સિંધુના પાણી પર કચ્છનો અધિકાર

16 July, 2019 01:13 PM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

સિંધુના પાણી પર કચ્છનો અધિકાર

સિંધુનું પાણી

કચ્છી કોર્નર

કચ્છના સંસદસભ્ય તરીકે વિનોદભાઈ ચાવડા બીજી વાર જબ્બર બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા ત્યારે આવનારાં પાંચ વર્ષમાં પોતે શું કરવા ધારે છે એની વિગતે માહિતી તેમણે અખબારી મુલાકાતમાં આપી હતી. એમાં કચ્છના રેલવે સહિતના કેન્દ્ર સરકારને સ્પર્શતા પ્રશ્નો સામેલ હતા, પણ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી ખાતરી કચ્છને સિંધુનાં પાણી અપાવવા માટેના પ્રયાસ કરવાને લગતી હતી.
આપણે જાણીએ છીએ કે પાણી એ કચ્છનો પ્રાણપ્રશ્ન છે. સદીઓથી કચ્છી માડુ પાણીની પીડા સહન કરતો આવ્યો છે. પોતાની પ્યાસ બુઝાવવા તેની નજર આઝાદી પહેલાં સિંધુ નદીના પાણી પર અને આઝાદી પછી નર્મદાના પાણી પર હતી અને છે. નર્મદાના પાણીનો પ્રશ્ન આપણે આ કટારમાં બીજી જુલાઈએ ચર્ચ્યો હતો એટલે પુનરુચ્ચાર જરૂરી નથી. જોકે એનો સાર એ હતો કે ૨૦૦૩માં પાઇપલાઇન મારફત કચ્છને નર્મદાનું પાણી આપવાના શ્રીગણેશ થયા અને ૨૦૧૫માં સિંચાઈ માટે નહેર મારફત નર્મદાવતરણ થયું, પણ કચ્છની કુલ જરૂરિયાતની નજરે એ નહીંવત્ છે એથી વિકલ્પરૂપે સિંધુના પાણી માટે પ્રયાસ થાય એ સ્વાભાવિક છે અને જરૂરી પણ છે.
કચ્છ એ સિંધુ તટપ્રદેશનો ભાગ છે અને એક સમયે પશ્ચિમી કચ્છમાં એનાં પાણી વહેતાં હતાં એનો ઇતિહાસ સૌકોઈ જાણે છે. ૧૮૧૯ના ધરતીકંપ વખતે રણમાં અલ્લાહ બંધ ઊપસી આવતાં વહેણ બંધ થયું એ પછી રાજાશાહીના સમયમાં સિંધુનાં પાણી નહેર મારફત રણ વીંધીને લઈ આવવાની યોજના વિચારાતી હતી. આઝાદી પછીયે કેટલાક પ્રયાસ થયા, પણ ૧૯૬૦માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયા એમાં કચ્છનો સિંધુ નદીના પાણી પરનો અધિકાર છીનવાઈ ગયો.
સિંધુ જળ કરાર હિમાલયમાંથી નીકળતી ૬ નદીઓ જે બન્ને દેશમાં વહે છે એને લગતા છે અને એમાં પશ્ચિમની ત્રણ નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબ તેમ જ પૂર્વની ત્રણ નદીઓ બિયાસ, રાવી અને સતલજનો સમાવેશ થાય છે. આ કરારમાં પશ્ચિમની સિંધુ સહિતની ત્રણેય નદીઓનાં પાણીના ૧૦૦ ટકા ઉપયોગનો પૂર્ણ અધિકાર પાકિસ્તાનને અપાતાં કચ્છનો અધિકાર છીનવાઈ ગયો. પૂર્વીય નદીઓનાં પાણી ભારતને ફાળે આવ્યાં. આ હિમાલયી નદીના પાણીની રાજસ્થાન સુધી પહોંચેલી નહેરને કચ્છ સુધી લંબાવવાની માગણી-દરખાસ્ત થઈ હતી, પણ રાજકીય વજન અને મનોબળના અભાવે કોઈ પ્રગતિ ન થઈ.
વિરોધાભાસ તો જુઓ કે રાજસ્થાન સિંધુ તટપ્રદેશનો ભાગ ન હોવા છતાં રાષ્ટ્રહિતના જતન ખાતર તએને હિમાલયી નદી જ નહીં, નર્મદા નદીનાં પાણી પણ અપાયાં. તો બીજી તરફ કચ્છ સિંધુ તટપ્રદેશનો ભાગ હોવા છતાં એને ન તો હિમાલયી નદીનાં પાણી મળ્યાં કે ન તો નર્મદાનાં પૂરતાં પાણી મળ્યાં. રાજસ્થાનને પાણી આપવામાં રાષ્ટ્રહિત, તો કચ્છને પાણી ન આપવામાં કયું હિત?
ખેર, હજીયે મોડું થયું નથી. ભારતને ફાળે આવેલી પૂર્વીય ત્રણ નદીઓનાં પાણી આપણે પૂરેપૂરાં વાપરી શકતા નથી. એક અંદાજ અનુસાર આ નદીનાં ૮૦થી ૯૦ લાખ એકર ફીટ પાણી એમ ને એમ પાકિસ્તાનમાં વહી જાય છે. ત્રણેક વર્ષ પહેલાં આપણાં આ વણવપરાયેલાં પાણી પાકિસ્તાનમાં જતાં અટકાવીને પંજાબ તેમ જ રાજસ્થાન ભણી વાળી દેવાની વાત વડા પ્રધાન સહિતના કેન્દ્રના જવાબદાર પ્રધાનોએ કરતાં કચ્છ માટે એક નવી આશા ઊભી થઈ છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

યાદ રહે કે ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરની લશ્કરી છાવણી પર નાપાક આતંકવાદી હુમલો થયો ત્યારે નરેન્દ્રભાઈએ ચોખ્ખું સુણાવી દીધું હતું કે ‘લોહી અને પાણી એકસાથે ન વહી શકે.’ આ વિધાનના અનુસંધાનમાં ભારતના ભાગનું પાકિસ્તાનમાં વહી જતું પાણી અટકાવીને એનો ઘરઆંગણે ઉપયોગ કરવા પંજાબ-રાજસ્થાને કમર કસી છે ત્યારે કચ્છ પણ એનો લાભ લઈ શકે એવી ચર્ચા પણ થઈ રહી છે. વણવપરાયેલું આ પાણી રાજસ્થાન કૅનલ કચ્છ સુધી લંબાવીને સૂકા વિસ્તારો સુધી પહોંચાડી શકાય એમ છે. ટેક્નિકલ રીતે પણ આ શક્ય છે.
એથી જ કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાએ બીજી વાર ચૂંટાવાની ક્ષણે જ પોતાના પ્રથમ પ્રત્યાઘાતમાં સિંધુના પાણી માટે પ્રયાસ કરવાની વાત કરી, એટલું જ નહીં, ત્યાર પછીયે બેથી ત્રણ વાર વિવિધ કાર્યક્રમોમાં તેમણે એનો ઉલ્લેખ કર્યો છે. મતલબ કે આ પ્રશ્ને તેઓ ખરેખર ગંભીર છે, પણ કચ્છને સિંધુનાં પાણી આપવાની માનસિકતા અને રાજકીય મનોબળ ટોચ કક્ષાએ કેળવાય તો જ પરિણામ આવી શકે. ગુજરાત તેમ જ કેન્દ્રકક્ષાના સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તો એવું જ માની બેઠા છે કે કચ્છ સિંધુ તટપ્રદેશનો ભાગ જ નથી. જોકે આ એક હળહળતું જૂઠાણું છે. નહીંતર નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાનની હેસિયતથી ૨૦૦૨માં કચ્છ-બનાસકાંઠાને સિંધુનાં પાણી આપવાની વાત કરે ખરા? અરે ૨૦૦૦ની સાલમાં કેશુભાઈની ગુજરાત સરકારે ઇન્ડ્સ કમિશનને પત્ર લખીને સિંધુ જળની માગ ઉઠાવી હતી. સવાલ હવે ટોચ કક્ષાએ નવેસરથી અસરકારક રજૂઆત કરવાનો છે. અત્યારે ગુજરાત અને કેન્દ્રમાં બીજેપીની સરકાર છે. સંજોગો અનુકૂળ છે.

kutch gujarat columnists