય કૉર્પોરેટ એવી રિલાયન્સ દ્વારા આપવામાં આવ્યો છે. એથી જ તો એનું ટેસ્ટિંગ કહો કે સૌથી પહેલો ઉપયોગ કહો, જે કહો એ, સૌથી પહેલાં રિલાયન્સ કંપનીના દરેક વિભાગ અને દરેક કંપનીઓમાં કરવામાં આવ્યો. મીડિયાથી લઈને કૉમર્સ, કમ્યુનિકેશન અને ડિવાઇસિસ સહિત રિલાયન્સની એકેએક કંપની અને વિભાગોમાં એનું ટેસ્ટિંગ થયું. પ્રૅક્ટિકલી આ પ્લૅટફૉર્મને વપરાશમાં લેવામાં આવ્યું અને ખરેખર એ યુઝર-ફ્રેન્ડલી છે કે નહીં અને કઈ રીતે કેટલું કામમાં આવી શકે એની પૂરેપૂરી ચકાસણી થઈ અને ત્યાર બાદ આખરે હવે આવતા મહિને રિલાયન્સ અને આઇઆઇટી-મુંબઈ ભેગાં મળીને એને લૉન્ચ કરવાનું નિર્ધારિત કરી રહ્યાં છે.
Corover અને કૉપીરાઇટ
BharatGPT જેને કારણે શક્ય બન્યું છે એ કઈ કંપની છે એ કહીએ તો માનવામાં નહીં આવે એવી વાત છે. જી હા, ભારતની એક સ્ટાર્ટઅપ કંપની COROVER દ્વારા આ GPT ડેવલપ કરવામાં આવ્યું છે. સારા કામમાં હજારને વાંધા દેખાય એમ આપણે કહીએ છીએ અને એ જ રીતે COROVERના આ કામમાં પણ અનેક આડખીલી આવી જ હતી. જેમ કે એવા આક્ષેપ પણ મૂકવામાં આવ્યા હતા કે કંપનીએ ChatGPTની કૉપી કરી છે. આ AI વર્ઝન બનાવવામાં કંપનીએ કોઈ મોટી ધાડ નથી મારી. સીધેસીધી ઉઠાંતરી કરવામાં આવી છે. એ માટે આખરે કંપનીના સીઈઓ અંકુશ સબ્રવાલે જાહેર પ્લૅટફૉર્મ પર આવીને કહેવું પડ્યું હતું કે અમે કોઈ ઉઠાંતરી કે કૉપી ક્યારેય નથી કરી, હા ChatGPTથી ઇન્સ્પાયર્ડ ચોક્કસ થયા છીએ.
વિશેષતા શું છે?
ભારત દ્વારા, ભારતમાં અને ભારતીયતા સાથે બનાવાયેલી ઇન્ટેલિજન્ટ આર્ટિફિશ્યલ સિસ્ટમ એક ફાઉન્ડેશનલ મૉડલ છે જે બે મુખ્ય આશયમાં કામમાં આવી શકે એ રીતે બનાવવામાં આવેલી સિસ્ટમ છે. એક મલ્ટિ-લૅન્ગ્વેજ અને બજું મલ્ટિ-મૉડલ. અર્થાત્ આ વાત કંઈક એ રીતે સમજો કે દરેક વપરાશકર્તા માટે અલગ-અલગ એક કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ તરીકે આ સિસ્ટમ ઉપયોગમાં આવી શકશે. હમણાં થોડા દિવસ પહેલાં મુંબઈમાં એક ટેક કૉન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં આખરે અધિકારિક જાહેરાત કરી દેવામાં આવી હતી કે માર્ચમાં ભારતની આ BharatGPT -
હનુમાન લૉન્ચ કરવામાં આવશે.
આનો એક બીજો સૌથી મોટો ફાયદો એ પણ છે કે અત્યાર સુધી જેટલાં AI વર્ઝન છે એ બધાં જ વિદેશી છે અને એથી જ જો ભારતમાં એનો તમે ઉપયોગ કરો તો સ્વાભાવિક છે કે તમે એમાં જેકોઈ ડેટા ફીડ કરો કે AI પાસે માગો એ ડેટા સીધા જે-તે વિદેશી કંપની પાસે જશે. જ્યારે ભારતની આ BharatGPTને કારણે ભારત અને ભારતીયોના ડેટા તેમના જ દેશમાં સુરક્ષિત રહેશે.
વળી બીજી એક મોટી વિશેષતા એ પણ ખરી કે આ AI રિયલ ટાઇમ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન્સથી લઈને આધાર કાર્ડ સાથે લિન્ક કરી શકાય એ હદ સુધીનું ઍડ્વાન્સ પ્લૅટફૉર્મ હશે. વળી માની લો કે તમારે કોઈ કસ્ટમાઇઝ નૉલેજ એમાં ઍડ કરવું છે, દાખલા તરીકે તમે શૅર માર્કેટમાં કામ કરો છો અને તમારે તમારા હનુમાનદાદાને (BharatGPTને) કહેવું હોય કે મને ફલાણી કંપનીના બધા જ સમાચાર, એના પાછલા અમુક વર્ષનાં ટેક્નિકલ ચાર્ટ્સ વગેરે જોઈએ છે અને સાથે મારે આ હનુમાનની મેમરીમાં એ કંપનીની બૅલૅન્સશીટ પણ સામેલ કરવી છે, તો એમાં ફિટ થયેલી ERP અને CRM સિસ્ટમ તમને એ કરવાની પણ પરવાનગી આપશે અને GPT તમે ફિટ કરેલા ડેટા એની મેળે જ સિન્ક્રોનાઇઝ પણ કરી લેશે! હૈ ના કમાલ કી બાત? ઑન અ લાઇટર નૉટ, તમે તમારા પીએનો અડધો પગાર ઓછો કરી નાખી શકો છો!
૧૧ પ્લસ ૧૧ ભાષાઓ
ભારતમાં અધિકારિક દૃષ્ટિએ જોઈએ તો કુલ બાવીસ ભાષા છે, જેમાંથી હાલમાં આ AI ઍપ્લિકેશન ૧૧ જેટલી ભાષાઓમાં કામ કરી શકે એવી રીતે તૈયાર કરવામાં આવી છે. આવનારા ભવિષ્યમાં બાકીની ૧૧ ભાષાઓ પણ એમાં સામેલ કરવામાં આવશે અને શક્ય છે કે ખૂબ ગણતરીના મહિનાઓમાં કે વર્ષોમાં ભારતમાં બોલાતી તમામ ભાષાઓમાં BharatGPT કામ કરી શકશે. હાલને તબક્કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વર્ઝન મુખ્યત્વે ચાર સેક્ટરમાં કામ કરશે. હેલ્થકૅર, ગવર્નન્સ, ફાઇનૅન્સ અને હેલ્થકૅર. ધીરે-ધીરે જે રીતે ભાષાઓ વધતી જશે એ જ રીતે એનું કાર્યક્ષેત્ર પણ વધતું જશે. ભારતની આઇઆઇટી યુનિવર્સિટીઝ અને રિલાયન્સ જિયો કંપનીએ એ માટે કોલૅબરેશન કરી કામ તો કર્યું, સાથે જ સર્વમ અને કૃત્રિમ જેવાં સ્ટાર્ટઅપ્સ પણ છે, જેણે લોકલાઇઝ AI મૉડલ્સ પર જબરદસ્ત કામ કર્યું અને એક ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થવામાં મોટી મદદ મળી શકી. આપણા મુંબઈ આઇઆઇટીના ગણેશ રામક્રિષ્નને આ AI ટેક્નૉ પ્લૅટફૉર્મ કહો કે BharatGTP કહો કે હનુમાન કહો, એની સ્પીચ ટુ ટેક્સ્ટ કૅપેબિલિટીઝ ડેવલપ કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું અને આપણને ભારતમાં જ બનાવાયેલી હવે એક એવી સિસ્ટમ મળવા જઈ રહી છે જે આપણે જે લખવું હોય એ માત્ર બોલીશું એટલે આપણને એ ટેક્સ્ટમાં કન્વર્ટ કરી આપશે. આ સંદર્ભે જોવા જઈએ તો આ AIનો એક મુખ્ય આશય એ રહ્યો છે કે ભારત જેવા દેશમાં જ્યાં આટલી બધી ભાષાઓ બોલાય છે અને સાક્ષરતા દર પણ હજી નીચો રહેવા પામ્યો છે ત્યાં આગળ વધવા માટે ભાષા કોઈ બાધારૂપ નહીં બને. બિન્દાસ, તમે ગુજરાતીમાં બોલો અને ‘હનુમાન’ તમને અંગ્રેજીમાં (કે બીજી કોઈ પણ ભાષામાં) ડ્રાફ્ટ રેડી કરીને આપશે.
આટલાં મૂળભૂત કામ થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપ તરીકે આ AIના કસ્ટમ વર્ઝન પર કામ શરૂ થશે. સમજોને આપણે એમ કહી શકીએ કે જે-તે મૉડલ એની જે-તે જરૂરિયાત અનુસાર સ્પેસિફિક તૈયાર કરવામાં આવ્યાં હશે. આ નજર સામે દેખાતું ભવિષ્ય છે. હજી આ AIના જાદુઈ પટારામાં આવી તો કંઈકેટલીય નવાઈ પમાડે એવી નવી-નવી વાતો આવશે એ કલ્પના જ કરવી રહી.
ChatGPTથી કઈ રીતે અલગ છે?
સ્વાભાવિક છે કે એક AI તરીકે વિશ્વઆખાએ ChatGPTને પહેલી વાર જોયું હતું, એથી આવી કોઈ પણ નવી પ્રોડક્ટ આવે તો પ્રશ્ન થાય કે આ વળી ChatGPTથી કઈ રીતે અલગ છે? તો આ AI આપણી દેશી AI સાબિત થવાની હોય એટલું જાણી લેવું જોઈએ કે ઘણી રીતે એ ChatGPT કરતાં અલગ છે, જેમ કે ChatGPT તમને વિશ્વના કોઈ પણ સવાલનો જવાબ આપી શકે છે, જ્યારે હનુમાન માત્ર ભારતની જ ઍપ્લિકેશન હોવાને કારણે એ માત્ર ભારત સંબંધી જ વાત કહેશે. જોકે એને જો તમે આ AIની મર્યાદા સમજતા હો તો કહીએ કે તમારી ભૂલ થાય છે. વાસ્તવમાં આ ઍપ્લિકેશન એ રીતે જ બનાવવામાં આવી છે, કારણ કે એનો આશય કોઈ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનો કે સામાન્ય વપરાશ માટેનો છે જ નહીં. એનો વપરાશ દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં એક મદદનીશ તરીકે ઊભરી આવવાનો છે, એથી આ પ્રોડક્ટ એક કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ છે.
એક્સપર્ટ્સની એવી ધારણા છે કે ૨૦૨૫ સુધીમાં AIનું માર્કેટ ૧૫ ટ્રિલ્યન ડૉલર એટલે કે ૧,૨૪,૩૩,૩૭,૨૫,૦૦,૦૦,૦૦૦ રૂપિયા જેટલું થઈ જશે. સાથે જ તેઓ એમ પણ જણાવે છે કે આ એટલી ઝડપથી ગ્રો થઈ રહેલી અને ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી છે કે આજથી પાંચ વર્ષ કે ત્રણ વર્ષ પછી શું હશે કે કેવું હશે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે, પણ હા દરેક તજ્જ્ઞો એટલું તો કહી જ રહ્યા છે કે આવનારા સમયમાં એક પણ ઇન્ડસ્ટ્રી એવી નહીં હોય જ્યાં AIનો ઉપયોગ ન થતો હોય. દરેક ઇન્ડસ્ટ્રીમાં AI પગપેસારો કરશે અને માત્ર કામમાં જ મદદરૂપ નહીં થાય, એ તમારો કોઈ પ્રૉબ્લેમ હશે તો એ શોધી કાઢીને એને સૉલ્વ કરવામાં પણ હેલ્પફુલ થશે.
ન્યુઝ-ઍન્કર પણ એઆઈ!
તમે થોડા મહિના પહેલાં એક નૅશનલ ન્યુઝ-ચૅનલ પર AI ન્યુઝ-ઍન્કર જોઈ હતી, યાદ છે? નહીં જોઈ હોય તો જણાવીએ. એક ન્યુઝ-ચૅનલે એના પ્રાઇમટાઇમ ન્યુઝ-સ્લૉટમાં થોડા મહિના પહેલાં એક અખતરો કર્યો હતો, જે કાબિલે તારીફ સફળ રહ્યો હતો. વાત કંઈક એવી છે કે સામાન્ય રીતે સમાચાર વાંચતો કે વાંચતી કોઈ ન્યુઝ-ઍન્કર આપણને ટીવી-સ્ક્રીન પર દેખાય છે, પરંતુ આ ચૅનલ પર એક દિવસ તેમણે તે ન્યુઝ-ઍન્કર સાથે એક બીજી પણ ન્યુઝ-ઍન્કર લૉન્ચ કરી હતી, જે દેખાતી તો હતી કોઈ સાચુકલી છોકરી જેવી, પરંતુ એ એક AI ન્યુઝ-ઍન્કર હતી અને એ જે વાતો કરી રહી હતી કે ન્યુઝ જણાવી રહી હતી એ વાસ્તવમાં તો AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ દ્વારા વંચાઈ રહ્યા હતા. હવે તમે નહીં માનો, એ ન્યુઝ-ઍન્કરે જે સમાચાર કહ્યા હતા એ સમાચાર પણ AIએ જાતે પિક કર્યા હતા! આ નજર સામે દેખાતું ભવિષ્ય છે. હજી આ AIના જાદુઈ પટારામાં આવી તો કંઈકેટલીય નવાઈ પમાડે એવી નવી-નવી વાતો આવશે એ કલ્પના જ કરવી રહી.