તનાવમુક્ત જીવન માટે કરાવો થાઇ મસાજ

24 December, 2019 02:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

તનાવમુક્ત જીવન માટે કરાવો થાઇ મસાજ

થાઇ મસાજ

બજેટ ફ્રેન્ડ્લી વિદેશ ટ્રિપની ચર્ચા ચાલતી હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ આવે થાઇલૅન્ડનું. ચોવીસ કલાક ધમધમતું પટાયા, બૅન્ગકૉકની નાઇટ ક્લબો, એક-એકથી ચડિયાતાં બોદ્ધ મંદિરો, રળિયામણા બીચ અને ફુકેતના થાઇ મસાજના કારણે આ દેશ વિશ્વભરના પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. ખાસ કરીને અહીંની મસાજ થેરપી વર્લ્ડ ફેમસ છે. તાજેતરમાં પ્રાચીન નુઆડ થાઇ મસાજ થેરપીને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન)ની પ્રતિષ્ઠિત હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવતાં થાઇલૅન્ડવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

થાઇ મસાજમાં એવી તે શું ખાસિયત છે કે યુનેસ્કોને એની નોંધ લેવી પડી? યુનેસ્કોનો હેતુ વિશ્વભરના મૂલ્યવાન વારસાથી સમસ્ત માનવજાતને પરિચિત કરાવવાનો તેમ જ આગામી પેઢી આપણા આ અપવાદરૂપ વારસાને જોઈ શકે એ માટે એના સંરક્ષણ અંગે લોકોમાં જાગરૂક્તા લાવવાનો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ થવા માટે જે-તે સ્થળ, સંસ્કૃતિ અથવા કલાકૃતિનું વૈશ્વિક મૂલ્ય હોવું અનિવાર્ય છે. આશરે બે હજાર વર્ષ જૂની પ્રાચીન નુઆડ થાઇ મસાજ ટેક્નિક્સને જીવંત રાખવા યુનેસ્કોની કલચરલ હેરિટેજ કમિટી દ્વારા એને વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા આપવામાં આવી છે ત્યારે એના વિશે જાણવાની ઉત્કંઠા જાગી હોય તો આ લેખ વાંચી જાઓ.

શું છે આ મસાજ

થાઇ મસાજ એક પ્રકારની સ્વાસ્થ્ય-ચિકિત્સા છે જેમાં હાથ-પગના અંગૂઠા, કોણી, ઘૂંટણ અને પગની મદદથી શરીરને ખેંચવામાં અને વાળવામાં આવે છે. સામાન્ય રીતે મસાજ કરવા માટે જુદા-જુદા પ્રકારના તેલનો ઉપયોગ થાય છે જ્યારે નુઆડ ચિકિત્સા પરંપરાગત મસાજ થેરપીથી વિપરીત છે. અહીં કોઈ પણ પ્રકારનાં તેલ, ઔષધિ કે પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો નથી. ઍક્યુપ્રેશરમાં જે રીતે શરીરના ખાસ અંગ પર ફોકસ રાખવામાં આવે છે એ જ રીતે આ ઉપચારમાં શરીરના ચોક્કસ અંગ (દુખાવો કે સમસ્યા હોય એ સ્નાયુઓ)માં દબાણ આપી રક્ત પરિભ્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પગના પૉઇન્ટથી લઈને ગરદન સુધીના પૉઇન્ટ દબાવી બૉડી-ટુ-બૉડી મસાજ આપવામાં આવે છે. મસાજ આપતી વખતે મહિલા કે પુરુષના પ્રાઇવેટ પાર્ટની આસપાસના વિસ્તાર પર પ્રેશર ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડે. વાસ્તવમાં આ ટેક્નિક ઍક્યુપ્રેશર અને યોગનો સમન્વય છે. નુઆડ મસાજથી શરીરનાં આંતરિક અંગોનું આયુષ્ય વધે છે એવું પણ શોધી કાઢવામાં આવ્યું છે.

ઇતિહાસ

નુઆડ મસાજ ટેક્નિકની ઉત્પત્તિ ક્યાં અને ક્યારે થઈ એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. પ્રાપ્ત પુરાવા અનુસાર ભગવાન બુદ્ધના મિત્ર અને અનુયાયી જીવીકા કુમાર ભચ્ચા (શિવાગો કોમપારા)એ સૌપ્રથમ આ ટેક્નિક વિકસાવી હતી. તેમને શરીરના જુદા-જુદા ભાગના પૉઇન્ટ્સને સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે એનું જ્ઞાન હતું. કહે છે કે તેમના દ્વારા આ ટેક્નિકનો ઉદ્ભવ ભારતમાં થયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને વ્યાપક બનાવનાર દેશ થાઇલૅન્ડ છે. બૌદ્ધધર્મી થાઇલૅન્ડમાં સદીઓથી ઑલ્ટરનેટિવ મેડિસિન (ઘરેલુ ઉપચાર) તરીકે એની પ્રૅક્ટિસ થાય છે. આંકડા અનુસાર એક સમયે થાઇલૅન્ડના ખેડૂત સમાજમાં દરેક ઘરમાં એક થેરપિસ્ટની હાજરી હતી. નુઆડ થાઇ મસાજની લોકપ્રિયતા, વિશેષતા અને પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખી ૧૯૬૦ના દાયકામાં આ દેશની સરકારે નુઆડ મસાજ ટેક્નિકની બાકાયદા તાલીમ આપવા સ્કૂલ શરૂ કરી હતી. ત્યારથી વિશ્વભરના થેરપિસ્ટો અહીં પ્રશિક્ષણ માટે આવે છે. બોદ્ધ મંદિરોમાં આપવામાં આવતી તાલીમે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક અહેવાલ પ્રમાણે ધ રેક્લાઇનિંગ બુદ્ધા સ્કૂલમાં અત્યાર સુધી બે લાખ લોકોએ નુઆડ થાઇ મસાજની તાલીમ લીધી છે.

વિશ્વમાં પ્રસાર

નુઆડ થાઇ મસાજને વિશ્વભરના દેશો સુધી પહોંચાડવાનું શ્રેય પ્રશિક્ષિત થેરપિસ્ટોના ફાળે જાય છે. હાલમાં દુનિયાના ૧૪૫ દેશોમાં થેરપિસ્ટો સેવા આપી રહ્યા છે એમાં એશિયાના દેશો મુખ્ય છે. ભારતની બધી જ મેટ્રોસિટીમાં થાઇ પાર્લર આવેલાં છે. યુરોપ, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં થાઇલૅન્ડના પરંપરાગત હૉટ સ્ટોન મસાજનું વધુ આકર્ષણ જોવા મળે છે. દરેક દેશે પોતાની રીતે એમાં કંઈક નવું ઉમેરી આ ટેક્નિકને વ્યવસાયિક ધોરણે આગળ લઈ જવાનું કામ કર્યું છે. જોકે વિશ્વભરના દેશોમાં વસવાટ કરતા થાઇલૅન્ડના મૂળ વતનીઓ દ્વારા આપવામાં આવતી ટ્રીટમેન્ટને જ લોકો વધુ પસંદ કરે છે. નુઆડ થાઇ મસાજમાં તેમની હથોટી છે. વિશ્વના અનેક દેશોએ નુઆડ થાઇ મસાજને ઑલ્ટરનેટિવ હીલિંગ સિસ્ટમ તરીકે અપનાવી છે ત્યારે તમારી ઓવરઑલ હેલ્થ તેમ જ તાણમુક્ત થવા માટે આ પ્રયોગ કરવા જેવો છે.

મુંબઈમાં થાઈ મસાજ

અહીં થાઇ મસાજનો બિઝનેસ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે. યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે એ પ્રાચીન ટેક્નિકનો ઉપયોગ બધે થતો નથી. હા, આંશિક ઉપચાર થાય છે ખરો જેને તમે ઑલ્ટરનેટિવ થેરપી કહી શકો. 

બાંદરાના એક સેન્ટર સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના સેન્ટરમાં ફુટ-શોલ્ડર-હેડનું કૉમ્બો પૅક હોય છે. ફુટ મસાજમાં હૉટ સ્ટોન થેરપી અને સ્ક્રબિંગ કર્યા બાદ થેરપિસ્ટ પૉઇન્ટ દબાવવાનું શરૂ કરે છે જેમાં પગના આંગળાના પૉઇન્ટને દબાવી સાથળ સુધી મસાજ કરવામાં આવે છે. ત્યાર બાદ શોલ્ડર અને પીઠ પર મસાજ કરી આપે. ગરદનના પૉઇન્ટ્સ દબાવી છેલ્લે હેડમસાજ થાય. આ આખી પ્રક્રિયા માટે સહેજે એક કલાકનો સમય લાગે. બ્લડ-સર્ક્યુલેશનના લીધે એનર્જી બૂસ્ટ થાય. થાઇ મસાજમાં રિલૅક્સેશન અને સ્ટ્રેસ રિલીઝ મુખ્ય ફોકસ છે. મસાજ માટે કસ્ટમરની ચૉઇસ અને પૉકેટ મુજબ ઑઇલનો ઉપયોગ થાય છે. અરોમા ઑઇલ સૌથી કૉમન ચૉઇસ છે. કોઈને ખાસ અંગમાં દુખાવો થતો હોય તો એ પ્રમાણે પણ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. ૬૦-૯૦-૧૨૦ મિનિટનાં પૅકેજ હોય છે. કેટલીક જગ્યાએ ડ્રાય મસાજ (ઑઇલ-ફ્રી) સર્વિસ પણ અવેલેબલ છે. ડ્રાય મસાજમાં સ્ટ્રેચિંગ યોગનું વેરિએશન ઍડ કરવામાં આવે છે. તમારા રોજબરોજના કામકાજના ભારને હળવો કરી તમારા શરીરમાં નવું જોમ ભરી આપે એ માટે સિસ્ટમૅટિકલી સ્ટેપ-બાય-સ્ટેપ મસાજ થવો જરૂરી છે. પૉઇન્ટ દબાવવામાં ભૂલ થાય તો દુખાવો વધી જાય. તેથી સર્ટિફિકેટ ધરાવતા થેરપિસ્ટ પાસે જ જવું.

થાઇ બ્યુટી સીક્રેટ્સ

થાઇલૅન્ડ એક્ઝૉર્સિસ્ટ અને બ્યુટી મસાજ માટે પણ પ્રસિદ્ધ છે. થાઇ બ્યુટી મસાજમાં શુદ્ધ ઑર્ગેનિક વસ્તુની પેસ્ટ બનાવી ફેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. વિવિધ સમસ્યાઓ માટે જુદા પ્રકારની પેસ્ટનો ઉપયોગ થાય છે. ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા સુકાયેલી આંબલીની પેસ્ટ વાપરવામાં આવે છે. આંબલીમાં રહેલો આલ્ફા-હાઇડ્રોક્સાઇલ ઍસિડ તમારી ત્વચાને ઊજળી બનાવે છે. આંબલીની પેસ્ટમાં મધ અને દહીં ભેળવી ચહેરા અને ગરદન પર મસાજ થાય છે. ઝાંખી પડી ગયેલી ત્વચા માટે પપૈયાના મસાજને પ્રાધાન્ય આપવામાં આવે છે. પપૈયામાં રહેલું પાપેઇન નામનું એન્ઝાઇમ ત્વચાની ઝાંખપ દૂર કરવામાં સહાય કરે છે. થાઇલૅન્ડમાં લેમનગ્રાસનો બહોળો ઉપયોગ થાય છે. લેમનગ્રાસને તેઓ સુંદરતાનો પર્યાય માને છે. માત્ર ફૂડમાં જ નહીં, બ્યુટી ટ્રીટમેન્ટમાં પણ એનો ભરપૂર ઉપયોગ થાય છે. પાણીમાં લેમનગ્રાસ ઉમેરી એને ઉકાળવામાં આવે છે. ફેશ્યલ મસાજ કરતાં પહેલાં આ પાણીની વરાળને ચહેરા પર ફેંકવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન લેમનગ્રાસની સુગંધ શ્વાસમાં જાય તેથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. થાઇલૅન્ડની મહિલાઓની સુંદરતાનું રહસ્ય આવા અનેક કુદરતી સ્રોતમાં છુપાયેલું છે.

health tips columnists Varsha Chitaliya