ક્રીક સીમા નૌકાદળને સોંપ્યે જ છૂટકો

06 August, 2019 02:49 PM IST  |  મુંબઈ ડેસ્ક | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

ક્રીક સીમા નૌકાદળને સોંપ્યે જ છૂટકો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં તેલ, ગૅસ, લિગ્નાઇટના ભંડાર હોવાને લીધે ચીનનાં વ્યાપારી હિતોની રક્ષા માટે પાક લશ્કરે ક્રીક સરહદની સલામતી નૌકાદળને હવાલે કરી દીધી છે અને કેટી બંદર નૌકામથકમાં વિકસાવાઈ રહ્યું છે ત્યારે ભારતે પણ સરહદ સલામતીની શતરંજનાં નવાં પ્યાદાં ગોઠવવા માંડ્યા છે

કચ્છડો સડ કરે

કચ્છની પાકિસ્તાનને સ્પર્શતી સરહદોની સંવેદનશીલતાનો મુદ્દો આજકાલ ફરી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. દોઢ-બે વર્ષમાં અબજો રૂપિયાના કેફી પદાર્થ દરિયાઈ સીમાએથી પકડાતાંની સાથે જ સ્ફોટક પદાર્થ, હથિયારો કે આતંકવાદીઓની હેરફેરની શક્યતાઓના મુદ્દા પણ પ્રકાશમાં આવતા રહ્યા છે. આપણે જાણીએ છીએ એમ કચ્છ-ગુજરાતની સરહદ ત્રણ પ્રકારની છે; રણ, ક્રીક અને દરિયાઈ. આ પૈકી રણ અને ક્રીક સીમાનો બંદોબસ્ત બીએસએફ એટલે કે સરહદી સલામતી દળ સંભાળે છે. જ્યારે દરિયાઈ સીમાની સલામતીની જવાબદારી કોસ્ટગાર્ડ એટલે કે તટરક્ષક દળની છે. તો કાંઠાળ-કિનારાની સલામતીની દેખરેખ મરીન પોલીસ સંભાળે છે. સમગ્ર રીતે જોવા જઈએ તો ગુજરાત મરીન પોલીસને બાદ કરતાં બાકીનાં તમામ દળ કેન્દ્ર સરકારને આધીન છે.

આ સરહદો બે કારણે સંવેદનશીલ બની છે. પ્રથમ છે પ્રોકક્સીયુદ્ધ અને બીજું છે સરહદની બન્ને બાજુ વધી રહેલી આર્થિક પ્રવૃત્તિઓ. ૮૦ના દાયકામાં પાડોશી દેશે નાપાક પ્રોક્સીયુદ્ધ આપણા પર થોપી દીધું અને ખાલિસ્તાન ચળવળ શરૂ થઈ. પછી મુંબઈ, દિલ્હી, અમદાવાદ સહિતનાં શહેરોમાં બૉમ્બધડાકા થયા ત્યારે શસ્ત્રો, સ્ફોટક પદાર્થ અને આતંકવાદીઓની હેરફેરના માર્ગોની બહાર આવેલી માહિતીમાં કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓનો મુદ્દો ગરમ બન્યો. પરિણામે ૧૯૮૮થી કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે પોતાની સાગર પાંખ કાર્યરત કરી, જે ક્રમશ: વિકસી રહી છે. શરૂઆત ચોકિયાત બોટોથી થઈ, પછી સાંવલાપીર પર સીમા દળની ચોકી શરૂ થઈ. ત્યાર બાદ ફલોટિંગ-તરતી ચોકીઓ, સ્પીડબોટ અને ખાસ તો ક્રીક સીમાએ ઑલટેરિન બેહિકલ એટલે કે જમીન, કાદવ અને પાણી ત્રણેય સ્થળે ચાલી-દોડી શકે એવાં વાહન આવ્યાં. જખૌ ખાતે કોસ્ટગાર્ડ એકમ શરૂ થયું અને હોવરક્રાફ્ટ પણ વસાવાયાં. બીજી તરફ રણ સરહદે શસ્ત્રો-આતંકવાદીઓની હેરફેર ન થાય એટલા માટે કાંટાળી વાડ બાંધવાની સાથોસાથ સીમા દળના જવાનોની સંખ્યા વધારાઈ અને ડીઆઇજી કક્ષાના અધિકારીઓ ભુજમાં મુકાયા.

હવે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો કચ્છના મોટા રણમાં બ્રોમિન જેવા રસાયણોના ઉત્પાદન માટે હજારો હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઈ રહી છે. ઉપરાંત વૈકલ્પિક ઊર્જા પેદા કરવાની ઝુંબેશના ભાગરૂપે સૂર્ય આધારિત સૌરઊર્જાના મહાકાય ફીલ્ડ માટે મોટા પાયે જમીન અપાઈ છે અગર તો અપાઈ રહી છે. ટૂંકમાં કહીએ તો અગાઉ કચ્છનું રણ સૂનું ભેંકાર, નિષ્ક્રિય હતું એવું હવે નથી. સિનારિયો ઝડપથી બદલાઈ રહ્યો છે. તો સામે પાર એટલે કે પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના ઇસ્લામકોટ વિસ્તારમાં લિગ્નાઇટનો મોટો ભંડાર છે. ત્યાં ચીની કંપની દ્વારા ખનન થઈ રહ્યું છે અને વીજમથક સ્થપાયું છે.
ખરું પૂછો તો સલામતીના મુદ્દામાં પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ચીનની હાજરીએ જ મુખ્ય ભાગ ભજવ્યો છે. સિરક્રીક સામેના સિંધુ નદીના તટપ્રદેશ અને દરિયાઈ સીમા વિસ્તારમાં તેલ અને કુદરતી ગૅસના ભંડાર મળ્યા છે અને ત્યાં પણ ચીનનાં વેપારી હિત સંકળાયેલાં છે. ચીને ખાસ કરીને ગ્વાદર પોર્ટ જેવા વિસ્તારમાં મોટા પાયે રોકાણ કર્યું છે, પણ બલૂચિસ્તાનની અશાંતિ એને પજવી રહી છે. એથી અન્ય સ્થળે એવું ન બને એ માટે પગલાં લેવાનો સતત આગ્રહ કરી રહી છે. કદાચ ચીનના આ દબાણને વશ થઈને જ પાકિસ્તાને સિરક્રીક અને દરિયાઈ સીમા પર મજબૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની સાથોસાથ સુરક્ષાકવચ વધુ મજબૂત કર્યું છે. દા.ત. સિરક્રીક સામે મોટા-મોટા વૉચટાવર ઊભા કરાયા છે. કચ્છની કોટેશ્વર સીમાની નજીક આવેલા કેટીબંદરને લશ્કરી મથક-પોર્ટ તરીકે વિકસાવાઈ રહ્યું છે, એટલું જ નહીં, ત્યાંથી કરાચી જવા માટે ખાસ રોડ બાંધવાની પણ યોજના છે. માળખાકીય વ્યવસ્થા મજબૂત કરવાની સાથોસાથ પાકિસ્તાને સલામતી બંદોબસ્તમાં મોટા ફેરફાર કરીને દરિયાઈ તેમ જ ક્રીક સરહદે લશ્કરની ભૂમિકા વધારી દીધી છે. નૌકાસેનાના સિનિયર ઍડમિરલના નેજા હેઠળ ખાસ કોસ્ટલ કમાન્ડ રચાયું છે, એટલું જ નહીં, ક્રીક વિસ્તારનાં તમામ લશ્કરી કે અર્ધલશ્કરી દળોનો હવાલો પણ એને સોંપી દેવાયો છે. હેડક્વૉર્ટર કરાચીમાં છે.

આમ સરવાળે જોઈએ તો ભારતના સુરક્ષાબંદોબસ્ત સામે મોટો પડકાર સામેપાર ઊભો થઈ રહ્યો છે. સંભવ છે કે ક્રીક સરહદની ટેક્નિકલ પરિસ્થિતિનો પાકિસ્તાન ગેરલાભ ઉઠાવી રહ્યું છે. ટેક્નિકલ એ રીતે કે ક્રીક અને દરિયાઈ સીમા હજી વણઅંકાયેલી છે. ભાગલાના સાત-સાત દાયકા પછીયે ભારત-પાકિસ્તાન પોતાની દરિયાઈ સીમા ક્યાંથી શરૂ થાય છે એ હજી નક્કી કરી શક્યાં નથી. અલબત્ત, એમાં અવળચંડાઈ પાકિસ્તાનની જ છે એ મુદ્દો અલગ છે, પણ નરી વાસ્તવિકતા એ છે કે કચ્છના લખપતના કિલ્લા સામે થોડા કિલોમીટર દૂર ભારતીય ભૂમિ સીમાનો છેલ્લો થાંભલો-પિલરને ૧૧૭૫ નંબર અપાયો છે ત્યાંથી માંડીને સિરક્રીકના મુખ સુધીનો કાદવિયો-કીચડિયો અને દરિયાના પાણીવાળા વિસ્તાર ઉપરાંત આખી સિરક્રીક પર પાકિસ્તાનનો ડોળો છે એથી અહીં કોઈ ને કોઈ રૂપે એ સળી કર્યા કરે છે.

આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

સામે ભારત સજાગ છે. પાકિસ્તાનની ખાસ તો સિરક્રીક સામેના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વિસ્તારવાની અને કેટી બંદરે નૌકાદળ મથક ઊભું કરવાની પ્રવૃત્તિ ભારતીય એજન્સીઓથી અછાની નથી એથી ભારતે પણ સરહદી સલામતીની શતરંજ પર પોતાનાં પ્યાદાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. કેટલાક સમયથી અહીં કેન્દ્રીય ગૃહ અને સંરક્ષણ મંત્રાલયની હકૂમત હેઠળનાં જુદાં-જુદાં લશ્કરી-અર્ધલશ્કરી દળોના અધિકારીઓની મુલાકાતો થઈ રહી છે એ પણ એવો નિર્દેશ કરી જાય છે. પાકિસ્તાનની જેમ ભારત પણ ક્રીક સીમાએ પોતાના નૌકાદળની સક્રિયતા વધારવા આગળ ધપી રહ્યું છે. સંરક્ષણ બાબતોના એક નિષ્ણાતે આ સંદર્ભે એક જુદો જ મુદ્દો લખ્યો છે. આ મુજબ સામેપાર સરહદ નજીકના પાકિસ્તાની અને ચીની ઉદ્યોગોને ઉચાટમાં રાખવા માટેય ભારત કાંઈક કરશે. ખેર, જે હોય તે, પણ મુદ્દો ક્રીકની સલામતીનો છે અને ભારત આ પ્રશ્ને ગફલતમાં નથી એ સારી નિશાની છે.

kutch gujarat columnists