લદ્દાખ, કચ્છ અને કેન્દ્રનું શાસન

13 August, 2019 11:24 AM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

લદ્દાખ, કચ્છ અને કેન્દ્રનું શાસન

કચ્છી સંસ્કૃતિની ઝલક

કચ્છડો સડ કરે

બરાબર એક અઠવાડિયા પહેલાં ગયા મંગળવારે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન ખરડા પરની ચર્ચા દરમ્યાન લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગે માત્ર ૨૦ મિનિટના પ્રવચનમાં પોતાના પ્રદેશની ૭૧ વર્ષની પીડાની જડબેસલાક રજૂઆત કરીને ઇતિહાસ સર્જી દીધો હતો. બે-ચાર કલાકમાં તો આ ૩૪ વર્ષનો યુવાન લદ્દાખી દેશભરમાં જાણીતો બની ગયો. આ લદ્દાખ અને કચ્છ વચ્ચેની કેટલીક સામ્યતાઓ ઊડીને આંખે વળગે એવી છે. બન્ને પ્રદેશ સાંસ્કૃતિક અને ભૌગોલિક વિશેષતાઓથી છલોછલ ભરેલા છે. હિમાલયી નદી સિંધુના ઉદ્દગમ સ્થાન નજીક લદ્દાખ અને અંતિમ છેડે કચ્છ. સિંધુ લદ્દાખ પહોંચીને આગળ વહેતાં-વહેતાં પાકિસ્તાન થઈને એક જમાનામાં કચ્છમાં કોટેશ્વર નજીક અરબી સમુદ્રમાં ભળતી હતી. એ રીતે કચ્છ અને લદ્દાખ સિંધુ સંબંધે જોડાયેલા છે. આ સંબંધની જાણી-અજાણી કડીઓ ક્યારેક છતી પણ થતી રહે છે. સરસ્વતી ખોજ અભિયાનના એક નિષ્ણાતે અગાઉ નોંધ્યું છે કે કચ્છની રબારણો જેવાં જ કાળાં વસ્ત્ર લદ્દાખની પશુપાલક સ્ત્રીઓ પણ પહેરે છે. તેમના બોલવાના લહેકામાં પણ સામ્યતા હોવાનો તેમનો મત છે. ઘુડખર એટલે કે વાઇલ્ડ એસ (જંગલી ગધેડા) પણ એક અનોખી કડી છે. ઇન્ડિયન વાઇલ્ડ એસ મહદ અંશે કચ્છમાં જોવા મળે છે તો કીઆંગ પ્રજાતિના ઘુડખર લદ્દાખમાં વિચરે છે. રણના ૪૫થી ૫૦ ડિગ્રી જેટલા આકરા તાપમાનમાં આ પ્રાણી જીવે છે તો લદ્દાખમાં માઇનસ ૧૦-૧૫ ડિગ્રીમાં રણની વાત આવે છે. તો કચ્છનું રણ સફેદ નમકાચ્છાદિત રણ છે, જ્યારે લદ્દાખનું રણ બરફાચ્છાદિત છે. બન્ને રણ ઉજ્જડ, સૂકા અને ઘાસનું તણખલુંયે જોવા ન મળે એવા વિસ્તારો છે.

સાંસ્કૃતિક વિરાસતની દૃષ્ટિએ પણ બન્ને પ્રદેશો વિશિષ્ઠ છે. પ્રાચીન સમયથી કચ્છ અનેક સંસ્કૃતિઓનો સેતુ રહ્યો હોવાથી અહીં એક અનોખી મિશ્ર સંસ્કૃતિ ફાલીફૂલી છે. એમાં જે વિવિધતા છે એ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. તો લદ્દાખ બૌદ્ધ ધર્મના ઐતિહાસિક મઠ અને તિબેટિયન સંસ્કૃતિના જીવંત મ્યુઝિયમ સમો સોહામણો પ્રદેશ છે. આર્ય પ્રજાના મૂળ પણ હિમાલયન વિસ્તારમાં હોવાનું મનાય છે. આઝાદી પછી બન્ને પ્રદેશોનું વજૂદ એક યા બીજા કારણે સંકોચાતું અગર તો હાંસિયામાં ધકેલાતું રહ્યું છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ભાગલા સમયે ૧૯૪૮માં લદ્દાખી પ્રજાએ એકીઅવાજે માગણી કરી હતી કે તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે અગર તો પૂર્વ પંજાબ સાથે રખાય પણ કાશ્મીર સાથે તો હરગીઝ ન જોડાય અને છતાં પ્રજાની ઇચ્છા વિરુદ્ધ નેહરુ સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથે ભેળવી દીધું. બસ, ત્યારથી અન્યાય અને ભેદભાવનો સિલસિલો ચાલતો રહ્યો છે. એક તરફ મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણ અને હિન્દુ બહુમતીવાળા જમ્મુના રાજકારણ અને રાજકીય સંઘર્ષમાં લદ્દાખ હાંસિયા પર ધકેલાઈ ગયું. હવે આપણે જાણીએ છીએ એમ પ્રજાની માગ મુજબ લોકસભાના ઠરાવથી એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળી રહ્યો છે. પ્રજા ખુશ છે, એને મન વિકાસના દ્વાર ખૂલી ચૂક્યા છે. નિયતિનો આ કેવો ખેલ છે કે શાંત, લોકશાહીપ્રિય પ્રજાના તમામ વર્ગની ઇચ્છા વિરુદ્ધ લદ્દાખ ૭૧ વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરનો ભાગ રહ્યો.

જોકે કચ્છને સંબંધ છે ત્યાં સુધી નિયતિનો ખેલ કઈ જુદો જ છે. ભાગલા વખતે અહીં રાજાશાહી હતી. ૧૯૪૮માં ભારત સંઘ સાથે જોડાયા પછી કચ્છને વિધાનસભા વિહોણા કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. રાજાશાહીમાંથી લોકશાહી શાસનમાં પરિવર્તનનો દોર શરૂ થયો. કેન્દ્રની સીધી દેખરેખ અને ભંડોળથી વિકાસની પ્રક્રિયા શરૂ થઈ. પંચવર્ષીય યોજના અમલમાં મુકાઈ અને એ હેઠળ સિંચાઈના ડૅમ ઉપરાંત માળખાકીય સુવિધાઓ ઊભી થવા લાગી. એક અલગ સંસ્કૃતિ અને ભૌગોલિક રીતે વિશિષ્ઠ એવા પ્રદેશની પહેચાન બરકરાર રહી, પણ ૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્ય અને આખરે ૧૯૬૦માં ગુજરાત સાથે કચ્છને જોડી દેવાયું. પરિણામે કેરળ કે હરિયાણા જેવા રાજ્ય અને કુવૈત જેવા દેશ કરતાંયે વધુ ક્ષેત્રફળ કદ (૪૨૯૦૯ ચોરસ કિલોમીટર) ધરાવતા કચ્છ પ્રદેશનું વજૂદ વહીવટી રીતે એક જિલ્લામાં સંકોચાઈ ગયું. વિકાસની ઝડપ અને દિશા કેન્દ્રીય શાસનમાં મળી હતી એમાં ઓટ આવતી ગઈ. આ પણ કેવી નિયતિ? કેન્દ્રનું શાસન મુઠ્ઠીભર નેતાઓની ગોઠવણથી છીનવાઈ ગયું. ન તો પ્રજાને કે ન તો ભારત સંઘ સાથે જોડાણના કરાર કરનાર કચ્છના રાજવીને કેન્દ્ર સરકારે વિશ્વાસમાં લીધા.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

ખેર, ગુજરાત સાથે ભળ્યા પછીના લગભગ છ દાયકાના સમયખંડને ભૂકંપ પહેલાંના અને પછીના ભાગમાં વહેંચી શકાય. અગાઉ વિકાસ એક પ્રશ્ન હતો, પણ ભૂકંપ પછી વિકાસે ઝડપી ઉદ્યોગિકીકરણે સર્જેલા પ્રશ્નો છે પણ મૂળ સમસ્યા પાણીની છે. સિંધુ તટપ્રદેશનો ભાગ હોવા છતાં કચ્છને એનાં પાણી ન મળ્યાં. તો નર્મદાનાં પાણીના હિસ્સાની વહેચણીમાં પણ ધરાર અન્યાય થયો. આ ઉપરાંત અન્ય કારણે પણ ઘણા કચ્છીઓને એમ લાગે છે કે આ પ્રદેશની અને કચ્છીયતની પહેચાન જળવાઈ રહે એ માટે અલગ અસ્તિત્વ જરૂરી છે પછી એ કેન્દ્રશાસિત રાજ્યનું હોય તોયે વાંધો નહીં. આ પ્રકારના સૂર એમ તો ૮૦ના દાયકાથી છૂટાછવાયા સંભળાતા રહ્યા હતા, પણ એને ચળવળનું રૂપ ક્યારેય મળ્યું નથી. બે-ત્રણ વર્ષથી કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજા કચ્છને ફરી કેન્દ્ર હસ્તક મૂકવા અનુરોધ કરી રહ્યા છે. માજી નાણાપ્રધાન બાબુભાઈ મેઘજી શાહ પણ અવારનવાર અલગ રાજ્ય માટે પોતાનો મત વ્યક્ત કરતા રહ્યા છે. આગળ જતાં કેવો વળાંક આવશે એ કહી શકાય એમ નથી, પરંતુ વાત લદ્દાખ અને કચ્છની નિયતિની છે. લદ્દાખને ૭૧ વર્ષના સંઘર્ષ પછી કેન્દ્રનું શાસન મળી રહ્યું છે તો કચ્છે ૫૯ વર્ષ પહેલાં છીનવાઈ ગયેલો કેન્દ્રીય પ્રદેશનો દરજ્જો પાછો મેળવવાની છૂટીછવાઈ મથામણ શરૂ કરી છે.

kutch gujarat ladakh columnists