વિનોબા ભાવેનું નયા કચ્છનું સ્વપ્ન

28 May, 2019 12:11 PM IST  |  | કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર

વિનોબા ભાવેનું નયા કચ્છનું સ્વપ્ન

વિનોબા ભાવે

કચ્છની ધરતીનું આમ તો સદ્ભાગ્ય રહ્યું છે કે સ્વતંત્ર ભારત અને ગુલામ ભારતના કેટલાય દેશપ્રેમી નેતાઓએ વખતોવખત કચ્છ આવવાનું પસંદ કર્યું છે. એવું આલેખન પણ જોવા મળે છે કે તેમની મીઠી નજર કચ્છ પર રહી છે, પણ એ કહેવું એટલું અતિશયોક્તિભર્યું લાગે છે કે જો તેમની મીઠી નજર રહી હોત તો કચ્છમાં કોઈ પ્રકારની ઊણપ જોવા ન મળી હોત.

૧૯૫૬ના ઉત્તરાર્ધમાં જેસલ-તોરલથી સુવિખ્યાત અંજાર વિસ્તારમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો ત્યારે ૧૯૫૬ની ૧૭ ઑગસ્ટે ભારતના ભાગ્યવિધાતા તરીકે પંકાયેલા વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીએ એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ભોગ બનેલાઓનાં આંસુ લૂછ્યાં હતાં. ચૂંટણીસભાઓને સંબોધવા સ્વ. ઇન્દિરા ગાંધી પણ એકથી વધારે વખત કચ્છ આવ્યાં હતાં. સ્વ. રાજીવ ગાંધીએ સતત ચાર વર્ષથી દુષ્કાળમાં રિબાતા કચ્છની મુલાકાત લઈને ચાલતાં રાહતકાર્યોની મુલાકાત લીધી હતી. એ પહેલા વડા પ્રધાન હતા જેમણે ધોમધખતા તાપમાં માટીકામ કરતા, ખામણા ખોદતા લોકોને આશ્વાસિત કર્યા હતા. એ ઉપરાંત કંડલા અને ભુજમાં ચૂંટણીસભાઓ સંબોધવા પણ તેઓ આવ્યા હતા. એક નવો જ પક્ષ ઊભો કરવા માટે ડૉ. મહિપત મહેતાના આમંત્રણથી ફારુક અબદુલ્લા પણ કચ્છ આવ્યા હતા.

પરંતુ સૌથી વિશિષ્ટ મુલાકાત તો મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેની બની રહી હતી. કચ્છની મહેમાનગતિ અને મળેલા આદરથી ખુશ થઈ ગાંધીજીએ કચ્છના મહારાવશ્રીને ભાવભીનો આભારનો પત્ર પણ લખ્યો હતો. ગાંધીજીએ ભુજમાં હાટકેશ્વરના મંદિર સામેના ઓટલે બેસીને લોકોને સંબોધન કર્યું હતું. કવિ કલાપીના સાસરાનું ગામ સુમરી રોહામાં પણ તેમણે સભાને સંબોધી હતી.

ભૂદાન-પ્રવૃત્તિના પ્રણેતા, ગાંધીજીના આધ્યાત્મિક વારસ, ખૂનખાર ડાકુઓને પ્રેમ અને કરુણાથી નિ:શસ્ત્ર કરી નાખનારા, આર્ય પરંપરાના અર્વાચીન ઋષિ આચાર્ય વિનોબા ભાવેએ કચ્છમાં ૧૯૫૮થી શરૂ કરેલી ભૂદાન ચળવળ અને તેમની કચ્છયાત્રાનાં સંસ્મરણો વાગોળવા જેવાં રહ્યાં છે. સમગ્ર દેશાટન કરતાં-કરતાં વિનોબાજી ૧૯૫૮માં કચ્છના અંજાર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક સભા સંબોધી હતી. અંજારથી શરૂ થયેલી વિશાળ રસાલા સાથેની ભૂદાન યાત્રા કંડલા ખાતે વિરમી હતી અને ત્યાંથી તેઓએ સમુદ્રમાર્ગે વિદાય લીધી હતી. તેમની પ્રેરણાથી કચ્છમાં લોકોએ હજારો એકર જમીન દાનમાં આપી હતી જે તેમણે ભૂમિહીનોમાં વહેંચી દીધી હતી. વિનોબાજી સાથે કચ્છ પધારેલા રવિશંકર મહારાજે કચ્છના યુવાનોમાં જાગૃતિ ફેલાવી હતી.

અબડાસા તાલુકાના તેરા ગામના વજુભાઈ શાહ એક પ્રખર સર્વોદય કાર્યકર, કચ્છના પ્રથમ પદ્મશ્રી હદરાજ દુખાયલ, મણિલાલ સંઘવી અને લાલજી બાપા જેવા કર્મઠ અગ્રણીઓ ભૂદાન પ્રવૃત્તિમાં સક્રિય બન્યા હતા. ગામડે-ગામડે સર્વોદય કાર્યકરો જતા અને ગામડાંઓમાં ફરીને ‘સંત વિનોબા બોલે છે, એમાં બોલે છે ભગવાન’ જેવાં ગીતો ગાતા અને જાગૃતિ ફેલાવતા. વિનોબા અમૃત-કોષ માટે કચ્છમાં માતબર રકમનો ફાળો પણ એકઠો થયો હતો.

કચ્છના પ્રવાસ વખતે વિનોબાજીએ નયા કચ્છનું સર્જન કરવાનું સ્વપ્ન સેવીને લોકોમાં નિરૂપણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘કચ્છમાં હું વિશ્વનું દર્શન કરવા ઇચ્છું છું. વિશ્વદર્શનનો અર્થ હું એવો કરું છું કે સમગ્ર રીતે બુદ્ધિ, પ્રેમ, સાહસ અને સંપત્તિમાં કચ્છ અને કચ્છીઓ સમૃદ્ધ બને અને એ રીતે નવા કચ્છનું સર્જન થાય.’

આ પણ વાંચો : કૉલમ : કચ્છનાં રણ, રેત અને પાણી

વિનોબાજી, રવિશંકર મહારાજ અને મહાત્મા ગાંધીની કચ્છની મુલાકાતો પછી આવેલા રાજકીય નેતાઓની મુલાકાતો વામણી બની જાય છે. નેહરુ પહેલી વાર ૧૯૫૨ની ૧૦ જાન્યુઆરીએ કંડલા મહાબંદરનો શિલાન્યાસ કરવા કચ્છ આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ‘કંડલા બંદરના શિલાન્યાસ સાથે માત્ર એક મહાબંદરનો પાયો નથી નખાયો, પણ નવા પ્રગતિશીલ ભારતનું એ રીતે નિર્માણ કરવાનો પાયો નખાયો છે.’

તેમણે કચ્છની છેલ્લી મુલાકાત ૧૯૬૨ની ૧૦ ફેબ્રુઆરીએ લીધી હતી. એ વખતે દેશની ત્રીજી લોકસભાની ચૂંટણીપ્રચારના શ્રીગણેશ તેમણે કચ્છથી કર્યા હતા.

columnists kutch