નિકોબાર પ્રથમ વાર – પુસ્તક ખરું, પણ શ્રી કુદરત શરણં મમ

01 March, 2020 03:18 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

નિકોબાર પ્રથમ વાર – પુસ્તક ખરું, પણ શ્રી કુદરત શરણં મમ

‘છથી સાત હજાર કિલોમીટરનું અંતર તરીને અનેક મહાસાગરોનું ઊંડાણ માપીને દરિયાઈ પ્રવાહ સાથે તરીને એક માદા કાચબો રાતે દોઢ વાગ્યે પ્રકૃતિની સાંકળની આગલી કડીને વિસ્તારી રહ્યો હતો.’

તમે શું સમજ્યા કહો જોઉં? આ વિસ્તરણ એટલે શું? આ ત્રણ વાક્યો વાંચતાવેંત તમારી નજર સમક્ષ કયું ચિત્ર દોરાઈ જાય છે? હવે આગળ વાંચો...

‘આ કોઈ નાનીસૂની વાત નથી. જેને તમે ક્યારેય જોવાના નથી, મળવાના નથી, તેમને ત્યજી દેવાના, કુદરતને ભરોસે છોડી દેવાના... શું વીતતું હશે એ જનેતા પર? કલ્પના પણ થથરાવી મૂકે છે. આટલા બુદ્ધિશાળી વિચક્ષણ જીવને સંવેદના નહીં થતી હોય એ માનવાને કોઈ કારણ જ નથી. સંતાનોના ભવિષ્ય માટે, સલામતી માટે, લાગણીઓને કોરાણે મૂકીને એક માતા જ બધું ત્યજી શકે, બીજું કોઈ આવું ન કરી શકે. શત શત વંદન! પરમને પ્રણામ!’

એક માદા કાચબો રાતે દોઢ વાગ્યે માનવવિહોણા એક અવાવરુ ટાપુના સમુદ્રકિનારે ઈંડાં મૂકી રહ્યો છે. એક માણસની બે આંખ થોડે દૂર છુપાઈને આ અદ્ભુત દૃશ્ય જોઈ રહી છે. જન્મ આપી રહેલી આ પ્રકૃતિને જોતાવેંત પેલી સદ્ભાગી આંખોની આરપાર જે શબ્દો પેદા થાય છે એ શબ્દો કોઈ પ્રવાસીના નથી, કોઈક તત્વજ્ઞાની કે અધ્યાત્મ પુરુષના હોય એવા લાગે – ‘પ્રકૃતિની સાંકળની આગલી કડી.’ હવે પછી કોઈ પણ જન્મની વાત સાંભળતાવેંત આ શબ્દો તમારા કાનમાં ગુંજ્યા વિના નહીં રહે.

પણ પેલી બે આંખોએ આ જે દૃશ્ય જોયું એનો અંતરઆત્મા આ દુર્લભ દૃશ્ય અંદરથી પણ કેવી રીતે મૂલવી રહ્યો છે એ શબ્દ પણ જુઓ.

‘લગભગ બે ફુટ ઊંડો ખાડો ખોદીને એમાં ઈંડાં મુકાઈ રહ્યાં હતાં. છપાક છપાક... અવાજ આવી રહ્યો હતો. હૃદયમાં દરેક છપાક સાથે કેટલાંય સ્પંદનો જન્મી રહ્યાં હતાં. એવું લાગ્યું જાણે અમે જ અવતરી રહ્યા હતા. અમારી આંખો ભરાઈ આવી. અભિભૂત ક્ષણો, ભાવવિભોર હૃદય, ઊભરાતાં અશ્રુઓ કે કોઈ અમીધારા? માથું નમાવી હાથ જોડીને વંદન કર્યા. જગતની તમામ માદાઓને, માતાઓને વંદન. હે જગતને રચનારી મા પ્રકૃતિ, સાષ્ટાંગ દંડવત્ વંદન. અક્ષરો ધૂંધળા લાગે છે... નહીં લખી શકાય... શ્રી કુદરત શરણં મમ્...’ 

ગુજરાતીઓ સાહસિક પ્રવાસીઓ નથી. ગુજરાતીઓ ધંધો કરવા માટે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચશે, પણ જેમાં જ્ઞાન સિવાય કશું મેળવવાનું ન હોય, જીવનું જોખમ લેવાનું હોય અને ગાંઠનું ગોપીચંદન કરવાનું હોય એવું કોઈ સાહસ ગુજરાતી કરશે નહીં એવું કહેનારાઓ સમક્ષ ‘નિકોબાર પ્રથમ વાર’ લેખક મનીષ શાહ, પ્રકાશક – ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ આ પુસ્તક ધરવા જેવું છે (મનીષ શાહની નાતમાં બેસાડી શકાય એવાં બીજાં બે ગુજરાતી નામો પણ યાદ આવી જાય છે – હર્ષલ પુષ્કર્ણા અને હિમાંશુ પ્રેમ). 

આંદામાન અને નિકોબારનો સમાવેશ આમ તો ભારતની સરહદોમાં થાય છે, પણ એના વિશેની આપણી માહિતી કે પછી આપણા વિશેની આ ટાપુઓના રહીશોના મનમાં માહિતી આંગળીના વેઢે પણ માપી શકાય એમ નથી. બંગાળના ઉપસાગરના દક્ષિણે આવેલા આ સેંકડો ટાપુઓનો દ્વીપ સમૂહ આપણાથી છૂટો પડેલો છે. આ સેંકડો પૈકી ભાગ્યે જ થોડા ટાપુઓ પર અત્યંત પાંખી વસ્તી બચી છે. આ પાંખી વસ્તી બહારના કોઈ પણ આવનારાને સ્વીકારતી નથી. આધુનિક ખોરાક, વસ્ત્રો, તબીબી સહાય, રહેઠાણ, શસ્ત્રો આમાંનું કશુંય તેમને જોઈતું નથી. જો કોઈ સરકારી સહાય લઈને ત્યાં પહોંચી જાય તો એ મુઠ્ઠીભર આદિવાસીઓ કાં તો તેમને મારી નાખે અથવા મારીને તેમને હાંકી કાઢે છે.

આવા પ્રદેશમાં મનીષ શાહ અને તેમના અન્ય ૬ સાથીદારો (જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે) ભારત સરકારનાં અનેક ખાતાંઓ પાસેથી સંમતિ મેળવીને એક પ્રવાસનું આયોજન કરે છે. આ પ્રવાસ એટલે કોઈ પિકનિક નહીં, જ્યાં ગયા પછી પાછા ફરી શકાશે કે નહીં એ વિશે પણ આશંકા રહેતી હોય એવી આ એક શૈક્ષણિક યાત્રા. વર્ષોથી આ ટાપુઓ પર વસતાં પક્ષીઓ કે અન્ય પ્રાણીસૃષ્ટિ વિશે કોઈ સત્તાવાર અભ્યાસ કે સંશોધન થયાં નથી. મનીષ શાહ અને તેમના સાથીઓ પક્ષીવિદો છે. તેમણે સરકારનો સંપર્ક સાધ્યો અને અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ એમાં દાખલ તો થયા અને વિજયી થઈને એમાંથી બહાર પણ આવ્યા.

આ પ્રવાસીઓ પાસે તેમના આ પ્રવાસમાં બે જોડી કપડાં, કૅમેરા, ટૉર્ચ લાઇટ અને થોડો કેળાં કે બિસ્કિટ જેવો ખોરાક. આ સામાન સાથે રાતના ભયંકર અંધારામાં સાથળ સુધી કાદવ લપેટાયેલો હોય એવી અવસ્થાની કલ્પના કરો! બેય પગ કાદવમાં ખૂંચેલા હોય, મધરાતનું ઘોર અંધારું હોય અને પછી પગ ઊંચકી ન શકાય ત્યારે આડે પડખે થઈને ભાંખોડિયાભેર કિનારે પહોંચવાનું થાય! અને પાછું આ બધું માત્ર અભ્યાસ કે સંશોધન માટે.   

પ્રવાસનાં પુસ્તકોમાં લેખક વાચકને બે રીતે સાથે રાખે છે. સ્થળનું વર્ણનાત્મક ચિત્ર કરીને લેખક વાચકને એ સ્થળની, એના સૌંદર્યની અને એ વખતે જો કોઈ ખાસ ઘટના બની હોય તો એની વાત કરે છે. કેટલીક વાર આ સ્થળની વાત ઇતિહાસ કે ભૂગોળ સાથે સંકળાઈ જાય છે. આ બન્ને પ્રસ્તુતિઓમાં સ્થળ અને સમય બન્ને સપાટી પર રહે છે. આ સપાટી જાળવી રાખીને લેખક જ્યારે એ સ્થળ અને કાળ વિશે કોઈક શાશ્વત દર્શન રમતાં-રમતાં કરાવે ત્યારે એ પ્રવાસવર્ણન વાચક માટે લેખક સાથેનો પ્રવાસ બની જાય છે. નિકોબાર વિશેનું આ પુસ્તક બીજા વર્ગમાં મૂકી શકાય એવું છે. એક-બે ઉદાહરણ જોઈએ...

કાચિંડો રંગ પરિવર્તન કરે છે એ તો આપણે બધા જાણીએ છીએ. આવું રંગ પરિવર્તન જેમ અને જ્યારે થાય છે તેમ અને ત્યારે એના સાક્ષી બનવાનું કામ ભારે અઘરું છે. લેખકને અહીં આવો એક અવસર મળે છે. વહેલી સવારની આ ઘટના વિશે લેખક આમ લખે છે...

‘દૂર ક્ષિતિજ પર દરિયાનાં પાણી ચમકી રહ્યાં હતાં. કુદરત એટલી હળવે-હળવે ખૂલી રહી હતી કે મારું મન યોગ્ય શબ્દ ગોતવામાં ગોથાં ખાઈ રહ્યું હતું. શું કહેવાય? આટલું હળવાશભર્યું, નજાકતભર્યું આગમન મનમાં જાણે કોઈ કુમકુમ પગલાં પાડી રહ્યું હતું. કોઈ ભાત ચીતરાતી હતી. કઈ અજબ રીતે કોઈ પ્રગટી રહ્યું હતું અને શબ્દ જડ્યો - શાલીન! આ ઘડીએ કદાચ શાલીનથી બીજો કોઈ યોગ્ય શબ્દ સૂઝ્યો નહીં.

ગાઢ જંગલમાં બુલબુલનું જોડું અને જંગલમાં ઘૂસી જતી કેડી જોઈને લેખકને ભોમિયા વિના ડુંગરા ભમવાના ઉમાશંકરના ઓરતા યાદ આવે છે. ‘ધ પ્રૉફેટ’ના લેખક ખલિલ જિબ્રાન પણ યાદ આવી ગયા. એ સ્મૃતિની અભિવ્યક્તિ આ રીતે થાય છે...

‘સાથે રહો અને એક જ દિશામાં જુઓ, પરંતુ થોડું અંતર જાળવીને. વીણાના બે તાર વચ્ચે પણ અંતર હોય છે. મધુર સંગીત તો જ જન્મે. અલગ કેડી કંડારવાની મજા જ કંઈ ઓર હોય છે.’

‘નિકોબાર પ્રથમ વાર’ પુસ્તક નર્યા પ્રવાસ સાહિત્યના ખાનામાં ગોઠવી દેવા જેવું નથી. આંદામાન નિકોબાર વિશે થોડો‍ ઇતિહાસ અપાયો હોત તો ગમત. અહીં સરકારી તંત્રનાં અને સ્થળોનાં જે નામ અપાયાં છે એમાં ભાગ્યે જ કોઈ ભારતીય નામ છે. અંગ્રેજી, ચાઇનીઝ અને ઇન્ડોનેશિયા મોટા ભાગે હાવી થાય છે. આમાં પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થઈ જાય છે. આનાં શું કોઈ ભારતીય નામ નહીં હોય?

પ્રકૃતિની આ ગોદમાંથી પ્રવાસ પૂરો કરીને લેખક બહાર આવે છે ત્યારે જે અનુભૂતિ તેમને થઈ છે એનો સાક્ષાત્કાર કોઈ પણ વાચક આ પુસ્તક વાંચ્યા પછી કરશે.

‘મા પ્રકૃતિ! તારા પરચા અપરંપાર છે. હૃદય કેમ ન નમે? નજર કેમ ન ઝૂકે? મસ્તક કેમ ન નત થાય? હાથ કેમ ન જોડાય? મન કેમ ન અભિભૂત થાય? આંખો કેમ ન સજળ થાય? તારે ચરણે, તારે શરણે, શ્રી કુદરત શરણં મમ્.’

columnists dinkar joshi weekend guide