કિચનમાં પણ બતાવી શકાય આવી કલાકારી

26 June, 2020 03:06 PM IST  |  Mumbai | Mihir Shah

કિચનમાં પણ બતાવી શકાય આવી કલાકારી

બાંદરાની એક કૅફેનાં હેડ પેસ્ટ્રી શેફ નિદા ખાનને પણ ફોકાશિયા બ્રેડ પર આર્ટ તૈયાર કરવાનો જબરો શોખ છે

રેસ્ટોરાં જેવું ફૂડ ઘરે બનાવવા માટે અનેક લોકો યુટ્યુબને ગુરુ બનાવીને મંડી પડ્યા છે. કેક, પેસ્ટ્રી, બ્રેડ્સ અને કુકીઝ એ સૌથી કૉમન બેકિંગ આઇટમો છે. સાદી બ્રેડ બનાવવાનું તો સહેલું છે, પણ નજરને ટાઢક આપે એવી રંગબેરંગી, હેલ્ધી અને જોતાં જ પ્રેમમાં પડી જવાય એેવી આર્ટિસ્ટિક ફોકાશિયા બ્રેડ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. બાંદરાની એક કૅફેનાં હેડ પેસ્ટ્રી શેફ નિદા ખાનને પણ ફોકાશિયા બ્રેડ પર આર્ટ તૈયાર કરવાનો જબરો શોખ છે. હોટેલ-મૅનેજમેન્ટ કરીને છેલ્લાં આઠ વર્ષથી બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં શેફનો અનુભવ ધરાવતાં નિદાની યુએસપી છે ડિઝર્ટ્સ અને ડેકોરેશન.

ફૂડ-આર્ટ શિકાગોની ક્લીનરી ઇન્સ્ટિટ્યૂટમાંથી શીખીને આવેલાં નિદા કહે છે, ‘હાલમાં ફોકાશિયા ગાર્ડન બ્રેડ લેટેસ્ટ ટ્રેન્ડ છે. આ એવી આઇટમ છે જેમાં તમે ક્રીએટિવિટીને ખીલવીને રોજેરોજ કંઈક અવનવી ડિઝાઇન અને ફ્લેવરની ફોકાશિયા બનાવી શકો છો. એ માટે જાણે તમે પીત્ઝા બનાવી રહ્યા હો એ જ રીતે ફોકાશિયા ડો પર તમારા મનમાં હોય એવી ચોક્કસ ડિઝાઇન ઉપસાવવી. એમાં તમે ગ્રીન વેજિટેબલ્સ, હર્બ્સ, બીન્સ, ચીઝ એમ જાતજાતની ચીજો વાપરી શકો છો. ઑલિવ ઑઇલ આ બધી ચીજોમાં બહુ સરસ રીતે ભળી જાય છે.’

તો ચાલો આજે એક એવી સૉફ્ટ બ્રેડ બનાવીએ જે મુલાયમ તો છે જ, પણ ઑલિવ ઑઇલથી ઇન્ફ્યુઝ થઈ હોવાથી ક્રિસ્પી પણ છે.

ફોકાશિયા ગાર્ડન બ્રેડ

 ટાઇમ : બે કલાક
ઇન્ફ્યુઝડ ઑઇલ માટે
☞ ૧૨૦ એમએલ એક્સ્ટ્રા વર્જિન
ઑલિવ ઑઇલ.
☞ ૮થી ૧૦ લસણની કળી, બારીક સમારેલી.
બનાવવાની રીત
તેલને એક પૅનમાં ગરમ કરી એમાં લસણની બારીક સમારેલી કળી સૉફ્ટ થાય ત્યાં સુધી  સાંતળો. બ્રાઉન ન થવા દેવું. આ તેલ એક જારમાં ભરી લો અને એને ઠંડું થવા ફ્રિજમાં મૂકો. એક રાત અથવા બે-ત્રણ દિવસ સુધી ઇનફ્યુઝ થવા દો.
ડો બનાવવાની રીત
☞ ૩૮૦ ગ્રામ મેંદો
☞ ૩થી ૪ ચમચી સૂકો લોટ
☞ ૨૩૦ ગ્રામ નવસેકું પાણી
☞ એક ટેબલ-સ્પૂન યીસ્ટ
☞ એક ટેબલ-સ્પૂન સાકર‍
☞ દોઢ ચમચી મીઠું
☞ ૬૦ ગ્રામ ઇનફ્યુઝ્‍ડ ગાર્લિક ઑઇલ
મનગમતાં હર્બ્સ અને ગ્રીન વેજિટેબલ્સ (ચેરી, ટોમેટો, બેલ પેપર અને ઑલિવ્ઝને ફૂલ બનાવવા માટે લીધાં છે, સ્પ્રિંગ અન્યન્સ અને બેલપેપર્સ થડ બનાવવા તથા ડાળી બનાવવા માટે લીધાં છે. મીઠું અને મરી સ્વાદ અનુસાર.
રીત
એક મોટા વાસણમાં મીઠું અને લોટ લઈ એક ખાડો કરી એમાં હૂંફાળું પાણી, યીસ્ટ, સાકર નાખી ૧૫થી ૨૦ મિનિટ સુધી રહેવા દો, જ્યાં સુધી એમાં ફીણ ન આવે.
હવે એમાં ૬૦ ગ્રામ ઇનફ્યુઝડ ઑઇલ નાખી લોટ બાંધો. તેલવાળા હાથ કરી એક લોટનો બોલ  બનાવો, કારણ કે આ લોટ ચીકણો હોય છે. ઉપરથી ૩-૫ ચમચી સૂકો લોટ નાખીને જ્યાં સુધી સ્મૂથ ઇલૅસ્ટિક જેવું થાય ત્યાં સુધી એને ગૂંથો.
હવે આ લોટને એક ગ્રીઝ કરેલા બોલમાં મૂકો અને ભીનો કટકો એના પર ઢાંકો અને ડબલ થાય ત્યાં સુધી એનું પ્રૂફિંગ થવા દો.
અવનને ૨૩૦ ડિગ્રી પર પ્રી-હીટ કરી જે ડિશમાં ફોકાશિયા બ્રેક બેક કરવાની હોય એને ગાર્લિક ઑઇલથી ગ્રીઝ કરો. તૈયાર કરેલા ડોને ડિશમાં આંગળીની મદદથી પાથરીને ડો પર બ્રશની મદદથી બાકી રહેલું ગાર્લિક ઑઇલ લગાવવું.
એ પછી તમારી ક્રીએટિવિટી વાપરવાનો સમય આવી ગયો છે. જેટલાં કલરફુલ વેજિટેબલ્સ વાપરશો એટલી વધુ સરસ ડિઝાઇન બનશે. તમારા ગ્રીન્ઝ, હેર્બ્સ, બુકેની માફક ગોઠવો. એના પર મરી છાંટીને ફરી ૧૫ મિનિટ સેટ થવા મૂકો.
ત્યાર બાદ પ્રી-હીટેડ અવનમાં ૨૦થી ૨૫ મિનિટ માટે ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરો, અવનમાંથી બહાર કાઢી સી સૉલ્ટ છાંટો અને ઇન્ફ્યુઝ્ડ ગાર્લિક ઑઇલ ઉપરથી લગાવો. આ ફોકાશિયા બ્રેડ ગરમ અને તાજા જ ખાવાની મજા આવે છે. ચીઝ ડીપ સાથે સર્વ કરવું અથવા ફક્ત પાર્મસન ચીઝ છીણીને વાપરવાથી પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
નોંધઃ લોટ ફૂલવાનો સમય જે-તે જગ્યાની ગરમી કે હવામાન પર આધાર રાખે છે. મુંબઈના ભેજવાળા વાતાવરણમાં લગભગ ૩૦થી ૪૫ મિનિટ લાગે છે.

columnists indian food