કૃત્રિમ વર્ષા પ્રયોગની અવગણના કેમ?

Published: Jun 25, 2019, 12:59 IST | કીર્તિ ખત્રી | મુંબઈ

વાવાઝોડું દુકાળગ્રસ્ત કચ્છને તરસ્યું જ રાખીને વિખેરાઈ ગયું... હવે ચોમાસું પીંખાઈ જવાનો ભય છે ત્યારે ઇઝરાયલનું અનુકરણ કરવા જેવું છે. અછતના સામના માટેના કુલ ખર્ચની તુલનાએ કૃત્રિમ વર્ષાપ્રયોગનો ખર્ચ નહીંવત્ છે

કુત્રિમ વરસાદ માટે વાદળોમાં રાસાયણિક છંટકાવ કરતાં વિમાનો.
કુત્રિમ વરસાદ માટે વાદળોમાં રાસાયણિક છંટકાવ કરતાં વિમાનો.

કચ્છની નિયતિ તો જુઓ. વાવાઝોડું પણ આ સૂકા અને દુકાળગ્રસ્ત વિસ્તાર પર વરસ્યા વિના જ વિખેરાઈ ગયું. અધૂરામાં પૂરું હવે હવામાન ખાતું કહી રહ્યું છે કે નિયમિત ચોમાસામાં વિલંબ થઈ શકે એમ છે. આમેય કચ્છનો તો અનુભવ છે કે જૂનમાં જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ત્યારે બાકીનું-પાછળનું ચોમાસું અનિયમિત થઈ જાય છે, ચૂંથાઈ જાય છે.

ખેર, આ વખતે ખરેખર શું થશે એનો જવાબ તો સમય જ આપી શકશે, પણ વાવાઝોડું કે અતિવૃિક્ટની શક્યતાઓ જોઈને જ્યારે એના સામનાની પૂવર્‍-તૈયારીરૂપે કરોડોના ખર્ચે જુદાં-જુદાં પગલાં લેવાય છે ત્યારે કચ્છવાસીને જરૂર એમ થાય છે કે દુકાળ જેવી કુદરતી આફત પૂર્વે કોઈ પગલાં કેમ નથી લેવાતાં?

પ્રfન ખરે જ વિચારવા જેવો છે. સાચું કે વાવાઝોડાની જેમ દુકાળની કોઈ આગાહી થઈ શકતી નથી. આમ છતાં, દુકાળને લીધે પડનારી અસરો ઓછી થાય એનાં પગલાં અગાઉથી જરૂર લઈ શકાય છે. દા.ત. વરસાદના અભાવે સૌથી મોટી સમસ્યા પીવાનાં પાણીની થાય છે. કચ્છમાં તો સદીઓથી વરસાદ અપૂરતો અને અનિયમિત છે. ધોળાવીરામાં પાંચ હજાર વર્ષ પૂર્વેના હડપ્પીય નગરના અવશેષ શોધાયા છે. એનું ટાઉનપ્લાનિંગ એ રીતે થયેલું છે કે જેથી વરસાદના એકેએક ટીપાનો સંગ્રહ થઈ શકે. એ જમાનામાં માનવીએ પૂવર્‍-સાવચેતી રાખીને પાણીના સંગ્રહ માટે જડબેસલાક જોગવાઈ કરી હતી; પણ અફસોસ, આજે કમ્પ્યુટરના યુગમાં આપણે એવું નથી કરી શક્યા.

બાકી, આપણે સૌ સારી પેઠે જાણીએ છીએ કે કચ્છમાં સરેરાશ દશમાંથી સાત વર્ષ, અપૂરતા અર્ધ-અછતનો આપણો લાંબો ઇતિહાસ છે. દુકાળની અસરના નિવારણ માટેના કૂવા રિચાર્જિંગ, જળસંરક્ષણ અને સંચય, ઘાસબૅન્ક, જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ, ખેત-તલાવડી જેવી અનેક સરકારી યોજનાઓ મોજુદ છે, પણ એનો અમલ મહદ અંશે અધકચરો જ થતો રહ્યો છે. બને છે એવું કે દુકાળની તીવ્ર અસરવાળાં વર્ષોમાં ભૂગર્ભ પાણીના તળ ઊંડા ઊતરી જાય ત્યારે જળસંચય અને સંરક્ષણની યોજનાઓની હિમાયત થાય, પણ એકાદ-બે વરસ સારા ચોમાસાના આવે તો આપણે બધું ભૂલી જઈએ. ૭૦ના દાયકાના આરંભનાં વર્ષોમાં ઉપરાઉપરી દુકાળ પડેલા, પણ ૧૯૭૫થી ૧૯૮૨ સુધી સારું ચોમાસું ગયું એથી દુકાળ નિવારણની યોજનાઓ ભુલાઈ ગઈ, પણ ૧૯૮૪માં મેઘરાજા રિસાયા અને દુકાળનો સિલસિલો શરૂ થયો. ૧૯૮૭માં સદીનો વિકરાળ દુકાળ આવ્યો, પણ ૧૯૮૮માં મેઘરાજા વરસી પડ્યા તો બધાં દુ:ખ ભુલાઈ ગયાં અને ઘાસબૅન્ક ઊભી કરવા માટે જૈન શ્રેષ્ઠી દીપચંદ ગાર્ડીએ કરેલી પહેલ પણ ફોગટ ગઈ. આવું જ ચક્ર ૨૦૦૧ના ધરતીકંપ પછીયે ફર્યું. ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સતત નવ વર્ષ મેઘરાજાની અપાર કૃપા કચ્છ પર વરસી. ગ્લોબલ વૉર્મિંગથી કચ્છને નુકસાન નહીં, પરંતુ ફાયદો થઈ રહ્યો હોવાના અનુમાન થવા લાગ્યા, પણ ત્યાં જ ૨૦૧૨થી કચ્છના લંગડા વરસાદ (મંઢો મીં)એ પોત પ્રકાશ્યું. વરસાદ અનિયમિત અને છુટોછવાયો પડ્યો અને આ વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯માં તો નકરો દુકાળ કચ્છને લમણે ઝીંકાઈ ગયો. આ તો સારું થયું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હતી એથી રાજ્ય સરકારે કચ્છમાં ઘાસ અને પાણીની બૂમ ન પડે એની તકેદારી રાખી. એટલું જ નહીં, કચ્છના પશુધનને તકલીફ ન પડે એ માટે ઢોરવાડાની નીતિયે હળવી બનાવી મૂકી. ઢોરસબસિડી આંખ મીંચીને વધારી દીધી. હવે સબસિડીનાં મસમોટાં કૌભાંડ પાધરા પડી રહ્યાં છે એ અલગ વાત છે.

સરવાળે, આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનું શીખ્યા નથી. દુકાળ નિવારણ માટે ઉપયોગી એવી યોજનાઓ આપણે સારું વર્ષ આવતાં જ ભૂલી જઈએ છીએ. અહીં કૃત્રિમ વર્ષા પ્રયોગનો મુદ્દો તો સૌથી વધુ અગત્યનો છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસ સાથે ઇઝરાયલ અને અમેરિકા જેવા દેશોમાં સામૂહિક રીતે સિલ્વર આયોડાઇટના ધુમાડા કરીને કૃત્રિમ વર્ષા વરસાવવાના પ્રયોગો સફળ થયા છે અને થઈ રહ્યા છે. આ પ્રક્રિયાને આપણે આધુનિક પરજન્ય યજ્ઞ પણ કહી શકીએ. કચ્છમાં વરસાદને રિઝવવા માટે પરજન્ય યજ્ઞ આપણે કરીએ છીએ અને એને ધર્મ સાથે સાંકળીએ છીએ, પણ મૂળ મુદ્દો રાસાયણિક પ્રક્રિયાનો છે. યજ્ઞમાં હોમ કરવાથી કેટલીક વસ્તુઓનું દહન થાય છે. અãગ્નમાં જે હોમાય છે એ નાશ પામતું નથી, પણ રૂપાંતરિત થાય છે. બીજા અર્થમાં કહીએ તો ધન અગર તો દ્રવ્યરૂપે હોમાયેલી વસ્તુ રૂપાંતરિત બનીને ધુમાડારૂપે આકાશમાં પ્રસરી જાય છે. શક્ય છે કે એના કારણે એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે જે વરસાદમાં પરિણમે છે.

અલબત્ત, આ પ્રકારના પ્રયોગો કરવા માટે ચોક્કસ માહોલ પેદા થવો જરૂરી છે. આકાશમાં વરસાદી વાદળ છવાયેલાં હોય એ એની પૂવર્‍શરત છે. ઇઝરાયલી નિષ્ણાતો માને છે કે કચ્છ પાસે વિશાળ દરિયાકિનારો છે. ઉપરાંત જુલાઈ મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં વાદળોની જમાવટ જોવા મળે છે. ભેજનું પ્રમાણે વધે છે, પરંતુ પવનની ઝડપ વધવાના કારણે મેઘાડંબર છિન્નભિન્ન થઈ જાય છે. સાગરપટ્ટીનાં ગામોમાં આવા સમયે એકીસાથે સમૂહમાં સિલ્વર આયોડાઇટના ધુમાડા કરવામાં આવે તો મેઘ મહેરબાન બની શકે છે. આ માન્યતા કે સિદ્ધાંતના આધારે કચ્છમાં ૧૯૯૨ના જુલાઈ મહિનાની ૧૪ અને ૧૫ તારીખે ૭૦ ગામડાંઓ પરથી સિલ્વર આયોડાઇટના ધુમાડાનો સાગમટે એક જ સમયે પ્રયોગ થયો હતો. પરિણામે મુશળધાર વરસાદ નોંધાયો હતો. જુલાઈના મધ્યમાં કચ્છમાં આમેય વરસાદ પડે છે એમાંની લઈએ તો પણ વરસાદની તીવ્રતા અને પ્રમાણમાં વધારો નોંધાયો હતો એ નોંધનીય હતો. માત્ર ચાર દિવસમાં ચોગરદમ પંદરેક ઇંચ વરસાદ પડ્યો હતો અને મોસમનો કુલ આંક ૩૬ જેટલો થયો હતો. કચ્છમાં આવું ભાગ્યે જ બન્યું છે. માંડવીસ્થિત વીઆરટીઆઇ અને અમદાવાદની સાયન્સ ઍન્ડ કલ્ચરલ સોસાયટીના સાથસહકારથી પ્રોજેક્ટ રેઇન ડ્રૉપ નામે કૃત્રિમ વર્ષા અભિયાન હાથ ધરાયું હતું જેમાં મુન્દ્રા, માંડવી, અબડાસાના કિનારાનાં ગામો અને ત્યાંની પ્રજા જોડાઈ હતી. એશિયાના આ પ્રથમ પ્રયોગનો કુલ ખર્ચ ૧૦ લાખ રૂપિયાનો થયો હતો. આવો જ પ્રયોગ મુંબઈમાં તાનસા અને વૈતરણા જળાશય વિસ્તારમાં પણ ૧૯૯૨ના જુલાઈની ૧૭, ૧૮, ૨૪, ૨૫ તારીખે થયો હતો. એ પણ સફળ નીવડ્યો હતો અને એને લગતા હેવાલ મુંબઈના અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પ્રથમ પાને પ્રસિદ્ધ થયા હતા.

આ પણ વાંચો : કચ્છનું વહાલસોયું વાગડ

અફસોસ એ વાતનો છે કે ૧૯૯૨ પછી કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારો વરસાદની અછત, અર્ધ-અછત કે પછી દુકાળનો ભોગ બન્યા છે તોયે કોઈએ આ પ્રયોગ સાગમટે કર્યો નથી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી શા માટે આ પ્રયોગની પહેલ કરતી નથી એ જ સમજાતું નથી! સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી. એ સમયે ૧૦ લાખ હતો, આજે કદાચ બે કે ત્રણ કરોડ થાય તોયે શું? આ વખતના એટલે કે ૨૦૧૯ના કચ્છના દુકાળના સામના માટે માત્ર ઢોરસબસિડીરૂપે ૧૦૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ હોવાનો અંદાજ છે. આની સામે બે કરોડનો ખર્ચ કોઈ હિસાબમાં નથી. મૂળ સવાલ દુકાળ પડે એ પછી અબજોનો ખર્ચ આમે થાય છે ત્યારે વરસાદી માહોલ વખતે બે-ત્રણ કરોડ ખર્ચવાથી અબજો બચી જતા હોય તો પ્રયોગ શા માટે ન કરવો? કચ્છ માટે ભૂકંપ કરતાંયે ધીમા ઝેર સમો દુકાળ વધુ જોખમી છે એ ભૂલવું જોઈએ નહીં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK