ઉત્સવ પરંપરાની ઊલટસૂલટ

09 July, 2019 10:15 AM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

ઉત્સવ પરંપરાની ઊલટસૂલટ

પ્રતીકાત્મક તસવીર

કચ્છ અને બૃહદ કચ્છમાં અષાઢી બીજની ઉજવણીમાં સ્પષ્ટ વિરોધાભાસ ઊડીને આંખે વળગી રહ્યો છે. એક તરફ કચ્છમાં રાજાશાહી યુગની કચ્છી નવા વર્ષની જાહેર રજા સહિતની સામૂહિક ઉજવણીની પરંપરા ભૂંસાતી રહી છે તો બીજી તરફ મુંબઈ, અમદાવાદ કે લંડન જ્યાં પણ કચ્છી માડુએ જમાવટ કરી છે એવા બૃહદ કચ્છમાં અષાઢી બીજની સામૂહિક-સામાજિક ઉજવણીની નવી પરંપરા ઊભરી રહી છે.

રાજાશાહીના જમાનામાં અષાઢી બીજે જાહેર રજા રહેતી અને સરકારી પ્રોત્સાહન સાથે કચ્છભરમાં નવા વર્ષનો માહોલ ઊભો થઈ જતો. શાળાઓમાં રાજા તરફથી મીઠાઈ વહેંચાતી અને રાજમહેલના પરિસરમાં કચ્છી પહેરવેશ-પાઘડી ધારણ કરી લોકો વધાઈ આપવા ઊમટી પડતા, ફાનસ-રોશની થતી અને મેઘલાડુ પણ પીરસાતા, પરંતુ આઝાદી પછી જાહેર રજા અને સરકારી સ્વીકૃતિ કે પ્રોત્સાહનના અભાવે સ્વયંભૂ લોકોત્સવનો માહોલ વિખેરાઈ ગયો. જોકે આજે પણ કચ્છમાં ઘેર-ઘેર લાપસી રંધાય છે, પણ એ વ્યક્તિગત રાહે છે. એ જ રીતે કેટલીક શાળાઓ કે સંસ્થાઓ સાંસ્કૃતિક કે પૂજન કાર્યક્રમ યોજે છે એ પણ છૂટાછવાયા થાય છે. સાર્વત્રિક ઉત્સવનો માહોલ જણાતો નથી.

બીજી તરફ બૃહદ કચ્છમાં આઝાદી પછી કચ્છી માડુ પોતાનો આગવો ઉત્સવ ઉત્સાહ અને ઉમંગભેર મનાવવા લાગ્યા છે અને એક નવી જ પરંપરા ઊભી થઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા જેવા કચ્છીઓની વસ્તીવાળા જિલ્લાઓ અને ‘બીજું કચ્છ’ તરીકે ખ્યાત મુંબઈ જ નહીં, દક્ષિણ ભારતના હૈદરાબાદ, ચેન્નઈ, કોઇમ્બતુર, મદુરાઈ, મહારાષ્ટ્રના નાગપુર, પુણે કે સાંગલી, મધ્ય પ્રદેશ, ઓડિશા કે દિલ્હીમાં કચ્છીઓ એક પરિવાર પે - સમાજ પે ભેગા થઈ અષાઢી બીજ સામૂહિક રીતે ઊજવે છે. લંડનમાં લેવા પટેલ સમાજનું કચ્છી નવા વર્ષ નિમિત્તનંં મિલન ત્યાંની અંગ્રેજ પ્રજામાંયે જાણીતું છે. ઉપરાંત આફ્રિકા, યુરોપના દેશો અને મસ્કત, દુબઈ જેવા અખાતી દેશોમાં પણ કચ્છીઓ નવું વર્ષ હળીમળીને ઉમંગભેર ઊજવે છે. મુંબઈમાં તો કચ્છ શક્તિના અવૉર્ડ અને કચ્છ યુવક સંઘનાં કચ્છી નાટકો ભારે લોકપ્રિય બન્યાં છે. જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કચ્છી લોકસંગીતના ડાયરાઓનીયે રમઝટ બોલે છે. સમગ્ર રીતે જોવા જઈએ તો અષાઢી બીજ એ કચ્છીઓનો અનેરો ઉત્સવ છે એની રાષ્ટ્રીય પહેચાન ઊભી થવા લાગી છે. બીજાં રાજ્યોની પ્રજા પણ કચ્છ, કચ્છી અને કચ્છિયતની અલગ પહેચાનને સમજવા-જાણવા લાગી છે.

બૃહદ કચ્છમાં આ પરંપરા ઊભી થવાનું કારણ શું? એ વિશે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ રીતે સમજાય છે કે વેપારી સાહસ અને રોજીરોટીની ખોજમાં બેવતન થયેલા કચ્છીઓની માદરે વતનની ઝંખના અને ઝુરાપો જ અ એ માટે જવાબદાર છે. આ વતનપ્રેમ, વતનનો ઝુરાપો જ કચ્છીઓને અષાઢી બીજે ભેગા મળી પોતાના શહેર, ગામ, ફળિયા કે ગલીઓની સ્મૃતિ વાગોળવા મજબૂર કરતા હશે. ટૂંકમાં, પોતાના મૂળ સાથે વતન સાથે જોડાયેલા રહેવાની તીવ્ર માનસિક્તા જ એમાં ભાગ ભજવતી હશે. કલ્પના તો કરો કે અષાઢી બીજે દેશ-પરદેશમાં કેટલા બધા ‘મિની કચ્છ’ સર્જાઈ જતા હશે?

આ પણ વાંચો : કૃત્રિમ વર્ષા પ્રયોગની અવગણના કેમ?

હવે એક ઓર નવી પરંપરાની વાત. કચ્છમાં રાજાશાહી યુગના પ્રાદેશિક ઉત્સવોની પરંપરામાં ઓટ આવી છે તો સામે નવા-નવા ઉત્સવોની ઉજવણીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. અગાઉ ગણેશોત્સવ મહદંશે ભુજની પોલીસલાઇનમાં નાના પાયે ઊજવાતો, કારણ કે ત્યાં મહારાષ્ટિયન પોલીસમૅન રહેતા, પણ આજે ગાંધીધામ, માંડવી, અંજાર કે ભુજમાં અનેક સ્થળે જ નહીં, ગામડાંઓ સુધી ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા ગાજતા રહે છે. કચ્છમાં જન્માષ્ટમી જરૂર ઊજવાતી પણ ‘મટકીફોડૅના કાર્યક્રમ નહોતા થતા. આજે તો સર્વત્ર મટકીફોડની ધૂમ છે. એવું જ દશેરાના રાવણદહન અને જગન્નાથની રથયાત્રાનું છે. કચ્છી અષાઢી બીજની જૂની પરંપરા ભુલાઈ છે, પણ રથયાત્રા સામાન્ય થઈ ગઈ છે. આવા પરિવર્તન પાછળ કયાં પરિબળોએ ભાગ ભજવ્યો હશે? એવું વિચારીએ છીએ તો ધાર્મિક, સામાજિક કારણો અને રાષ્ટ્રીય પ્રવાહ સાથે ભળવાની માનસિકતાના મુદ્દા ઊપસી આવે છે. એવુંયે લાગે છે કે આજકાલ પ્રચાર-પ્રસારનાં માધ્યમો અને એમાંયે ખાસ કરીને ટેલિવિઝન ચૅનલો પર પ્રસારિત થતા ધાર્મિક ઉત્સવોના કાર્યક્રમોએ કચ્છ જેવા છેવાડાના વિસ્તાર સુધી થતી ઉજવણીઓમાં ભાગ ભજવ્યો હશે. બીજા અર્થમાં કહીએ તો બદલાયેલા સંજોગોમાં મુખ્ય-રાષ્ટ્રીય પ્રવાહ સાથે ભળી જવાની પ્રક્રિયા જ એના માટે મહદંશે જવાબદાર હોય એમ માનવાને કારણ છે.

kutch gujarat columnists