કૉલમ : કચ્છનાં રણ, રેત અને પાણી

21 May, 2019 02:35 PM IST  |  | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

કૉલમ : કચ્છનાં રણ, રેત અને પાણી

કચ્છનું રણ

કચ્છી કૉર્નર’ની પહેલ બદલ મિડ-ડેને અભિનંદન

રેતમાંથી રજત બનાવે એ એટલે કચ્છી. આવી ઉક્તિ દેશ-વિદેશમાં પ્રચલિત છે. કચ્છી પ્રજાના લોહીમાં માતૃભૂમિનું ધાવણ અને અલગ પ્રકારની ખુમારીનાં જીન્સ વહેતાં હોય છે. દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ મળવો એ દુર્લભ છે. એ જ રીતે કચ્છીઓનું છે, તેઓ કચ્છની ધરા માટે વિશેષ ગૌરવ અને આકર્ષણ ધરાવે છે. તે પાણીની અછતનો વતન માટે ઉકેલ લાવીને પછી જ સ્વિમિંગ પુલમાં પડે છે. ઘાસચારાની અછત વર્તાય ત્યારે તે ગમે ત્યાં વસતા હોય, પશુઓની વેદના તેમને સંભળાય છે એટલે જ લખાયું છે કે

વંકા કચ્છી વીરલા, વંકી કચ્છી પાઘ,
જન્મે કચ્છ ધરા મથે, તેંજા તાં ધનભાગ

કચ્છ એ પ્રાગ ઐતિહાસિક ભૂમિ છે, પણ સામાન્ય છાપ એવી છે કે કચ્છ એટલે માત્ર રણ, પાણી નહીં પણ રેતનો દરિયો! હકીકત એ છે કે કચ્છ નાનાં અને મોટાં બે રણ અને અરબી સમુદ્રથી વીંટળાયેલો પ્રદેશ છે. કેટલીયે વિશિક્ટતાઓ, આગવો ઇતિહાસ, ભૌગોલિક અને ઐતિહાસિક વારસો ધરાવે છે. કચ્છની દક્ષિણે નૈઋર્ત્ય ખૂણે કચ્છનો અખાત અને પશ્ચિમે વાયવ્ય ખૂણે અરબી સમુદ્ર છે. રણ અને મહેરામણ વચ્ચે આવેલા કચ્છ પ્રદેશનો આકાર કાચબા જેવો છે.

કચ્છની ઉત્તર દિશામાં રણનો વિશાળ સપાટ વિસ્તાર છે ત્યાં નજરમાં વસી જાય એવા નાના-નાના બેટ આવેલા છે. કચ્છ એ ભ્રમણ ભૂમિ છે, રોમાંચ પૂરો પડે એવી ધરા છે. દરેક સ્થળ પાસે એનો અનોખો ઇતિહાસ છે તેમ જ વન્ય ફળો અને વનસ્પતિનું વૈવિધ્ય છે. જડીબુટ્ટીઓનો ભંડાર ઉપરાંત કાંટાળાં વૃક્ષ, થોર, બાવળ, બોરડી, ખીજડો, ખેર, ગોરડ, ગુગળ, કેરડો, પીલુ, આવળ, ચીમેરા, ઇગોરિયો, વિદેશી બાવળ, ખારી-મીઠી જાળ, લિયાર, લઈ, આકડો વગેરે ઋતુની અનુકૂળતા મુજબ ઊગી નીકળે છે. લીમડા, પિપળા, વડલા, આંબા, આંબલી, ખજૂરી, ખારેક અને નાળિયેરી જેવાં વૃક્ષો પાણીવાળા પટમાં ખૂબ જોવા મળે છે.

કચ્છનું જિલ્લા મથક ભુજ સંવત ૧૬૦૫માં મહારાવશ્રી ખેંગારજી પહેલાએ વસાવ્યું હોવાની નોંધ મળે છે. સૈકાઓ સુધી જાડેજા વંશનું જ રાજ્ય રહ્યું હતું. કચ્છ રાજ્યમાં પોતાનું ચલણ, કસ્ટમ, ધ્વજ, અદાલત ઉપરાંત ગરિમાપૂર્ણ રાષ્ટ્રગીત પણ હતું.

દેશનું, ગુજરાતનું અને ખાસ કરીને કચ્છનું પ્રાચીન બંદર માંડવીની એક જમાનામાં જાહોજલાલી હતી. ચોર્યાસી બંદરોના વાવટા માંડવી બંદરે ફરકતા જોવા મળતા. મુંબઈથી કરાચી જતી સ્ટીમર્સ સરસ્વતી અને સાબરમતી માંડવી થઈને જતી. કચ્છનું એ મુખ્ય બંદર ગણાતું. આ એ જ માંડવી શહેર જેણે રજનીશજીને પણ આશ્રમ સ્થાપવાનું ઘેલું લગાડ્યું હતું!

કચ્છના, પ્રવાસ આયોજનની દૃષ્ટિએ ચાર ભાગ પાડી શકાય. પહેલો વિભાગ કામણગારો કચ્છ જે અંતર્ગત કાળગંગાને કાંઠે, તવારીખે કચ્છ, કચ્છ : ઊડતી નજરે, ભૂસ્તર અને ભૂગોળ તેમ જ લોક અને સંસ્કૃતિનો અભ્યાસ. જ્યારે બીજા વિભાગમાં ભાતીગળ ભોમકા-કચ્છ જેમાં સાહસ પ્રવાસો, આનંદ પ્રવાસો, સાંસ્કૃતિક પ્રવાસો, પ્રાચીન અને ઐતિહાસિક પ્રવાસ, પુરાતત્વીય પ્રવાસ, ધાર્મિક પ્રવાસ અને ત્રીજા ભાગમાં નવું કચ્છ જેમાં નવાં તીર્થધામો, સેવાની પગદંડી અને ચોથા ભાગમાં માર્ગદર્શક બાબતો જેવી કે ક્યાં જવું? ક્યાં રહેવું? વગેરે વણી લઈ શકાય.

આ પણ વાંચો : કૉલમ : મેઘતૃષ્ણા-મેઘતૃપ્તિ તો કચ્છી જ જાણે

સંત સૂતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢ્યા જ્યાં ઠામ ઠામે,
ડુંગરે ડુંગરે દેવની દેરીઓ, ખાંભીઓ ખોંધની ગામ ગામે;
વાછરો વીરને વીર પાબુ તણી, વીરતા ભોમના ભાર હરણી,
ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો! ધન્ય હો! કચ્છ ધરણી! (કવિ અને પત્રકાર)

kutch rann of kutch columnists