આ બધું ગમતું નથી

20 July, 2025 04:03 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

માણેક મારા કરતાં વયમાં લગભગ ૨૫-૩૦ વર્ષ મોટા હશે અને આમ છતાં તેમની સાથે ગાળેલો સમય ભર્યો-ભર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી ભાષાનો કોઈ પણ સહજ સાહિત્યપ્રેમી કરસનદાસ માણેકના નામથી અજાણ હોય એવું તો બને જ નહીં. કેટલાંક વર્ષો પહેલાં કરસનદાસ માણેક જોડે કેટલીયે સાંજ અડધો-અડધો ચાનો કપ પીતાં-પીતાં રમણીય બની હતી એ યાદ આવે છે. માણેક મારા કરતાં વયમાં લગભગ ૨૫-૩૦ વર્ષ મોટા હશે અને આમ છતાં તેમની સાથે ગાળેલો સમય ભર્યો-ભર્યો હતો. માણેકના શેરની એક પંક્તિ આજે યાદ આવે છે. એ પંક્તિ આ પ્રમાણે છે:

નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે

બસ એને કારણે દુનિયામાં રેવું ગમે છે

- કરસનદાસ માણેક

થોડાક શબ્દોમાં તેમણે ટકોરાબંધ વાત કરી છે. જગતમાં આપણી આસપાસ જે કંઈ બને છે, બનતું રહે છે અથવા બનતું જાય છે આ બધું જ આપણને ગમતું હોય એવું તો નથી જ હોતું. મારી આસપાસ કશુંક બન્યું એ મને ન ગમ્યું હોય, પણ એ જ વખતે જે બન્યું છે એ બીજા કોઈને ગમ્યું પણ હોય. હવે જો આપણી આસપાસ જે બને છે એ બધાનો સરવાળો કરીએ પણ તરત જ નહીં ગમ્યું હોવાનું ટોટલ ભારે મોટું થઈ જાય છે અને આમ છતાં જે બને છે એનો સ્વીકાર કરવો રહે છે.

કરસનદાસ માણેક થોડાક શબ્દોમાં પરમાત્માને કહે છે, ‘હે પ્રભુ, તું જે કંઈ બનાવે છે એમાં મોટા ભાગે મને નથી ગમતું.’

આજકાલ આપણે અખબારોમાં વાંચીએ છીએ કે ગાઝાપટ્ટીમાં પીવાના પાણીનાં ટૅન્કરો દાખલ થઈ શકતાં નથી અને જ્યારે દાખલ થાય છે ત્યારે પાણી પીવા માટે આસપાસના લોકો હારબંધ ધસી આવે છે. જેમને પાણી પીવું છે એવાં કેટલાંક બાળકો આ હારમાં ઊભાં હતાં, ધક્કામુક્કી ચાલુ હતી ત્યારે શત્રુઓએ હુમલો કર્યો. ઘૂંટડા પાણીને બદલે આ બાળકોને મોત મળ્યું. આ વાંચતાંવેંત આપણે ધ્રૂજી જઈએ છીએ. આપણને આ લડી રહેલા શત્રુઓ વિશે કંઈ ગમો-અણગમો નથી. માત્ર આ રીતે માણસ જેવા માણસ પાણીને બદલે મોત આપે એ કેમ બને.

આ તો એક ઉદાહરણ છે. ગાઝાપટ્ટી સુધી પહોંચીએ નહીં અને આપણી આસપાસ જ નજર ફેરવીએ તો બળાત્કારના, અત્યાચારના, હિંસાના કેવા-કેવા અમાનુષી બનાવો બનતા જોઈ રહ્યા છીએ કે આપણને સહન નથી થતું. ઈશ્વરે આ વિશ્વની જે કંઈ ગોઠવણ કરી છે એ બધી આપણને કબૂલ મંજૂર છે. એ સિવાય આપણે કશું કરી શકીએ પણ નહીં. આપણી પૃથ્વી બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ પરમાત્માએ ધરી ઉપર ૨૩.૪ અંશે ગોઠવી. આ ગોઠવણમાં .૦૦૦૧નો પણ ફેરફાર થયો હોય તો આપણે ક્યાં હોત? (જેમને આ સમજાય નહીં તેણે જે. જે. રાવલસાહેબને પૂછી લેવું.) આ ઉપરાંત શહેરમાં, શેરીમાં કે આપણા પોતાના ઘરમાં પણ જે કંઈ બને છે એ બધું આપણને ગમે છે? ગમતું ન હોય તો પણ નથી ગમતું કહીએ છીએ ખરા?

અણગમતું તો છે, પણ...

આવા અપરંપાર અણગમા પણ છે જેની વચ્ચેથી આપણે પસાર થઈ જઈએ છીએ. જે નથી ગમતું એ નથી જ ગમતું અને આમ છતાં એનાથી મોં ફેરવી લઈને આપણે જુદા પડી જઈએ છે ખરા? આ નથી ગમતા વચ્ચે પણ ક્યાંક, કશુંક એવું રહ્યું હોય છે જે આપણને ગમે છે અને એટલે આ જે ગમે છે એનો એક અંશ પણ સાચવીને થોડુંક જીવી લેવાનું પણ મન થાય છે.

દુન્યવી સૃષ્ટિને એક તરફ મૂકો; જે ઘરગથ્થુ સૃષ્ટિ છે, જેની વચ્ચેથી આપણે રોજ પસાર થઈ છીએ એના પર એક નજર ફેરવી દઈએ. કેટલું બધું છે અણગમતું ચારે બાજુ. અખબાર વાંચતાં-વાંચતાં જાણે ઓકારી આવે છે. અરે! આ બધા વચ્ચે શી રીતે જીવી શકાય અને છતાં જીવાય છે.

વાલ્મીકિ ઋષિએ જ્યારે રામાયણ લખવાનો આરંભ કર્યો ત્યારે નારદ ઋષિએ તેમને કહ્યું હતું કે ‘હે ઋષિ, તમે ભલે કંઈ ન જાણતા હો, પણ માત્ર લખો. તમે જે લખશો એ સત્ય બનશે.’

કરસનદાસ માણેકે જે લખ્યું એ સત્ય પુરવાર થયું છે ખરું? જીવવું ગમે એવું બન્યું છે ખરું? જ્યારે જીવતા રહેવા માટે આવો ભારેખમ સંઘર્ષ, અંતર્વેદના થતી હોય ત્યારે શું કરવું? એક નાનકડી વાત જરા સંભારી લઈએ:

મોઢું ફેરવી લો

એક હતો રાજા. રાજા, વાજાં ને વાંદરા તો સરખાં જ હોય. આ રાજા રોજ સવારે પ્રજાજનો સાથે એક સભા ભરતો. બહારના ખુલ્લા મેદાનમાં પ્રજાજનો અને દરબારી અધિકારીઓ મળતા અને રાજાની સાથે વાતચીત કરતા.

હવે બન્યું એવું કે રોજ સવારે સૂર્યનો તડકો સામેની દિશાએથી આવીને આ સભામાં પડતો અને રાજાને પણ એ તાપ વસમો લાગતો. થોડા દિવસ પછી આ રાજાએ દીવાનને હુકમ કર્યો, ‘જાઓ, આ સૂર્યને જઈને કહો કે અમારા મોં પર તડકો ન આવવો જોઈએ.’

દીવાન માટે તો રાજાનો હુકમ સ્વીકાર્યા સિવાય છૂટકો જ ન હોય. તેણે રાજાને કહ્યું, ‘મહારાજ, સૂર્ય બહુ દૂર રહે છે. ત્યાં જઈને મને આવતાં છ મહિના લાગશે. હું સૂર્યને સીધોદોર કરી દઈશ.’

રાજાની આજ્ઞા લઈને દીવાન છ મહિના સુધી રાજ્યના હિસાબે અને જોખમે વિવિધ યાત્રાધામોમાં ફર્યો અને છ મહિના પછી પાછા ફરી તેણે રાજાને ખુશખબર આપ્યા, ‘મહારાજ, આપણી આજ્ઞા સૂરજે સ્વીકારી લીધી છે. હવે એ રોજ સવારે પોતાનાં સૂર્યકિરણો તમારા પર નહીં ફેંકે. એણે માત્ર એટલી જ શરત કરી છે કે કાલથી આપે મોં ફેરવીને બેસવું.’

‘ઓહો, એમાં શું!’ રાજા ખુશ-ખુશ થઈ ગયો. ‘સૂર્ય મારી વાત માને એનાથી મોટું શું છે! કાલથી આપણી બેઠક-વ્યવસ્થા ફેરવી નાખજો.’

બસ, પત્યું. રાજાને જે નહોતું ગમતું એ મળી ગયું. રાજાએ મોઢું ફેરવી લીધું એટલે તડકો પડતો બંધ થઈ ગયો. રાજા રાજી-રાજી.

બસ, આપણે પણ એટલું જ કરવાનું છે. આ રાજાની જેમ જે કંઈ અણગમતું છે એની સામે મોં ફેરવી લેવાનું. મોં ફેરવતાંવેંત બધું ગમતું નહીં થઈ જાય, પણ પેલો તડકો પડે છે એ ભૂલી જઈશું.

gujarati mid day columnists poetry dinkar joshi ramayan history