શ્રાવણ મહિનો અને કચ્છના મેળા

06 August, 2019 02:58 PM IST  |  મુંબઈ ડેસ્ક | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

શ્રાવણ મહિનો અને કચ્છના મેળા

કચ્છી સંસ્કૃતિ

લાખેણો કચ્છ

અષાઢી બીજ કોરીધાકોર જતાં વ્યથિત થયેલી કચ્છની પ્રજા અષાઢની અમાસ પહેલાં પધારેલા મેઘરાજાને વધાવીને પુલકિત થઈ છે. ડર એ વાતનો હતો કે અષાઢ કોરો જશે કે શું! એક તબક્કે તો પ્રાર્થનાઓ અને વિનવણીઓ પણ શરૂ થઈ ગઈ હતી. રવિ પેથાણી કવિ ‘તિમિર’ની એક રચનાના શબ્દો લોકોના શ્વાસ બની ગયા હતા!

‘આષાઢી અવતાર! વસી પો,
ધરતીજા ધિલધાર! વસી પો,
ગજણ-ખીવણજા યાર! વસી પો,
ચઈ ડિસ ધોધમાર! વસી પો,
પિરભેજા સિણગાર! વસી પો,
મિઠો ડીયોં ખીંકાર! વસી પો!’

... અને આવી પોકાર સાંભળીને વાજતે-ગાજતે મેઘરાજા જેવા પધાર્યા કે સર્વત્ર આનંદ છવાઈ ગયો. માત્ર કચ્છમાં રહેતા લોકો જ નહીં, પરંતુ વિશ્વભરના કચ્છીઓ અલગ-અલગ છત નીચે હોવા છતાં બધા જ ભીંજાયા! અને હવે એ જ કવિ ‘તિમિર’ની પંક્તિઓ તેમના હૃદયમાં હિલોળા લેવા લાગી...

‘ધ્રો, તરા, છેલા છિલ્યા આષાઢમેં,
માડૂડેજાં મન ખિલ્યાં આષાઢમેં!
કંઈક મેણેજા વિછોડા થ્યા ખતમ,
નાય ને ધરિયા મિલ્યા આષાઢમેં!

અદ્ભુત વાતાવરણ ઊભું થઈ ગયું કચ્છમાં. થોડા દિવસોમાં કચ્છની સૂકીભઠ્ઠ ધરતી લીલુડી ચાદર ઓઢેલી જોવા મળશે. એ જોવા લોકો કચ્છ દોડી ન જાય તો જ નવાઈ. જશે પણ ખરા અને શ્રાવણમાં ભરાતા મેળામાં પણ મહાલશે. વરસાદ પડી જતાં મેળાઓની મજામાં પણ ચાર ચાંદ લાગી જશે.

આમ તો કચ્છમાં મેળાઓનો પ્રારંભ ચૈત્રી ચંદરથી થાય છે. સાગરખેડુઓની એ ‘આખર’ કહેવાય છે. તેઓ છેલ્લી ખેપ કરી ઘરે પાછા આવી જાય છે. હવે ચોમાસાના ચાર મહિના દરિયાઈ ખેપ બંધ. સાગરકિનારે એ દિવસે મેળા ભરાય છે. દરિયાસ્થાનમાં દરિયો નથી હોતો, પરંતુ ‘દરિયાલાલ’ દેવ હોય છે અને રઘુવંશી લોહાણા વિધિવત્ પૂજા-આરતી કરી મહાપ્રસાદ લે છે. મેળા જેવું જ વાતાવરણ ઊભું થાય છે. દરિયાલાલ જયંતીની ઉજવણી, જ્યાં લોહાણા જ્ઞાતિના લોકો વસે છે ત્યાં ઠેર-ઠેર થાય છે, પછી એ વિદેશ કેમ ન હોય!

આમ તો કચ્છમાં આખા વર્ષ દરમ્યાન અંદાજે ૧૫૦ જેટલા મેળા થાય છે અને એમાં પણ ધોમધખતા ચૈત્ર મહિનામાં પણ કચ્છમાં ઘણા મેળા હોય છે. રામનવમીના દિવસે કચ્છના માનીતા ઇષ્ટદેવ રામદેવ પીરનો મેળો માંડવી તાલુકાના ફરાદી ગામે થાય છે, તો ઇતિહાસપ્રસિદ્ધ જેસલ-તોરલના સમાધિસ્થળે અંજારમાં અને ભુજપુર ગામમાં ચૈત્રી પૂનમના દિવસે મેળા ભરાય છે. કચ્છમાં ધાર્મિક એકતાની સાક્ષી પૂરે છે રણની કાંધી પર આવેલી હાજીપીરવલીની દરગાહ અને ત્યાં ચૈત્ર મહિનાના પહેલા સોમવારે ખૂબ મોટો મેળો ભરાય છે. જ્યાં હજારો હિન્દુઓ અને મુસ્લિમો પીરની સલામે જાય છે એ જ સમયગાળામાં માંડવી નજીક તલવાણા ગામમાં લોકશ્રદ્ધાના સ્થાન સમા રુકનશા પીરનો પણ મેળો યોજાય છે. આમ ચૈત્ર મહિનાથી જ કચ્છમાં મેળાઓનો પ્રારંભ થઈ જાય છે, પણ અષાઢની બીજથી તો મેળાઓની હારમાળા શરૂ થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આષાઢી બીજ એ કચ્છનું નવું વરસ છે. મેળાઓની સંખ્યા અને એનું માહાત્મ્ય જોતાં એમ જરૂર કહી શકાય કે મેળાઓ કચ્છના લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે.

તહેવારો આપણી સાંસ્કૃતિક ‍ધરોહરના રક્ષક છે. દરેક તહેવારને પોતાનું ધાર્મિક માહાત્મ્ય હોય છે. કચ્છ જેટલો રેતાળ એટલો જ હેતાળ પ્રદેશ છે. સૂકા મુલકના માનવીનાં ભીનાં હૈયાં જોવાં હોય તો શ્રાવણના મેળા માણવા જવું જોઈએ. એમાં પણ સારો વરસાદ પડી ગયો હોય તો-તો પૂછવું જ શું! કવિ કુલગુરુ કાલિદાસે સાચું જ કહ્યું છે કે ‘ઉત્સવ પ્રિયા: ખલુ જના:’ મનુષ્ય એ ઈશ્વરનું ઉત્સવપ્રિય સર્જન છે. એ રીતે કચ્છમાં શ્રાવણ માસ એ મેળાઓનો માસ બની રહે છે. આખો મહિનો ભગવાન શિવના મહિમાનો મહિનો છે. એમાં પણ સોમવાર ખાસ મહિમાવંત દિવસ ગણાય છે. પ્રત્યેક સોમવારે લોકો શિવદર્શન પણ કરે અને મેળામાં પણ મહાલે. માંડવીમાં દરિયાકિનારે આવેલા કાશી-વિશ્વનાથ મંદિર પાસે દર સોમવારે મોટા મેળા ભરાય છે.
શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ! શીતળા માતાજીના મંદિર પાસે મેળાના રૂપમાં ઉત્સવ ઊજવાય છે. માંડવીમાં શહેરથી બે કિલોમીટર દૂર એક તળાવડીના કિનારે માતાજીનું મંદિર છે, ત્યાં રાંધણ છઠ્ઠના દિવસે જે ‘ટાઢું’ બનાવવામાં આવ્યું હોય એનું શીતળા માતાને ચડતર ચડાવવામાં આવે છે. પછી જ લોકો પોતે આરોગે છે. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મંદિરના પ્રાંગણમાં કે તળાવડીની પાળે કે પછી વડલાની છાંયમાં બેસીને ભાથા ખોલીને ખાવા બેઠા હોય એ દૃશ્ય મેળાનું અલૌકિક દૃશ્ય હોય છે. મંદિરમાં છઠની રાતથી જ ભજન-કીર્તન શરૂ થઈ જાય છે. માંડવીમાં તો ભક્તિભાવપૂર્વક એ દિવસે બાલ રવાડી પણ નીકળે છે. એક જમાનામાં શણગારેલા બળદ અને તેમના ગળે બાંધેલી ઘૂઘરમાળ અને માફાદાર ગાડાની હારમાળા અને મેળાના સ્થળે છોડેલાં ગાડાં, ગળાની ધૂંસરી સાથે બાંધેલા અને નીરેલો ઘાસચારો ચરતા એ બળદો પણ મેળાનું અદભુત દૃશ્ય બની રહેતા. ઘોડાગાડીમાં આવતા શ્રીમંત પરિવારો અને ખાસ મેળામાં જવા માટે ઘોડાના પગે બાંધેલી ઘૂઘરમાળના ધ્વનિ આહ્‍લાદકતા ઊભી કરતા. માફાળા ગાડામાં બેસીને વહેલી સવારે જ મેળા તરફ પ્રયાણ કરવાનો આનંદ તો અવર્ણનીય છે.

બીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવ! સવારથી જ વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. ગોવિંદાઓની ટોળીઓ સવારથી ગલીઓમાં નીકળી પડે, મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે જે રાત્રે કૃષ્ણજન્મ સુધી રહે, પણ એ પહેલાં ઢળતી બપોરે શરૂ થયેલો મેળો તો મહાલવાનો જ. ભુજમાં સાતમનો શરૂ થયેલો મેળો છેક નવમીએ પૂરો થાય, જ્યારે માંડવીમાં આઠમનો મેળો સાંજે રુક્માવતી નદીના કિનારે આવેલા નાગનાથના મંદિરમાં ભરાય છે. એની બાજુમાં જ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે. સાતમથી માંડવીમાં લાગલગાટ ચાર દિવસ મેળા ચાલુ રહે છે. નોમ અને દસમના રોજ નીકળતી રવાડી એ તો માંડવીના મેળાઓમાં મોરપીંછ ગણાય છે. નવમીએ લોહાણા જ્ઞાતિની અને દસમે ખારવાઓની મોટી રવાડી નીકળે છે. મોટા ભાગે બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થયેલી ભગવાન શ્રીકૃષ્ણની રથયાત્રા બીજા દિવસે સવારે ત્રણ-ચાર વાગ્યે પૂરી થાય છે. આ શોભાયાત્રા અત્યંત દર્શનીય હોવાથી દૂર-દૂરનાં શહેરો અને ગામડાંઓમાંથી લોકો આવે છે. વીર પસલી અને રક્ષાબંધનના તહેવાર પછી તો મેળાઓની ધૂમ મચી જાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મેળાઓની વણજાર ઉત્સાહ અને ઉમંગથી ઊજવાતી હોય છે.

અહીં જ મેળાઓનો પ્રવાહ અટકતો નથી! ઊતરતા વરસાદના દિવસો એટલે આવતો ભાદરવો મહિનો! કચ્છમાં નખત્રાણા તાલુકામાં બે જગ્યાએ ‘યક્ષ’ના મેળા ભરાય છે. મોટી વીરાણી ખાતે ‘નાના યક્ષનો મેળો અને બોંતેર યક્ષ જ્યાં બિરાજે છે એ સ્થળે મોટા યક્ષનો મેળો ભરાય છે. એ બે દિવસ અને રાત ચાલે છે. એ કચ્છના લોકોની મેળાઓની આખરી મોસમ કહી શકાય! પણ ત્યારથી શરૂ થાય નવરાત્રિની તૈયારી!

આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

હજી પણ કચ્છના મેળાઓમાંથી એ દૃશ્ય ભૂંસાયું નથી કે ઘેરદાર ઘાઘરા, કાંબી ને કડલાં ને વળી નવરંગી ચૂંદડી ઓઢીને મેળામાં મહાલતી ગ્રામીણ મહિલાઓ અને યુવતીઓ, ઘેરદાર કેડિયાં-ચોયણા અને ચાંદી કે સોને મઢેલાં બટન તથા ભારે અને ફૂમતાવાળાં પગરખાં અને હાથમાં લાંબી ડાંગ સાથે મેળે જતા માલધારી! વાહ રે મેળાની મજા!

kutch gujarat columnists