કચ્છને પૂરેપૂરો ઓળખવો હજી બાકી છે

11 June, 2019 02:18 PM IST  |  કચ્છ | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

કચ્છને પૂરેપૂરો ઓળખવો હજી બાકી છે

ખારાઇ ઊંંટ

 

કુદરતના બેમિસાલ કરિશ્માસમું રણ, દરિયો, ભાતીગળ લોકસંસ્કૃતિ, અનોખી પ્રાણી-પક્ષી સૃષ્ટિ, ડુંગરોની હારમાળા, ચેરિયાનાં જંગલ, ધોળાવીરાનાં અવશેષ, દુષ્કાળ-ભૂકંપ જેવી હોનારતો ખમીનેય ગૌરવભેર બેઠા થવાની કચ્છી-માડુની તાકાતથી સૌ પરિચિત છે તોયે આપણો આ પ્રદેશ એવો તો અજબ છે કે એની અનેક વિશેષતાઓ આપણે હજુ પીછાણી શક્યા નથી.

ભાતીગળ લોકસંસ્કૃતિ ધરાવતો કચ્છ એક અદ્ભુત પ્રદેશ છે. કુદરતના બેમિસાલ કરિશ્માસમું રણ, તો બીજી તરફ ઘૂઘવતો મહેરામણ. વરસાદ અને પાણીની કાયમી ખેંચે અનેક પ્રકારની અછતો સર્જી છતાં કચ્છી માડુ પોતાના પ્રદેશની વિષમતાઓથી ભરપૂર એવા પર્યાવરણ સાથે પણ અનુકૂળતા સાધીને એને અનુરૂપ જીવન મોજથી જીવતાં શીખી ગયો. એને પગલે અભાવની એક અનોખી સંસ્કૃતિ આ મુલકમાં પાંગરી છે. એના લોકજીવનની અને લોકસંસ્કૃતિની એક-એક લાક્ષણિકતાઓના મૂળમાં ઊંડા ઊતરીશું તો આખરે એમાં અભાવ અને એના સામનાની મથામણ દેખાશે.

દાખલા તરીકે, કચ્છની જગવિખ્યાત હસ્તકલાની વાત કરીએ તો અજરખના રંગોનું અજોડ મૅચિંગ કે બન્નીનું ભરતકામ. કુદરતે વરસાદના અભાવે જે રંગોથી માનવીને વંચિત રાખ્યા છે એને પામવાની કલ્પના જ્યારે કાપડના ટુકડા પર સોય-દોરાના માધ્યમથી પ્રદર્શિત થાય છે ત્યારે આપમેળે સુંદર ડિઝાઇન ધારણ કરે છે. માત્ર કચ્છ નહીં; રાજસ્થાન, સહારા કે અરબસ્તાન અને ઇઝરાયલના રણપ્રદેશોમાં વસતી પ્રજાની હસ્તકલા કચ્છ જેવી જ ભાતીગળ છે એનું કારણ પણ અભાવમાં જ રહેલું છે.

માત્ર માનવી જ શા માટે? પ્રાણીસૃષ્ટિ પણ પર્યાવરણ અને એની વિષમતાઓ અનુસાર જીવન જીવતાં શીખે છે એનું ઉત્તમ ઉદાહરણ ખારાઈ ઊંટનું છે. ૧૯૮૦ના દાયકામાં ‘કચ્છી ઊંટ, કૂડ ખાય ને સચ કમાયે’ શીર્ષક હેઠળ દીપોત્સવી અંકમાં મુરબ્બી સ્વ. જયંતભાઈ સચદે સંગાથે એક વિસ્તૃત માહિતીપ્રદ લેખ લખ્યો હતો ત્યારે લખપતથી મુંદ્રા સુધીના દરિયાઈ-કાંઠાળ વિસ્તારમાં ઊગેલાં ચેરનાં જંગલો ઊંટ માટે શ્રેષ્ઠ ચરિયાણ છે એનો ઉલ્લેખ કર્યો હતો; પણ ભૂકંપ પછીના દાયકામાં સહજીવન સંસ્થાની પહેલથી ઊંટપાલકોનું સંગઠન રચાયું અને એના વિશે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયું એમાં ડીએનએ ટેસ્ટ સહિતના પુરાવાથી એ સાબિત થયું છે કે આ પ્રકારના ખારાઈ ઊંટ માત્ર અને માત્ર કચ્છમાં જ જોવા મળે છે. ઊંટની આ અનોખી નસલ છે. એની ઉત્પત્તિ અને ઉછેર માત્ર અને માત્ર કચ્છની દેન છે. એ જ રીતે ‘ઇન્ડિયન વુલ્ફ’ની ઉત્પત્તિ પણ કચ્છમાં થઈ હોવાનું વૈજ્ઞાનિક સંશોધન થોડાં વર્ષો પહેલાં ડૉ. ઝાલાએ હાથ ધર્યું હતું. તો પક્ષીસૃષ્ટિને સંબંધ છે ત્યાં સુધી ૧૯૬૦ના દાયકામાં પ્રખ્યાત પક્ષીવિદ્ ડૉ. સલીમ અલીએ પોતાના‘બર્ડ્ઝ ઑફ કચ્છ’ નામના પુસ્તકમાં સુરખાબ વસાહતથી માંડીને અન્ય સ્થળાંતરીય તેમ જ સ્થાનિક પક્ષીઓની માહિતી આપી છે. તેમણે કાળા ડુંગર નજીક નીરવાંઢ સામે આવેલા હંજબેટની મુલાકાત લીધેલી. એ સમયે કચ્છી તસવીરકાર એલ. એમ. પોમલે ઝડપેલી બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરો આજેય સીમાચિહ્ન સમી ભાસે છે, પણ એ પુસ્તકમાં જેનો ઉલ્લેખ નથી એવાં કેટલાંય પક્ષી કે પ્રાણી કચ્છમાં આજેય જોવા મળે છે. એનો મતલબ એ કે આ ક્ષેત્રે હજી ઘણું-ઘણું કરવાનું બાકી છે.

માત્ર પ્રાણી કે પક્ષીસૃષ્ટિ નહીં, ભૂસ્તર કે પુરાતત્વ એમ લોકસંસ્કૃતિના વિવિધ પાસાને સાચા અર્થમાં સમજવા હજી બાકી છે. કચ્છનાં એવાં કેટલાંયે ક્ષેત્રોનું ખેડાણ હજી થયું જ નથી. કચ્છની વનસ્પતિઓ વિશે જયકૃષ્ણ ઇન્દરજીએ પુસ્તક લખ્યું છે, એના જેવું એક જ વિષય પરનું ઝીણવટભર્યું કામ ભાગ્યે જ બીજા કોઈ ક્ષેત્રમાં થયું છે. ૨૦૧૦માં જાણીતા વિદ્વાન લાભશંકરભાઈ પુરોહિતે કચ્છની આધ્યાત્મિક ભૂગોળ સમજવાની હાકલ એક સમારંભમાં કરી હતી. કેટલીક સાંપ્રદાયિક પરંપરાઓ માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ શા માટે ઉદ્ભવી છે? ભોજનશાળા, ગૌશાળા દરેક ધાર્મિક સ્થાનો પર હોય જ એવું શા માટે? કદાચ અહીં પણ મુદ્દો અભાવનો છે. કચ્છમાં વિક્રમી સંખ્યાની પાંજરાપોળો મોજૂદ છે એનું કારણ પણ વરસાદ-પાણી અને ઘાસચારાની અછતમાં જ રહેલું છે. હા, અહીં જૈન ધર્મની જીવદયાની ભાવનાનોયે ઉલ્લેખ જરૂરી છે.

ભૂસ્તર અને પુરાતત્વને સંબંધ છે ત્યારે ભૂકંપ પછી અવારનવાર કચ્છ આવતા રહેલા અને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહેલા પ્રો. પ્રકાશ શ્રીંગારપુરે અને ૮૦ વર્ષ પાર કરી ચૂકેલા ડૉ. વિશ્વાસના મત અનુસાર કચ્છ તો જિયોલૉજિકલ પાર્ક સમું છે. પૃથ્વીની ઉત્પત્તિ પછી પથ્થર કે અન્ય જે પણ યુગ આવ્યા, સભ્યતાઓ આવી એ તમામના અવશેષ ‘અશ્મિ’ કે અન્ય રૂપે કચ્છની ધરતીમાં ધરબાયેલાં છે. ડાયનોસૉરના અખંડ અશ્મિ પણ કચ્છમાં એક સમયે હતા અને આજેય છે, પણ એનો યોગ્ય કે પૂરો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ જ થયો નથી.

આ પણ વાંચો : ૧૯૯૧ની કચ્છની પેટા ચૂંટણી દિલ્હીની ગાદી માટે મહત્વની પુરવાર થઈ

સરવાળે તારણ તો એ જ નીકળે છે કે કચ્છની અસ્મિતાની અને કચ્છની સાચી પરખ કે ઓળખ હજી આપણે આપી શક્યા નથી. સાચું પૂછો તો આપણે પોતે, કચ્છી પણ આપણી જાત અને કચ્છને સાચા અર્થમાં ઓળખી શક્યા છીએ ખરા? જવાબ ‘ના’માં છે. પત્રકાર તરીકેની ચાર-ચાર દાયકાની કારકિર્દીમાં જુદા-જુદા વિસ્તારોમાં જુદી-જુદી જ્ઞાતિ, વર્ગ અને કોમના લોકો વચ્ચે બેસીને તેમનાં દુ:ખ-દર્દ જાણતી વખતે કે તેમના ખુશીના પ્રસંગોમાં ભાગ લેતી વખતે તેમના ચહેરાની ભાષા ક્યારેક સમજાઈ છે ત્યારે વર્ણવી ન શકાય એવી અનુભૂતિ થઈ છે. સદીના સૌથી ગોઝારા દુકાળ વખતે બન્નીના માલધારીને ભેંસનું આખું ધણ મરણ-શરણ થયા પછી ગાંડાની જેમ એક દિવસ રઝળતો જોયો છે, તો બીજા જ દિવસે સ્વસ્થ બનીને જીવનનો જંગ ફરી શરૂ કરતોય જોયો છે. કોઈ પણ સમયે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કપરી સ્થિતિનો સામનો કરવાની કચ્છી માડુની તાકાત (કે પછી આદત) ભૂકંપ વખતે તો જાણે ચરમસીમાએ પહોંચી હતી. કાળની નિષ્ઠુર લીલાનો સામનો આંસુ વહેવડાવ્યા વિના કરીને કચ્છી માડુને ઇતિહાસ સર્જતા નજરોનજર જોયો છે અને છતાં સમગ્ર કચ્છ અને એની વિશેષતાઓની નજરે તો આ તણખલું માત્ર હોવાથી વ્યાપક સંશોધન અનિવાર્ય છે.

kutch columnists