રાજાશાહીનો કલંકિત સમય અને પ્રજારાજની કેડી

30 July, 2019 11:49 AM IST  |  મુંબઈ ડેસ્ક | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

રાજાશાહીનો કલંકિત સમય અને પ્રજારાજની કેડી

કચ્છનું રણ

કચ્છી કોર્નર

લાખેણો કચ્છ

માત્ર ૧૪ વર્ષની સગીર વયમાં કચ્છ રાજ્યની લગામ મહારાઓ શ્રી રાયધણજીના હાથમાં આવી હતી. કાર્યકુશળ રાજમાતા લાડકુંવરબાનો જોકે કડપ સારો હતો, પરંતુ રાયધણજીની ઉંમર ૧૯ની થઈ એટલે રાજદોર તેમના હાથમાં આવી ગયો. એ એવી ઉંમર હતી કે તેમના પર જે રંગ ચડાવવો હોય એ ચડી શકે એવું તેમનું માનસ હતું.
મોહમ્મદ પનાહ નામના એક સૈયદે એનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું. તેનો રાજા પર એટલો પ્રભાવ રહ્યો હતો કે તે તેમની સાથે રાજમહેલમાં જ રહેતો થઈ ગયો હતો. પનાહની રાત-દિવસની સોબત અને તેના પ્રબોધથી હિન્દુ ધર્મ પરથી રાયધણજીની આસ્થા ઊઠી ગઈ અને એ એટલે સુધી કે રાજાને મળનાર જો ‘કલમો’ ન પઢે તો તેને કાપી નાખવો, મૂર્તિઓનો નાશ કરવો અને ભુજ શહેરમાં ખુલ્લી તલવારે ફરીને જેના કપાળે તિલક જોવા મળે તેની કતલ કરી નાખવી એ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો! રાજાની સવારીનું નગારું બધાને યમઘંટ સમાન લાગવા માંડ્યું હતું! લોકો ગભરાઈને ઘરમાં પુરાઈ જતા. રસ્તામાં કોઈ હિન્દુ મળી ગયો તો તેનું આવી બનતું.
રાયધણજીએ ખુલ્લી રીતે ઇસ્લામી ધર્મ અંગીકાર કર્યો અને લોકોને જબરદસ્તીથી ઇસ્લામમાં લાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. એ કામ માટે તેઓ મોહમ્મદ પનાહ સાથે માંડવી ગયા. માંડવીમાં જાહેર માર્ગો પર જાનવર કાપવાની શરૂઆત કરી, એટલું જ નહીં, પણ રાણેશ્વર મહાદેવના મંદિરની મૂર્તિનું ખંડન પણ તેમણે કર્યું. ત્યાર પછી સુંદરવરના મંદિરની મૂર્તિઓ તોડવા આગળ વધ્યા એ સાથે માંડવીની જનતા રોષે ભરાઈ. પ્રજાએ રાજાની આખી મંડળીને ઘેરી લીધી. લોકો તોફાને ચડ્યા છે એ જોઈને રાજા ગભરાવા લાગ્યા અને જીવ બચાવવા પોતાના માણસો સાથે મંદિર પર ચડી ગયા. ત્યાં પણ તેમના પર પથ્થરમારો થતાં તેમના બે સાથીદારો મૃત્યુ પામ્યા અને કેટલાક જખમી પણ થયા. પ્રજાનો આક્રોશ ન સમતાં રાજા ત્યાંથી જેમતેમ જીવ બચાવીને નાઠા, પરંતુ માંડવીને લૂંટવાનો નાદીરશાહી આદેશ તેમના માણસોને આપતા ગયા. લોકોની દબાઈ રહેલી કમાને હવે અનેકગણા વેગથી ઉછાળો માર્યો અને માંડવીને લૂંટતા લૂંટારાઓનું કાસળ કાઢી નાખ્યું! આ ઘટના સંવત ૧૮૪૩માં બની હતી. રાયધણજી ભુજ તો પહોંચ્યા, પણ તેમનામાં કોઈ ફેરફાર ન થયો અને ૧૮૪૪ની સાલમાં કચ્છમાં શરૂ થયું ‘બારભાયા’નું રાજ. રાજાને કેદ કરીને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા!
ભારત દેશની તવારીખમાં આ રીતે પ્રજારાજની પહેલ કચ્છમાં થઈ હતી. એનાં કેટલાંક સ્મારકો આજે પણ એ વાતની સાહેદી પૂરે છે, જેમાંનું એક સ્મારક છે ‘મુંબઈનો બારભાઈ મહોલ્લો, એક જમાનાનો કચ્છી રહેણાક વિસ્તાર! ‘બારભાયા’ એટલે બારભાઈઓ, એ જિગરજાન મિત્રો હતા જેમણે કચ્છરાજનો વહીવટ ચલાવ્યો હતો. આ બાર ભાઈબંધોએ સાથે મળીને પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો અને કચ્છ-કાઠિયાવાડમાં એકતાનાં બીજ વાવ્યાં હતાં. તેમણે કચ્છ-કાઠિયાવાડના ઇતિહાસને નવો જ વળાંક આપ્યો હતો. બારભાયાના આ રાજ્યની યોજના લોકશાહીના રાજનો જ એક પ્રકાર હતો. સ્વતંત્રતા મળી એનાં ૨૦૦ વર્ષ પહેલાં કચ્છમાં આ પ્રકારના રાજનો આરંભ થયો હતો. પરસ્પર ઝઘડાઓને કારણે જો આ યોજના નિષ્ફળ ન ગઈ હોત તો કદાચ કચ્છમાં સંસદીય પદ્ધતિના રાજવહીવટનો સૌથી પહેલો પાયો નખાઈ ગયો હોત!
મહારાઓ રાયધણજીનાં પરાક્રમોનો આખો અલગ ઇતિહાસ છે. તેમના સલાહકારોમાં એક તો હતો ફકીર મોહમ્મદ પનાહ જેની સંગતની ખરાબ અસર મહારાઓ પર પડી હતી. તેણે પોતાના નામનો એવો ભય પેદા કર્યો હતો કે તે ફૂંક મારીને માણસોને બાળીને મારી નાખે છે! અને બીજો સલાહકાર હતો સિદ્દી મસૂદ. વાઘજી પારેખ દીવાન હતા અને જૈન હતા પણ તેમનામાં દયાનો છાંટો પણ નહોતો. તેમણે રાજાની નાણાંની ભૂખ પોષવા રૈયતને લૂંટવામાં કોઈ કસર નહોતી છોડી. ચોમેર કાળો કેર વરતાઈ ગયો હતો અને ગામનાં ગામ ખાલી થતાં જતાં હતાં.
રાજ લશ્કરનો જમાદાર ડોસલ વેણ પાક નેક મુસલમાન હતો તેને રાજાની આ કામગીરી ગમતી નહીં, પણ નમક આડે આવતું હોવાથી વિરોધ નહોતો કરી શકતો. એક ઘટના એવી બની કે દીવાન વાઘજી પારેખનું હૈયું પણ હલી ગયું. ભગતબાપાના નામથી પૂજાતા ભુજના વયોવૃદ્ધ મદનજી શેઠનું અવસાન થયું ત્યારે તેમના દીકરાએ દેશાવર નોતર્યું. કચ્છનાં નાનાં-મોટાં ગામમાંથી ૫૦૦થી વધારે માણસ એકઠું થયું અને વાઘજીની દાઢ ડળકી. તેમણે ખરખરે આવેલા બધા માણસોને નજરકેદ કર્યા અને ‘તમે રાજા સામે કાવતરું કર્યું’ હોવાનો આરોપ મૂક્યો, એટલું જ નહીં, પણ ૧૫ લાખ કોરી (એ સમયનું ચલણી નાણું)નો દંડ ફટકાર્યો.
જમાદાર ડોસલ વેણનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે પોતાની કમાણીની એક લાખ કોરી આપી અને બાકીની રકમનો ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. ગાડું લઈને ડોસલ વેણ, જાડેજા હોથીજી, અતીત કાશીગરબાવો વગેરે બધા ભુજની શેરીઓમાં મહાજનને થયેલા ૧૫ લાખ કોરીના રાજદંડ માટે ફાળો લેવા નીકળ્યા. રાજાને તો હાણ ને હાંસી બેઉ થયાં! પણ હવે શું કરવું? તેમણે મિત્ર મોહમ્મદ પનાહને બોલાવ્યો. ભુજમાં વાત ફેલાઈ ગઈ કે મોહમ્મદ પનાહ આવે છે. લોકો ઘરનાં બારણાં બંધ કરીને છુપાઈ ગયા, પણ બજાર વચ્ચે એક મરદ કાશીગરબાવો ઊભો રહ્યો.
મોહમ્મદ પનાહ અને કાશીગરબાવા વચ્ચે પહેલાં તો વાક્‍યુદ્ધ થયું, લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. બારણાં અને બારીઓની તિરાડમાંથી સૌ શું થાય છે એ જોઈ રહ્યા હતા. કાશીગરબાવાએ મોહમ્મદના હાથમાંથી તેનો દંડ ઝૂંટવી લીધો અને એનાથી જ તેને માર માર્યો. પનાહ તો ત્યાંથી જીવ લઈને નાઠો! રોષે ભરાયેલા રાજાએ ધાક બેસાડવા ભુજ મહાજનના અગ્રણી જગજીવન મહેતાની દીકરી ગંગાનું અપહરણ કર્યું. લોકોમાં હાહાકાર મચી ગયો. પોતાના ઘરની સામે જ જગજીવન મહેતાએ જીવતેજીવ સમાધિ લઈ લીધી અને ઘરના બાકીના સભ્યો ઘરમાં જ બળી મર્યા. આખો પરિવાર ભસ્મીભૂત થઈ ગયો. વાઘજી પારેખ તો આ દૃશ્ય જોઈને અવાક્ બની ગયો. તેમનું દિલ વિચલિત થઈ ગયું. તેમના હૈયે આગ લાગી ગઈ.
વાહન વિના એક ડગલું પણ ન ભરનાર વાઘજી એ દિવસે ઉઘાડા પગે ભુજથી અંજાર તરફ તેના ભાઈ કોરા પારેખ પાસે દોડી ગયો અને આખી ઘટના કહી સંભળાવી. ભાઈની વાત સાંભળીને કોરા પારેખનો મિજાજ ગયો. તેની સાથે અંજારના ૪૦૦ જેટલા યુવાનો જોડાયા. બધાનો એક જ મત થયો ‘આ રાજા ન જોઈએ.’
પોતાનો સાથી વાઘજી પારેખ લોકો સાથે ભળી જતાં રાજા ગુસ્સે ભરાયો અને જેવો વાઘજીને જોયો કે એકઝાટકે તેનું માથું ઉડાડી દીધું. પોતાના પઠાણો દ્વારા અંજારથી આવેલા ૪૦૦ જેટલા યુવાનિયાઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા અને તેમની લાશ ગામની બહાર ખાડા ખોદીને દાટી દીધી. પછીથી ત્યાં રાજમહેલ બન્યો, પણ એ ખાડા પર બંધાયેલો દરબારખંડ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. એ શહીદોની પુણ્યભૂમિ બની રહી. જ્યાં એ ૪૦૦ લાશો દાટવામાં આવી હતી એ સ્થળ આજે પણ વાઘાસરના નામથી ઓળખાય છે.
માંડવીનો બનાવ તો ત્યાર પછી બન્યો હતો. માંડવીના એ બનાવ પછી કાશીગરબાવાએ કચ્છી પ્રજાની આગેવાની લીધી. મેઘજી શેઠને દેશદીવાન તરીકે સ્થાપ્યા, જમાદાર ડોસલ વેણને રૈયતનું લશ્કર જમાવવાનું કામ સોંપવામાં આવ્યું. કાશીગર અને મોહમ્મદ સેતો અન્ય સાથીઓને લઈને કચ્છની પ્રજાને રાજા વિરુદ્ધ જાગ્રત કરવા પવનવેગી સાંઢણીઓ પર સવાર થઈ જુદી-જુદી દિશાઓમાં ગયા. માંડવીના કારીગરો જાતજાતનાં હથિયાર ઘડવામાં લાગી ગયા.
ત્યાર બાદ રાજા અને પ્રજા વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. એક તબક્કે બે હાથમાં ખુલ્લી તલવાર લઈને કૂદી પડેલા કાશીગરબાવાનું શરીર અત્યંત જખમી થતાં જમીન પર પડ્યું ત્યારે લોકોની હિંમત તૂટી ગઈ હતી. મોહમ્મદ સેતાએ તેને રાજલશ્કરના પાસમાંથી છોડાવી લીધો અને તેને માંડવી લઈ ગયો. લોહીથી તરબોળ પથારીમાં મૂર્છિત કાશીગર જેવી આંખ ખોલતો ત્યારે તેમનો એક જ સવાલ રહેતો ‘શું સમાચાર છે?’ તેમને ‘રાજા હારી ગયો’ એવા સમાચાર જોઈતા હતા!
મોહમ્મદ સેતો કશીગરને માંડવી છોડીને તીર છૂટે એમ સીધો યુદ્ધના મેદાન તરફ દોડ્યો. ત્યાં સામેથી ઘોડા પર મેઘજી શેઠને આવતા જોયા. સમાચાર સારા હતા. રાજા હારી ગયો હતો અને લોકોએ તેને કેદ કરી લીધો હતો. જખમી થયેલો ઘોડો રસ્તામાં ઢળી પડ્યો, મેઘજી શેઠ પણ ખૂબ થાકેલા હતા, પણ કાશીગરને એ સમાચાર પહોંચાડવા ખૂબ જરૂરી હતા. મોહમ્મદ સેતાએ મેઘજી શેઠને ખભે ઊંચકીને માંડવી તરફ દોટ મૂકી. માંડવીના નાકે પહોંચતાં જ લોકો સામે મળ્યા. મેઘજી શેઠને જલદી કાશીગર પાસે લઈ જવાનું કહીને મોહમ્મદ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો.
મેઘજી શેઠ આવ્યાના સમાચાર મળતાં જ કાશીગરની આંખો ખૂલી ગઈ અને સારા સમાચારનો અણસાર માત્ર આવતાં જ તેમના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાઈ ગયો અને તેમણે આંખો મીંચી દીધી. મેઘજી શેઠ કાશીગર પાસે સુંદરવરના મંદિરે પહોંચ્યા ત્યારે જિગરજાન મિત્રના ચહેરા પર તેજ જોયું, પરંતુ કાશીગર મૃત્યુ પામતાં તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા!

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

અને... ત્યાર પછી શરૂ થયું ‘બારભાયા રાજ.’ કચ્છના બાર મહાલ અને બાર મહાલના બાર ભાઈ! દરેક મહાજને એક-એક ભાઈ નક્કી કર્યો અને આમ કચ્છના રાજમહેલમાં બેસીને શરૂ થયો બારભાયાનો રાજકારભાર! રાજા વિના પ્રજા પોતાનો કારભાર પોતે ચલાવે એવું સ્વતંત્ર રાજતંત્ર કચ્છમાં ઈ. જસ. ૧૭૮૪માં સ્થપાયું જે ૨૦ વરસ ચાલ્યું. કંપની સરકારે રાજાને કેદમાંથી છોડાવ્યો અને ફરી રાજગાદી પર બેસાડ્યો.

kutch gujarat columnists