એવી મુદ્રાઓ જેમાં તમે બળજબરીપૂર્વક કોશિશ કરો તોય નેગેટિવ વિચારો ન આવે

16 January, 2020 04:23 PM IST  |  | Ruchita Shah

એવી મુદ્રાઓ જેમાં તમે બળજબરીપૂર્વક કોશિશ કરો તોય નેગેટિવ વિચારો ન આવે

ભૂમિ સ્પર્શ મુદ્રા

આજે કેટલીક ઓછી જાણીતી અને ઝટપટ રિઝલ્ટ આપતી મુદ્રાઓ વિશે વાત કરીએ અત્યારનો જમાનો ફાસ્ટ છે. સમયનો અભાવ છે એવા સમયે જેના માટે ખૂબ વધારે રાહ જોવી પડતી હોય એવી બાબતો માટે કોઈ ઝડપથી તૈયાર નહીં થાય. યોગનો માર્ગ ધીરજનો માર્ગ છે. લાંબા ગાળે યોગમાંથી મળતું પરિણામ કલ્પનાતીત હોય છે, પરંતુ યોગની ઘણી ક્રિયાઓ છે જેનાં પરિણામ તાત્કાલિક મળે છે. યોગના પ્રચાર-પ્રસારમાં એ ક્વિક ટેક્નિકોએ બહુ મોટો રોલ ભજવ્યો છે. મુદ્રા સાયન્સ એમાંનું જ એક. હઠયોગ પ્રદીપિકા, ઘેરણ્ડસંહિતા જેવાં યોગનાં પૉપ્યુલર પુસ્તકોમાં મુદ્રાની ચર્ચા છે. આજે કેટલીક ઓછી જાણીતી અને તાત્કાલિક રિઝલ્ટ આપતી મુદ્રાઓના સેમિનાર્સ લેતા મુદ્રા એક્સપર્ટ મિતેશ દોશી સાથે ઇફેક્ટિવ મુદ્રાઓ વિશે વાત કરીએ.

મુદ્રા શું કામ કરે છે?

મુદ્રા થિયરી અને ટચસ્ક્રીન ટેક્નૉલૉજીમાં ઘણી સમાનતા છે એમ જણાવીને મિતેશભાઈ કહે છે, ‘મુદ્રા પ્રૅક્ટિકલ સાયન્સ છે. તમારા ફોનનું મેકૅનિઝમ એ રીતનું છે એટલે તમે ફોનના અમુક હિસ્સાને ટચ કરો એટલે તમને જોઈતું રિઝલ્ટ મળે. કારણ છે અંદર પ્રીસેટ કરવામાં આવેલી ટેક્નૉલૉજી. એ જ વાત મુદ્રાને લાગુ પડે છે. આપણા શરીરમાં પ્રાણ ઊર્જા સૂક્ષ્મ શરીરમાંથી પસાર થતી લાખો નાડીઓના માધ્યમે વહે છે. ૭૨ હજાર નાડીઓ હોવાનું સામાન્ય રીતે પૉપ્યુલર છે, પરંતુ અલગ-અલગ પુસ્તકોમાં જુદો-જુદો આંકડો છે. જોકે બધામાં મૉરલ ઑફ ધ સ્ટોરી તો એ જ છે કે શરીરના પ્રત્યેક ભાગમાં આ એનર્જી ચૅનલ્સ પ્રસરેલી છે. હવે આપણે જ્યારે આંગળીઓ અને હથેળીને અમુક પોઝિશનમાં રાખીએ છીએ ત્યારે આપણે શરીરના કુદરતી એનર્જી ફ્લોને બૂસ્ટ કરીએ છીએ. શરીરની નાડીઓ વાટે થતા ઊર્જાના પ્રવાહને આપણને અનુકૂળ ડિરેક્શનમાં ફ્લો કરાવવાનું વિજ્ઞાન એટલે મુદ્રા વિજ્ઞાન. મુદ્રાને તમે સાયન્સ ઑફ ન્યુરૉન પણ કહી શકો. એ તાત્કાલિક તમારા ડિસ્ટર્બ્ડ બ્રેઇન વેવને શાંત કરી શકે છે. બે સર્કિટને કનેક્ટ કરવાનું કામ મુદ્રા વાટે થાય છે. શરીરનાં મુખ્ય સાત ચક્રોને એ બૂસ્ટ કરે છે. પંચ તત્વોને સંતુલિત કરી શકે છે. હું હંમેશાં લોકોને કહેતો હોઉં છું કે મારા શબ્દો પર ભરોસો નહીં કરતા કે અવિશ્વાસ પણ નહીં કરતા. જાતે અનુભવ કરજો અને પછી જ કોઈ વાતને સ્વીકારજો.’

કેમ ખબર પડે?

મુદ્રાની અસર થઈ કે નહીં એ ચેક કરવા માટે તમારા શ્વાસોચ્છવાસની ગતિ પર ધ્યાન આપો. શ્વાસ તમારા માઇન્ડનું સ્પીડોમીટર છે. મિતેશભાઈ કહે છે, ‘મુદ્રા તમારા શ્વાસની ગતિ ઘટાડશે અને તમને શાંત કરશે. તમે જો ક્યારેક નિરીક્ષણ કર્યું હશે તો જોયું હશે કે આપણી મોટા ભાગની મૂર્તિઓ, સ્થાપત્યોમાં મુદ્રાનાં દર્શન થશે. આ જ સ્થાપત્યો અને ભારત ઉપરાંતના અન્ય એશિયાઈ દેશોમાં પ્રર્વતતી કેટલીક મુદ્રાઓને અનુભવ દ્વારા મેં શૉર્ટ લિસ્ટ કરી છે. અજંતા-ઇલોરામાં કેટલીક મુદ્રાઓ જોઈ છે. પછી એના પર પ્રયોગો કર્યા. જેમાં-જેમાં ક્વિક રિઝલ્ટ દેખાયું એને લોકો પાસે અનુભવ કરાવી. બધાનો અનુભવ હકારાત્મક મળ્યો પછી એને શીખવવાની શરૂ કરી.’

જાણીએ ત્રણ મહત્વની મુદ્રાઓ વિશે

ભૂમિ સ્પર્શ મુદ્રા

કહેવાય છે કે ગૌતમ બુદ્ધે આ મુદ્રા દ્વારા ધરતીમાં પોતાની ઊર્જા આપી હતી. બુદ્ધિઝમમાં આ મુદ્રાનું ઘણું મહત્વ છે. ઇન ફૅક્ટ, ભગવાન બુદ્ધની આ મુદ્રામાં તમે ઘણી મૂર્તિઓ જોઈ હશે. ભૂમિ સ્પર્શ મુદ્રા તમારા મનને તાત્કાલિક શાંત કરીને સ્થિરતા તરફ લઈ જાય છે. મનનો સ્વભાવ ચંચળતા છે, પણ આ મુદ્રામાં મન વિચારશૂન્ય થવાની દિશામાં પહોંચી જશે. સામાન્ય રીતે આપણે મેડિટેશનમાં વિચારશૂન્ય બનવાના જ પ્રયત્નો કરતા હોઈએ છીએ અને વર્ષોના પ્રયત્નો પછી પણ લોકોને સફળતા નથી મળતી જે આ મુદ્રામાં ગણતરીની સેકન્ડમાં સહજ થશે. મનમાં કોઈ પણ પ્રકારનું ગિલ્ટ ઘર કરી ગયું હોય તો એ આ મુદ્રાથી દૂર થશે. હાઈ બ્લડ-પ્રેશર, અનિદ્રા અને સ્ટ્રેસને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ હોય એને આ મુદ્રાથી સંતુલિત કરી શકાશે.

કરવાનું શું?

કોઈ પણ આસનમાં બેસી જાઓ. ખુરશી પર બેસશો તો પણ ચાલશે. હવે તમારી નાભિથી ચાર આંગળની જગ્યા છોડી હથેળીને તસવીરમાં દર્શાવી છે એમ આડી રાખો. તમારો અંગૂઠો બહારની તરફ હશે અને ટચલી આંગળી જ્યાં પૂરી થાય છે અને હાથનું કાંડું જ્યાં શરૂ થાય છે એ હથેળીના વચલા ભાગનો મિડલ પાર્ટ બરાબર નાભિથી ચાર આંગળ નીચેના હિસ્સામાં સ્પર્શે એ રીતે રાખો. જાતે જ હાથને સહેજ ઉપર-નીચે તરફ ઍડ્જસ્ટ કરીને તમારા મનને શાંત કરનારા પૉઇન્ટને શોધો. એકવાર એ પૉઇન્ટ મળી જાય એટલે સ્થિર બેસી જાઓ. તમે આંખ ખુલ્લી રાખો કે બંધ, આ મુદ્રા તમને મનથી શાંત કરી રહી છે એવો અનુભવ તાત્કાલિક થશે. બેશક, આ મુદ્રા ત્યારે જ રિઝલ્ટ આપશે જ્યારે એને તમે ઉચિત રીતે કરી હશે.

ધ્યાન મુદ્રા

જૈનોના તીર્થંકર મોટે ભાગે આ જ મુદ્રામાં હોય છે. આ મુદ્રા તમારા મનને તાત્કાલિક શાંત કરશે. મગજના વિચારો ઘણા અંશે શમી ગયા હશે. તમારામાં સહજ દૃષ્ટાભાવ પ્રગટ થશે. તમે જીવનની ઘટનાઓને સાક્ષીભાવે અને વધુ સ્પષ્ટતા સાથે જોઈ શકશો. તમારા સ્વાધિષ્ટાન ચક્રને આ મુદ્રા ઍક્ટિવેટ કરે છે. તમારી ઇચ્છાશક્તિને દૃઢતા આપે છે. તમારી યાદશક્તિ વધારે છે.

કરવાનું શું?

તમારી બન્ને હથેળીઓને એકબીજા પર ચત્તી મૂકવી અને ઉપર રહેલા અંગૂઠાનું મધ્યબિંદુ બીજા હાથના અંગૂઠાના નખના ભાગને વચ્ચોવચ સ્પર્શે એ રીતે રાખવો. તસવીરમાં દર્શાવ્યું છે એ રીતે. મહિલાઓએ ડાબી હથેળી ઉપર રાખવી અને પુરુષોએ જમણી હથેળી ઉપર રાખવી. અંગૂઠા અને અન્ય આંગળીઓ વચ્ચે થોડું અંતર રહે એ જરૂરી છે.

હાકિની મુદ્રા

સંસ્કૃતમાં હાકિનીનો અર્થ થાય છે સત્તાશાહી, ડૉમિનેટિંગ, પાવરફુલ. ઘણા લોકોને સ્પીચ આપતી વખતે કે કોઈ મહત્વની મીટિંગ દરમ્યાન આ મુદ્રામાં બેસેલા જોયા હશે. આ મુદ્રા તમારા ડાબા અને જમણા મગજમાં સંતુલન લાવે છે. તમારી કમ્યુનિકેશન સ્કિલ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. શરીરનાં પાંચ તત્વોમાં સંતુલન લાવે છે. તમારી યાદશક્તિ વધારે છે.

કરવાનું શું?

આ મુદ્રાને કરવાની છ પદ્ધતિ છે. તમારે જાતે ચેક કરવાનું છે કે છ રીતમાંથી કઈ રીતમાં તમે સૌથી વધુ રિલૅક્સ અને કૉન્ફિડન્ટ થાઓ છો. જમીન પર અથવા ખુરશી પર બેસીને તમે આ મુદ્રા કરી શકો છો. સૌથી પહેલાં તમારા બન્ને હાથનાં ટેરવાં એકબીજાને સ્પર્શે એ રીતે કોણીનો ટેબલ પર ટેકો લઈને હાથ રાખવાના છે. બીજી મેથડમાં જમણા હાથની આંગળીઓનાં ટેરવાં ડાબા હાથની આંગળીના નખને સ્પર્શે એ રીતે રાખવાં. એવી જ રીતે ડાબા હાથનાં ટેરવાં જમણા હાથના નખને સ્પર્શે એમ રાખવાં. પહેલી ત્રણ મેથડમાં હાથ ટેબલ પર કોણીનો સપોર્ટ લઈને રાખવાના. અન્ય ત્રણ મેથડમાં હાથને નીચેની બાજુએ રાખવાના. આંગળીઓ જમીનની દિશામાં પૉઇન્ટ કરતી હોય એ રીતે.

મુદ્રા ટચસ્ક્રીન ટેક્નૉલૉજી પર કામ કરે છે એવું કહી શકાય. તમારા મનની શાંતિ, એકાગ્રતા અને અનેક રોગોનું મારણ તમારી આંગળીઓનાં ટેરવાંમાં છે અને એમાંથી તાત્કાલિક રિઝલ્ટ મેળવી શકાય છે. જોકે એ કરવાની રીત ચોક્કસ હોવી જોઈએ

- મિતેશ જોશી, મુદ્રા નિષ્ણાત

life and style ruchita shah yoga columnists health tips