બિદડા હૉસ્પિટલના સ્વપ્નદૃષ્ટા કલ્યાણજી માવજી પટેલ

21 July, 2020 01:40 PM IST  |  Kutch | Vasant Maru

બિદડા હૉસ્પિટલના સ્વપ્નદૃષ્ટા કલ્યાણજી માવજી પટેલ

વર્ષો પહેલાં ગામડાંઓમાં સંતાન જન્મે એટલે તેનું ચાગ (લાડ)નું નામ પાડવામાં આવે. બિદડાના જૈન આગેવાન માવજી પટેલ (ફુરિયા)ના ઘરે બાળક જન્મ્યું ત્યારે તે લાંબું જીવે અને ઈશ્વરની દિવ્ય કૃપા પામે માટે એનું લાડનું નામ પડ્યું કચુ. મોટો થતાં કચુ ઉર્ફે કલ્યાણજીએ ખરેખર ઈશ્વરના દિવ્ય બાળકની જેમ ખોબલે-ખોબલે દિવ્યતાની વહેંચણી કરી બિદડા ગામને ગોકુળિયું ગામ બનાવી દીધું. માનવતાના મસિહા બની માત્ર કચ્છમાં જ નહીં, ભારતભરમાં આરોગ્ય ક્ષેત્રે ગામનો ડંકો વગાડતા પ્રકલ્પના સ્વપ્નદૃષ્ટા બન્યા.

કલ્યાણજી ઉંમરમાં નાનો હતો ત્યારે તેના દાદા ગાંધીવાદી ઠાકરશી પટેલે બિદડામાં ગાયો માટે ગૌશાળા અને પાંજરાપોળનું નિર્માણ કરી જીવદયાનો દાખલો બેસાડ્યો. કલ્યાણજી પર દાદાની ઊંડી અસર ઉપરાંત કાકા વેલજીભા પટેલનાં કાર્યોની અસર પણ થઈ. વેલજીભાએ સ્વતંત્રતાની લડાઈમાં કચ્છમાં નામના મેળવી હતી. જેલમાં પણ ગયા હતા. પાછળથી સંસારના તમામ મોહને ત્યાગી બિદડાથી છેક પોંડિચેરી જઈ અરવિંદ આશ્રમમાં આધ્યાત્મિક જીવન જીવવા લાગ્યા. ત્યાંથી પાછા આવી બિદડામાં આધ્યાત્મિક ‘સાધના આશ્રમ’ સ્થાપ્યો, જે આજે ખૂબ પ્રખ્યાત છે. આશ્રમમાં સંસ્કૃત અને અંગ્રેજીમાં વર્લ્ડ રિલિજિયસ, એસ્ટ્રોલૉજી, ફિલોસોફી ઇત્યાદિનાં ૫૦૦૦ પુસ્તકોનું પુસ્તકાલય પ્રખ્યાત છે. દાદા, પિતા અને કાકાના સંસ્કારો મેળવી કલ્યાણજીભાએ ધીકતી ખેતીવાડીના કાર્યની સાથે-સાથે ગાંધીજીને જાણે લોહીમાં ભેળવી દીધા હોય એમ માનવ ઉત્કર્ષનાં કાર્યોની લાઇન લગાવી દીધી.

તુંબડી ગામના રામજી જેવત બૌઆની દીકરી કુંવરબાઈ સાથે તેમનાં લગ્ન થયાં અને સમય જતાં નિર્મળા નામની કન્યાનો જન્મ થયો. પછી તો કલ્યાણજીભાએ ગાંધી રંગે રંગાઈને આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું. સુરત અને છેક કરાચીના કૉન્ગ્રેસના અધિવેશનમાં કચ્છના પ્રતિનિધિ તરીકે જઈ સ્વયંસેવક તરીકે કાર્ય કર્યું. બિદડામાં જનજાગૃતિ માટે પ્રભાતફેરી, પ્રાર્થનાઓ, સરઘસ દ્વારા સ્વદેશી ચળવળ ચલાવી.

એ સમયે કચ્છમાં હરિજનોનું જીવન બહુ કરુણામય હતું. હરિજન કોઈને સ્પર્શી ન શકે અને ભૂલથી કોઈને સ્પર્શી જાય તો હળહળતા અપમાન સહન કરવા પડે. ગામમાં મૃત્યુ પામેલાં ઢોરોને બાંધીને ઢસડતા લઈ જાય, મૃત ઢોરના ચામડા કમાવવાના (ઉતારવાના) કાર્ય કરે, ગામની ગંદકી ઉપાડે. ગાંધી મિજાજના આ વાણિયા પટેલથી હરિજનોની માનવીય દુર્દશા જોવાતી નહોતી. તેમણે પોતાના ખર્ચે ૫૦૦ હરિજન ભાઈઓ માટે આખી એક વસાહત ઊભી કરી. તેમને ઘર બાંધી આપ્યાં, તેમને આર્થિક મદદ કરવા લાગ્યા. લોકોને અસ્પર્શતાનું મહત્ત્વ સમજાવતા, હરિજનોનાં બાળકોના ભણતર માટે સ્કૂલ બનાવી આપી, હરિજન કુટુંબોમાં થતા સારા-ખરાબ પ્રસંગોમાં જાતે જતા હતા. તેમની આવી બધી ગાંધી પ્રવૃત્તિઓથી અનેક ગામાઈયો (ગ્રામજનો) અકળાતા, વિરોધ કરતા; પણ કલ્યાણજી પટેલનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે સામે આવે તો વિરોધીઓ આપોઆપ શાંત થઈ જતા.

કચુ (કલ્યાણજી પટેલ)ની દીકરી નિર્મળાબેન પણ ઈશ્વરીય બાળક જેવા જ હતાં. જાહોજલાલીમાં રહેતાં નિર્મળાબેનનું ગાંધી વિચારોથી હૃદય પરિવર્તન થતાં જ એક જ ક્ષણમાં શરીર પરનું સોનું ઉતારી સોનાનો આજીવન ત્યાગ કર્યો. ખાદી અપનાવી લીધી, ઘરે રેંટિયો વસાવી જાતે પોતાનાં ખાદીનાં વસ્ત્રો તૈયાર કરતાં. ગામની બહેનોને ઘરે બોલાવી શિક્ષણ આપતાં, દેશભક્તિની ભાવનાથી છલકાતાં નિર્મળાબેન રાષ્ટ્રભાષા હિન્દીમાં ‘રત્ન’ સુધીનો અભ્યાસ કર્યો. બિદડામાં રહીને પૉલિટિકલ સાયન્સમાં પી.એચ.ડી. કરવાનું શરૂ કર્યું ત્યાં તેમનાં લગ્ન રામાણિયા ગામના બચુભાઈ રાંભિયા સાથે થતાં મુંબઈ આવ્યાં.

આ બચુભા રાંભિયાના ભાઈ નેમજીભા રાંભિયાએ પણ સ્ત્રી ઉત્કર્ષનું અદ્ભુત કાર્ય કર્યું છે. ઠક્કરબાપા સાથે મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની સ્થાપના મુંબઈના વડાલામાં કરી. લિજ્જતની બીજી શાખા પોતાના ગામ રામાણિયામાં કરી બહેનોને આજીવિકા માટે સગવડ કરી આપી. આજે તો લિજ્જતનું નામ ભારતભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે.

કલ્યાણજીબાપાના મતે સ્વચ્છતાનું મહત્ત્વ ઘણું મોટું હતું. બિદડા ગામના રસ્તાઓ પર વહેતી નિકો (ખુલ્લી ગટર)થી ઉત્પન્ન થતા મચ્છરો અને જીવજંતુઓને કારણે લોકોને બીમાર પડતાં જોઈ એક આલાગ્રાન્ડ ધોબીઘાટ બિદડામાં બંધાવ્યું. સર્વ ગામજનો ત્યાં કપડાં ધોવા આવે, સ્નાન ઇત્યાદિ કરી શકે એવી વ્યવસ્થા કરી ગામમાં પાણીને કારણે થતી ગંદકી દૂર કરી. આજે પણ કેસરબાઈ રવજી છેડા સ્કૂલની સામે જર્જરિત ઊભેલા આ ધોબીઘાટ કલ્યાણજી પટેલનાં કાર્યોની સાક્ષી પૂરે છે. ધોબીઘાટની બાજુમાં હૉસ્પિટલની ગરજ સારતું પશુઓનું દવાખાનું પણ બાપાએ બનાવ્યું હતું.

સાતમા ધોરણ સુધી ભણેલા બાપાએ ગામમાં એક મોટી સ્કૂલ બનાવવાનું બીડું ઝડપ્યું. આ સ્કૂલ બંધાતી હતી ત્યાં જાતે ઊભા રહેતા. સમાજવિરોધી તત્ત્વોએ ઘણી અડચણ ઊભી કરી, પરંતુ હાથમાં ભાંઠો (ડાંગ) લઈને હિંમતથી સામનો કરવા ઊભેલા કલ્યાણજી પટેલને જોઈ સમાજવિરોધી તત્ત્વો ધ્રુજી જતાં અને શાંત પડી જતાં. આ બી.બી.એમ. હાઈ સ્કૂલમાં ભણી અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં નામના કમાવી રહ્યા છે. હાલમાં આ સ્કૂલનું સંચાલન કચ્છ યુવક સંઘ દ્વારા થાય છે. આ વર્ષે સ્કૂલનું ૯૯ ટકા પરિણામ આવ્યું એ જાણી કલ્યાણજીબાપાનો આત્મા સ્વર્ગમાં આશીર્વાદ વરસાવતો હશે.

 

પોતાની ખેતી ભાગિયાઓ (ભાગીદાર ખેડૂત)ને સોંપી કલ્યાણજીબાપા ગામના વિકાસમાં મચી પડ્યા હતા. લોકોની વાંચનભૂખ સંતોષાય માટે ગામમાં લાઇબ્રેરી બનાવી. તો ૫૧ વર્ષ પહેલાં બિદડામાં પાણી યોજના લાવી ફળિયે-ફળિયે પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું. પછીથી ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચ્યું. શહેરમાં શાકમાર્કેટ અને ઢોરની ઘાસમાર્કેટ હોય એ વાત સમજાય એવી છે, પણ કલ્યાણજી પટેલે બિદડા ગામમાં વર્ષો પહેલાં શાકમાર્કેટ અને ઘાસમાર્કેટ બંધાવી પોતાની દીર્ઘદૃષ્ટિનો પરિચય આપ્યો. કમનસીબે કાળના ચક્રમાં બન્ને માર્કેટો લુપ્ત થઈ ગઈ છે.

નિષ્ઠાવાન ગાંધીવાદી કલ્યાણજી માવજી પટેલનું નામ ધીરે-ધીરે કચ્છમાં પ્રખ્યાત થવા લાગ્યું. તેઓ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. ઉપરાંત કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય બનતાં મર્યાદિત સરકારી બજેટમાં મસમોટા કચ્છની કાયાકલ્પ માટે જબરો સંઘર્ષ કર્યો હતો. નદી પરની પાપડી (નાના બ્રિજ), કાચા રસ્તામાંથી ડામરના પાકા રસ્તાઓ,  નાની-નાની સિંચાઈ યોજનાઓ કે સ્કૂલો માટે ગ્રાન્ટ ફાળવી, નિષ્પક્ષ ફરજ બજાવી. તેમની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈ કૉન્ગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી, પણ તેમણે સવિનય અસ્વીકાર કર્યો, કારણ કે ઈશ્વરના આ દિવ્ય બાળકને મુખ્ય કાર્ય કરવાનું બાકી હતું.

દિવ્ય કાર્યનો આરંભ થયો. કચ્છ આરોગ્ય ક્ષેત્રે ઘણું પાછળ હતું. એમાં ગામડાંના લોકો રોગોથી રિબાતા-રિબાતા જીવન વિતાવતા. આ દારુણ પરિસ્થિતિનો અંદાજ કલ્યાણજીબાપાને હતો જ એટલે તેમના મુંબઈના ગામાઈ મિત્રો ભવાનજી નાથા, નેણસી માણેક, ખીમજી જખુ, હીરજી ટોકસી, વલ્લભજી ભીમસી સાથે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારે ક્યાં ખબર હતી કે ભારતનાં ગામોમાં સહુથી ટૉપની આરોગ્ય સેવાનો પાયો બિદડામાં નાખી રહ્યા છે !

શરૂઆતમાં કલ્યાણજી બાપા અને મિત્રોએ કચ્છના સંત કક્ષાના માનવી લીલાધર માણેક ગડાનો સથવારો લઈ ત્રણેક આઇ કૅમ્પનું આયોજન કરી અનુભવ મેળવ્યો. પછી ટ્રસ્ટ માટે ૧૦ એકરની જમીન ગામની બાજુમાં ખરીદી કાર્યની શરૂઆત કરી, પણ ત્યાં વિધિએ મોટો ખેલ આદર્યો અને ટૂંકી માંદગીમાં ઈશ્વરના દિવ્ય બાળક કચુ પટેલ ઉર્ફે કલ્યાણજી માવજી પટેલનું અવસાન થયું. આખા તાલુકામાં હાહાકાર મચી ગયો.

 કલ્યાણજીબાપાનું અદ્ભુત સ્વપ્ન જાણે વિખેરાઈ જવાનું હતું ત્યાં તેમના જમાઈ બચુભા રાંભિયાએ ટ્રસ્ટની ધુરા સંભાળી લીધી. કલ્યાણજીબાપાએ જોયેલા સ્વપ્નને સાકાર કરવા બચુભા અને લીલાધરભા ગડા મચી પડ્યા. પ્રકલ્પનું નામ આપવામાં આવ્યું ‘શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ’. આંખના મોતિયાના કૅમ્પથી શરૂ થયેલી આ આરોગ્ય પ્રવૃત્તિએ અનેક પાંખો વિસ્તારી છે. ૧૦ એકરથી શરૂ થયેલ આ જાણીતી બિદડા હૉસ્પિટલ પચીસ એકરમાં વિસ્તરી છે.

અત્યાર સુધીમાં ત્યાં આંખના અંદાજે સાત લાખ, સ્ત્રીરોગના અંદાજે એંસી હજાર, સામાન્ય દરદીઓ તરીકે અંદાજે સાડાઆઠ લાખ, દાંતના સવા લાખ, પેથોલૉજીના અંદાજે અઢી લાખ, રતનવીર નેચરક્યોર સેન્ટરના અંદાજે પાંત્રીસ હજાર, તારામતી વસનજી ગાલા વેલનેસ સેન્ટરમાં અંદાજે બે હજાર, જયા રીહૅબ સેન્ટરમાં અંદાજે પાંચ લાખ નેવું હજાર દરદીઓએ લાભ લીધો છે. આંખ સિવાયનાં બીજાં અંદાજિત એંસી હજાર ઑપરેશન દ્વારા કચ્છના અને ગુજરાતના લાખો લોકોને લાભ મળ્યો છે. ઉપરાંત દર વર્ષે યોજાતા બે મોટા કૅમ્પમાં અંદાજે પચીસેક હજાર દરદીઓ લાભ લે છે. એમાં અમેરિકા અને ઇંગ્લૅન્ડથી પણ ડૉક્ટર સેવા આપવા આવે છે. આંખ ફાટી જાય એવા આ આંકડાઓથી કલ્યાણજીબાપાના સ્વપ્ન સમા બિદડા હૉસ્પિટલનું પ્રદાન સમજી શકાય છે. બચુભા રાંભિયાના અવસાન પછી તેમના પુત્રો હેમંતભાઈ અને શરદભાઈ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. ટ્રસ્ટના ચૅરમૅન વિજયભાઈ છેડા કુંદરોડી ગામના છે.

હેમંતભાઈ અને શરદભાઈ પોતાના નાનાના વારસાને આગળ વધારવા કોડાય પુલ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં માતા નિર્મળાબેનના નામે સી.બી.એસ.સી.ની નિર્મળા નિકેતન હાઈ સ્કૂલ અને પિતાની સ્મૃતિમાં મસ્કા સ્પોટ ઍકૅડેમીમાં બચુભાઈ સ્પોટ ઍકૅડેમી શરૂ કરી વડીલોની યાદ કાયમી રાખી છે.

કચ્છનું સદનસીબ હતું કે એક જ સમયમાં અબડાસા વિસ્તારમાં હાલાપુરના હિરજી પટેલ (મારુ), મુન્દ્રા વિસ્તારમાં મગનભા પટેલ (ભુજપુર) અને બિદડામાં કચુ પટેલ ઉર્ફે કલ્યાણજીભા પટેલ નામના ત્રણ ગાંધીવાદીઓએ કચ્છના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કચ્છના આજના વિકાસના પાયામાં આ ત્રણે સેવાભાવીઓએ મસમોટો ફાળો આપ્યો છે. અસ્તુ.

gujarat saurashtra kutch columnists vasant maru