કથા સપ્તાહ : આંસુની આરપાર (3)

22 May, 2019 11:27 AM IST  | 

કથા સપ્તાહ : આંસુની આરપાર (3)

આંસુની આરપાર

ગીનીએ ટેબલ પર ખાવાનું મૂક્યું.

‘કમ ઑન મા, આપણે તો મજેથી ડિનર લઈએ. વૉટ્સ સે! મૅડમને તો ભૂખ નથી.’

‘જેટલેગ હશે ગીની અને ફ્લાઇટમાં પણ ખાવાનું આપ્યુ હશે ને!’

અરુંધતીએ પ્લેટમાં પરોઠાં મૂક્યાં અને પનીરની ગ્રેવી કટોરીમાં લીધી.

ફરી જેસિકાનું ઉપરાણું! તે નસીબદાર છે. પનીર અને આલુ-મેથી તને ખબર છે તારા હાથનાં મને ભાવે છે.’

ગીની ઊઠી અને આયેશાને લઈ આવી. તે હજી ઊંઘમાં હતી. ગીનીએ તેને પરાણે થોડું ખવડાવ્યું. જમીને આમતેમ થોડી વાતો કરી અને ગીની તેના બેડરૂમમાં જતાં અટકી,

‘મમ્મી! દેખિયે સુબહમેં હોતા હૈ ક્યા! જોયો નહીં આવતાંવેંત મહારાણીનો મિજાજ! નહીં હલ્લો, હાય, ગુડનાઇટ કંઈ જ નહીં. સામાન્ય શિષ્ટાચાર પણ નહીં!’

અરુંધતી ફિક્કું હસી, ‘તે એવી જ છે, શું કરું!’ 

‘મૂક પડતી. વૉટ એલ્સ!’

ગીની બેડરૂમમાં ચાલી ગઈ. અરુંધતી ટેબલ સમેટવા લાગી. જેસિકાની બૅક્ડ ડિશ ફ્રિજમાં મૂકી દીધી. રજ્જુ આવતાંવેંત ઉત્સાહથી પૂછવા લાગી, 

‘ફૉરેનવાલી દીદી કિધર હૈ? સો ગઈ? કોઈ બાત નહીં, કલ મિલનેકા. વધેલું ખાવાનું રજ્જુને આપી દીધું. તે બાલ્કનીમાં આવી. દરિયામાં ભરતી શરૂ થઈ ગઈ હતી. એનો હુંકાર અહીં સુધી સંભળાતો હતો. રજ્જુને ભાભીજીની ફૉરેનની દીકરીને મળવાનું બહુ મન હતું, પણ બારણું બંધ જોઈ તે નિરાશ થઈ. દીદીકો કલ દેખેંગે કહેતી તે કામે વળગી. દૂર દૂર કશેક વરસતા વરસાદના સંદેશને ચાંચમાં લઈ શીતળ પવનની લહેર આ તરફ વહી આવતી હતી. અરુંધતીએ પવનમાં ઝૂલતી તુલસીની માંજરની મીઠાશને શ્વાસમાં ભરી.

પરણીને આ ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘરની સામે જ હિલોળા લેતા દરિયાને જોઈ તે નાચી ઊઠી હતી, કહ્યું હતું, ‘રજત, આ ઘર હું જિંદગીભર નહીં છોડું. ડિવૉર્સ વખતે તેની એ જ જીદ હતી, આ ઘર તો મારું જ. એના
કબજા માટે ખાસ્સું લડી હતી. લૅન્ડલૉર્ડ મોટી રકમ લઈ તેના નામની ભાડાચિઠ્ઠી કરી આપવા તૈયાર હતા.

રજતનો મિજાજ છટક્યો હતો!

‘આ તો ઉઘાડી લૂંટ જ ને!’

તેના લૉયરે કહ્યું હતું,

‘સર, યુ હૅવ ટુ ગિવ આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટમાં. તેણે પણ તમારી શરત મંજૂર રાખી ને!’

- અને આ ઘર તેને મળ્યુ હતું, પણ તેણે કેટલું ખોયું હતું! રજતને અને તેને બન્નેને વિઝિટેશન રાઇટ્સ હતા, પણ રજત કદી ગીનીને મળવા આવ્યો જ નહીં. ક્યારેક ફોન કરી લેતો, કેમ છો કહી વ્યંગ કરતો લહેર છેને બીજાને પૈસે? તેને જેસિકાને મળવાનું ખૂબ મન થતું, પણ મન વગરનું મળ્યા પછી ઉદાસ થઈ જતી. રજતને તેની કંપનીએ સબર્બમાં મોટું ઘર આપેલું, પણ તે કદી ત્યાં ગઈ નહીં. તે જેસિકાને ઘર બહાર મૂકી ચાલી જતો, તે મોં ચડાવતી. તેને મનાવવા, સમજાવવા તેણે કેટલાં અછો વાનાં કર્યાં હતાં! ત્યારે ગીની નારાજ થતી, ‘મમ્મી યુ ડોન્ટ લવ મી. તને જેસિકી ગમે છે.’

 પવન તેજ થયો હતો. મરીન ડ્રાઇવ હવે બહુ ઓછા લોકો હતા. અંધારાને તાકતી અરુંધતીનું હૈયું ભરાઈ આવ્યું. આખી જિંદગી બન્ને બાજુ વહેરાતી રહી. પાર્ટી સર્કલમાં રજતનું નામ ચમકતું. અખબારોમાં તેની કંપનીના પ્રોફાઇલમાં તેના ફોટા જોતી. ઝરીના માટે તેને છોડી દીધી, પણ જેસિકાનાં લગ્ન વખતે મંડપમાં તેની સાથે માનસી હતી. માય ગૉડ! તે હબકી ગઈ હતી. માનસી તો તેના બેસ્ટ ફ્રેન્ડ વિલાસની પત્ની હતી! તે એટલી હતપ્રભ થઈ ગઈ હતી કે તરત ત્યાંથી દોડીને બહાર નીકળી ગઈ હતી.., 

 ઘેરા નિ:શ્વાસથી તેણે હલકો કંપ અનુભવ્યો. રાત રાતરાણીની જેમ મઘમઘી ઊઠી હતી. મુંબઈનગરી સોળે શણગાર સજી અભિસારિકા રૂપ ધારણ કરતી હતી. રસ્તા પર વાહનો તેજ ગતિથી દોડી રહ્યાં હતાં.

 આવે સમયે તેને ખૂબ એકલતા લાગતી. અત્યારે ઘરમાં ઘેરી શાંતિ હતી. બે દીકરીઓ બાળકો સાથે અહીં જ હતી, પણ સહુ પોતપોતાના એકલતાના ટાપુ પર હતા. કેટલા દિવસોથી આ ક્ષણની પ્રતીક્ષા હતી! આશ્ચર્યની વાત એ હતી કેટલે વર્ષે જેસિકા આવવા રાજી થઈ હતી! મા-દીકરીઓ અર્થ વિનાની, નાની-નાની વાતો કરશે... શૉપિંગ... મૂવીઝ... પછી ધીમે-ધીમે એ દટાઈ ગયેલા ભૂતકાળનાં પડળ ખોલશે. હા, હવે સમજશે. એ બન્ને પણ મા છે હવે. મા-દીકરીને બદલે એક સ્ત્રી તરીકેની ભૂમિકાએ ત્રણ સ્ત્રીઓ મળશે.

 આજ સુધી ભોગવેલી પીડા એક વરદાન બનશે. મીઠી તૃપ્તિથી આંખ ઘેરાતી હતી. બીજા દિવસ માટે તેણે પ્લાન કરી રાખ્યા હતા. આર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો, ઈરાનની એક અવૉર્ડવિનિંગ ફિલ્મની ટિકિટો લઈ રાખી હતી, લંચ માટે ટેબલ બુક કર્યું હતું, એના પછીને દિવસે શૉપિંગ, બાળકો માટે ફન વર્લ્ડ... તેણે દીવાન પર જ લંબાવી દીધું. બાલ્કનીમાંથી ચંદ્ર ડોકાયો અને તેની આંખ મળી ગઈ.

 સવારે વહેલી ઊઠી ગઈ. દિવસ ઊજમાળો હતો. તે સ્ફૂર્તિથી કિચનમાં કામે વળગી. ગીની આયેશાને લઈ કિચનમાં આવતાં જ આયેશા તેને વળગી પડી. અરુંધતીએ તેને દૂધ આપ્યું.

‘વાહ મમ્મી, બ્રેકફાસ્ટની તૈયારી! ક્યા બાત હૈ. મૅમ ઊઠ્યાં નથી?’

‘પ્લીઝ ગીની.’ 

‘ઓકે મૉમ, ચૂપ. ખુશ?’

જેસિકા મોડેથી ઊઠી. અમાન હજી સૂતો હતો.’ ગુડ મૉર્નિંગ જેવું બબડતાં, બગાસું ખાતાં તે ડાઇનિંગ ટેબલ પર બેઠી. નાસ્તો ટેબલ પર મૂકતાં અરુંધતી ઉત્સાહથી કહેવા લાગી,

‘લિબર્ટી થિયેટરમાં ફિલ્મ ફેસ્ટિવલ છે. ઈરાનની એક ફિલ્મના સરસ વ્યુઝ છે. એની ટિકિટ્સ મેં બુક કરી છે, પછી લંચ માટે મરીન પ્લાઝામાં...’

‘નો નો. આજે મારી કૉલેજ-ફ્રેન્ડઝ સાથે લંચ છે અને ફ્રૅન્કલી ઈરાનની ફિલ્મ જોવામાં મને કોઈ રસ નથી. ડિનર પપ્પા સાથે છે.’

‘અરે પણ મેં કેટલી મહેનતથી ટિકિટો...’

જેસિકા ઊભી થઈ ગઈ,

‘લેટ મી સી, અમાન ઊઠ્યો કે નહીં.’ 

તે બેડરૂમમાં ચાલી ગઈ. અરુંધતીનો ચહેરો ઝંખવાયો. ગીની તેને જ તાકી રહી હતી.

‘જોયું મમ્મી, તે જરાય બદલાઈ નથી. એવી જ ઉદ્ધત. કાપી તારી વાત. તેની પાસે તેના પ્રોગ્રામ છે ‘ 

અરુંધતી કંઈ કહેવા જાય ત્યાં જેસિકા આવી,

‘હું ઉદ્ધત છું, એમ! હજી પણ એટલે?’

‘એનો સાદોસીધો અર્થ એ કે તું નાનપણથી જ પપ્પાની મોંએ ચડાવેલી, બગડેલી હતી, અને આજે પણ એવી જ છે.’

‘અને તું? તેં વળી ક્યારે સીધા મોંએ વાત કરી છે?’

‘આઇ હૅવ ઑલ્વેઝ બિહૅવ્ડ માયસેલ્ફ. તેં તો હંમેશાં અપમાન જ કર્યું છે. મારું, મમ્મીનું...’

જેસિકા ફૂંફાડો મારતાં બોલી,

‘કારણ કે તેણે આપણી ફૅમિલી વેરવિખેર કરી નાખી. શી ઇઝ રિસ્પૉન્સિબલ ફૉર એવરીથિંગ.’

ગીની જેસિકાની સામે જઈ ઊભી રહી. ભેખડ પર તોળાયેલા પથ્થરની જેમ,

‘તો તું જે કંઈ આપણી જિંદગીમાં બન્યું એને માટે મમ્મીને જવાબદાર ઠરાવે છે?’

‘યસ અફકોર્સ. અને એ જ વાત કહેવા હું આવી છું, સમજી? તે આખી જિંદગી દંભ કરતી રહી, જૂઠું બોલતી રહી, જેસિકા આઇ લવ યુ. બુલ શીટ. ન્યુ ઝીલૅન્ડ ફોન કરે, હલ્લો બેટા! હાઉ આર યુ? સ્ટૉપ ધીસ નૉનસેન્સ.’ 

માથા પર કોઈએ જોરદાર ફટકો માર્યો હોય એમ અરુંધતીને તમ્મર આવી ગયાં. આ શું બોલી રહી હતી જેસિકા! ગીનીએ તરત તેને પકડી લીધી, હાથ પકડી સોફામાં બેસાડી. જેસિકા હસી પડી, 

‘અરે તમે મા-દીકરી કેટલો ડ્રામા કરો છો યાર! કહેવું પડે.’

‘તને આ ડ્રામા લાગે છે?’ 

તે ફરી હસી પડી. તીખું. ધારદાર.

‘અફકોર્સ! હૈયે હાથ મૂકીને તે બોલે, શી નેવર લવ્ડ માય પપ્પા. હા, તે માત્ર મારા જ પપ્પા છે. મમ્મીએ કદી તેમને માન ન આપ્યું, પ્રેમ ન કર્યો, ફાઇનૅન્સની દુનિયામાં તેમનું કેવું નામ! અને ઘરમાં! માય પુઅર ડૅડ. મમ્મીએ તેમને કેટલો મોટો અન્યાય કર્યો છે ગીની.’

ગીની પણ વીફરી,

‘એમ! અને મને થયેલા અન્યાયનું શું? તારે લીધે તલ તલ મેં કેટલું સહન કર્યું!’

વીજળીના ખુલ્લા તારને અડી ગઈ હોય એમ અરુંધતી તરફડી ઊઠી.

‘પ્લીઝ સ્ટૉપ ઇટ.’

શું ધાર્યું હતું અને શું થઈ રહ્યું હતું! શૈશવથી જ ક્લેશભર્યા વાતાવરણમાં જુદી પડી ગયેલી બે બહેનો વર્ષો પછી પહેલી વાર આમનેસામને મળે ત્યારે બન્ને એકમેકને આશ્લેષમાં લઈ લેશે એવી ઠગારી આશા તો સ્વપ્ને પણ નહોતી, પણ સામાન્ય શિષ્ટાચારપૂર્વક વર્તશે એમ માનવું વધુપડતું તો નહોતું.

હા, વિષની વેલ સુકાઈ નહોતી, પણ એને વિષફળ પણ લૂમેઝૂમે લાગ્યાં હતાં.

તીરની જેમ મર્મસ્થાનને વીંધતી તે તરત બોલી, ‘સ્ટૉપ ઇટ? વાય? કદી સાચું કહેવાનો મોકો જ ન મળ્યો હતો, એટલે તેણે મને આમંત્રણ આપ્યું અને હું આવી. ઍઝ સિમ્પલ ઍઝ ધૅટ. ઓહ માય ગૉડ! તમે લોકો એમ સમજ્યા કે હું પગે પડીશ, ફિલ્મી સ્ટાઇલમાં માફી માગવા આવું છું? ગ્રેટ રીયુનિયન!’

તે ખડખડાટ હસી પડી. તેણે જોરથી થપ્પડ મારી હોય એમ અરુંધતી ઘા ખાઈ ગઈ. તો જેસિકા તરત આવવા તૈયાર થઈ ગઈ એનું આ રહસ્ય હતું? ગીની પણ આજે તૈયાર હતી. આજ સુધી જેસિકાએ તેની પાસેથી ઘણું છીનવી લીધું હતું. તેનાં ગમતાં રમકડાં, ફ્રૉક, શૂઝ અને પિતાનો પ્રેમ પણ. ન કદી પિતાએ ખોળામાં બેસાડી વહાલ કર્યું હતું, ન તેમની આંગળી પકડી તે જીવનપથ પર બે ડગલાં ચાલી હતી. મમ્મી પણ હંમેશાં જેસિકાને ખુશ રાખવા તત્પર રહી હતી, તે બધી રીતે દૂર ચાલી ગઈ પછી પણ.

પણ આજે તે સામે ઊભી હતી. તેની પાસેથી વીતી ગયેલા સમયનો હિસાબ માગવાનો આ જ સમય હતો. હવે પછી જીવનને કોઈ પણ વળાંકે ફરી મળવાના નહોતા એ તો આ તેજથી ઝળહળતા સૂરજ જેટલું જ સત્ય હતું.

‘હા જેસિકા, તું માફી માગે તો એનાથી રૂડું શું? પણ તારો અહં તને એમ કદી ન કરવા દે. ન પપ્પાએ તને એ શીખવાડ્યું અને મમ્મી તને થાબડભાણાં કરતી રહી. પપ્પા બિચારા પારકી બૈરીને ખુશ રાખે કે તને મૅનર્સ.’ 

જેસિકા આગની સોળની જેમ સળગી ગઈ,

‘ખબરદાર, મારા પપ્પા વિશે એક શબ્દ પણ બોલી છે તો. ઇનફ. તમારા બન્નેનાં આવા જુઠ્ઠા, ગંદા આક્ષેપોનો જવાબ આપવાની મારી કોઈ તૈયારી નથી. આજથી આ ક્ષણથી બધા જ સંબંધોનો છેદ ઉડાડી ચાલી જાઉં છું. ગુડબાય.’

અરુંધતી શાંતિથી બે બહેનો વચ્ચે આવીને ઊભી રહી,

‘અને મેં પણ તારી સાથેના સંબંધોનો
છેદ ઉડાડી દેવા માટે જ તને આમંત્રણ
આપ્યું હતું. આપણે સભ્યતાથી છૂટાં પડી શક્યાં હોત, પણ...’

આ પણ વાંચો : કથા સપ્તાહ : આંસુની આરપાર (2)

ચાલી જતી જેસિકા અટકીને આશ્ચર્યથી અરુંધતીને જોઈ રહી.

columnists