આંદોલનની દિશા અને દિશાની ટૂલકિટ

21 February, 2021 03:35 PM IST  |  Mumbai | Raj swami

આંદોલનની દિશા અને દિશાની ટૂલકિટ

નરેન્દ્ર મોદી સરકારે ત્રણ કૃષિ-કાનૂન પસાર કર્યા અને એના વિરોધમાં એના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો ત્યારે એને અંદાજ પણ નહીં હોય કે એણે આંતરરાષ્ટ્રીય પૉપસ્ટાર અને પર્યાવરણવાદી છોકરીઓ સામે લડવું પડશે અને દિલ્હી પોલીસ ટૂલકિટ નામનાં ગૂગલ ડૉક્યુમેન્ટનાં ડિજિટલ પાનાં વાંચતી હશે. કોઈ દેશની એક પ્રાઇવેટ નાગરિકની એક જ લાઇનની ટ્વીટ પર બીજા દેશનું વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે એ હોશિયારી હતી કે નાદાની એ આજ સુધી રહસ્ય છે

દેશના રાજકારણમાં છેલ્લા અમુક સમયથી એક શબ્દ પ્રચલિત બન્યો છે; નેરેટિવ. ગુજરાતીમાં એને માટે કોઈ ઉચિત શબ્દ નથી. નેરેટિવ માટે નજીકનો શબ્દ વાર્તા છે, પરંતુ વાર્તા તો કાલ્પનિક હોય છે, જ્યારે નેરેટિવમાં વાસ્તવિકતાનું અર્થઘટન હોય છે. શબ્દકોશના અર્થ પ્રમાણે નેરેટિવ એટલે સંબંધિત ઘટનાઓ કે અનુભવોનું વર્ણન. એ અર્થમાં નેરેટિવને અંદાજે-બયાં કહી શકાય; કોઈ ઘટનાને અમુક ચોક્કસ અંદાજથી બયાન કરવી એ.

૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોમાં બીજેપી (ભારતીય જનતા પાર્ટી)નો સંપૂર્ણ સફાયો થયાના સમાચાર આવી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય નેતાગીરી પહેલી વાર સફાળી જાગી રહી હતી કે ૧૦૦મા દિવસ તરફ કૂચ કરી રહેલા ખેડૂત-અંદોલનને કારણે એ નેરેટિવની લડાઈ હારી ગઈ છે. ૧૬મીએ હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના બીજેપીના નેતાઓ પક્ષપ્રમુખ જેપી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા. મુખ્ય મુદ્દો કહો કે ચિંતાનો વિષય કહો, મંત્રણા એ વાતને લઈને હતી કે ત્રણેય રાજ્યોમાં જાટ લોકોના પ્રભુત્વવાળી ૪૦ લોકસભાની બેઠકો પર અંદોલનની વિપરીત અસર પડી રહી છે એને કેવી રીતે ખાળવી.

ત્રણ કૃષિ-કાનૂનના વિરોધનું આ અંદોલન જે ‘મુઠ્ઠીભર ખેડૂતો’ની દિલ્હી-કૂચ સાથે શરૂ થયું હતું એ ખાલિસ્તાનીઓ, આતંકવાદીઓ, દેશદ્રોહીઓ, આંદોલનજીવીઓ અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોના અલગ-અલગ નેરેટિવમાંથી પસાર થઈને ત્રણેય રાજ્યોમાં યોજાઈ રહેલી જબરદસ્ત મહાપંચાયતોમાં જાટ ગૌરવ પર આવીને અટક્યું છે.

કૃષિ કાનૂન અને ટૂલકિટ

જે જાટ મતોથી બીજેપીને જીત હાંસલ થઈ હતી એ જાટ ખેડૂતો પહેલી વાર બીજેપીથી દૂર જઈ રહ્યા હોવાની ચિંતા શરૂ થઈ છે, એટલે નેતાઓની બેઠકમાં નક્કી થયું કે આ જાટ બહુમતીવાળા વિસ્તારોમાં નેરેટિવ બદલવું પડશે. નાગરિકતા કાનૂનમાં કર્યું હતું એમ દોઢ મહિના પહેલાં બીજેપીના સંગઠને દેશભરમાં કૃષિ-કાનૂનોના સમર્થનમાં રૅલીઓનું આયોજન કર્યું હતું. નેરેટિવ બદલવાનો એ વિચાર માત્ર વિચારના સ્તરે જ રહી ગયા હતો.

મોદી સરકારે બહુમતીના જોરે ત્રણ કાનૂન પસાર કરાવી દીધા ત્યારે અને એના વિરોધમાં એના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો ત્યારે એને અંદાજ પણ નહીં હોય કે એણે આંતરરાષ્ટ્રીય પૉપસ્ટાર અને પર્યાવરણવાદી છોકરીઓ સામે લડવું પડશે અને દિલ્હી પોલીસ ટૂલકિટ નામનાં ગૂગલ ડૉક્યુમેન્ટનાં ડિજિટલ પાનાં વાંચતી હશે. કોઈ દેશની એક પ્રાઇવેટ નાગરિકની એક જ લાઇનની ટ્વીટ (આપણે આ અંદોલનની ચર્ચા કેમ કરતા નથી?) પર બીજા દેશનું વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે એ હોશિયારી હતી કે નાદાની એ આજ સુધી રહસ્ય છે.

ગણતંત્ર દિવસે લાલ કિલ્લા પર જે હિંસા થઈ ત્યારે લાગતું હતું કે આંદોલન સમેટાઈ જશે. ઇન ફૅક્ટ, રાકેશ ટિકૈત અને બીજા ખેડૂત-નેતાઓએ બીજા દિવસે દિલ્હીની સરહદો પરથી બિસ્તરા-પોટલાં સંકેલી લેવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ એકસાથે બે નિર્ણાયક ઘટના બની. ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રએ ખેડૂતોના વાવટા ઉતારી લેવા પોલીસ-ફોજ ખડકી દીધી અને ‘સ્થાનિક લોકો’એ સરહદ ખાલી કરાવવા માટે ખેડૂતોને મારવાની તૈયારી કરી લીધી હતી.

એ જોઈને રાકેશ ટિકૈત ટીવી-કૅમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રાકેશ ટિકૈત એક મામૂલી ખેડૂત નેતા છે અને તેને ધમકાવીને ખદેડી મુકાય છે એવી ગણતરી ખરાબ રીતે ઊંધી વળી ગઈ. એ જ રાતે પંજાબ અને બીજાં રાજ્યોમાંથી ટ્રૅક્ટર ભરી-ભરીને ખેડૂતો દિલ્હીની સરહદે ઊમટી પડ્યા. લાલ કિલ્લાની શરમજનક ઘટનાથી બદનામ થઈને ખતમ થઈ જવા આવેલું ખેડૂત-અંદોલન ફરી જીવતું થયું.

આંદોલનની ચર્ચા વિદેશોમાં પહોંચી

બસ, એ દિવસથી સરકારના હાથમાંથી નેરેટિવ નીકળી ગયું, પણ એ કોઈને સમજાય એ પહેલાં સરહદે ખીલા ઠોકવામાં આવ્યા, ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું, ખેડૂતો માટે પાણી અને વીજળી બંધ કરવામાં આવી અને લાલ કિલ્લાની હિંસામાં ખેડૂતોને ખાલિસ્તાની ચીતરવાનું શરૂ થયું. આ દાવ ઊંધો પડ્યો. સોશ્યલ મીડિયા મારફત આ તસવીરો દુનિયાભરમાં પહોંચી ગઈ. જે આંદોલનને થોડા દિવસ પહેલાં આસામ કે લદાખમાં કોઈ જાણતું નહોતું એની ચર્ચા અમેરિકા અને સ્વીડનમાં પહોંચી ગઈ હતી.

બીજી તરફ ૧૫૦ ખેડૂતોનાં મોત સાથે આંદોલન પંજાબ અને દિલ્હીની સીમા પરથી બહાર નીકળીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાઈ ગયું હતું. ખેડૂતો આટલી લાંબી ટક્કર આપશે એનો સરકારમાં કોઈને અંદાજ નહોતો. ટ્વિટર પર સરકારની રીસ ઊતરી એની પાછળ આ માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર કાર્યરત સ્વતંત્ર પત્રકારો અને સામાજિક કાર્યકરો હતા, જેઓ સતત ખેડૂત-આંદોલનની એક-એક ચીજનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા. માહિતી-પ્રસારણ વિભાગે ટ્વિટરને આદેશ કર્યો કે અમુક કે દેશવિરોધી અકાઉન્ટ અને ટ્વીટ્સ હટાવી લેવામાં આવે. ટ્વિટરે અમુક અકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં, અમુકને પાછાં શરૂ કર્યાં અને અમુક સામે પગલાં ભરવાની સાફ મનાઈ કરી દીધી.

વિરોધ જુદી જ દિશામાં ફંટાઈ ગયો

ખેડૂત-આંદોલન જે મૂળભૂત રીતે સરકારે ઘડેલા ત્રણ કાનૂનો સામેનો લોકતાંત્રિક વિરોધ હતો એ કાનૂન-વ્યવસ્થાનો મુદ્દો બની ગયું હતું અને સરકાર એનો ઉકેલ પોલીસ-ફરિયાદ અને ધરપકડોમાં શોધતી હતી. એમાં પૉપસ્ટાર રિહાના અને પર્યાવરણવાદી કાર્યકર ગ્રેટા થનબર્ગની ખેડૂતોને ટેકો આપતી ટ્વીટ હાથવગી નીકળી. રિહાનાની ટ્વીટના જવાબમાં તો વિદેશ મંત્રાલય અને લતા મંગેશકર-સચિન તેન્ડુલકર જેવી સેલિબ્રિટી મેદાનમાં આવી (મહારાષ્ટ્ર સરકારને એવી શંકા છે કે સેલિબ્રિટીઝનું ટ્વિટર-હૅન્ડલ બીજેપીના આઇટી સેલના હાથમાં છે અને સેલિબ્રિટીઓની જાણ બહાર તેમના વતીથી એકસરખી ટ્વીટ કરવામાં આવી હતી), પણ ગ્રેટાની ટ્વીટમાં દિલ્હી પોલીસને આંદોલનના નામે હિંસા ફેલાવવાનું ષડ્‍યંત્ર દેખાયું.

ગ્રેટા થનબર્ગ ભારતવિરોધી કાવતરાની માસ્ટર-માઇન્ડ છે કે નહીં એ પોલીસે કહ્યું નથી, પરંતુ ભારતમાંથી ગ્રેટા સાથે સંપર્કમાં રહેલી ત્રણ વ્યક્તિઓ, બૅન્ગલોરની પર્યાવરણવાદી કાર્યકર દિશા રવિ, મુંબઈની વકીલ નિકિતા જેકબ અને વિદર્ભમાં કાર્યરત શાંતનુ મુળુક સામે દિલ્હી પોલીસે કેસ દર્જ કર્યો છે. ગ્રેટાએ તેની ટ્વીટમાં એક ટૂલકિટ ટૅગ કરી હતી, ટૂલકિટ-વિરોધ કાર્યકમની રૂપરેખા. જૂના જમાનામાં અંદોલનકારીઓ તેમના કાર્યક્રમોમાં વધુ ને વધુ જોડાય એ માટે પૅમ્ફલેટ બહાર પાડતા હતા. ટૂલકિટ એનું ડિજિટલ સ્વરૂપ છે. પોલીસ કહે છે કે દિશા રવિએ એ આ ટૂલકિટ તૈયાર કરીને ગ્રેટાને આપી હતી, જેને ટ્વિટર પર જાહેર કરવામાં આવી હતી. દિશા રવિ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે અને પોલીસ તેની વૉટ્સઍપ-ચૅટ્સ, ઈ-મેઇલ્સ, ફોન-કૉલ્સ મારફત બીજા સગડ મેળવી રહી છે.

ખેડૂતો સાથે આંદોલન સમાપ્ત કરવાની ૧૧ મંત્રણાઓ પછી પોલીસને એમાં ભારત સરકારને ઉથલાવવાનું આંતરરાષ્ટ્રીય ષડ્‍યંત્ર દેખાય છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ પોલીસે જે ઝડપથી ૨૧ વર્ષની દિશા રવિ પર આખા અંદોલનના કાવતરાનો ભાર નાખી દીધો એનાથી વિરોધ પક્ષો, કાનૂનના જાણકારો, બુદ્ધિજીવીઓ સરકાર પર એક જ આરોપ લગાવતા હતા કે કાનૂન પાછા નહીં ખેંચવાની જીદ લઈને બેઠેલી સરકાર એની સામેના જરાસરખાયે વિરોધને પણ પોલીસના દંડાથી દબાવી રહી છે અને ટૂલકિટ નામના એક સાધારણ ગૂગલ ડૉક્યુમેન્ટને સરકારને ઉથલાવવાનું ક્રિમિનલ ષડ્‍યંત્ર ગણાવીને એ આંદોલનની દિશા અને દશા બદલવા માગે છે.

ત્રણ મોરચા ખૂલી ગયા

ટૂલકિટના મામલે પોલીસે ફરિયાદ દર્જ કરી ત્યારે પૂરા મામલામાં ત્રણ પ્રકારની ‌સ્થિતિ સર્જાઈ છે:

- એક, ખેડૂત-અંદોલન દિલ્હીની સીમાઓ અને સરકાર સાથેની મંત્રણાના દોરમાંથી બહાર નીકળીને મહાપંચાયતોમાં રાજકીય જમાવટ કરવામાં તબદીલ થઈ ગયું છે.

- બે, પોલીસ હવે એમાં ખાલિસ્તાની થિયરી શોધી રહી છે.

- ત્રણ, કેન્દ્ર સરકાર જાટ-વોટ બચાવવા માટે મહેનત કરી રહી છે.

આ બધામાં એક વાત નક્કી છે કે આંદોલન તરતમાં જ સંકેલાઈ જવાની સંભાવનાઓમાંથી ઘણું દૂર જતું રહ્યું છે.

columnists raj swami