વિનાશ પંથે કચ્છનો ભૂસ્તર ખજાનો

23 July, 2019 01:34 PM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

વિનાશ પંથે કચ્છનો ભૂસ્તર ખજાનો

ઇકિથિયોસૉર

કચ્છનો ભૂસ્તરીય ખજાનો એ એની વૈશ્ચિક પહેચાન છે, પૃથ્વીની ઉત્પતિ પછીના પથ્થર યુગ કે જુરાસિક યુગથી માંડીને હડપીય સુધીની સભ્યતાઓના અવશેષ કચ્છનાં રણ-ધરતીનાં પેટાળમાં, નદીઓનાં કોતરોમાં-પટમાં, 

નાના-મોટા ટેકરાઓ, ખડકો અને ડુંગરોમાં કે પછી લાઇમસ્ટોન અને લિગ્નાઇટ જેવા ખનિજોના ભંડારોમાં સચવાયેલા છે. તેથી જ તો ભૂસ્તરશાસ્ત્રીઓ કચ્છને યુગોયુગોની અકબંધ ડાયરી કહે છે, એનાં કેટલાંક પાનાં ખૂલ્યાં છે, કેટલાંક ખૂલી રહ્યાં છે, પણ અસંખ્ય પાનાં આડેધડ ખનિજ ઉત્ખનને લીધે ખૂલ્યાં પહેલાં જ વિનાશને પંથે જઈ રહ્યાં હોવાની લાલબત્તી ભૂ-વિજ્ઞાનીઓએ ધરી હોવા છતાં રાજ્ય સરકાર લાપરવા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખામોશ છે.

વિનાશ કેમ અને ક્યાં થઈ રહ્યો છે એની વાત કરીએ એ પહેલાં કચ્છના ભૂસ્તરનો ખજાનો શા માટે અજોડ છે એ સમજી લઈએ. દેશી-વિદેશી ભૂ-નિષ્ણાતોના દાવા અનુસાર ૧૬૦૦ કરોડ વર્ષમાં કચ્છ બેઝિન વારંવાર સમુદ્ર સ્તરથી ઉપર-નીચે થતું રહ્યું છે. મતલબ કે સમુદ્રમાં ગરકાવ થવું અને બહાર નીકળવું. તેથી બન્યું છે એવું કે કરોડો વર્ષ પહેલાં જમીન પર વિચરતા ડાયનોસૉર જેવા પ્રાણીઓ કે ડોલ્ફીન માછલી જેવા દેખાતા અને ઇકિથિયોસૉર નામે ઓળખાતા સમુદ્રી જીવોના અવશેષો એટલે કે જળચર અને ભૂચર બન્ને પ્રકારના જીવોના અશ્મિ કચ્છમાં મોજૂદ છે. તેથી જ કચ્છના આ અવશેષ ચીન અને યુરોપમાં મળતાં અવશેષો કરતાં જુદા અને અજોડ છે. બીજા અર્થમાં કહીએ તો ઇતિહાસના પુન: મૂલ્યાંકન માટે કચ્છના અવશેષ વધુ ઉપયોગી અને વધુ મહત્ત્વના છે.

ભૂતકાળમાં ડોકિયું કરીએ તો કચ્છમાં ભૂ-સંશોધનની વ્યવસ્થિત પહેલ બનારસ હિન્દુ યુનિવર્સિટીએ ૧૯૨૭થી કરી હતી. કચ્છના મહારાવના આમંત્રણને માન આપીને બનારસ યુનિ.ના ભૂસ્તર વિભાગના વડા પ્રો. રાજનાથે કચ્છમાં ઊંટ અને ગાડા સવારી કરીને સંશોધનના શ્રીગણેશ કર્યા હતા. તેમને ૧૯૩૦માં લંડન યુનિવર્સિટીએ કચ્છ વિષયક મહાનિબંધ બદલ પીએચડીની ઉપાધિ માન્ય કરી હતી. તે પછી તો માત્ર બનારસ યુનિવર્સિટી જ નહીં, ભારતભરની યુનિવર્સિટીઓ અને ખાસ તો જિયોલોજી-ભૂસ્તરશાસ્ત્રમાં રસ ધરાવતા સંશોધકો માટે કચ્છ માનીતું સ્થળ બની ગયું હતું. થોકબંધ સંશોધન થતા રહ્યા. કમસેકમ ૨૫થી ૩૦ જાણકારોએ કચ્છના ભૂ-વિષય સાથે સંબંધ ધરાવતા જુદા જુદા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પીએચડીની ડિગ્રી મેળવી છે. આ સ્કોલરોમાં એસ.એસ. મોઢ, ડૉ. ગેવરિયા, ડૉ. એસ. કે. વિશ્વાસ, પ્રો. એસ. કાંજીલાલ, પ્રા. પ્રકાશ શ્રીંગારપુરે, પ્રા. જયકિશને તો કચ્છના નિષ્ણાત ભૂ-જાણકાર તરીકે ખ્યાતિ મેળવેલી છે. આ સૌએ કચ્છના ઐતિહાસિક અવશેષોની વાત માંડીને કરેલી છે. આમ છતાં કચ્છના અજોડ ભૂસ્તર ખજાનાની વૈશ્ર્વિક પહેચાન તો ૨૦૦૧ના ભૂકંપ પછી જ પ્રસ્થાપિત થઈ છે અને એમાં આ નિષ્ણાતો ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના યુવાન ભૂસ્તરશાસ્ત્રીઓના સંશોધન અને જહેમતે અગ્ર ભાગ ભજવ્યો છે.

સાચું પૂછો તો ૨૦૦૩માં સ્થપાયેલી કચ્છ યુનિવર્સિટી ટૂંકા ગાળામાં દેશ-વિદેશમાં પ્રખ્યાત બની હોય તો તે એના જીઓલોજી વિભાગને આભારી છે. કચ્છનું જેમને ઘેલું લાગેલું છે એવા પ્રો. વિશ્વાસ ઉપરાંત અન્ય નિષ્ણાતોને સાથે રાખીને જીઓલોજી વિભાગના વડા ડૉ. મહેશ ઠક્કરે યુવાન છાત્રો અને ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપકોની એક ટીમ તૈયાર કરી છે. ટૂંકા ગાળામાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, વર્કશોપ અને ફિલ્ડ યાત્રાઓ યોજીને કચ્છના ભૂસ્તર ખજાનાની ઝીણામાં ઝીણી બાબતો ઉજાગર કરી રહ્યા છે. ઉપરાંત ડાયનોસૉર કે ડોલ્ફિન જેવી માછલીઓના અશ્મિ આ ટીમ સતત શોધી રહી છે. અગાઉ બનારસ યુનિ. જે કામ કરતી હતી તે હવે કચ્છ યુનિ. આગળ ધપાવી રહી છે. એક રચનાત્મક નવો માહોલ ઊભો થયો છે અને એને પગલે જીઓ ટુરિઝમ એટલે કે ભૂ-પ્રવાસનની જબ્બર શક્યતાઓ ઊભી થઈ છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

કચ્છમાં સફેદ રણને ખ્યાતિ મળ્યા પછી પ્રવાસન પ્રવૃત્તિઓ ધમધમી રહી છે ત્યારે પ્રો. વિશ્વાસે ભૂ-પ્રવાસનની પહેલ કરવા ૨૦૦૬માં દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કમસેકમ ૬૦ જેટલા સ્થળ એવાં છે જેને રક્ષિત જાહેર કરીને કચ્છમાં દક્ષિણ એશિયાનો પ્રથમ જીઓ પાર્ક વિકસિત કરી શકાય છે, પણ આ શક્ય ત્યારે જ બને જો આપણે ઔદ્યોગિકીકરણને લીધે નાશ પામતા આપણા વારસાની પ્રક્રિયા અટકાવીએ. નરેન્દ્રભાઈ મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પ્રો. વિશ્વાસે જીઓ પાર્કની આ દરખાસ્ત પેશ કરી હતી અને એના પ્રતિભાવમાં ગુજરાત સરકારના ૨૦૦૮ના બજેટમાં લખપત-અબડાસામાં જીઓ પાર્ક નિર્માણની જાહેરાત થઈ હતી. કચ્છવાસીઓ અને ખાસ તો કચ્છપ્રેમી ભૂસ્તરશાસ્ત્રીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા, પણ અફસોસ કે જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે. અમલીકરણના નામે મીંડું છે. સરકાર લાપરવા છે અને આપણા પ્રતિનિધિઓ ચૂપ છે.

આમ કેમ થયું ? પ્રો. વિશ્વાસે તો પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઉદ્યોગીકરણના વિરોધી નથી. ઉદ્યોગ અને ભૂ-પ્રવાસન બન્ને એકસાથે વિકસી શકે એ માટે તેમણે ઉત્ખનના નિયમોમાં ચોક્કસ ફેરફાર સૂચવ્યા હતા. દા.ત. નદીના કિનારાનો દોઢ કિ.મી. વિસ્તાર છોડીને તે પછી જ ઉત્ખનન કરવું. કીમતી અવશેષ (ડાયનોસૉર કે અન્ય અશ્મિ)વાળો જમીનનો ટુકડો છોડીને પછી ઉત્ખનન કરવું. ૧૦ કિ.મી.નો પટ્ટો છોડીને ઉત્ખનન થાય તો લાઇમ સ્ટોનની ઊંચી દીવાલ-કોતર આપોઆપ કરોડો વર્ષના ઇતિહાસનો ખુલ્લો દસ્તાવેજ બની જશે. આ એકેએક કોતર પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની જશે. પ્રો. વિશ્વાસની આ દરખાસ્તના અમલીકરણમાં કોઈ મોટા ફેરફાર નહોતા. છતાં ખનિજ ખાતાએ દાદ આપી નહીં તેથી માત્ર સિમેન્ટનાં કારખાનાઓ-લાઇમસ્ટોન જ નહીં અન્ય ખનિજો-ખડકોએ ખોદાઇ રહ્યાં છે. એક તરફ તેનું સંશોધન થાય છે અને બીજી તરફ વારસાનો વિનાશ.

kutch gujarat columnists