હાથ ધુઓ, હેલ્ધી રહો

15 October, 2020 02:47 PM IST  |  Mumbai | Varsha Chitalia

હાથ ધુઓ, હેલ્ધી રહો

દિવસમાં ઓછામાં ઓછું પાંચ વાર સાબુ અને પાણી વડે હાથ ધોવાની ટેવ ફરજિયાત બધાએ અપનાવવી જોઈએ. - પ્રતીકાત્મક તસવીર

‘કોરોના મહામારી સે બચને કે લિએ બીસ સેકન્ડ તક સાબુન સે હાથ ધોઈએે...’ છેલ્લા ઘણા મહિનાઓથી કોઈને ફોન લગાવતી વખતે આપણે આ ઑડિયો સાંભળીએ છીએ. કોરોના વાઇરસથી આમજનતાને સભાન કરવાના હેતુથી દૂરસંચાર વિભાગે ટેલિકૉમ કંપનીઓને રિંગટોનની જગ્યાએ કોરોનાથી બચવાના ઉપાયો વિશે જાણકારી આપતો ઑડિયો-સંદેશો સંભળાવવાનો આદેશ આપ્યો છે. પહેલાં લૉકડાઉન દરમ્યાન હાથ ધોવાની ભલામણ કરતા નાનાં બાળકોના વિડિયો સોશ્યલ મીડિયા પર ખાસ્સા પૉપ્યુલર થયા હતા. જાહેરખબરોના માધ્યમથી લોકોને હાથ ધોવાની પહેલ કરવામાં આવી હતી. આ ભયાનક રોગની ચપેટમાં આવી જવાના ડરથી દિવસમાં આઠ-દસ વાર હાથ ધોવા લાગ્યા છીએ એ સારી ટેવ છે, પરંતુ શું કોરોના ગયા બાદ પણ આપણે આમ કરીશું? વારંવાર હાથ ધોવાની ટેવ આપણે વિકસાવી છે? આનો જવાબ ના જ છે.
સર્વે કહે છે કે કોરોના-સંક્રમણ પહેલાં ૭૦ ટકાથી વધુ લોકો હાથ ધોવાની તસ્દી લેતા નહોતા. વૈશ્વિક આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર મોટા ભાગની બીમારીઓ હાથ ન ધોવાની બેદરકારીને કારણે જ થાય છે. સમાજને હાથની સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવાના હેતુથી દર વર્ષે ૧૫ ઑક્ટોબરે ‘ગ્લોબલ હૅન્ડ હાઇજીન ડે’ અથવા ‘વર્લ્ડ હૅન્ડ હાઇજીન ડે’ સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે હાથ ધોવાની અનિવાર્યતા વિશે ઠાકુરદ્વાર, મુંબઈનાં જનરલ ફિઝિશ્યન ડૉક્ટર સીમા પારેખ શું કહે છે એ જાણી લો...
બેદરકારી કેવી?
વર્તમાન માહોલમાં દરેક વ્યક્તિના મનમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય છે એથી હાથ ધોવાનું ધ્યાન રાખે છે. એક વાર આ ફેઝ પૂરો થશે પછી મોટા ભાગના લોકો હાઇજીનને ફૉલો કરવાના નથી એવો મત વ્યક્ત કરતાં ડૉ. સીમા પારેખ કહે છે, ‘હૅન્ડ હાઇજીન પ્રત્યે આપણે ઘણા બેદરકાર છીએ. વારંવાર હોથ ધોવાની સારી ટેવ ધરાવતા જૂજ લોકોને બહુ ચીકણાનું લેબલ લાગી જાય છે. હકીકતમાં તેઓ ચીકણા નહીં, સભાન છે. જે વાઇરસને મારવાની દવા કે વૅક્સિન આવી નથી એને જો માત્ર હાથ ધોવાની ટેવથી દૂર હડસેલી શકાતું હોય તો બીજા રોગોનું જોખમ કેટલું ટળી જાય એ સમજવાની જરૂર છે. જમતાં પહેલાં, બહારથી આવીને, વૉશરૂમ જઈને, પ્રાઇવેટ પાર્ટમાં કે શરીરના કોઈ પણ ભાગમાં ખંજવાળ્યા પછી હાથ ધોવાની ટેવ કેટલા લોકોમાં જોવા મળે છે? આખા દિવસ દરમ્યાન સેંકડો વસ્તુને હાથ લગાવીએ છીએ અને અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે હાથ ધોવામાં આળસ કરવી એ રોગને આમંત્રણ આપવા બરાબર છે. ઘણા લોકોને ઘડી-ઘડી ચહેરા પર હાથ ફેરવવાની, મોઢામાં ને નાકમાં આંગળાં નાખવાની, કાન ખોતરવાની, નખ ચાવવાની આદત હોય છે. આ પ્રકારની હરકત બાદ હાથ ધોયા વગર જમવા બેસો તો બૅક્ટેરિયા પેટમાં જવાના છે. છીંક કે ઉધરસ આવે ત્યારે હાથ આડો રાખવો એ સભ્યતા કહેવાય, પરંતુ જો હાથ ન ધૂઓ તો બૅક્ટેરિયા શરીરમાં પ્રવેશે. એટલું જ નહીં, આ હાથે તમે કોઈને હૅન્ડશેક કરો છો ત્યારે બૅક્ટેરિયા બીજાના શરીરમાં પ્રવેશી તેને બીમાર કરી શકે છે. વાસ્તવમાં છીંક આવે ત્યારે કોણી આડી રાખવી જોઈએ, પરંતુ આપણને યાદ રહેતું નથી એટલે હાથનો જ ઉપયોગ કરીએ છીએ. મારું નિરીક્ષણ કહે છે કે હાથ ધોવાની બાબતમાં મહિલાઓની તુલનામાં પુરુષો વધુ આળસુ હોય છે. ઑફિસમાં લંચ-ટાઇમ થાય કે ટિફિન ખોલીને જમી લેશે. હાથ ધોવા ઊભા નહીં થાય. મહિલાઓ કિચનમાં કામ કરતી હોવાથી તેમના હાથ વધુ સ્વચ્છ રહે છે. જોકે મહિલાઓએ પણ ધ્યાન તો રાખવાનું જ છે. ગૃહિણીઓ એવું માનતી હોય છે કે આખો દિવસ ઘરમાં રહેવાથી હાથ ચોખ્ખા હોય છે તો તમે ભ્રમમાં રહો છો. ઘરને ગમે એટલું ચોખ્ખું રાખો સોફા, ટેબલ-ખુરસી પર નરી આંખે જોઈ ન શકાય એવા ધૂળના રજકણો ચોંટેલા હોય છે. તમારી બેદરકારીથી રસોઈની અંદર બૅક્ટેરિયા ભળી આખા ઘરને માંદા પાડી શકે છે. આમ અનેક પ્રકારની બેદરકારીને લીધે હાથના રસ્તે શરીરમાં રોગ પ્રવેશે છે.’
હાથની ગંદકીથી થતી બીમારી
જર્નલ એન્વાયર્નમેન્ટના અભ્યાસ મુજબ હાથના સ્પર્શથી અંદાજે ૧૫ પ્રકારની બીમારી થાય છે જેમાં મુખ્યત્વે પેટના રોગ છે. હાથ ધોવામાં આળસ કરવાથી ડાયેરિયા, ટાઇફૉઇડ, કમળો, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ થવાની સંભાવના વધુ છે. ડૉ. સીમા કહે છે, ‘મેડિકલ રિસર્ચની દૃષ્ટિએ આ બધા રોગો પાણીજન્ય, આહારજન્ય અને હવાથી પ્રસરે છે, પણ સૂક્ષ્મ જંતુઓને પેટમાં જવાનો મુખ્ય માર્ગ હાથ જ છે. સાયન્સ કહે છે કે પેટની તમામ પ્રકારની બીમારી હાથ દ્વારા ઇન્ફેક્શન લાગવાથી થાય છે. છીંક ખાધા પછી હાથ ન ધોવાથી શ્વસનને લગતી બીમારી થવાની સંભાવના રહેલી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ હોય એવા લોકો માટે આટલી અમસ્તી બેદરકારી ભારે પડી શકે છે. આ એવી બીમારીઓ છે જેમાં તમારું પોતાનું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તમારા પરિવાર તેમ જ સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ બીમાર કરે છે. બાથરૂમ ગયા પછી હાથ ધોયા વગર કામ કરવાથી ખોરાક દૂષિત બને છે. કેટલીક વાર બહારનું ખાધા પછી માંદા પડી જવાય છે એનું કારણ ફૂડની ગુણવત્તા કરતાં બનાવનારના હાથની ગંદકી વધુ જવાબદાર હોય છે. તેઓ હાથ ધોતા નથી પરિણામે આપણું પેટ બગડે છે. હાથ ન ધોવાથી આંખ અને ત્વચાનો રોગ પણ થઈ શકે છે. ગંદા હાથે આંખો ચોળવાથી ઇન્ફેક્શન લાગે છે. ત્વચા પર ઉઝરડા કે ઘા હોય
એવી વ્યક્તિ સાથે હાથ મેળવ્યા બાદ
હાથ ન ધૂઓ તો એનો રોગ તમારા શરીરમાં પ્રવેશવાનું જોખમ છે. હાથ વડે જ આપણે શરીરનાં તમામ અંગોને અડીએ છીએ તેથી સ્કિન ઍલર્જીમાં હાથની ગંદકી મુખ્ય છે. હાથની ગંદકીને લીધે નાનાં બાળકો અને વડીલોમાં ડાયેરિયાની તકલીફ જોવા મળે છે. આમ અનેક પ્રકારના સામાન્ય દેખાતા રોગોનું મૂળ કારણ હૅન્ડ હાઇજીન પ્રત્યે દાખવવામાં આવતી દુર્લક્ષતા છે.’
હાથની સ્વચ્છતા
જમતાં પહેલાં, રસોઈ બનાવતાં પહેલાં, બાથરૂમમાંથી બહાર નીકળ્યા પછી, બહાર જઈને આવો ત્યારે સૌથી પહેલાં નળ નીચે કોઈ પણ રેગ્યુલર સાબુથી હાથ ધોવા. હાથ ધોતી વખતે આંગળાંઓની વચ્ચેની જગ્યા બરાબર સાફ કરવી. માત્ર હથેળી નહીં, હાથના પાછળના ભાગને પણ વ્યવસ્થિત સાબુ લગાવી ધુઓ. ધોયેલા હાથે નળ બંધ કરવાનું ટાળો. એ માટે કાંડાનો, કોણીનો કે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરી શકો છો. હાથ લૂછવા માટે કોરો અને નવો નૅપ્કિન વાપરવો. વર્તમાન સંજોગોમાં હાથની સ્વચ્છતા માટે સૅનિટાઇઝરનો વપરાશ વધ્યો છે, પરંતુ પાણી જ બેસ્ટ છે. પાણી મળે એમ ન હોય ત્યારે જ સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો. બહાર જતી વખતે હંમેશાં પાણીની બૉટલ સાથે રાખો. ઘરમાં રહેતા હો તોય દિવસમાં ઓછામાં ઓછું પાંચ વખત હાથ ધોવા જરૂરી છે.
હાથની સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવવાથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે. નાનાં બાળકો અને વડીલોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જલદી માંદા પડી જવાય છે. વાસ્તવમાં હૅન્ડ હાઇજીન સિમ્પલ વસ્તુ છે, પરંતુ એની ટેવ રાતોરાત નથી વિકસતી. નાનપણથી જ પ્રૅક્ટિસ કરાવવી પડે. બહાર રમીને આવે
ત્યારે હાથ ધોવાની ભલામણ કરતા પેરન્ટ્સ પોતે એને ગંભીરતાથી ફૉલો
નથી કરતા એવા અનેક દાખલા છે. કોરોના છે એટલે હાથ ધોવાના છે એવું નથી, હાથ તો ફરજિયાત ધોવાના જ છે. અત્યારે જે ટેવ પડી છે એને કાયમી ધોરણે જીવનમાં ઉતારશો તો અનેક રોગોથી બચી જશો.

અત્યારે કોરોનાનો ભય છે એટલે આપણે વારંવાર પાણીથી હાથ ધોઈએ છીએ અથવા સૅનિટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એક વાર આ ફેઝ ચાલ્યો જશે પછી મોટા ભાગના લોકો પહેલાંની જેમ આળસુ બની જવાના છે. શ્વસન સંબંધિત બીમારી, ટાઇફૉઇડ, કમળો, ડાયેરિયા તેમ જ પેટના તમામ રોગોનું મૂળ ગંદા હાથ છે. હાથ શરીરનું એવું અંગ છે જે દરેક કામ કરે છે, દરેક વસ્તુને અડે છે અને લોકોના સંપર્કમાં આવે છે ત્યારે એની સ્વચ્છતા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. તંદુરસ્ત જીવન માટે દિવસમાં ઓછામાં ઓછું પાંચ વાર સાબુ અને પાણી વડે હાથ ધોવાની ટેવ ફરજિયાત બધાએ અપનાવવી જોઈએ.
- ડૉ. સીમા પારેખ, જનરલ ફિઝિશ્યન

Varsha Chitaliya columnists