છ વર્ષમાં ૧૬ સર્જરી અને છતાં સીએ થયો આ યુવાન

26 August, 2022 05:41 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

આ પરિસ્થિતિમાં પણ આ યુવાન પોતાની હિંમત અને મનોબળ હેમખેમ રાખી કૉલેજ જાય છે, છ વર્ષના પીડાજનક સંઘર્ષ બાદ સફળતાપૂર્વક સીએ પણ થઈ જાય છે. તેની આ સંઘર્ષકથા અને વ્યથા અનેક લોકો માટે પ્રેરણાદાયી બને એવી છે

ધાર્મિક ખંભાયતા

એક દુર્ઘટનામાં કાંદિવલીના ધાર્મિક ખંભાયતાને બન્ને પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર થાય છે અને તેણે એક કે બે નહીં, કુલ સોળ સર્જરીમાંથી પસાર થવું પડે છે. આ પરિસ્થિતિમાં પણ આ યુવાન પોતાની હિંમત અને મનોબળ હેમખેમ રાખી કૉલેજ જાય છે, છ વર્ષના પીડાજનક સંઘર્ષ બાદ સફળતાપૂર્વક સીએ પણ થઈ જાય છે. તેની આ સંઘર્ષકથા અને વ્યથા અનેક લોકો માટે પ્રેરણાદાયી બને એવી છે

મનુષ્ય ધારે તો શું નથી કરી શકતો? ચંદ્ર પર જઈ શકે છે, એવરેસ્ટ સર કરી શકે છે અને મન મજબૂત કરી લે તો સંખ્યાબંધ સર્જરીઓની પીડા વચ્ચે પણ ભણીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ) બની શકે છે. હા, કાંદિવલીમાં રહેતા ૨૨ વર્ષના ધાર્મિક ખંભાયતાએ આમ જ કરીને દેખાડ્યું છે. મૂળ અમરેલીના મિસ્ત્રી જ્ઞાતિના ધાર્મિક સાથે ૧૬ વર્ષની નાની ઉંમરે એક એવી દુર્ઘટના ઘટી, જેણે તેના બન્ને પગનાં હાડકાંના ટુકડેટુકડા કરી નાખ્યા. આ ઘટના બાદ તે સારવાર નિમિત્તે છેલ્લાં છ વર્ષમાં સોળ સર્જરી કરાવી ચૂક્યો છે. બે-ત્રણ સર્જરી બાદ તો ભલભલા લોકો હતાશાની ગર્તામાં સરી પડતા હોય છે ત્યાં ધાર્મિકે પોતાનું મનોબળ બિલકુલ નબળું પડવા દીધું નહીં અને મલ્ટિપલ સર્જરીની પારાવાર પીડા વચ્ચે પણ સીએ બની મન હોય તો માળવે જવાય એ કહેવત પુરવાર કરી દેખાડી છે. 

વાતની શરૂઆત કરતાં ધાર્મિક કહે છે, ‘બાળપણમાં હું થોડો શરમાળ અને અંતર્મુખી સ્વભાવનો હતો. ભણવાનું ગમતું, પરંતુ એ પણ એટલા માટે કે એક વાર ભણી લો પછી નીચે જઈ સોસાયટીના મિત્રો સાથે મન ભરીને રમવા મળતું. આમ રમત-રમતમાં દસમું ધોરણ ૯૪.૪ ટકા માર્ક્સ સાથે પૂરું થઈ ગયું અને મને મુંબઈની એક નામાંકિત કૉલેજમાં કૉમર્સમાં ઍડ્મિશન પણ મળી ગયું, પરંતુ અગિયારમા  ધોરણના વેકેશને મારા જીવનની દિશા જ બદલી નાખી.’

આટલું કહી એ દિવસને યાદ કરતાં ધાર્મિક ઉમેરે છે, ‘વેકેશન દરમિયાન એક દિવસ હું બોરીવલી રહેતા મારા દાદાના ઘરે ગયો હતો. ત્યાં સવારના સમયે હું અને મારી કઝિન બહેન નીચે ગાર્ડનમાં હીંચકા પર બેસી વાતો કરી રહ્યાં હતાં. એવામાં અમારો હીંચકો જે સળિયા પર લટકી રહ્યો હતો એ આખો ને આખો આરસીસી પિલર જ તૂટીને અમારા પર પડ્યો.’ 
લગભગ એક ટન જેટલું વજન ધરાવતા એ પિલર નીચે બન્ને એવી રીતે ફસાઈ ગયાં કે કેમેય કરીને બહાર ન નીકળાય. સોથી દોઢસો માણસોએ સાથે મળીને જ્યારે એ પિલરને હટાવ્યો ત્યારે બન્નેને માંડ હૉસ્પિટલ લઈ જવાયા. ત્યાં ડૉક્ટરે ધાર્મિકની પ્રાથમિક તપાસમાં જ કહી દીધું કે તેને બન્ને પગમાં મલ્ટિપલ ફ્રૅક્ચર્સ થયાં છે, જેની સારવાર માટે મલ્ટિપલ સર્જરીની જરૂર પડશે. પરંતુ આ સંખ્યા સોળ હશે એની કલ્પના કદાચ ત્યારે ડૉક્ટરે પણ કરી નહોતી.

પહેલી બે સર્જરીમાં ધાર્મિકના બન્ને પગમાં આયર્નની પ્લેટ્સ નાખવામાં આવી. સાથે જ શરીરમાંથી ખરાબ લોહી બહાર કાઢવા માટે એક ખાસ પ્રકારનું મશીન પણ શરીર સાથે જોડવામાં આવ્યું. ઉપરાંત હીંચકાની સાંકળ પગમાં ફસાઈ જતાં ત્યાંની ત્વચા પણ સાવ ઉઝરડાઈ ગઈ હતી, જેની સારવાર માટે સ્કિન-ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું. થોડા સમય બાદ ડાબા પગના જે ભાગમાં આયર્ન પ્લેટ બેસાડી હતી ત્યાં ઇન્ફેક્શન થઈ જતાં ફરી ઑપરેશન કરી એને કાઢી નાખવી પડી. આટલું થતાં થતાં બે વર્ષ પૂરાં થઈ ગયાં. આ આખો સમય ધાર્મિક લગભગ પથારીવશ જ રહ્યો. તેમ છતાં તેણે સેલ્ફ-સ્ટડી ચાલુ રાખ્યો અને પગમાં પ્લાસ્ટર સાથે બારમાની બોર્ડની પરીક્ષા ૮૯.૩3 ટકા માર્ક્સ સાથે પાસ કરી. સાથે જ તેણે સીએની એન્ટ્રન્સ એક્ઝામ પણ ક્લિયર કરી. 

અલબત્ત, હજી તેના જીવનની કસોટી પૂરી નહોતી થઈ. જ્યાં પગનાં હાડકાંના તૂટેલા ભાગોને એકબીજા સાથે જોડવા ડૉક્ટરો એક પછી એક સર્જરી પ્લાન કરી રહ્યા હતા ત્યાં જ બીજી બાજુ જરૂરી અટેન્ડન્સના અભાવે કૉલેજ તેને એફવાયબીકૉમની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી નહોતી રહી. ધાર્મિકના વાલીઓએ કૉલેજની આ અસંવેદનશીલતા સામે હાઈ કોર્ટમાં કેસ કર્યો. આ કેસનો ચુકાદો તેમની તરફેણમાં આવતાં ધાર્મિકે એ કૉલેજમાંથી એફવાયબીકૉમ પૂરું તો કર્યું, પરંતુ ત્યાર બાદ કૉલેજ જ બદલી કાઢી.

બીકૉમ પૂરું થતાં સુધીમાં ધાર્મિકના પગ પર ૧૫-૧૬ સર્જરી થઈ ચૂકી હતી. તેમ છતાં તેણે વૉકરની મદદથી કૉલેજ જવાનું ચાલુ રાખ્યું, બીકૉમ તથા સીએનો અભ્યાસ ચાલુ રાખ્યો અને સાથે જ આશાવાદી બની રહેવાનું પણ ચાલુ રાખ્યું. અહીં ધાર્મિક કહે છે, ‘આ દુર્ઘટના બાદ મારી સામે બે જ વિકલ્પ હતા, કાં તો નસીબને દોષ દેતો રડ્યા કરું અથવા જે સામે આવ્યું છે એનો હસીને સામનો કરું. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો.’ 

ધાર્મિકના આ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે હજી ગયા મહિને જ તેણે સીએની ફાઇનલ એક્ઝામ પાસ કરી દીધી છે. સાથે જ હવે તેની સર્જરીઓની શૃંખલાનો પણ અંત આવ્યો છે. હવે તે કોઈ પણ સહારા વિના આત્મવિશ્વાસભેર એકલો હરીફરી શકે છે. અલબત્ત, ચાલતી વખતે ડાબો પગ થોડો ખોડંગાય છે, પરંતુ કસ્ટમાઇઝ્ડ શૂઝની મદદથી એ ખામી પણ ભરપાઈ થઈ જાય છે. 
હવે ધાર્મિકની ઇચ્છા બે-ચાર વર્ષ જૉબ કરી ફાઇનૅન્સમાં એમબીએ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરવાની છે. તે કહે છે, ‘છેલ્લાં છ વર્ષ ખૂબ જ કઠિન ગયાં છે. તેથી હવે થોડો સમય અભ્યાસમાંથી બ્રેક લેવા માગું છું. હવે કામ કરવું છે, અનુભવ મેળવવો છે અને થોડાંનાણાં જમા કરી યુરોપ ફરવા જવું છે.’

પેરન્ટ્સ છે રોલ મૉડલ

પોતાના મુશ્કેલ સમયમાં ધાર્મિક સતત સ્ટીવ જૉબ્સ, ઇલૉન મસ્ક, યુવરાજ સિંહ તથા એમ. એસ. ધોની જેવી પ્રતિભાઓની આત્મકથા વાંચી એમાંથી પ્રેરણા લેતો રહ્યો છે. તેમ છતાં પોતાનાં સાચાં આદર્શ તો તે પોતાના પિતા ચેતનભાઈ તથા માતા શોભાબહેનને જ માને છે, જેમના નિઃસ્વાર્થ પ્રેમના બળે જ પોતે આ મુસીબતનો સામનો કરી શક્યો હોવાનું ધાર્મિક માને છે. સાથે જ તે પોતાના એ મિત્રોનો પણ ખૂબ આભારી છે જેઓ સતત તેની પડખે ઊભા રહ્યા અને અભ્યાસમાં જ્યારે પણ મુશ્કેલી પડી ત્યારે ગુરુજનોની ખોટ પણ પૂરી કરી.

ધાર્મિકે વૉકરની મદદથી કૉલેજ જવાનું ચાલુ રાખ્યું અને બીકૉમ તથા સીએનો અભ્યાસ પણ પૂરી શિદ્દતથી કર્યો.

columnists falguni jadia bhatt kandivli