દેશ-વિદેશના ઝૂલતા પુલ

06 November, 2022 10:15 AM IST  |  Mumbai | Alpa Nirmal

મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ગમખ્વાર ઘટના પછી દરેક રાજ્યોની સરકાર પુલની સુરક્ષિતતા સંદર્ભે સાવચેત થઈ ગઈ છે ત્યારે જાણીએ દેશ-વિદેશના પાદચારી સસ્પેન્શન બ્રિજ વિશે, જેે શતક પાર કર્યા પછી પણ કાર્યરત છે

મોરબીના ઝૂલતા પુલની ફાઇલ તસવીર

ક્લૉક સિટીની જીવાદોરી સમી મચ્છુ નદી પર ૧૮૮૦માં તત્કાલીન રાજા વાઘજી ઠાકોરે સસ્પેન્શન બ્રિજ બંધાવ્યો હતો. દરબારગઢ પૅલેસ અને નઝરબાગ પૅલેસ (જે હાલમાં લખદીરજી એન્જિનિયરિંગ કૉલેજમાં તબદીલ થઈ ગયું છે)ને જોડવા મોરબી સ્ટેટના રાજવીએ વિક્ટોરિયન સ્ટાઇલનો ઝૂલતો પુલ અહીં બનાવડાવ્યો. નદીના વહેણથી ૧૫ મીટર ઊંચો અને ૨૩૦ મીટર લાંબા આ પુલને તક્નિકી ભાષામાં સિમ્પલ સસ્પેન્શન બ્રિજ કહેવાય. ઘણા પ્રદેશો અને દેશોમાં એને રોપ બ્રિજ, સ્વિંગ બ્રિજ, હૅન્ગિંગ બ્રિજ, કૅટિનરી બ્રિજ પણ કહે છે. એન્જિનિયરિંગની આ ટેક્નિકમાં આખા પુલની સમાંતર આડા અને ઊભા કેબલ્સ, દોરડા કે સાંકળ હોય છે, જે આખા બ્રિજનો ભાર ઝીલે છે. આ પુલ ફક્ત બે  છેડે આવેલા પિલરના સપોર્ટ પર ઊભા હોય છે. વચ્ચે ક્યાંયથી જમીન સાથે કનેક્ટેડ હોતા નથી. આને કારણે પણ એને ઝૂલતા પુલ કહેવાય છે. 

કૅરિક-અ-રીડ-રોપ બ્રિજ :

નૉધર્ન આયરલૅન્ડના આ બ્રિજ ૩૫૦ વર્ષ પહેલાં સ્થાનિક માછીમારોએ બનાવ્યો હતો. ૧૯૭૦માં એનું સમારકામ થયું અને દોરડાને બદલે લોખંડના કેબલ્સ લાગ્યા. હવે આ વિસ્તારમાં જવા બે મોટરેબલ બ્રિજ બન્યા છે, છતાં પ્રવાસીઓ ઍન્ટિક પુલને જોવા આવે છે. સેફ્ટીના પર્પઝથી અહીં એક સમયે ૮થી વધુ લોકોને જવા દેવાતા નથી.

કેસવાહચાકાહ્ બ્રિજ :

પેરુમાં આ ટેક્નિકથી ૨૦૦ જેટલા બ્રિજ હતા, જેમાંથી એન્ડિસ પર્વતની હારમાળામાં અપુરિમેક નદી પર આવેલો આ કેસવાહચાહકાહ્ બ્રિજ ટીલ ટુ ડે સ્ટ્રૉન્ગ છે અને વર્કિંગ મોડમાં છે. ૧૨૦ ફુટ લાંબો આ બ્રિજ ખુદ સિનિક પ્લેસ બની ગયો છે. ઈસવી સન ૧૬૧૫માં છપાયેલા એક પુસ્તકમાં આનો ઉલ્લેખ છે. સ્થાનિક ભાષામાં કેસવાહ એટલે ગૂંથેલું ઘાસ કે દોરડું અને ચાહકાહ્ એટલે પુલ. આ આઇકૉનિક પુલ હજી પણ ૫૦૦ વર્ષ પૂર્વેની ડિઝાઇન મુજબ જાડા દોરડાથી ગૂંથાયેલો છે.

કૅપિલાનો સસ્પેન્શન બ્રિજ :

ઉત્તર કૅનેડાના વેનકુવરમાં કૅપિલાનો નદી પર બંધાયેલો આ બ્રિજ આજે પણ ૧૮૮૯માં દેખાતો હતો એવો જ દેખાય છે. ૪૬૦ ફુટ લાંબો અને નદીથી ૨૩૦ ફુટની ઊંચાઈએ આવલા આ બ્રિજને ૧૯૦૩માં સ્ટીલ કેબલ લગાડાયા અને ૧૯૫૬માં એ ફરી રીબિલ્ડ પણ થયો. પુનર્નિર્માણમાં એવા જ હૅમ્પ રોપ્સ અને સેડાર લાકડાનાં પાટિયાં વપરાયાં જેથી એનો દેખાવ ન બદલાય. દર વર્ષે અહીં ૧૨થી ૧૫ લાખ લોકો ફરવા આવે છે.

ગિરો ડેલ પૉન્ટે ટિબેટાનો :

આ બ્રિજ સાઉથ સ્વિટ્ઝરલૅન્ડમાં ટિચીનો રીજનમાં છે. આ બ્રિજને અહીં વસતા ટિબેટિયન લામાઓએ ૧૪મી-૧૫મી સદીમાં બનાવ્યો હતો. જોકે હવે નથી ત્યાં મોનેસ્ટ્રી કે નથી લામા. બસ તેમની યાદમાં આ જ જગ્યાએ એક સદી પહેલાં સસ્પેન્શન બ્રિજ બન્યો છે. વિનયાર્ડ્સ, જંગલ, આઇસી પિક્સ સુધી પહોંચાડતો આ પુલ ટ્રેકર્સ અને હાઇકર્સ માટે સ્વર્ગની સીડી સમાન છે.

લિ‌લુએટ સસ્પેન્શન બ્રિજ :

કૅનેડાના બ્રિટિશ કોલમ્બિયા વિસ્તારમાં ફ્રેઝર નદી પર બંધાયેલો લિલુએટ ઓલ્ડ બ્રિજ ૧૬૧ મીટર લાંબો છે. ૧૮૮૯માં શરૂ થયેલા આ બ્રિજ પર વેહિકલ ટ્રાફિક પણ અલાઉડ હતું, પણ ૨૦૦૩થી આ બ્રિજ પેડેસ્ટ્રિયન ઓન્લી બન્યો છે અને રિસ્ટોરેશન બાદ વધુ આકર્ષક અને મજબૂત બન્યો છે.

સ્વિંગ બ્રિજ :

લોખંડના કેબલ્સથી સસ્પેન્શન બ્રિજ બનાવવાના શોધક વિલિયમ આર્મસ્ટ્રૉન્ગે ઇંગ્લૅન્ડની ટાઇન નદી પર ૧૮૭૬માં આ બ્રિજ બનાવેલો. ન્યુ કૅસલ અને ગેટ્સહેડના વિસ્તારને કનેક્ટ કરતું આ એન્જિનિયરિંગ માર્વેલ મોટાં જહાજો આવે ત્યારે ખૂલી જાય. જોકે હવે આ ઓપનિંગ-ક્લોઝિંગ દિવસમાં ફક્ત ૪ વખત થાય છે, પણ અચરજની વાત એ છે હજી પણ ૧૯૭૬માં મિસ્ટર આર્મસ્ટ્રૉન્ગે બનાવેલી મશીનરી અને મેકૅનિઝમથી જ આ પુલને ખોલ-બંધ કરવામાં આવે છે.

અપને દેશ મેં ભી હૈ સદીઓ પુરાને ઝૂલતે પુલ

દુનિયાભરના હિસ્ટોરિકલ સસ્પેન્શન બ્રિજની ઇન્વેન્ટરી બનાવનાર ‘બ્રિજમિસ્ટર ડૉટકૉમ’ના સર્વે અનુસાર ભારતમાં ક્લોઝ્‍ડ અને કાર્યરત મળીને કુલ ૬૩૨ ઝૂલતા પુલ છે.

પુનાલુર પુલ :

કેરલા રાજ્યનો કાલડા નદી પર બનેલો પુનાલુર પુલ ઓલ્ડેસ્ટ વર્કિંગ પેડેસ્ટ્રિયન બ્રિજ છે. ૧૮૭૭માં શરૂ થયેલો ૧૨૦ મીટર લાંબો આ પુલ ત્રાવણકોરના રાજાઓએ તેમના શહેરને જંગલમાં વસતાં પ્રાણીઓથી બચાવવા માટે બંધાવેલો જે મોટરેબલ હતો, પરંતુ ટ્રાફિક વધતાં ૧૯૭૨માં બાજુમાં જ બીજો બ્રિજ બનાવાયો. આજે આ પુલ સહેલાણીઓ અને સ્થાનિક લોકો માટે સેલ્ફી પૉઇન્ટ છે.

ભીરી પુલ :

ઉત્તરાખંડના ઉખીમઠ અને રુદ્રપ્રયાગને જોડતો ભીરી પુલ ૧૮૯૯માં બનાવાયો. મંદાકિની નદી પર નિર્મિત આ બ્રિજ અત્યારે જર્જરિત હોવા છતાં કાર્યરત છે. પ્રશાસનને વારંવાર ફરિયાદ કર્યા છતાં અહીં સમારકામ નથી થયું. આ પુલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો શૉર્ટ રૂટ હોવાથી લોકો જીવના જોખમે પણ આ પુલ વાપરે છે.

ગોકાક પુલ :

કર્ણાટકના ગોકાક વૉટરફૉલ પાસે ઘાટ પ્રભા નદી પર બનાવેલો સસ્પેન્શન બ્રિજ સામે કાંઠે રહેલી કૉટનની મિલોમાં જતા કામદારો માટે બનાવાયો હતો. ૧૯૦૭માં નિર્માણ પામેલો આ પુલ કડેધડે છે.

columnists alpa nirmal