વાવ્યો હતો તુલસીનો છોડ, પણ ઊગી નીકળ્યું વટવૃક્ષ

07 November, 2020 12:11 PM IST  |  Mumbai | Deepak Mehta

વાવ્યો હતો તુલસીનો છોડ, પણ ઊગી નીકળ્યું વટવૃક્ષ

મુંબઈ સરકારના ગૃહ ખાતાના પ્રધાન કનૈયાલાલ મુનશી

વરસ ૧૯૩૮, મહિનો નવેમ્બર, તારીખ સાત, વાર સોમ. હા, આજથી બરાબર ૮૨ વરસ પહેલાંની આ વાત. એકાદ વરસ પહેલાં જ માટુંગામાં શરૂ થયેલી ગુરુ નાનક ખાલસા કૉલેજનો એક સભાખંડ. મુંબઈના કેટલાક અગ્રણી નાગરિકો અહીં ભેગા થયા છે. એ બધાથી વીંટળાયેલા બેઠા છે કનૈયાલાલ મુનશી. એક પછી એક ભાષણ થતાં જાય છે. મુનશી બોલવા ઊભા થાય છે. અને જાહેરાત કરે છે એક સંસ્થાની સ્થાપના કરવાની. જાણે એક નાનકડા કૂંડામાં તુલસીનો છોડ રોપાય છે. એ વખતે તો કોઈને ખ્યાલ નહોતો, મુનશીને પોતાને પણ નહીં હોય કે આજે જે વવાયું છે એ તુલસીનો છોડ નહીં પણ એક વટવૃક્ષ છે. એની ડાળીઓ દેશમાં અનેક જગ્યાએ અને દેશની બહાર પણ કેટલીક જગ્યાએ ફેલાવાની છે. એ દિવસે મુનશીએ માત્ર મુંબઈને જ નહીં, દેશ અને દુનિયાને એક કીમતી ભેટ આપી. એ ભેટનું નામ ભારતીય વિદ્યા ભવન. ભારતીય સંસ્કૃતિનાં બધાં પાસાંને આવરી લેતી અનેકવિધ પ્રવૃત્તિઓ આટલાં વર્ષોથી સતત કરતી રહેલી સંસ્થા મહાનગર મુંબઈ સિવાય દેશના બીજા કોઈ ભાગમાં ભાગ્યે જ જોવા મળે.

એ વખતે મુનશીની ઉંમર એકાવન વરસની. અત્યંત સફળ વકીલ તરીકેની કારકિર્દી પાછળ છોડી દીધી હતી. આઝાદી માટેની લડતમાં ઝંપલાવ્યું હતું અને ત્રણ વખત જેલમાં જઈ આવ્યા હતા. માર્ગદર્શક ભુલાભાઈ દેસાઈની સલાહ પ્રમાણે ૧૯૩૭ની મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ચૂંટાઈ આવ્યા હતા. બૉમ્બે પ્રોવિન્સની એ પહેલવહેલી દેશી, કૉન્ગ્રેસી સરકાર. મુખ્ય પ્રધાન હતા બી. જી. ખેર અને ગૃહ ખાતાના પ્રધાન બન્યા હતા મુનશી. જે બૉમ્બે હાઈ કોર્ટમાં વરસો સુધી વકીલાત કરેલી એ જ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પણ મતભેદ થયો ત્યારે મક્કમ ઊભા રહેલા. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. કેટલાંક અખબારોએ એમાં થયેલી હત્યાઓના આંકડા કોમ પ્રમાણે છાપ્યા. મુનશીએ એ અખબારોને આ વિશે ચેતવણી આપી. ત્રણ-ચાર અખબારોએ ચેતવણીનો અમલ ન કર્યો. એટલે મુનશીએ ફોજદારી ધારાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી કરવાને લગતો હુકમ કઢાવ્યો. એનો હેતુ સર્યા પછી ત્રણ-ચાર દિવસમાં એ હુકમ પાછો ખેંચી લીધેલો. પણ એક અખબારે એ હુકમ સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી મુખ્ય ન્યાયમૂર્તિ સર જૉન વિલિયમ બોમન્ટને મળ્યા. તેમણે વિજેતાની અદાથી કહ્યું : ‘મિસ્ટર મુનશી, તમારા હુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ મુનશીએ મક્કમતાથી જવાબ આપ્યો : ‘જો ફરી રમખાણો થશે અને મને જરૂર લાગશે તો હું ફરી એવો જ હુકમ બહાર પાડીશ. મારી ફરજ વ્યવસ્થા સ્થાપવાની છે. જો વ્યવસ્થા સ્થપાય તો જ તમે તમારી ફરજ બજાવી શકશો.’ એટલે એ દિવસે સ્ટેજ પર બેઠેલા તે ભરૂચના કનુભાઈ નહીં, પણ મુંબઈ સરકારના ઓનરેબલ હોમ મિનિસ્ટર કે. એમ. મુનશી. જોકે ૧૯૩૯ના નવેમ્બર સુધીમાં તો દેશમાંનાં બીજાં કૉન્ગ્રેસી પ્રધાન મંડળોની જેમ આ પ્રધાનમંડળે પણ રાજીનામું આપી દીધું હતું.

વાવતી વખતે તો તુલસીનો છોડ માનીને વાવેલો એટલે સાધનો, પૈસા પણ એક નાના છોડને જોઈએ એટલાં જ હતાં. પણ મુનશીમાં નાની વસ્તુ કે નાનકડા આરંભને પણ મહાન બનાવી દેવાની નિપુણતા હતી. અને ક્યાંકને ક્યાંકથી અણધારી મદદ મળી પણ રહેતી. એક દિવસ એક મેલોઘેલો માણસ મુનશીને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર-ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ કહે છે : ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મુનશીના મનમાં શંકા થઈ કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? એટલે કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર તે ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે : ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, ‘જોઈશું.’ એટલે પછી એ પૈસા મેં તાતા ડિફર્ડ શૅરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિન્દુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઈક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. તેમનું એ દાન બન્યું ભવનનાં સપનાંના વાવેતરનું બીજ.

ભારતીય વિદ્યા ભવનની સ્થાપના અને મુનશીએ ગુજરાતને આપેલો શબ્દ ‘ગુજરાતની અસ્મિતા’ એ બે વચ્ચે કેટલાકને વિરોધ દેખાય છે. ૧૯૨૩ના સપ્ટેમ્બરની બીજી તારીખે મુનશી સ્થાપિત સાહિત્ય સંસદનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું એના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં મુનશીએ ‘ગુજરાતની અસ્મિતા’ની વાત પહેલી વાર રજૂ કરી. આ વિચારને આજે કેટલાક ટૂંકી દૃષ્ટિનું પરિણામ ગણાવે છે. પણ મુનશીનો પ્રાદેશિક અસ્મિતાનો આ ખ્યાલ રાષ્ટ્રીયતાનો વિરોધી નહીં, પૂરક હતો. એ ભાષણમાં જ તેમણે કહેલું : ‘આર્યોના પ્રબળ આત્માએ આ બધા પ્રાંતોનાં જીવન અને સંસ્કારમાં એવી એકતાનતા આણી છે કે નિરાળા દેખાતા પ્રાંતો પર હિન્દી રાષ્ટ્રીયતાની નિશ્ચલ છાપ પડી છે. અને તેથી પ્રાંતીય અસ્મિતા મજબૂત થતાં રાષ્ટ્રીયતાનો વિકાસ અટકવાનો નથી.’

આઝાદી પછી વખત જતાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કૉન્ગ્રેસ સરકારે સ્વીકારી અને ભાષાવાર રાજ્યોની પુનર્રચનાના એક તબક્કે મુંબઈ રાજ્યને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વહેંચવાની માગણી ઊઠી. આ વિશે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયાં. ‘ગુજરાતની અસ્મિતા’ના આદિ પુરસ્કર્તા તરીકે મહાગુજરાતની ચળવળનું નેતૃત્વ કરવાની જ્યારે મુનશીને વિનંતી થઈ ત્યારે તેમણે તેમ કરવાની ઘસીને ન પાડી દીધી. ‘ગુજરાતની અસ્મિતા’નો સંકુચિત અર્થ જો તેમના મનમાં હોત તો તેમણે આમ કર્યું હોત ખરું? તેમણે આગેવાની લીધી હોત તો કદાચ ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન મુનશી બન્યા હોત.

ગુજરાતની અસ્મિતાની વ્યાપક ભાવનાને કારણે જ ૧૯૨૬માં મુનશીએ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં યોજવાનું આમંત્રણ પોતાની સાહિત્ય સંસદ દ્વારા આપ્યું. ત્યાં સુધીમાં મુંબઈમાં મુનશીનો વિરોધ કરનારાં જૂથો સક્રિય થઈ ચૂક્યાં હતાં. મુનશીએ જેમાં નવલકથા લેખનની શરૂઆત કરેલી એ ‘ગુજરાતી’ સાપ્તાહિક અને ગોવર્ધનરામ ત્રિપાઠીના દીકરા રમણીયરામ જેના મોભી હતા એ ‘સમાલોચક’ સામયિક મુનશીની સતત ટીકા જ નહીં, અંગત નિંદા પણ કરતા હતા. મુનશીને ભીડાવવા માટે વિરોધીઓએ આ અધિવેશનના પ્રમુખપદે ગાંધીજીનું નામ આગળ કર્યું. મુનશી રમણભાઈ નીલકંઠની તરફેણ કરતા હતા. મુનશી સીધા ગાંધીજીને જઈને મળ્યા, પોતાની વાત સમજાવી, અને પોતે પ્રમુખ થવા ઇચ્છતા નથી એવી મતલબનો કાગળ ગાંધીજી પાસેથી લઈ આવ્યા. અધિવેશનના પ્રમુખપદ વિશેનો નિર્ણય લેવા જ્યારે મીટિંગ મળી અને ગાંધીજીના નામની દરખાસ્ત રજૂ થઈ ત્યારે કશું બોલ્યા વગર મુનશીએ ખિસ્સામાંથી કાઢીને એ કાગળ ધરી દીધો. ૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ નોધારી થઈ ગઈ હતી ત્યારે મુનશી એને મુંબઈ લઈ આવ્યા. એના દ્વારા અનેક નવાં કામો કર્યાં અને કરાવ્યાં. પરિષદના ખોળિયામાં નવું ચેતન પૂર્યું. પણ આઝાદી પછી ગુજરાતી સાહિત્યની સંસ્થા મુંબઈમાં હોય એ ગુજરાતના કેટલાક લેખકોને ખૂંચવા લાગ્યું. મુનશી પર લોકશાહીવિરોધી અને એકહથ્થુ સત્તાનો આરોપ મૂકવામાં આવ્યો. અગાઉ ૧૯૩૬માં આ બાબતે પરિષદના પ્રમુખસ્થાનેથી ખુદ ગાંધીજીએ કહ્યું હતું : ‘મને તો ખબર જ છે કે ક્યાં ડેમોક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છુ કે સાહિત્ય પરિષદમાં ડેમોક્રસીના બધા નિયમો નહીં હોય. હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ડેમોક્રસીના ધોરણે ન જ ચાલી શકે. એમાં ડેમોક્રસીનું તત્ત્વ હશે, પણ નિયમો નહીં હોય.’

તો બીજી બાજુ પોતે શા માટે પરિષદથી અલગ થયા એ વિશે મુનશીએ ૧૯૬૨માં કહ્યું છે : ‘પરિષદની સેવા કરી રહેલી મારી પેઢી અને હવે આગળ આવી રહેલી ગુજરાતી સાહિત્યકારોની નવી પેઢી વચ્ચે અંતર પડવા લાગ્યું. ૧૯૫૨માં નવસારી પરિષદમાં આ અંતર વધ્યું. એ અધિવેશનમાં અલગ ગુજરાતનું સૂત્ર ન સ્વીકારવાની મારી સલાહનો અસ્વીકાર થયો. ગુજરાતની અસ્મિતા એ મારે મન અખિલ ભારતીય અસ્મિતાના સ્થાનિક અંશરૂપ જ હતી. પરંતુ નવી પેઢીના કેટલાક લેખકોનાં મન અને હૃદયમાં એ એક વિશિષ્ટ જૂથ-ભાવના બની રહી.’

ગુજરાતમાં પ્રચલિત થયેલી સંકુચિત પ્રાદેશિક ભાવના સાથે પોતાના વિચારોનો મેળ પડે તેમ નથી એમ લાગતાં મુનશીએ લેખકોના એક જૂથને ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ સોંપી દીધી. એ જ વર્ષે નડિયાદમાં મળેલા અધિવેશનના પ્રમુખપદેથી તેમણે કહ્યું હતું : ‘આપણે રાષ્ટ્રધર્મને ગુજરાતની અસ્મિતાનું સર્વોપરી અંગ માન્યું છે. જો ભારત અવિભાજ્ય રહેશે તો બધા પ્રદેશો તરી જશે. જો ભારત ભાંગશે તો કયો પ્રદેશ જીવતો રહેવાનો છે?’

અને છતાં વિરોધી વિચારો ધરાવનારા લેખકો પ્રત્યે પણ મુનશી કેવી ઉદાત્ત રીતે વર્તતા એનો એક દાખલો ૧૯૮૭માં પ્રગટ થયેલા ‘કનૈયાલાલ મા. મુનશી જન્મ શતાબ્દી અધ્યયન ગ્રંથ’માં પ્રગટ થયેલા લેખમાં આપણા અગ્રણી લેખક ગુલાબદાસ બ્રોકરે નોંધ્યો છે. મુનશીની જિંદગીનાં છેલ્લાં વર્ષોની એ વાત. તેઓ સારાએવા બીમાર હતા. એક દિવસ ગુલાબદાસ બ્રોકર ઘરે મળવા ગયા. ગુલાબદાસજી તો કૉલેજમાં ભણતા હતા ને કૉન્ગ્રેસના રાજકારણમાં પડેલા ત્યારથી મુનશી તેમને ઓળખે. બ્રોકરે કહ્યું : ‘મુનશીજી, એક કામે આવ્યો છું.’ ‘બોલો.’ થોડાં કાગળિયાં સામે ધરીને બ્રોકરે કહ્યું : ‘આપની થોડી સહીઓ લેવાની છે આ કાગળો પર.’ ‘લાવો.’ તેમણે પૂછ્યું નહીં કે શેના કાગળો છે કે શેને માટે સહી કરવાની છે. પણ બ્રોકરના હાથમાંથી કાગળિયાં લઈ લીધાં, પેન માગી અને કહ્યું : ‘બોલો, ક્યાં-ક્યાં સહી કરવાની છે?’ બ્રોકરે જ્યાં-જ્યાં બતાવ્યું ત્યાં-ત્યાં સૂતાં-સૂતાં, ધ્રૂજતે હાથે મુનશીએ સહી કરી આપી. પછી ‘પત્યું’ એટલું બોલી કાગળો બ્રોકરને પાછા આપી દીધા. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુંબઈમાંનું બૅન્ક ખાતું અમદાવાદ ખસેડવા વિશેનાં એ કાગળિયાં હતાં અને પરિષદના એક ટ્રસ્ટી તરીકે એના પર મુનશીની સહી અનિવાર્ય હતી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી બ્રોકર બોલ્યા : ‘આજ સુધી હું માનતો હતો કે આપ બહુ મોટા વકીલ છો, પણ આજે મને લાગે છે કે મારી એ માન્યતા ખોટી છે.’ મુનશી મોટેથી હસ્યા અને પૂછ્યું : ‘કેમ, હું નકામો વકીલ શી રીતે થઈ ગયો?’ બ્રોકરે કહ્યું : ‘કોઈ પણ સારો વકીલ પોતાની સામે પડેલા દસ્તાવેજો પૂરા જોયા વિના એમાં આ રીતે સહી ન કરે. પાંચ રૂપિયાની લેવડ-દેવડનો હોય તોયે. ને તમે તો આ કશું જોયા વિના મત્તું મારી દીધું.’ મુનશી પળવાર માટે સ્થિર નજરે બ્રોકરની સામે જોઈ રહ્યા. આંખ જરા ભીની થઈ હતી. પછી હળવે સાદે બોલ્યા : ‘ગુલાબદાસ, તમે સહી કરવા માટે મારી સામે કાગળો ધરો ને હું સહી કરતાં પહેલાં એની ચકાસણી કરવા બેસું એના કરતાં તો એ પહેલાં હું મરી જાઉં એ વધારે સારું નહીં?’

અને છતાં આજે પણ ગુજરાતના – ખાસ કરીને અમદાવાદના – ઘણા લેખકોએ પોતાના મનમાં મુનશીના નામ માટેની ઍલર્જી પાળી રાખી છે! મહાનગર મુંબઈ અને મહામના મુનશી વિશેની બીજી કેટલીક રસપ્રદ વાતો હવે પછી.

columnists deepak mehta