૧૯૯૧ની કચ્છની પેટા ચૂંટણી દિલ્હીની ગાદી માટે મહત્વની પુરવાર થઈ

કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર | Jun 04, 2019, 13:11 IST

લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રથયાત્રાનો આરંભ થયો. જનતા દળ-બીજેપી વચ્ચે અંતર વધવા લાગ્યું.

૧૯૯૧ની કચ્છની પેટા ચૂંટણી દિલ્હીની ગાદી માટે મહત્વની પુરવાર થઈ
ચીમનલાલ પટેલ

ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ઠ પહેચાન ધરાવતા કચ્છનું પ્રાદેશિક રાજકીય અસ્તિત્વ આઝાદી પછી એક રાજ્યમાંથી જિલ્લામાં સંકોચાઈ જતાં સંસદમાં આજે એની પાસે માત્ર એક જ પ્રતિનિધિ છે એથી લોકસભાની ચૂંટણીઓ વખતે કચ્છનાં પરિણામ પર ખાસ કોઈનું ધ્યાન ન જાય એ સ્વાભાવિક છે, પણ ૧૯૫૨થી ૨૦૧૯ સુધીની લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો પર નજર કરીએ તો કમસે કમ એક વાર ૧૯૯૧ની ચૂંટણીનાં કચ્છનાં પરિણામે માત્ર ગુજરાત નહીં, આખા દેશના રાજકારણીઓ અને રાજકીય નિરીક્ષકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ચૂંટણીનું મહત્વ એ સમયની રાજકીય અસ્થિરતા અને ઊલટસૂલટના માહોલ પરથી સમજાઈ જાય છે. તો એ સમયે કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપસિંહના વડા પ્રધાનપદ હેઠળની મિશ્ર સરકાર હતી. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષ ૧૯૭ બેઠક પર સમેટાઈ ગયો હતો. વી.પી. સિંહના નેજા હેઠળના જનતા દળને ૧૪૩ બેઠક મળી હતી. બીજેપી ૮૫ બેઠક સાથે ત્રીજા નંબરે હતી. ડાબેરી મોરચાના ચારેય પક્ષો મળીને બાવન બેઠક હતી. બિનકૉન્ગ્રેસી સરકાર રચવાના ઉદ્દેશ સાથે બીજેપીએ બહારથી ટેકો આપ્યો. ડાબેરીઓએ પણ એમ જ કર્યું અને વી.પી. સિંહની સરકાર કામ કરતી થઈ. બીજી તરફ ગુજરાતમાં ૧૯૯૦ની વિધાનસભાની ચૂંટણીઓમાં જનતા દળને ૭૦ જ્યારે બીજેપીને ૬૭ બેઠક મળતાં ચીમનભાઈના નેતૃત્વ હેઠળ માર્ચ મહિનામાં સંયુક્ત સરકાર રચાઈ. અહીં ફરક એ હતો કે બીજેપી પ્રધાનમંડળમાં પણ જોડાઈ હતી. કેશુભાઈ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. કૉન્ગ્રેસને માત્ર ૩૩ બેઠક મળી હતી.

દરમ્યાન બન્યું એવું કે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રથયાત્રાનો આરંભ થયો. જનતા દળ-બીજેપી વચ્ચે અંતર વધવા લાગ્યું. ૧૯૯૦ના ઑક્ટોબર મહિનામાં બિહારમાં અડવાણીજીની ધરપકડ કરાતાં બીજેપીએ કેન્દ્રની વી.પી. સિંહની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો. તો અહીં ગુજરાતમાં પણ બીજેપી સંયુક્ત સરકારમાંથી છૂટી થઈ. રાજકીય ઊથલપાથલ અને આયારામ-ગયારામના માહોલમાં કેન્દ્ર કક્ષાએ ચંદ્રશેખરના નેજા હેઠળ મિશ્ર સરકાર રચાઈ. જ્યારે ગુજરાતમાં રાજકારણના અઠંગ ખેલાડી એવા ચીમનભાઈએ દિલ્હીસ્થિત કૉન્ગ્રેસી નેતાઓને વિશ્વાસમાં લઈને ગુજરાતના ૩૩ કૉન્ગ્રેસી ધારાસભ્યોના ટેકાથી પોતાની સરકાર બનાવી લીધી.

પણ, ચંદ્રશેખરની સરકાર બહું ચાલી નહીં એનો ઇતિહાસ જાણીતો છે. કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચતાં સરકાર તૂટી અને આખરે ૧૯૯૧ની ચૂંટણીઓ જાહેર થઈ. ચીમનભાઈ પટેલે જનતા દળનું નામ બદલાવીને ગુજરાત જનતા દળ કર્યું હતું, પણ ૧૯૯૧ની ચૂંટણી વખતે રાજીવ ગાંધી સાથેના સંબંધોનો લાભ ઉઠાવીને તેમણે પોતાના આખેઆખા પક્ષને ૬૬ ધારાસભ્યો સહિત કૉન્ગ્રેસમાં ભેળવી દીધો. ગુજરાતના સ્થાનિક નેતાઓએ બહું વિરોધ કર્યો, પણ રાજીવ આગળ કોઈનું ચાલ્યું નહીં, પણ આખરે ૧૯૯૧ની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે બાજી પલટાઈ ગઈ હતી. ૨૬માંથી ૨૦ બેઠક બીજેપીને અને માત્ર પાંચ બેઠક કૉન્ગ્રેસને મળી. એક બેઠકની ચૂંટણી ઉમેદવારના અવસાનના કારણે મોકૂફ રહી અને એ જ બેઠક કચ્છની હતી.

૧૯૯૧ની ચૂંટણી એકથી વધુ રીતે યાદગાર અને ઐતિહાસિક હતી. ૨૦ મેએ લોકસભાની ૩૨૩ બેઠક પર મતદાન થઈ ગયા પછી રાજીવ ગાંધીની ક્રૂર હત્યા થઈ એથી બાકીની ૫૩૪ બેઠકોનું મતદાન મોકૂફ રહ્યું. જૂનની ૧૨ અને ૧૫ તારીખે બાકીનું મતદાન થયું, પણ કચ્છની બેઠક પર કંઈક જુદું જ થયું. કૉન્ગ્રેસ વતી જયકુમાર સંઘવી અને બીજેપી વતી સિટીના સાંસદ બાબુભાઈ મેઘજી શાહ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો હતો ત્યાં જ એક અપક્ષ ઉમેદવાર પ્રભાતસિંહ પરમારનું અવસાન થતાં ચૂંટણીઓ મોકૂફ રહી પછી આ ચૂંટણી નવેમ્બર સુધી ઠેલાઈ ગઈ.

દરમ્યાન, જૂન મહિનામાં દેશભરનાં પરિણામ આવી ગયાં. કૉન્ગ્રેસને બહુમતી કરતાં થોડી ઓછી ૨૪૪ બેઠક મળી, પણ ઘટતી સંખ્યાનો ટેકો મળી રહેતાં પી.વી. નરસિંહા રાવના વડા પ્રધાનપદે કૉન્ગ્રેસે સરકાર રચી. આમ છતાં, બહુમતી નહોતી એથી પક્ષના નેતાઓ અધ્ધર શ્વાસે હતા. ગુજરાતમાં કૉન્ગ્રેસે માર ખાધો અને માત્ર પાંચ બેઠક મળી એથી ચીમનભાઈ પર માછલાં ધોવાયાં. ગુજરાત જનતા દળને કૉન્ગ્રેસમાં સમાવી દીધું એની વિપરિત અસર થઈ હોવાનાં નિરીક્ષણો પણ થયાં. ત્યાં જ કચ્છની મોકૂફ રહેલી ચૂંટણીની તારીખો જાહેર થઈ. ચીમનભાઈએ પોતાની લાજ બચાવવા કચ્છની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો. ઉમેદવાર તરીકે કૉન્ગ્રેસના જૂના જોગી હરિભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચીમનભાઈ જાતે દસ દિવસ ભુજમાં રહ્યા અને આખરે બીજેપીના બાબુભાઈનો હરિભાઈના હાથે પરાજય થયો. આમ તો આ એક બેઠકથી કૉન્ગ્રેસને બહુમતી ન મળી, પણ એ સમયે નરસિંહા રાવની ડચકાં ખાતી સરકારને રાહત જરૂર મળી તેમ જ ચીમનભાઈ પણ પોતાની પ્રતિષ્ઠા બચાવી શક્યા.

આ પણ વાંચો : કૉલમ : મેઘતૃષ્ણા-મેઘતૃપ્તિ તો કચ્છી જ જાણે

આ રીતે કચ્છની બેઠકનાં પરિણામે ગુજરાત અને રાષ્ટ્રીય રાજકારણમાં સૌનું ધ્યાન ખેંચેલું. બાકી સમગ્ર રીતે જોવા જઈએ તો ૧૯૫૨માં એટલે કે પહેલી ચૂંટણી વખતે કચ્છમાં લોકસભાની બે બેઠક હતી. બાકીની ચૂંટણીઓમાં એક જ બેઠક હોવાથી આજ સુધી કુલ ૧૮ નેતાઓએ કચ્છ વતી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે. એમાં કૉન્ગ્રેસ અને બીજેપીના આઠ-આઠ જ્યારે સ્વતંત્ર પક્ષના અને લોકદળના એક-એક વિજેતાનો સમાવેશ થાય છે. બીજેપીના પુષ્પદાન ગઢવીએ સૌથી વધુ ચાર વાર જીત મેળવી છે, જ્યારે કૉન્ગ્રેસના ભવાનજી અરજણ, ખીમજી અને ડૉ. મહિપત મહેતાએ બબ્બે વાર જીત મેળવી છે. બીજેપીના યુવાન સાંસદ વિનોદભાઈ ચાવડા પણ ૨૦૧૪ પછી હાલ ૨૦૧૯માં સતત બીજી વાર ચૂંટાયા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK