ન્યુ દિલ્હી ટાઇમ્સ પૉલિટિક્સ અને પ્રેસની પ્રેમ કહાની

14 March, 2020 11:57 AM IST  |  Mumbai | Raj Goswami

ન્યુ દિલ્હી ટાઇમ્સ પૉલિટિક્સ અને પ્રેસની પ્રેમ કહાની

શશી કપૂર

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ બ્લૉકબસ્ટર ફિલ્મ નહોતી. કદાચ બધા લોકોને એનું નામ પણ યાદ નહીં હોય, પણ એ બહુ અગત્યની ફિલ્મ હતી. પત્રકારત્વનો વિષય લઈને આપણે ત્યાં પૉલિટિકલ-થ્રિલર ફિલ્મો બનતી નથી. રામ ગોપાલ વર્માએ ૨૦૧૦માં અમિતાભ બચ્ચનને લઈને ટેલિવિઝન ન્યુઝ ચૅનલના પત્રકારત્વ પર મહત્ત્વાકાંક્ષી ‘રન’ ફિલ્મ બનાવી હતી, પણ એ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. એ જ વર્ષે આવેલી ‘પીપલી લાઇવ’ ઘણા અંશે સફળ ફિલ્મ હતી, પણ એમાં ટેલિવિઝન મીડિયાના વ્યવસાયમાં ટીઆરપીની જે હુંસાતુંસી છે એની ગંભીરતા હાસ્ય-વ્યંગમાં ખપી ગઈ હતી. ૧૯૮૪માં ‘કમલા’ નામની એક નાના બજેટની ફિલ્મ આવી હતી જેમાં પત્રકારત્વની વ્યવસાયિક નૈતિકતાને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. ‘કમલા’ સત્યઘટના પર આધારિત હતી. એની વાત ફરી ક્યારેક કરીશું.

રમેશ શર્માની ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ (૧૯૮૬) રાજકીય ભ્રષ્ટાચાર અને પત્રકારત્વની સાઠગાંઠની આકરી ફિલ્મ હતી જેને ખણખોદિયા પત્રકારત્વમાં જરા સરખો રસ હોય તેણે આ ફિલ્મ જોવા જેવી છે. થોડી રાહ જોશો તો એ નવા અવતારમાં જોવા મળશે. ‘ફિલ્મફેર’ના એક સમયના એડિટર અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ ફિલ્મ વિવેચક ખાલિદ મોહમ્મદ અને ડિરેક્ટર રમેશ શર્માએ ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ની સીક્વલ બનાવવાની જાહેરાત કરી છે. મીડિયા અને રાજકારણ વચ્ચેની મિલીભગત પર ખાલિદ પટકથા લખી રહ્યા છે અને રમેશ શર્મા એનું નિર્દેશન કરશે.

રમેશ શર્મા આમ તો ડૉક્યુમેન્ટરી સર્જક છે પણ ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ તેમની યાદગાર ફિલ્મ છે. એક તો એમાં એ વખતનો સૌથી મોટો સ્ટાર શશિ કપૂર હતો (એની વાત પછી વિગતે) અને એમાં શર્મિલા ટાગોર, ઓમ પુરી અને કુલભૂષણ ખરબંદા જેવા મુખ્ય ધારાના ઍક્ટરો પણ હતા. આ મસાલા ફિલ્મ નહોતી. તેણે રાજકીય ભ્રષ્ટાચારના વિષયને મનોરંજનનો વિષય બનાવી દીધો નહોતો. પૂરી ગંભીરતા, અભ્યાસ અને નિષ્ઠા સાથે એને ન્યાય આપવામાં આવ્યો હતો. એનું કારણ ગુલઝાર હતા જેમણે એની પટકથા લખી હતી.

તમને જો યાદ હોય તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રના તત્કાલીન એડિટર અરુણ શૌરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેના સિમેન્ટ કૌભાંડને છતું કર્યું હતું. ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’માં આના પરથી પ્રેરણા લેવામાં આવી હતી અને વિકાસ પાન્ડેનું પાત્ર શૌરી પરથી અને એના પ્રકાશક જગન્નાથ પોદારનું પાત્ર ‘એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોયન્કા પરથી કલ્પવામાં આવ્યું હતું.

ફિલ્મની શરૂઆત ગાઝિયાબાદમાં એક રાજકીય હત્યાથી થાય છે. એના મૂળમાં જવા માટે ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ નામના અંગ્રેજી સમાચારપત્રનો એડિટર વિકાસ પાન્ડે (શશિ કપૂર) અપરાધિક ઉપેક્ષાના કારણે થયેલા એક લઠ્ઠાકાંડની છાનબીન કરે છે. એમાં તેને અજય સિંહ (ઓમ પુરી)નો ભેટો થાય છે જેને મુખ્ય પ્રધાન બનવાની ભૂખ છે અને જે દારૂના વેપારીઓની શક્તિશાળી લૉબી ચલાવે છે. એમાં હત્યાઓના સિલસિલા, મારામારી અને કોમી તોફાનો વચ્ચેથી પાન્ડેને મુખ્ય પ્રધાનના ભ્રષ્ટાચારની ખબર પડે છે. મીડિયામાં કામ કરતા પત્રકારોને સારી રીતે ખબર હોય છે કે છાપામાં છપાતા સમાચારો પાછળ કેવી-કેવી કહાનીઓ હોય છે અને એની પાછળ કેવું રાજકારણ હોય છે.

એમાં પત્રકારત્વને લઈને પણ અમુક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેનો અસલી પત્રકારો તેમની વ્યવસાયિક જિંદગીમાં સામનો કરતા હોય છે. ગાઝિયાબાદમાં રાજકારણ પ્રેરિત કોમી તોફાનો થાય છે ત્યારે વિકાસ પાન્ડે અનવર નામના ફોટોગ્રાફરને મોતના મુખમાંથી બચાવે છે. બન્ને સુખરૂપ હોટેલ પર પહોંચે છે ત્યારે અનવર બોલે છે, ‘યહાં આયા તો પતા ચલા કિ દંગે હો રહે હૈ, મઝા આ ગયા.’ પાન્ડે તેને પૂછે છે, ‘તુમ્હે રાયટ મેં મઝા આતા હૈ?” ત્યારે અનવર પત્રકારોનું ‘સત્ય’ સમજાવે છે, “અરે યાર, તુમ સમઝ ગએ ના મૈં ક્યા કહ રહા હૂં. તુમ્હે એક અચ્છી સ્ટોરી મિલ ગઈ, મુઝે કુછ અચ્છે ફોટોગ્રાફ્સ. બસ.’

રમેશ શર્માએ પત્રકારોની આવી બીજી દુવિધા પણ ઉજાગર કરી હતી. પાન્ડેની પત્ની નિશા (શર્મિલા ટાગોર) એક જગ્યાએ કહે છે કે પત્રકાર પાન્ડેને ખબર જ નથી કે ક્યાં અટકવું તો બીજી જગ્યાએ પાન્ડે તેનો પત્રકારત્વનો ધર્મ સમજાવતાં કહે છે, ‘લોગોં કો સચ્ચાઈ જાનને કા હક હૈ ઔર ઉનકો સચ્ચાઈ તક પહૂંચાના મેરા ફર્ઝ.’

રમેશ શર્માએ ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’માં દર્શકોને સમાચારોની દુનિયાની એવી સચ્ચાઈ સુધી પહોંચાડ્યા હતા જેને બૉલીવુડની મુખ્ય ધારાની કોઈ ફિલ્મે પહોંચાડ્યા નહોતા.

શશિ કપૂરની આ સૌથી ઉત્તમ ફિલ્મ છે. ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ તેની કારકિર્દીની એક સીમાચિહ‍્‌‌ન ફિલ્મ છે. તે ત્યારે બહુ મોટો અને વ્યસ્ત સ્ટાર હતો. પત્રકારો ભાગ્યે જ ખૂબસૂરત હોય છે. એટલે તેમણે જ્યારે ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’માં શશિ કપૂરને જોયો ત્યારે ઘણા પત્રકારો-સંપાદકોને લઘુતાગ્રંથિ આવી ગયેલી. એમાં શશિનો પર્ફોર્મન્સ તેના દેખાવ જેવો જ ખૂબસૂરત હતો. મધ્યવયસ્ક, કાન પર સફેદ લટ અને ધીરગંભીર ચહેરો શશિ પર એકદમ સૂટ થતો હતો.

દિલ્હીવાસી રમેશ શર્માને બૉલીવુડની કશી ખબર નહોતી અને સત્યજિત રેની ફિલ્મોના સિનેમૅટોગ્રાફર સુબ્રતો મિત્રાના માધ્યમથી શશિ સાથે મુલાકાત થઈ હતી. શશિ એ વખતે કમર્શિયલ ફિલ્મોમાં વ્યસ્ત હતો, પણ તેને આવી સાર્થક ફિલ્મોય બહુ વહાલી હતી. રમેશ શર્માની આ પહેલી જ ફિલ્મ હતી એટલે તે નર્વસ હતો. મુંબઈમાં હોટેલ તાજ મહલની ગોલ્ડન ડ્રૅગન રેસ્ટોરાંમાં બન્ને ડિનર પર ભેગા થયા હતા. ત્યાં રમેશે ફિલ્મની કહાણી સંભળાવી.

રમેશ એ મુલાકાતને યાદ કરીને કહે છે, ‘નજીકના ટેબલ પર દોસ્તો સાથે ઍક્ટર જિતેન્દ્ર હતો. તેના તરફ ફરીને શશિએ મારી ઓળખાણ તેની નવી ફિલ્મના ડિરેક્ટર તરીકે કરાવી. હું તો સ્તબ્ધ થઈ ગયો, કારણ કે મેં તો હજી કહાણી જ સંભળાવી હતી.’

પછી શશિએ રમેશને પૂછ્યું કે ફિલ્મ માટે કેટલું બજેટ છે? રમેશે કહ્યું કે, ૨૫ લાખ રૂપિયા. શશિ કહે, ‘મજાક નથી કરતોને?’ રમેશે કહ્યું કે હું તો પગાર વગર કામ કરું છું અને માંડ આટલા ભેગા થયા છે. શશિ કપૂર ચૂપ થઈ ગયો.

અચાનક શશિએ રમેશ શર્માને પૂછ્યું, ‘ખિસ્સામાં કેટલા પૈસા છે?”

રમેશને એમ કે બિલ ચૂકવવા માટે પૂછે છે.

‘એક હજાર છે.’ તેણે કહેલું.

‘૧૦૧ કાઢીને આપ. આજે જુમ્મા (શુક્રવાર) છે. શુકનનો દિવસ છે. હું આ ફિલ્મ કરું છું.’ શશિએ ત્યાં ને ત્યાં જ, ફીની ચર્ચા કર્યા વગર હા પાડી દીધી. પાછળથી શશિએ એક લાખ રૂપિયા લીધા હતા. બે દાયકા પહેલાં ‘વક્ત’ ફિલ્મમાં બી. આર. ચોપડાએ શશિને એક લાખ રૂપિયા આપ્યા હતા. શશિએ બે શરતો મૂકી; એક, બીજા કોઈ નિર્માતા-નિર્દેશકને લાખ રૂપિયાની વાત નહીં કહેવાની નહીં તો તેનો ભાવ બગડી જશે. અને બે, દિલ્હીમાં તે તાજ માનસિંહ હોટેલમાં જ ઊતરશે. ખાવા-પીવાનો અને બીજો ખર્ચો જાતે ભોગવશે, પણ બીજી કોઈ સસ્તી હોટેલમાં નહીં ઊતરે. લોકોને લાગવું જોઈએ કે શશિનો સ્તર પડી નથી ગયો!

શશિએ ફિલ્મ કરવાની હા પાડી એટલે તેની પત્નીની ભૂમિકા માટે શર્મિલાને મનાવવાનું સરળ થઈ ગયું. એ દિવસોમાં હીરોને નક્કી કરો એટલે બીજા કલાકારો અને ફન્ડ માટે આસાની થઈ જતી.

ઑગસ્ટ, ૧૯૮૪માં ફિલ્મ શરૂ જ થવાની હતી પણ કોઈ ને કોઈ કારણોસર પાછળ ઠેલાતી ગઈ. એવામાં શશિની પત્ની જેનિફર બીમાર પડી ગઈ. તેને કૅન્સર હતું અને લંડન લઈ જવાઈ હતી. ત્યાંથી શશિએ વિનવણી કરતાં કહ્યું, ‘ફિલ્મ નહીં થાય, મારાથી નહીં અવાય, બીજા કોઈકને લઈ લો.’ રમેશે કહ્યું, હવે છેક કિનારે આવીને બીજા કોને લઉં? શશિએ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેરનાં નામ સૂચવ્યાં. રમેશે ના પાડી અને કહ્યું કે હું રાહ જોઈશ, તમતમારે સારવારમાં ધ્યાન આપો. ૧૯૮૪ના સપ્ટેમ્બરમાં જેનિફરનું અવસાન થયું. એમાં ઑક્ટોબરમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને દિલ્હીનો માહોલ ખરાબ થઈ ગયો. પછી કપૂરપરિવારે જ મોતના સંતાપમાંથી બહાર આવવા શશિને કામ કરવા ધકેલ્યો અને તેણે જાન્યુઆરી, ૧૯૮૫માં ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’થી જ તેની ઍક્ટિંગની પાછી શરૂઆત કરી. ફિલ્મને દિલ્હીથી ખસેડાઈને મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં લાવવામાં આવી

પાછળથી મુસીબત પણ થઈ. રાજકારણ અને મીડિયાના માલિકો વચ્ચેના ભ્રષ્ટાચારનું નામ પડતાં વિતરકો અને દૂરદર્શને ફિલ્મને હાથ લગાડવા ઇનકાર કરી દીધો હતો. કોઈક વકીલે તો એક સંવાદ માટે કોર્ટમાં કેસ પણ કરેલો, જેમાં વિકાસ પાન્ડે પત્ની નિશાને કહે છે કે ‘બધા વકીલો જૂઠા હોય છે.’

શશિ અડીખમ રમેશ સાથે ઊભો રહ્યો હતો.

પાછળથી ફિલ્મને ત્રણ નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. શશિ કપૂરને તેનો જે પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો એ ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ માટે. સુબ્રતો મિત્રાને શ્રેષ્ઠ સિનેમૅટોગ્રાફીનો અને રમેશ શર્માને નવોદિત ડિરેક્ટરનો પુરસ્કાર મળ્યો હતો. શશિ કપૂરે ત્યારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારી ફિલ્મ ‘૩૬ ચૌરંઘી લેન’ માટે મારી પત્ની જેનીફરને જીવતે જીવ (રાષ્ટ્રીય) પુરસ્કાર આપ્યો હોત તો સારું હતું. આ તબક્કે મને પુરસ્કાર આપીને શું મતલબ જ્યારે હું તેની સાથે આનંદ વહેંચી શકું એમ નથી?’

આજે આવી સાહસિક ફિલ્મ બને એવું શક્ય નથી. પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’ મસ્ટ-વૉચ ફિલ્મ છે.

columnists raj goswami weekend guide