‘ત્રે રા’ ને તીર સિંગ... રાજાશાહીના ઇતિહાસનો અંતિમ તબક્કો!

16 July, 2019 10:53 AM IST  |  મુંબઈ ડેસ્ક | કિશોર વ્‍યાસ

‘ત્રે રા’ ને તીર સિંગ... રાજાશાહીના ઇતિહાસનો અંતિમ તબક્કો!

‘ત્રણ રાજા અને તે ત્રણેય ઉપરનો એક સિંહ’

કચ્છી કોર્નર

એક હજાર વર્ષ એકધારા ચાલેલા જાડેજા વંશના રાજવીઓના અમલ દરમ્યાન કદી ન બનેલો એવો એક અનોખો બનાવ રાજાશાહીના અંતિમ તબક્કાના ઇતિહાસમાં બન્યો હતો. એ બનાવ એટલે ‘ત્રે રા’ ને ‘તીર સિંગ’ જેનો અર્થ કારાણી બાપા એવો કરે છે કે ‘ત્રણ રાજા અને તે ત્રણેય ઉપરનો એક સિંહ’. કચ્છના છેલ્લા ત્રણ રાજા એટલે મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજા, વિજયરાજજી ઉર્ફે માધુભા સાહેબ અને ત્રીજા મદનસિંહ બાવા. આ ત્રણેય રાજાઓની હયાતીમાં મદનસિંહ બાવાના યુવરાજ અને તેમના પછી રાજા બનેલા પૃથ્વીરાજજીનો એટલે ચોથા ‘તીર સિંહ’નો થયેલો જન્મ! ત્રણે રાજવીઓ માટે એ એક અનેરો લહાવો હતો. તે ચાર રાજવીઓ એટલે કચ્છના રાજાશાહીના ઇતિહાસનો અંતિમ અધ્યાય.
મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજા સંવત ૧૯૩૨ની સાલમાં રાજગાદીએ આવ્યા. એ વખતે તેમની ઉંમર માત્ર નવ વરસની હતી એથી તેમના વતી રાજ્ય કારભાર ચલાવવા રીજન્સી સ્થાપવામાં આવી હતી જેના પ્રમુખ તરીકે કચ્છના તે વખતના પૉલિટિકલ એજન્ટ અને મંત્રી તરીકે રાજદીવાન મણિભાઈ જશભાઈ નિયુક્ત થયા હતા.
એ નાનકડા રાજાને કેળવણી આપવાનું કામ સહાયક પૉલિટિકલ એજન્ટ મેજર રે સાહેબે સ્વીકારી લીધું હતું. એ ઉપરાંત એ સમયના કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટર દલપતરામ પ્રાણજીવન ખખ્ખર પણ મેજર રેને એ કાર્યમાં મદદ કરતા હતા. જોકે તેમનું શિક્ષણ ત્યાર બાદ ગુજરાતના સાક્ષર છોટાલાલ સેવકરામને સોંપવામાં આવ્યું હતું અને ૧૮ વર્ષના થયા એટલે તેમને રાજ્યનો કારભાર સોંપી દેવાયો હતો. તેમના સમયમાં ગુજરાતની પહેલી નવલકથા ‘કરણઘેલો’ લખનાર નંદશંકર તુળજાશંકર પણ કચ્છના દીવાન તરીકે ફરજ બજાવી ગયા હતા.
મહારાણી વિક્ટોરિયાના જ્યુબિલી પ્રસંગે મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજા અને તેમના લઘુબંધુ કલુભા લંડન ગયા હતા જ્યાં ખેંગારજી બાવાને ‘ગ્રૅન્ડ કમાન્ડર ઑફ ઇન્ડિયન એમ્પાયર’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંવત ૧૯૨૧માં તેઓ ‘ઇમ્પિરિયલ કૉન્ફરન્સ’માં ભાગ લેવા લંડન ગયા હતા ત્યારે તેમને ‘કે.સી.એસ.આઇ.’નો ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો.
ખેંગારજી બાવાને શિકારનો અત્યંત શોખ હતો. તેમનામાં શિકારીની તમામ ચપળતા અને કૌશલ્ય હતા છતાં તેમના રાજઅમલ દરમ્યાન સુવર અને ચિત્તાનો શિકાર કરવા પર પ્રતિબંધ હતો. તેજસ્વી પ્રતિભાના તેઓ સ્વામી હતા. એ અલગ વાત છે કે તેમના સમયમાં કચ્છનો ખાસ વિકાસ થયો નહોતો, પણ એ એટલી જ સાચી વાત છે કે તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી હતી. આજનું કંડલા બંદર એ હકીકતમાં તેમનું સ્વપ્ન હતું. કચ્છ રાજ્યની એટલી આર્થિક શક્તિ નહોતી કે તેમના સ્વપ્ન મુજબનું મહાબંદર તૈયાર કરી શકે છતાં પણ તેમણે આંખ બંધ કરીને જેટી બંધાવવાનું કામ શરૂ કરાવી દીધું હતું. તેમની ઇચ્છા હતી કે લૉર્ડ ઇરવિનના હાથે બંદર ખુલ્લું મૂકવું! તેમણે એ બાબતે સંમતિ પણ લઈ લીધી હતી. સંવત ૧૯૨૭નું વર્ષ કચ્છના રાજ ઇતિહાસમાં મહત્ત્વનું બની રહ્યું. લૉર્ડ ઇરવિને આજના ભારતના મહત્ત્વના બંદરને ખુલ્લું મૂક્યું હતું.
સંવત ૧૯૫૬ની સાલમાં કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ઘાસ-ચારાની તંગીથી હજારો પશુઓનાં મોત થયાં અને અન્નના અભાવે સેંકડો માણસો મૃત્યુ પામ્યાં. છપન્નિયા દુષ્કાળના કારણે કચ્છ-કાઠિયાવાડમાં કાળો કેર વર્તાઈ ગયો હતો. એ વખતે મહારાઓ શ્રી ખેંગારજીએ ખૂબ ઉદારતા બતાવીને ખાણેત્રા, સડકોના બાંધકામ વગેરે રાહતકાર્યો શરૂ કરીને કચ્છની ગરીબ પ્રજાને દુષ્કાળના દારુણ પંજામાંથી ઉગારી લીધી હતી. કહેવાય છે કે તેમણે એ વખતે એક કરોડ કોરીનો ખર્ચ કર્યો હતો. કવિ રાઘવજીએ મહારાવશ્રીની પ્રસંશા કરતાં લખ્યું છે કે
‘જબ લોં નભ રવિ-ચંદ,
તપો તાજ ભુજ તખ્ત પર,
બહાદુર બખ્ત બુલંદ,
મહારાઓ ખેંગાર કો’
કચ્છમાં રેલવેની શરૂઆત પણ તેમના સમયમાં થઈ. પ્રથમ ભુજ, અંજાર અને ભચાઉની રેલવે તુણા સાથે જોડી દેવામાં આવી હતી. ઘણી જગ્યાએ પાકી સડકો પણ બાંધવામાં આવી હતી. આવા રાજાએ ૬૭ વરસ પોતાની પાઘડી સલામત રાખી અને ૭૬ વર્ષની ઉંમરે સંવત ૧૯૯૮ના પોષ વદ ૧૪ના રોજ સ્વર્ગવાસી થયા. ‘ત્રે રા’માંથી એકની વિદાય થઈ. સંવત ૧૯૯૮ મહા સુદ બીજના દિવસે કચ્છનો રાજમુગટ યુવરાજ વિજયરાજજીના માથે મુકાયો. તે રાજ પરિવારમાં એક અલગ પ્રકારની જ વ્યક્તિ હતી. તેમના હૈયે કચ્છની પ્રજાના કલ્યાણની ભાવના હતી. તેમણે દરબાર ભરીને સૌથી પહેલું કામ ખેડૂતોની તગાવી માફ કરવાનું કર્યું. શાળા-મહાશાળાઓમાં મફત કેળવણી આપવાનું તેમના વખતથી શરૂ થયું હતું. અસ્પર્શ્યતા દૂર કરીને હરિજનોને રાજ તરફથી ચાલતી બસસેવાનો લાભ લેવા તેમ જ દરબારની કચેરીમાં બેરોકટોક પ્રવેશવા દેવાનો તેમણે જ આદેશ આપ્યો હતો. ખેડૂતોને રંજાડતાં ચિત્તા અને સુવર જેવાં પ્રાણીઓને મારવાની તેમણે છૂટ આપી. લોકોની સગવડ માટે શહેરની વચ્ચે આવેલા રાજમહેલના આગળના ભાગમાં બૅન્ક ઑફ ઇન્ડિયાની શરૂઆત કરાવી. એ કચ્છની પહેલી બૅન્ક બની રહી. દરબારી નોકરોનાં નજરાણાં પર મુકાતો કાપ તેમણે દૂર કર્યો.
વિજયરાજજી કળા-શિલ્પ સ્થાપત્યના ખૂબ શોખીન હતા. ભુજની આર્ટ સ્કૂલના વિકાસની તેમણે ધગશ હતી અને એના માટે પડી ભાંગેલી હુન્નર શાળા (મ્યુઝિયમ)ની કલાત્મક મરમ્મત માટે મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના પ્રિન્સિપાલ મિ. જિરાદને તેમણે ખાસ ભુજ બોલાવ્યા હતા. માંડવી શહેરની ભાગોળે બાંધવામાં આવેલો ‘વિજય વિલાસ પૅલેસ’ તેમના સ્થાપત્ય શોખનું સુંદર સ્મારક બની ગયું છે. તેમણે એ પૅલેસ પર વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીને રોકી રાખી ‘કચ્છનું વનસ્પતિ શાસ્ત્ર’ નામનો ગ્રંથ લખાવ્યો અને પ્રસિદ્ધ કર્યો હતો. ૧૯૪૮ની ૨૬ ફેબ્રુઆરીએ તેઓ અવસાન પામ્યા. પ્રજાના તે એટલા પ્રીતિપાત્ર હતા કે તેમના અવસાનથી કચ્છ આખું ક્ષુબ્ધ થઈ ગયું હતું.
‘ત્રે રા’માંથી બીજા મહારાઓ શ્રીએ વિદાય લીધી. તેમના સ્વર્ગવાસ પછી યુવરાજ કુમાર મદનસિંહજી સંવત ૨૦૦૪ની સાલમાં મહા વદ ૯ ગુરુવારે કચ્છની રાજગાદી પર બિરાજ્યા. તેમનામાં તેમના દાદા મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજાના ઘણા ગુણ અને હોશિયારી હતી, પરંતુ તેમના રાજ્યાભિષેક સાથે ભારત દેશના ઐતિહાસિક પ્રહાવો પલટાયા! દેશી રજવાડાંઓના વિલીનીકરણની શરૂઆત થઈ ચૂકી હતી. દેશની અખંડતા અને વિકાસને ધ્યાનમાં રાખીને મહારાઓ શ્રી મદનસિંહજીએ કચ્છ રાજ્ય ભારત સરકારને સુપરત કરવા સરદાર પટેલ સાથે કરાર કર્યા. જોકે એ કરાર મુજબ કેન્દ્ર સરકાર કચ્છનું ધ્યાન રાખતી ન હોવાનું દુ:ખ તે રાજવીને છેલ્લા શ્વાસ સુધી રહ્યું હતું.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

પુરાંતન કચ્છને ભારત માતાના ખોળે ધરવામાં આવ્યું એ દિવસ હતો ૧૯૪૮ની ૧ જૂન. મદનસિંહ બાવાના અવસાન પછી પણ રાજ ઘરાનાની પરંપરા મુજબ યુવરાજશ્રી પૃથ્વીરાજજીને માથે રાજમુગટ મૂકવામાં આવ્યો હતો. વિલાયતમાં ભણેલા, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઊછરેલા મહારાઓ શ્રી પૃથ્વીરાજજી શુદ્ધ ‘જાડેજી કચ્છી’માં વાતો કરી શકતા કે વક્તવ્ય પણ આપી શકતા. ત્રે રા પછી એ હતા તીર સિંગ!

kutch gujarat columnists