શ્રાવણ શિવનો દાસ... કચ્છનાં શિવમંદિરો

13 August, 2019 11:17 AM IST  |  મુંબઈ ડેસ્ક | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

શ્રાવણ શિવનો દાસ... કચ્છનાં શિવમંદિરો

કોટેશ્વર મહાદેવ

લાખેણો કચ્છ

‘નમું નમું હું વરદાવરેણ્ય નમું તને હું જગ એક રૂપ,
નમું હું વિશ્વેશ્વર વિશ્વરૂપ: નમું તને હું નિજ ભાવ ગમ્ય’

તમામ દેવી-દેવતાઓથી દરેક રીતે જુદા પડતા ભગવાન ભોળાનાથનાં દર્શન પણ શાસ્ત્રીય આદેશ મુજબ કરવાનાં હોય છે. બીજાં મંદિરોમાં અને શિવમંદિરમાં દર્શન કરવા જતાં એ ધ્યાન રાખવાનું હોય છે કે અન્ય મંદિરોની માફક પ્રદક્ષિણા ચારેતરફ કરવાની હોતી નથી, કારણ કે શિવમંદિરમાં શિવ નિર્માલ્યમાં એને ઓળંગીને જવાનું હોતું નથી. શિવનું મંદિર અને ભગવાન રામ કે કૃષ્ણનાં જે મંદિરો છે એમાં પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ઘણો ફરક હોય છે ! જેમ કે શિવમંદિરને પાંચ પગથિયાં જ હોવાં જોઈએ ! બહુ ગહન અને આધ્યાત્મિક બાબત છે. અહીં આપણે કચ્છ પર ભોળાનાથની કેવી અને ક્યાં-ક્યાં કૃપા રહી છે એ વિશેની વાત કરવી છે.

કચ્છની સુરા-સંતની ભૂમિ ભગવાન શિવને પણ અતિપ્રિય હોય એવું મંદિરોની સંખ્યા અને સ્વયંભૂ પ્રાગટ્યના કિસ્સાઓ પરથી ચોક્કસ કહી શકાય. એક ઐતિહાસિક સર્વેક્ષણ મુજબ કચ્છમાં ૨૦૦૦થી વધારે શિવમંદિરો પ્રાચીન અને અર્વાચીન શિલ્પ સ્થાપત્યથી શોભે છે. કેટલાંય મંદિરો છે જે ઐતિહાસિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરે છે.

એકલા ભુજ શહેરમાં એક અંદાજ મુજબ ૨૦૦થી વધારે શિવમંદિરો છે એટલે જ ભુજની ભૂમિ ભોળાનાથની પ્રિય ભૂમિ હોવાનું માનવામાં આવે છે. ભુજનાં મૂળ પાંચ નાકાં, એમાંનું એક નાકું જ મહાદેવવાળું નાકું કહેવાય છે અને ત્યાંથી શરૂ થાય છે ભુજના પ્રાચીન શિવમંદિરોની હારમાળા ! ધીંગેશ્વર મહાદેવ, બિહારીલાલ મહાદેવ, મોઢેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ અને દ્વિધામેશ્વર મહાદેવનાં મંદિરોમાં હરહર મહાદેવના ભક્તિનારા સંભળાયા કરે છે. એક સ્થળે તો, સોળ જેટલાં શિવલિંગ છે એથી એ સોળેશ્વર મહાદેવના નામથી પૂજાય છે.

આ બધાં મંદિરોનો ઇતિહાસ છે જેમાં સંતોષ સોસાયટીમાં આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર ૪૦૦થી ૫૦૦ વરસ પુરાણું હોવાનું કહેવાય છે. એક રામાનંદી સાધુને આ બિલેશ્વર ધામ ખૂબ ગમી ગયું. તેમણે ત્યાં ત્રીસ વરસ મૌન રહીને તપ કર્યું અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આજે પણ મૌની બાબાની મૌન કુટીર તેમનું મંદિર તેમણે કરેલા કઠોર તપની સાક્ષી પૂરે છે.
ભુજમાં બીજું પણ એક એવું મંદિર છે જે ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. એ વિશેની કથા એવી છે કે જ્યારે શેરબુલંદ ખાને ભુજ પર ચઢાઈ કરી ત્યારે નાગા બાવાઓએ એ વખતના મહારાઓ શ્રીદેશળજીને ખૂબ મદદ કરી હતી. એની કદરરૂપે મહારાઓશ્રીએ આ મંદિરનો અખાડો અને આસપાસની જમીન બક્ષિશમાં આપી હતી. ભુજમાં હાટકેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના જમાદાર ફતેહ મહંમદના અંગત સલાહકાર જગજીવન વેણીરામ મહેતાએ સંવત ૧૮૬૩માં કરી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. હાટકેશ્વર મહાદેવ એ નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ગણાય છે.

ભુજ શહેરથી ચારથી પાંચ કિલોમીટર દૂર સૂરલભીટ ખાતે પ્રાચીન શિવમંદિર છે જેનો સંવત ૧૯૯૭માં મહારાઓ શ્રીવિજયરાજજીએ જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. અહી ભોળાનાથ જડેશ્વરના નામથી પૂજાય છે. ભુજ તાલુકાના બળદિયા ગામે સ્વયંભૂ પ્રગટેલા લોહીલુહાણ શિવલિંગ સાથે બંધાયેલા મંદિરના મહાદેવ બળદેશ્વર તરીકે જ ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીસ્વામીનારાયણનાં પગલાંઓ પણ છે. બાજુમાં આવેલા કેરા ગામનું કલાત્મક શિવમંદિર લાખેશ્વર એનાં અદ્ભુત શિલ્પ સાથે કાળની થપાટો ખાતું ઊભું છે.

લખપત તાલુકાના સિયોત ગામની નદીના કિનારે ડુંગરોની વચ્ચે આવેલું કટેશ્વર મહાદેવનું મંદિર, પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું મંદિર છે. પ્રાચીન કાળમાં કટેશ્વર વાગમ ચાવડાની રાજધાનીનું નગર હતું. વાગમ મહાદેવનો પરમ ભક્ત હતો. કટેશ્વર ખાતે આવેલો પાણીનો કુંડ ભીમ અને અર્જુન દ્વારા સ્થાપિત થયો છે. પાંડવો જ્યારે હિમાલયમાં તપ કરવા જતા હતા ત્યારે આ સ્થળેથી પસાર થયા ત્યારે ભીમની ગદાના પ્રહારથી જ્યારે મોટો ખાડો પડ્યો ત્યારે અર્જુને પોતાના બાણ દ્વારા ત્યાં જળધારા પેદા કરી હતી.

નખત્રાણા તાલુકાના કોટડા (રોહા)માં ઊંચી ટેકરી પર કલ્યાણેશ્વર મહાદેવનાં બેસણાં છે. વરસાદ વરસ્યો હોય તો મંદિર પાસે આવેલું ‘સન’ (નાનું ઝરણું) ખળખળ વહેતું હોય છે એટલે એ સન મહાદેવ તરીકે પણ ઓળખાય છે. કોટડાના જ કાનજી મનજી કોઠારી, મેવાવાળાએ કલ્યાણેશ્વર મહાદેવને મુંબઈના તેમના સૂકામેવાના વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યા છે એવી તેમની ભક્તિ હતી. શિવરાત્રિએ અહીં મેળો પણ ભરાય છે. મહાત્મા ગાંધી જ્યારે કોટડા અને રોહા આવ્યા હતા ત્યારે આ મંદિરમાં દર્શનાર્થે ગયા હતા અને બાજુની ટેકરી પર બેસીને સાંધ્ય પ્રાર્થના પણ કરી હતી.

બાજુમાં જ આવેલા સુમરી રોહા ગામમાં પણ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર જેમ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે એમ સતેશ્વર મહાદેવ અને પિયોણીના નીલકંઠ મહાદેવ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પિયોણીમાં ચારેબાજુ ડુંગરો અને લીલીછમ્મ વનરાજી શિવભક્તોને આત્માનંદની અનુભૂતિ કરાવે છે. અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાં જેની સવાર-સાંજ આરતી ઉતારે છે એવા માંડવીના દરિયાકિનારે આવેલા કાશીવિશ્વનાથ મહાદેવના મનચક્ષુ દ્વારા દર્શન કરીને પાવન થઈએ ! માંડવી વિસ્તારમાં અન્ય શિવ પીઠોમાં શ્રીરામ ચરણધૂલિ અને ધન્યા તીર્થ ધ્રબુડીનો મહિમા ખૂબ મોટો છે. માંડવીથી થોડા કિલોમીટર દૂર ડોણ પાસે આવેલું શ્રી જ્યોતેશ્વર મહાદેવ, અને ગઢશીશા નજીક આવેલું બિલીનાં વૃક્ષોથી આચ્છાદિત બિલેશ્વર મહાદેવનું મંદિર શિવભક્તોની ઉપાસનાને દૃઢ કરે છે.

કોટેશ્વર મહાદેવની કથા તો જગવિખ્યાત છે. એ કચ્છનાં શિવમંદિરોમાં કીર્તિ કળસ સમાન છે. સોમનાથ મંદિર જેવી જ સાગર શુષ્મા ધરાવતા આ મંદિરની લોકકથા મુજબ રા ઘુરારા જેવા પરાક્રમી પુરુષને પતિ તરીકે પામવા માટે ગૌડ રાણીએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તો વળી પૌરાણિક કથા મુજબ શિવભક્ત રાવણ પોતાની સાથે શિવનું આત્મલિંગ લઈને પાછો લંકા જતો હતો. શિવની શરત હતી કે એ લિંગને જમીન પર જો મૂકશે તો એની ત્યાં જ સ્થાપના કરવી પડશે !

બીજી તરફ દેવોને પણ રાવણ લિંગની સ્થાપના લંકામાં કરે એ પસંદ નહોતું એથી બ્રહ્મા ગાયનું રૂપ ધરી એક કીચડ ભરેલા ખાડામાં ઊભા રહ્યા. રાવણ એ માર્ગે પસાર થયો અને દૃશ્ય જોઈ તેને ગાયની દયા આવી. તેણે ગાયને ખાડામાંથી કાઢવા માટે શિવલિંગને જમીન પર મૂક્યું. ભક્ત અને ભોળાનાથ વચ્ચેની શરત ભંગ થઈ. એક લિંગમાંથી કોટી લિંગ થયેલાં રાવણે જોયાં. મૂળ લિંગને એ ઓળખી ન શક્યો. શિવની આજ્ઞા પ્રમાણે તે જ સ્થળે શિવલિંગની સ્થાપના કરવી પડી. રામાયણમાં પણ આ કોટેશ્વર મંદિરનો ઉલ્લેખ છે. ચીની મુસાફર ક્યુ-એ-ત્સંગે પોતાની પ્રવાસ પોથીમાં આ મંદિરની નોંધ લીધી છે. આ મંદિરની બાજુમાં જ રામેશ્વર નામનું પણ શિવમંદિર છે. બાજુમાં નારાયણ સરોવરમાં પણ અન્ય શિવમંદિરો છે.

આવી જ પૌરાણિક કથા નખત્રાણાની નજીક પુંઅરેશ્વર મહાદેવનું મંદિર હજારથી વધારે વરસોના ઇતિહાસને સાચવીને ઊભું છે. રાવ લાખાના ભત્રીજા જામ પુઅરાને તેના કાકાએ જે મહેણું માર્યું એમાંથી પધ્ધર ગઢ અને આ ભવ્ય મંદિરનું સર્જન થયું ! પુઅરાજી પીપર કન્ધાની સંગાર સુંદરી રાજે સાથે પરણ્યો હતો. કુંવરી શિવભક્ત હતી એથી આ મંદિર તેમનાં દામ્પત્યની સ્મૃતિના અવશેષરૂપ છે.

નલિયામાં આવેલા જંગલેશ્વર મંદિરનો ઇતિહાસ પણ ત્રણસોથી વધારે વરસ જૂનો છે. શ્રીખીમજી માપર નામના ભાવિકે આ મંદિરમાં પૂજન-અર્ચન શરૂ કર્યાં હતાં. નલિયાથી થોડા કિલોમીટર દૂર દરિયાકિનારે પિંગલેશ્વર મહાદેવ બિરાજે છે જ્યાં અન્ય મંદિરો કરતાં અલગ સ્વરૂપ ધરાવતું શિવલિંગ છે. વૃક્ષના થડ જેવો આકાર અને પીળાશ પડતા લિંગના કારણે એની વિશેષતા વધારે જોવા મળે છે. દંતકથા મુજબ પિંગળશી નામના માલધારીને આ મંદિરમાં અતૂટ શ્રધ્ધા હતી એથી એ પિંગળેશ્વર તરીકે પ્રચલિત હોવાનું કહેવાય છે. એ જ પ્રમાણે અબડાસા તાલુકાનું બિલેશ્વર નાદ્રા પણ ભાવિકોને આકર્ષે છે. ચોખંડા મહાદેવનું મંદિર મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલું છે. દરિયાની નાળ પર આવેલું હોવાથી એનું પ્રાચીન નામ નાળેશ્વર મહાદેવ પણ છે. અંદાજે ૧૫૦૦ વરસ જૂનું મંદિર ગણાય છે. ત્યાંના શિલાલેખો પર મહારાજા કુમારપાળના નામનો ઉલ્લેખ જોવા મળે છે. ભદ્રેશ્વરના રાઓ વિસાજીએ આ મંદિર સંવત ૧૧૯૫માં બંધાવ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. શિવલિંગ સ્વયંભૂ છે જેના પ્રાગટ્યની અને ચમત્કારોની ઘણી કથાઓ લોકજીભે સાંભળવા મળે છે. ભૂ-સ્તરથી ત્રીસેક ફૂટ ઊંચે એક ટીંબા પર એ આવેલું છે. અંજાર, ગાંધીધામ, આદિપુર અને મુંદ્રા વિસ્તારના શિવભક્તો ચોખંડા મહાદેવમાં અત્યંત આસ્થા ધરાવે છે.

કચ્છનાં શિવમંદિરોમાં નામ અને સ્થાપત્ય કળાને કારણે અલગ તરી આવતું આદિપુરનું નિર્વાસિતેશ્વર મંદિર ભાગલા વખતે સિંધ અને પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને આવેલા સિંધી ભક્તોએ શ્રધ્ધાના બળે એ બંધાવેલું છે. ઐતિહાસિક શિવમંદિરોની આ શબ્દયાત્રામાં કચ્છની કોમી એકતાના પ્રતીકરૂપ શિવમંદિરનો ઉલ્લેખ ન કરીએ તો કેમ ચાલે?

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

મુંદ્રા તાલુકાના ધ્રબ ગામે આવેલું મહાકાલેશ્વરનું મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાની કથા કહે છે. મોટા ભાગે મુસ્લિમ વસતી ધરાવતા આ ગામમાં ચારસોથી વધારે વરસો પહેલાં શાહ મુરાદ બુખારી સાથે મહમ્મદ સોતા નામનો સરદાર તુર્કિસ્તાનથી આવીને અહીં વસ્યો હતો. તેણે હિન્દુ કન્યા સાથે લગ્ન કર્યાં હતાં. કન્યા શિવભક્ત હતી. તેણે એવી શરતે લગ્ન કર્યાં કે તે રોજ શિવનાં દર્શન કરશે. મહમ્મદ સોતાની એ ઉદારતા હતી કે તેણે પોતાના ખોરડામાંથી એક દરવાજો સીધો જ મંદિરના ચોકમાં ઉતારી આપ્યો હતો. એ શિવમંદિર અને દરવાજો જે ચોગાનમાં પડે છે એ આજે પણ મોજૂદ હોવાનું કહેવાય છે જે ધર્મના ઝનૂનની દીવાલો તોડી એકતાના દ્વાર ખોલે છે.

‘વંદે દેવ ઉમાંપતિમ સુરગુરુ વંદે જગત્કારણમ,
વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમશંકરમ’

kutch gujarat columnists