ઝીનત અમાનનું #Metoo

28 March, 2020 05:19 PM IST  |  Mumbai | Raj Goswami

ઝીનત અમાનનું #Metoo

ઝીનત અમાન

સંજય ખાને જેટલી આવડતી હતી એટલી, માં-બેનની ગાળો આપીને ઝીનતને તમાચા ઠોકવાનું ચાલુ કરી દીધું. ઝીનત ત્યાં જ ફ્લોર પર પડી ગઈ. બાકી હોય તેમાં, સંજયે એને વાળથી ઊંચકીને, ફરીથી મારી. સંજયે એનો બુટ કાઢીને ઝીનતના મોઢા પર માર્યો હતો.

ફિલ્મ સ્ટારો, પબ્લિકમાં જીવતા હોવા છતાં, આત્મકથાઓ ભાગ્યેજ લખે છે. કોઈકની પાસે જીવનકથાઓ લખાવે છે, તો તે મોટાભાગે એમનાં સારાં પાસાં જ ઉજાગર કરવામાં આવે છે. સૌથી જાણીતા ફિરોઝ ખાનનો થોડો ઓછો જાણીતો ભાઈ સંજય ખાન, એની આત્મકથા ધ બેસ્ટ મિસ્ટેક ઑફ માય લાઈફ લઈને આવ્યો છે. ચોપડીમાં એ જીવનની ભૂલોની વાત કરે છે, પણ એક્ટ્રેસ ઝીનત અમાનને એણે, એક ટિપિકલ ભાયડાની જેમ, વાળથી પકડીને ફટકારી હતી, એ વાત એમાં નથી. ઝીનતના ચહેરા પર આજે ય એ મારપીટની નિશાની છે. એની જમણી આંખ અંદર સુધી સુજી ગઈ હતી. સંજયના પુસ્તકનું નામ જ બેસ્ટ મિસ્ટેક છે, એટલે એમાં એ જ ભૂલોની વાતો છે, જેનું ગૌરવ લઇ શકાય. ઝીનત અમાન સાથે તેને સંબંધ હતો, તે આ પુસ્તકમાં ભૂલી ગયો છે.

જેનું ‘હીટ ગર્લ’ નામનું જીવનચરિત્ર બહાર પડ્યું છે, તે એક્ટ્રેસ આશા પારેખ કહે છે કે, મેં એમાં ફિલ્મસર્જક નાસિર હુસેન સાથેના સંબંધનો એકરાર કર્યો છે, પણ તેના માટે મેં તેમના પરિવારની મંજૂરી લીધી હતી. એકાદ વર્ષ પહેલાં વૈજંતીમાલાનું જીવનચરિત્ર પ્રગટ થયું, ત્યારે તેમાં રાજ કપૂર સાથેના તેના સંબંધનો સાફ ઇન્કાર કરવામાં આવ્યો હતો, અને એવો ઈશારો કરવામાં આવ્યો હતો કે રાજ કપૂર તેમની ફિલ્મોની પબ્લિસિટી માટે આવી અફવાઓ ફેલાવતા હતા. એમાં કપૂર ખાનદાન નારાજ થઈ ગયો અને તેને લાગ્યું કે આ તો રાજ કપૂરનું અપમાન છે. ત્યારે ઋષિ કપૂરે ગુસ્સે થઇને કહ્યું હતું કે, “એ આવું કેવી રીતે કહી શકે? તેના કારણે તો અમે અને અમારી મા ઘર છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા, અને એ પ્રકરણ પૂરું થયું, પછી જ મા પછી આવી હતી.”

ઇન ફૅક્ટ, સંજય ખાન જ ઝીનત અમાનની ભૂલ હતી. ઝીનત તેના સંબંધોને લઈને બદનસીબ રહી છે, અને એને એ ખબર છે. એક ઇન્ટરવ્યુમાં ઝીનતે એકરાર કર્યો હતો કે, “પુરુષોની બાબતમાં હું સ્ટુપિડ રહી છું, પણ પસ્તાવો નથી. જિંદગીમાં શીખવા મળતું હોય છે.” સંજય ખાન એના ભાઈ ફિરોઝ ખાન જેવો લોકપ્રિય કે પ્રતિભાશાળી ન હતો, પણ દેખાવમાં બહુ હૅન્ડસમ હતો, અને એમાં ઝીનત તેના પ્રેમમાં પડી હતી. “હું ત્યારે નાદાન અને પોચી હતી. અમુક અઠવાડિયાનું એ પાગલપન હતું,” એવું ઝીનત કહે છે. સંજયમાંથી છુટેલી તે નિષ્ફળ મઝહર ખાનમાં ભરવાઈ. મઝહર ખાને એના લફરાં ચાલુ રાખેલાં અને દારૂ પીને કિડની ખલાસ કરી નાખી હતી.

ઝીનત ૭૦ અને ૮૦ દાયકામાં ટોચ પર હતી, ત્યારે પરણેલા સંજય ખાનના પરિચયમાં આવી હતી. ઝીનત અમાન અમાનુલ્લાહ ખાન નામના ફિલ્મ લેખકની દીકરી હતી, જે ‘અમાન’ નામથી લખતા હતા. તેમણે ‘મુઘલ-એ-આઝમ’ અને ‘પાકીઝા’ની પટકથા લખી હતી. એ અફઘાની હતા અને માતા સિંધિયા વર્ધિની કરવ્સ્તે મહારાષ્ટ્રીયન હતી. ઝીનત ૧૩ વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થઇ ગયું હતું અને તેની માતાએ હેન્ઝ નામના જર્મન પુરુષ સાથે લગ્ન કર્યા હતાં. ઝીનત પંચગનીમાં સ્કૂલિંગ કરીને લોસ એન્જેલસમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાં ભણવા ગઈ હતી, પણ અધવચ્ચે ઊઠી ગઈ.

મુંબઈ આવીને તે ‘ફેમિના’ સામાયિકમાં પત્રકાર બની હતી, પરંતુ સુંદર દેખાવના કારણે મૉડલ બની ગઈ. એમાં એ અૅક્ટર-પ્રોડ્યુસર-નિર્માતા દેવ આનંદના ધ્યાનમાં આવી. દેવ આનંદ કાઠમંડુમાં હિપ્પીઓના અડ્ડામાં ગાંજો પીતી જાનીસ (જસબીર) નામની એક છોકરીને મળ્યા હતા, અને ભારત આવતાં સુધીમાં તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. ફિલ્મમાં જાનીસ એમની બહેન બને છે, અને તે એને શોધવા કાઠમંડુ જાય છે. દેવ આનંદની બહેન કોણ બને? બધાને હિરોઈન બનવું હતું (ફિલ્મમાં મુમતાઝ તેમની હિરોઈન હતી, પણ જાનીસ સામે એ ઝાંખી પડી ગઈ).

ઝીનતે ત્યારે ત્રણ ફિલ્મો કરી હતી, પણ ભલીવાર આવ્યો ન હતો, અને તે તેની મા અને સાવકા પિતા સાથે માલ્ટા જતા રહેવાની તૈયારીમાં હતી. એમાં અમરજીત નામના અૅક્ટર-ડિરેક્ટરે તેના ઘરે એક પાર્ટી રાખેલી, તેમાં મિસ એશિયા બનેલી ઝીનત પણ હતી. દેવ આનંદ તેમની આત્મકથામાં ‘રોમૅન્સિંગ વિથ લાઈફ’માં લખે છે, “ઝીનત છટાદાર કપડાંમાં આવી હતી અને જાનીસની મારી જે કલ્પના હતી, એમાં ફીટ થતી હતી. મારી સામે એ બિન્દાસ્ત બેઠી હતી. એણે પહોળા પેન્ટ ઉપર કમરમાં મોટો પટ્ટો પહેર્યો હતો અને હાથમાં નાનકડું પર્સ હતું. મને થતું હતું કે પર્સમાં શું હશે, અને એણે એમાં હાથ નાખીને સિગારેટ બહાર કાઢી અને લાઈટરથી સળગાવી. એ જ વખતે મારી અને એની આંખો એક થઇ. હું તેને સતત જોઈ રહ્યો હતો. તેણે હાથ લાંબો કરીને મને સિગારેટ ઑફર કરી. હું ક્યારેક જ પીતો હતો. મેં સિગારેટ મોઢામાં મૂકી અને તેણે મારી આંખોમાં આંખ નાખીને લાઈટરથી સિગારેટ સળગાવી. લાઈટરના પ્રકાશમાં ચમકતી આંખો જાણે મને કહેતી હતી: આઈ અૅમ યૉર જાનીસ, દેવ.”

‘હરે રામા હરે કૃષ્ણા’ (૧૯૭૧) ફિલ્મ હિન્દી સિનેમાના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ. એક તો તેનો ડ્રગ્સનો વિષય અત્યંત સમકાલીન હતો, અને બીજું એ કે એ આખી ફિલ્મ હીરોની બહેન પર હતી. મુમતાઝે આ જ ભૂમિકાની ના પાડી હતી, કારણ કે અગાઉની ફિલ્મોમાં તે દેવની હિરોઇન બની હતી. ઝીનત ૧૯ વર્ષની હતી, અને રાતોરાત ભારતની યુવા પેઢીમાં છવાઈ ગઈ. એ પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટરી.

બૅક ટુ સંજય ખાન. તેની આત્મકથામાં એ આસાનીથી ઝીનતના સંબંધને ભૂલી ગયો છે. એનાં ચાર બાળકો હતાં, ઝીનત ટોચની હિરોઇન હતી અને બંનેએ મહત્વાકાંક્ષી ‘અબ્દુલા’ પણ બનાવી હતી, જેમાં ઝીનતે પણ ખાસા પૈસા રોક્યા હતા. બંનેએ છૂપા વિવાહ પણ કરી લીધા હતા. દેખીતું છે કે ખાનની પત્ની ઝરીનાએ ઘરમાં પંગો કર્યો હતો, અને ખાનનું લગ્ન તૂટવાની કગાર પર હતું. એમાં પોતાને પત્ની-વ્રતા સાબિત કરવા ખાને ઝીનત પર ભાઈડાગીરી કરી હતી.

જાન્યુઆરી, ૧૯૮૦માં, સિને બ્લિટ્ઝ પત્રિકામાં, આ મારપીટનો આખો અહેવાલ ટાઈમ-લાઈન સાથે આવ્યો હતો. ઝીનત ત્યારે લોનાવાલામાં, મોટા ભાગે ‘ઇન્સાફ કા તરાઝુ’ (બી.આર.ચોપરા)નું, શૂટિંગ કરતી હતી. સંજય ખાનની ‘અબ્દુલા’ એણે પૂરી કરી હતી. સંજયે કોઈક રિ-શૂટ માટે ઝીનતને બોલાવી હતી. ઝીનતે પાસે તારીખો ન હતી. એણે ના પાડી. ફોનમાં સંજય બગડ્યો, અને ઝીનત બી.આર.ચોપરા અને તેના ભાઈ ફિરોઝ ખાન સાથે સાથે ‘ચાલુ’ છે એવું કૈંક એલફેલ બોલ્યો.

એ જ દિવસે, ઝીનત ચોપરાની પરમિશન લઈને, સંજયને રૂબરૂ મળવા મુંબઈ આવી. એના ઘેર ગઈ તો ખબર પડી કે, સંજય હોટેલ તાજમાં પાર્ટી કરે છે, એટલે એ ત્યાં ગઈ. સંજય ઝીનતને પાર્ટીમાં જોઈને ભડક્યો. ઝીનતે કહ્યું, કે બે જ મિનિટ વાત કરવી છે, બહાર આવીશ? બંને પાર્ટી-રૂમમાંથી બહાર લૉબીમાં આવ્યાં, અને ત્યાં ઝીનત કંઈ બોલે તે પહેલાં, સંજયે જેટલી આવડતી હતી એટલી, મા-બેનની ગાળો આપીને તમાચા ઠોકવાનું ચાલુ કરી દીધું. સંજયે તેને મસમોટી ગાળો અને એના ભાઈ ફિરોઝની રખાત જેવા શબ્દોથી નવાજી. ઝીનત ત્યાં જ ફ્લોર પર પડી ગઈ. બાકી રહી ગયું હોય અેમ સંજયે એને વાળથી ઊંચકીને, ફરીથી મારી. એક બીજા રિપોર્ટ મુજબ, સંજયે બુટ કાઢીને ઝીનતના મોઢા પર માર્યું હતું.

ઝીનતની રોકકોળ સાંભળીને એની હેરડ્રેસર, ફ્લોરી, ત્યાં દોડીને આવી. સંજયે એને પણ પકડીને જોરથી પછાડી. ફ્લોરી ચીસો પાડતી નાસી ગઈ. એ જ વખતે સંજયની પત્ની, ઝરીન પણ ત્યાં આવી. એનેય ખુન્નસ કાઢવાનું હોય એમ, સંજયને પાનો ચઢાવા લાગી, “એ જ લાગની છે, ર**. માર હજુ.” ઝરીને પણ એની ભારેખમ હૅન્ડબૅગથી ઝીનતને ફટકારી.

કોઈ ગેસ્ટ વચ્ચે ના પડ્યા. બધા જોતા રહ્યા. એ તો હોટેલની એક સ્ટૂઅર્ડ ઝીનતને પકડીને બહાર કાર સુધી લઇ ગઈ, ત્યારે એ બચી. એનો ચહેરો સૂજી ગયો હતો, લોહીની ટસરો ફૂટી ગઈ હતી. નાકમાંથી લોહી વહેતું હતું. ઝીનત એટલી સ્તબ્ધ હતી કે બોલવાના હોશ ન હતા. દિવસો પછી આની બહુ ચર્ચા થઇ ત્યારે પાર્ટીમાં હાજર અેક સોશ્યલાઇટ બોલી હતી, “પેલો ગાંડો થઈને મારતો હતો તો અમે કેવી રીતે વચ્ચે પડીએ?”

ઝીનત આઠ દિવસ સુધી, ૨૪ કલાક એક ડોક્ટર અને નર્સની નિગરાનીમાં, પથારીમાં રહી. એને દિવસમાં ત્રણ વખત ઈન્જેકશન મારફતે અૅન્ટિ-ડિપ્રેસન્ટ્સ આપવામાં આવતાં હતા. તેણે પોલીસમાં આની ફરિયાદ ના કરી. કેવી રીતે કરે? તેણે ત્યારે સંજય સાથે શાદી કરી લીધી હતી. એણે કબૂલ કર્યું હતું કે, “હા, અમારે લડાઈ થઇ હતી, પણ મારપીટ થઇ ન હતી.” એનો ચહેરો બીજી જ કહાની કહેતો હતો. વર્ષો પછી, સિમી ગરેવાલના શોમાં ઝીનતે ડોમેસ્ટિક વાયલન્સ પર બોલતા કહ્યું હતું, “સંબંધોના જખ્મો હજુયે રુઝાયા નથી.”

raj goswami zeenat aman weekend guide columnists