રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કસ્તુરબા પાસેથી શીખ્યા હતા અહિંસાના પાઠ

11 April, 2019 10:23 AM IST  |  | શૈલેષ નાયક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કસ્તુરબા પાસેથી શીખ્યા હતા અહિંસાના પાઠ

ગાંધીજી અને કસ્તુરબા.

ધ ગ્રેટ નારી

અહિંસાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે દુનિયાભરની કોઈ પણ વ્યક્તિને ગાંધીબાપુનું સ્મરણ અચૂક થઈ આવે, પરંતુ અહિંસાના પૂજારી તરીકે જેમની દેશ અને દુનિયામાં ખ્યાતિ છે તેવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહિંસાના પાઠ કસ્તુરબા પાસેથી શીખ્યા હતા. દરેક સફળ પુરુષ પાછળ એક નારિનો હાથ હોય છે પછી એ દેશના રાષ્ટ્રપિતા ગાંધીબાપુ માટે પણ નખશીખ સાચી છે. કસ્તુરબા પણ આઝાદીની લડતમાં બાપુના પગલે-પગલે ચાલ્યાં હતાં અને ગાંધીબાપુને સપોર્ટ કરીને આઝાદીની ચળવળમાં બાપુનો આધારસ્તંભ બનીને ઊભાં રહ્યાં હતાં.

બાપુના ગુરુ

વાચકમિત્રો, શું આપ જાણો છો કે જેમના નેતૃત્વમાં દેશને આઝાદી મળી તે ગાંધીબાપુનાં ગુરુ કસ્તુરબા હતાં? યસ, આ હકીકત છે કે બાપુનાં ગુરુ ખુદ બા હતાં. ગાંધીબાપુએ એ વાતનો સ્વીકાર કરતાં લખ્યું છે કે ‘હું અહિંસાનો પાઠ મારી પત્ની પાસેથી શીખ્યો. હું તેને હંમેશાં મારી ઇચ્છા આગળ નમાવવા મથતો. તે એક તરફથી મારી ઇચ્છાનો નિયપૂર્વક સામનો કરતી અને બીજી બાજુએથી હું મારી જડતાનો માર્યો તેના પર જે કંઈ વિતાડું એ બધું શાંતિપૂર્વક બરદાસ્ત કરતી. તેના આ શાંતિમય વિરોધે અંતે મારી આંખ ઉઘાડી.’

લૉર્ડ વેવેલને ૧૯૪૪માં લખેલા પત્રમાં ગાંધીબાપુએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ‘મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણતામાં જ અહિંસક અસહકારની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં.’

નીડર વ્યક્તિત્વ

કસ્તુરબાએ દક્ષિણ આફ્રિકામાં લગ્નસંબંધી એક કાયદાના વિરોધમાં હિંમત હાર્યા વગર માથું ઊંચક્યું હતું અને એક નીડર વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી સિવાયનાં અન્ય લગ્નો, જે દક્ષિણ આફ્રિકામાં રજિસ્ટર ન થયાં હોય એ દક્ષિણ આફ્રિકાની અદાલતો કબૂલ નહીં રાખે એ પ્રકારના લગ્નકાયદાનો કસ્તુરબાએ વિરોધ કર્યો હતો.

આઝાદીની લડતમાં કસ્તુરબાનું પણ યોગદાન રહ્યું છે. કસ્તુરબાએ સત્યાગ્રહી બહેનોને તૈયાર કરી હતી અને એક ટુકડી બનાવી હતી. કસ્તુરબાની આગેવાનીમાં સુરત સહિતના દેશમાં સરઘસો નીકળ્યાં હતાં. દેશની આઝાદીની લડાઈમાં કસ્તુરબાએ પણ ઝંપલાવ્યું હતું અને તેમની ધરપકડ થઈ હતી તેમ જ સજા પણ થઈ હતી.

શ્રેષ્ઠ સંચાલક

ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમનું સંચાલન પહેલાં મગનલાલ અને ત્યાર બાદ કસ્તુરબાએ કર્યું હતું. આશ્રમનું સંચાલન કરતાં-કરતાં કસ્તુરબા આશ્રમવાસીઓનાં બા બની ગયાં. બાના વાત્સલ્યના કારણે બધા તેમને પ્રેમથી કસ્તુરબા કહેતા અને ધીરે-ધીરે આશ્રમનાં બા દેશ આખાનાં બા બની ગયાં હતાં.

લાંબી માંદગી બાદ આગાખાન મહેલમાં ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪માં કસ્તુરબાનું અવસાન થયું હતું.

આ પણ વાંચો : કૉલમઃવૃદ્ધતા સાથે વધુ સમૃદ્ધ બને છે ભાઈ-બહેનનો નાતો

બા બહુ હઠીલી હતી : ગાંધીજી

મહાત્મા ગાંધીજીએ કસ્તુરબા માટે લખ્યું છે કે ‘બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તો પણ તે પોતાનું ધાર્યું જ કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશ પણ રહેતી. પણ મારું જાહેર જીવન ઊજળું થતું ગયું તેમ-તેમ બા ખીલતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં-સેવામાં ભેદ ન રહ્યો અને બા એમાં તદાકાર થવા લાગી.’
આ વાતની નોંધ ‘ગાંધીજી અમદાવાદમાં’ પુસ્તકમાં છે.

mahatma gandhi columnists