દેશી-વિદેશી પ્રજાઓ આખરે કચ્છી બની ગઈ છે

30 July, 2019 11:36 AM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

દેશી-વિદેશી પ્રજાઓ આખરે કચ્છી બની ગઈ છે

મૌખિક પરંપરા અનુસાર કચ્છમાં ૪૦ ટકા સિંધથી, પાંચ-પાંચ ટકા ઈરાન અને મધ્ય એશિયાથી, ૧૦ ટકા અરબસ્તાન, ઇજિપ્ત અને યુરોપથી, ૧૫ ટકા ગુજરાતથી અને ૨૫ ટકા લોકો બાકીના ભારતમાંથી આવીને સ્થાયી થયા પછી કચ્છિયતના રંગે રંગાયા હોવા છતાં તેમના રીતરિવાજ, રહેણીકરણીની વિવિધતામાં મૂળ સંસ્કૃતિની છાંટ વર્તાય છે

કચ્છડો સડ કરે

કચ્છના ઇતિહાસ પર નજર કરીએ તો સદીઓથી અનેક દેશી-પરદેશી માનવસમૂહો, પ્રજાઓ, સંસ્કૃતિઓ અને સભ્યતાઓની આવનજાવન અહીં થતી જ રહી છે અને એથી જ ઇતિહાસકારો કચ્છને અનેક સંસ્કૃતિઓની અવરજવરનો સેતુ કહે છે, પણ ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે આ આવનજાવન વચ્ચેય કેટલીક જાતિઓ અને પ્રજાતિઓ અહીં જ સ્થાયી થઈને કચ્છિયતને રંગે રંગાઈ ગઈ છે. આવા પ્રત્યેક લોકસમૂહ આ પ્રદેશની ભૌગોલિક વિષમતાઓ અને વિશિષ્ટતાઓને અનુરૂપ જીવન જીવવાનું શીખીને ‘કચ્છી’ બની ગયા છે. અહીંની વિષમતાઓ એટલે ખાસ તો વરસાદ-પાણીનો સખત અભાવ અને એને લીધે ઊભી થતી બીજી અનેક હાડમારીઓ. આ સૌ કચ્છ આવ્યા ત્યારે પોતપોતાના મૂળ પ્રદેશ મુજબની જીવનશૈલી અને સંસ્કૃતિ ધરાવતા હતા, પણ કચ્છમાં સ્થિર થયા પછી તમામ સમૂહો-પ્રજા અહીંના પર્યાવરણને અનુરૂપ જીવન જીવતાં-જીવતાં આખરે કચ્છી બની ગયા છે. આવી એકેએક લોકજાતિઓનો-જ્ઞાતિઓનો પોતાનો આગવો ઇતિહાસ છે, એટલું જ નહીં, એમાં ભારોભાર વૈવિધ્ય છે અને કેટલીક ધ્યાન ખેંચે એવી સમાનતા પણ છે. એક તરફ કચ્છના અભાવની સંસ્કૃતિનાં એકસમાન દર્શન આ લોકજાતિઓની જીવનશૈલીમાં જોઈ શકાય છે, તો બીજી તરફ તેમના રીતરિવાજો અને અન્ય વ્યવહારોમાં મૂળ લક્ષણો પણ દેખાય છે. અરે કોઈના શરીરના ઊંચા બાંધા, કોઈની માંજરી આંખો, કોઈનો ગોરો-ગુલાબી વાન, કોઈનું અણીવાળું નાક કે નૃત્યછટા જોઈને મધ્ય એશિયા કે યુરોપની કે પછી ભારતના પંજાબ, રાજસ્થાન જેવા પ્રાંતની પ્રજાની છાંટ જોઈ શકાય છે. કદાચ એથી જ કચ્છની વૈવિધ્યભરી મિશ્ર સંસ્કૃતિ ઉદ્ભવી છે.
આ માનવસમૂહો એટલે કે હિન્દુ, મુસ્લિમ કે પછી અન્ય ધર્મની જ્ઞાતિઓ વિશે સર્વગ્રાહી સુસંકલિત સંશોધન થયું નથી, પણ મહદંશે દરેક જ્ઞાતિ પાસે પોતાનો ઇતિહાસ સચવાયેલો છે. તેઓ મૂળ ક્યાંથી આવ્યા, શા માટે આવ્યા અને શા માટે આ ભૂમિ પસંદ કરી એની માહિતી તેમની પાસે છે. આ વાતની પ્રતીતિ ૨૩ વર્ષ પહેલાં ‘કચ્છ તારી અસ્મિતા’ ગ્રંથના પ્રકાશન વખતે થઈ હતી. આ ગ્રંથમાં ‘જ્ઞાતિગંગા કચ્છ’ના શીર્ષક હેઠળ અનોખી સંસ્કૃતિ ધરાવતા આ પ્રદેશની માલધારી, રબારી, આહીર, જત, ચારણ, ભાનુશાળી, લોહાણા, ભાટિયા કે જૈનોની માહિતી મેળવવા જે-તે જ્ઞાતિઓના વડાઓનો સંપર્ક સાધ્યો તો એટલીબધી માહિતી આવી કે પ્રત્યેકનો એક ગ્રંથ કરવો પડે. એટલે અસ્મિતા ગ્રંથમાં એકદમ ટૂંકાવીને માહિતી અપાઈ, પણ એ પછી બે વાર એની કટાર અગ્રણી અખબારમાં શરૂ થઈ. હિન્દુ, મુસ્લિમ, જૈન મળીને કુલ ૯૪ જ્ઞાતિઓનો ઇતિહાસ ટુકડે-ટૂકડે પ્રસિદ્ધ થયો. જોકે બન્યું એવું કે જ્ઞાતિઓના આંતરિક રાજકારણના ડખાને લીધે જે-તે કટારો બંધ કરવાની ફરજ પડી. આમ છતાં છાપ એવી ઊભી થઈ કે જેકોઈ ઇતિહાસ પેશ કરાયો હતો એ મોટા ભાગે સત્યની નજીકનો હતો. આ મુજબ કચ્છમાં જ્ઞાતિઓનું પગેરું એમ કહે છે કે એના પ્રથમ વતની (આજે મોજૂદ છે એ પૈકી) કોળી છે.
અગાઉ લખ્યું છે એમ, લોકસમૂહોના આગમન વિશે વૈજ્ઞાનિક ઢબે સંશોધન થયું નથી, પરંતુ મૌખિક પરંપરાના આધારે ધ્રબના લોકસાહિત્યકાર તુર્ક અબ્દુલ હુસેન અબદુલ્લાએ નોંધ્યું છે કે પૃથ્વીના અન્ય ભાગોમાં અત્યાચાર અને અશાંત માહોલથી થાકેલા માનવસમૂહો વતન છોડીને અહીં આવ્યા, કારણ કે અહીં જીવન ટકાવવું સરળ હતું. આ મૌખિક પરંપરા અનુસાર કચ્છની મોટા ભાગની પ્રજામાં ૪૦ ટકા સિંધથી, પાંચ ટકા ઈરાનથી, પાંચ ટકા મધ્ય એશિયાથી, ૧૦ ટકા અરબસ્તાન, ઇજિપ્ત અને યુરોપથી અને ૨૫ ટકા ઉત્તર ભારત, કાશ્મીર-પંજાબ અને રાજસ્થાન ઉપરાંત પંદરેક ટકા બનાસકાંઠા, સાબરકાંઠા, મચ્છુકાંઠા, સૌરાષ્ટ્ર અને વડોદરાથી આવીને વસી છે.
લોકજીભે ચડેલા સાહિત્યના હવાલા સાથે તુર્ક અબ્દુલ હુસેને સંગાર ઈરાનથી, જત ગ્રીકથી, તુમેર ચારણ ઇજિપ્તથી, કચ્છી અને ઢેબરિયા રબારી જેસલમેરથી, રાઠોડ-ભાટી રાજસ્થાનથી, ચાવડા, સોલંકી બનાસકાંઠાથી, દાતણિયા-સથવારા બનાસકાંઠા પાટણથી, આહીર મચ્છુકાંઠા અને સૌરાષ્ટ્રથી, જૈન રાજસ્થાનથી, જ્યારે બ્રાહ્મણો કાશ્મીર, પંજાબથી આવીને વસ્યા. મૌખિક પરંપરાની માહિતીને સમર્થન કેટલેક અંશે જ્ઞાતિઓના ઇતિહાસમાં મળી રહે છે.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

વધુમાં લોકસાહિત્યકારે એક એવું નિરીક્ષણ પણ કર્યું છે કે કચ્છમાં જેમ ઝાડપાન, પશુપંખી, ઘાસ અને વનસ્પતિ જુદા-જુદા વિસ્તારમાં માત્ર ત્યાં જ જોવા મળે છે એમ માનવસમાજ, જ્ઞાતિસમૂહોએ પણ ચોક્કસ વિસ્તારમાં જ જમાવટ કરી છે. તેમની વસાહતોના ગામડાના ઝુંડ જોઈ શકાય છે. દા.ત. અબડાસા-માંડવીના કાંઠાળ વિસ્તારોમાં તુમેર ચારણ અને એ જ વિસ્તારોમાં કિનારાથી ઉપરના ભાગે ઓસવાળ જૈન, અબડાસા ઉપરાંત માંડવી, નખત્રાણા અને ભુજના તાલુકાનાં અમુક ગામોમાં ભાનુશાળી સમાજ, લખપત-અબડાસાના કાંઠા પર ફકીરાણી જત, મોટા રણની કાંધીએ આહિરો, પૂર્વમાં રબારીઓ, નખત્રાણા-લખપત તાલુકામાં કડવા પાટીદાર, ભુજ તાલુકામાં લેવા પટેલોની પટેલ ચોવીસીનાં ગામ, બન્ની અને પચ્છમમાં નોડે, રાયસીંપોત્રા, હાલેપોત્રા, મુતવા વગેરે સમૂહો, માંડવી-મુંદ્રાના કંઠીપટમાં ભાટિયા, લોહાણા, જૈન, અંજાર-મુંદ્રાની અમુક પટ્ટીમાં રાજપૂત-ક્ષત્રિયો, અંજાર તાલુકામાં મિસ્ત્રી, સોરઠિયા અને ખોજા, મિયાણી પટ્ટામાં મિયાણા વગેરે. એ જ રીતે ભચાઉ અને રાપરના વાગડ વિસ્તારમાં પણ કોળી, રબારી, લોહાણા, જૈન, આંજણા પટેલ, આહીરોનાં ગામડાં છે. આવી પટ્ટીઓ, ચોવીસી કે ગામડાઓના ઝુંડ-જૂથની જમાવટ પાછળ કયાં કારણ હોઈ શકે? શા માટે ચોક્કસ જાતિ-જ્ઞાતિ ચોક્કસ જ વિસ્તારોમાં કેન્દ્રિત થઈ છે? દેખીતી રીતે જ સ્થાનિક પર્યાવરણ, વ્યવસાય અને જે-તે સ્થળે વસવાટ કરનાર જાતિ-પ્રજાતિઓ વચ્ચે સીધા સંબંધ જોઈ શકાય છે. જ્યાં ખેતી માટે અનુકૂળ માહોલ છે ત્યાં કિસાન જાતિઓ, ઘેટાંબકરાં કે અન્ય પશુપાલનની તકો છે ત્યાં રબારી અને બીજી માલધારી જાતિઓએ જમાવટ કરી છે. આવું જ અન્ય વેપાર-વ્યવસાય કરતી જ્ઞાતિઓમાં પણ જોઈ શકાય છે. આ વિષયે વધુ અભ્યાસ અને સંશોધન જરૂરી છે.

kutch gujarat columnists