અંતર જનરેશનનું, વિચારોનું નહીં

09 October, 2019 03:33 PM IST  |  મુંબઈ | કલ, આજ ઔર કલ - ભક્તિ ડી દેસાઈ

અંતર જનરેશનનું, વિચારોનું નહીં

ભારતીબહેન પરિવાર સાથે

શું આજના જમાનામાં એવાં ઘર હોઈ શકે, જેના વડીલો અને બાળકોના વિચારોમાં, આહારમાં તથા જીવનશૈલીમાં અંતર જ ન હોય!? નવાઈ લાગે એવી જ બાબત છે, વાત કરીએ ૭૪ વર્ષની ઉંમરનાં પ્રવૃત્તિપ્રેમી, રીટાયર્ડ શિક્ષિકા ભારતી બીપીન શાહના પરિવાર સાથે, જેમની વચ્ચે કોઈ જનરેશન ગૅપ નથી. ભારતીબહેનના વિચારો એટલા આગળપડતા છે કે જો ઉંમર ન ગણકારીએ તો આગળની ચાર પેઢી એમને પોતાની એક સારી મિત્ર તરીકે સ્વીકારી શકે!બાળપણથી યુવાવસ્થા સુધીમાં ભારતીબહેને અનેક સમસ્યાઓનો સામનો કરી વિપરીત સંજોગોમાં પણ દીકરી, પત્ની, માતા તરીકેની કસોટીઓમાંથી પસાર થઈ શિક્ષિકા બની આ દરેક ભૂમિકા સમયસર અને ઉત્તમ રીતે નિભાવી.  

ભારતીબહેનને બે દીકરા છે. મોટા દીકરા દેવાંગ, એમની પત્ની રીટા તથા એમનો ૨૨ વર્ષનો  પુત્ર નિસર્ગ નજીકની સોસાયટીમાં જ રહે છે, જેથી જગ્યાની અગવડ ન થાય અને નાના દીકરા મિત્તલ, વહુ ફેનિકા તથા એમનો ૧૯ વર્ષનો પુત્ર ભવ્ય ભારતીબહેન તથા બીપીનભાઈની સાથે જ રહે છે. ભારતીબહેન તથા બન્ને દીકરાનો પરિવાર રજાઓમાં સાથે જ રહે છે અને ભોજન પણ સાથે જ લે છે, એથી એને સહિયારું કુટુંબ કહી શકાય. 

ભોજનના ગમા-અણગમા

પહેલી પેઢી : ભારતીબહેન કહે છે, ‘અમે દરેક રીતનું જમવાનું જમીએ. અમારું દેશી ભોજન ફેનિકા બનાવે અને રજાને દિવસે નિસર્ગ અને ભવ્યને ગમે એવું કોન્ટીનેન્ટલ પણ બને.’

બીજી પેઢી : નાની પુત્રવધૂ ફેનિકા એમના પિયરમાં માતા-પિતાની એકની એક દીકરી છે, પણ લગ્ન પહેલાં પરિવાર સહિયારો હતો એથી એમને પણ દેશી ભોજનની આદત પિયરથી જ હતી. ફેનિકા કહે છે, ‘અમે જમવામાં વાલોળ, કારેલા, વટાણા, ગુવાર, રીંગણાનો ઓળો જેવાં શાક, અલગ-અલગ દાળ, રોટલી, ભાખરી, રોટલા - આ બધું બનાવીએ અને ભવ્ય પણ આ જ દેશી જમવાનું ખુશી-ખુશી ખાય. ભવ્યની ઉંમરના છોકરાઓ બર્ગર, ફ્રેંચફ્રાઈઝ, નાચોઝ, પિત્ઝા, પાસ્તા આ બધું વધારે પ્રમાણમાં ખાતા હોય છે, પણ ભવ્ય ઘરનું સાદું જમવાનું જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી વધારે પસંદ કરે છે. એને તથા અમને વિવિધતા મળે એટલે અઠવાડિયામાં એક વાર નવી વાનગી પણ હું બનાવું. ભવ્યને પણ રસોઈ કરવાનો શોખ છે.’ 

ત્રીજી પેઢી : ભવ્ય થોડી વ્યસ્તતામાં જવાબ આપતાં બોલ્યો, ‘દાદા-દાદીને ભાવે એ હું ખાવું અને હું જે કોન્ટીનેન્ટલ ફૂડ બનાવું એ દાદા-દાદી પણ જમે. મને ટીવી પર અથવા ઇન્ટરનેટના વીડિયોઝમાં કૂકિંગ શૉઝ જોઈ વિવિધ વાનગીઓ જેમ કે પાસ્તા, લઝાનીયા, પિત્ઝા બનાવવાનો શોખ છે. એક વાત છે કે મને કૂકિંગ શૉમાં  બધી વસ્તુઓ તૈયાર મૂકે, એમ સામાન તૈયાર જોઈએ. એથી મમ્મીને  લિસ્ટ આપી દઉં અને એ સામાન લાવી આપે તો જ હું વાનગીઓ બનાવું.’

ભારતીબહેન એમના બાળપણ તરફ વળ્યા અને કહ્યું, “વર્ષો પહેલાં લોકોનું જીવન સાદગીભર્યું હતું અને પરિવાર મોટા હોવાથી પરિસ્થિતિ સામાન્ય રહેતી. હું પણ આવા જ એક પરિવારમાંથી પાંચ ભાઈ-બહેનોમાં સહુથી નાની દીકરી હતી.”

રમતો વિશે

પહેલી પેઢી : ભારતીબહેન કહે છે, ‘મારુ બાળપણ જવાબદારીભર્યું હતું કારણ કે પપ્પા વહેલા અવસાન પામ્યા હતા. એથી એમનું સાંનિધ્ય અમને વધારે વર્ષો સુધી મળ્યું નહીં, પણ બાએ ઘરને ખૂબ સારી રીતે સંભાળ્યું. પ્રગતિશીલ વિચારો માતાની દેણ છે. જોકે એમાં પણ રમત-ગમતમાં હું આગળ હતી. મે રમેલી રમત આજનાં બાળકો નહીં રમ્યા હોય, પણ મારા દીકરાઓ તથા ભવ્ય અને નિસર્ગ પણ રમે છે.’ 

બીજી પેઢી : ફેનિકા પણ આ બધી રમતો જાણે છે, એ સમજાવતાં કહે છે, ‘સાતોડિયું, જે લગોરી તરીકે પણ ઓળખાય છે, પગથિયાં, પાંચિકા, દોરડાં, આ બધી રમત ભવ્ય ને નિસર્ગ તથા અમારી બિલ્ડિંગનાં બાળકો ઘણી વાર રમે છે. અમને રમતનો એટલો શોખ છે કે મમ્મી (ભારતીબહેન) અને હું સમય મળે ત્યારે એમના દાદા-દાદી પાર્કમાં મોટી ઉંમરના વડીલોને રમાડવા વિવિધ હાઉઝી બનાવીએ છીએ, જેમાં ગીતો સાથે વિવિધ વાનગીઓનાં નામ જોડી એને નંબર આપીએ.’

તેઓ મરીન લાઇન્સ પાસે આવેલી પારસી ડેરી પાસે રહેતાં. રમૂજી સ્વભાવનાં ભારતીબહેન એમના બા વિષે એક રસિક કિસ્સો કહેતાં બોલ્યાં, ‘મારાં બાએ સ્વાતંત્રતાની લડાઈમાં છ મહિના જેલમાં ગયાં હતાં. મારાં બા પ્રગતિશીલ વિચારોવાળાં હતાં એથી સ્વતંત્રતાની ચળવળમાં સહભાગી થયેલાં અને એ વખતે સ્વતંત્રતા માટે લડનારા લોકોને જેલ થવી સામાન્ય વાત હતી. મજાની વાત એટલે એમનો કારાવાસ એમના માટે સુવર્ણસંધી બની ગયો હતો. કારણ, એમને કસ્તુરબા સાથે જેલમાં છ મહિના રહેવા મળ્યું! મારાં બા નવું જાણવાનાં, ભણવાનાં ખૂબ શોખીન એટલે દુનિયાથી વિખૂટા રહેવાની એમને મળેલી આ સજાને એમણે કસ્તુરબા પાસેથી અંગ્રેજી શીખવાની તકમાં પરિવર્તિત કરી દીધી હતી.’ 

ભારતીબહેને લગ્ન પછી અભ્યાસ કઈ રીતે કર્યો અને શાળામાં ટીચર કેવી રીતે બન્યાં, એ વિષે તેઓ કહે છે, ‘મારાં બાની જેમ હું પણ ભાષાપ્રેમી છું. જ્યારે હું સોળ વર્ષની હતી ત્યારે મારી સગાઈ થઈ અને અઢારમે વર્ષે લગ્ન! વાંચન, જ્ઞાન મેળવવું, ડાન્સ, નવા લોકોને મળવું - આ મારા શોખ! લગ્ન થયાં ત્યારે માંડ એસ.એસ.સી. પૂરું કર્યું હતું. પિયરથી મારી વિદાય થઈ પણ મારા સંઘર્ષે મારો સાથ સાસરામાંએ ન છોડ્યો. કાલબાદેવીમાં ભાડાના નાનકડા ઘરમાં અમે લગભગ આઠ જણ રહેતાં. મારા પતિ બિપીન મિકેનિકલ એન્જિનિયર છે અને એમણે મને પહેલેથી જ ખૂબ સાથ આપ્યો. એમનો સ્વભાવ પણ બદલાતાં સમયને સ્વીકારીને ચાલવાનો રહ્યો છે. એ ફિયાટ ઑટોમોબાઇલ્સમાંથી નિવૃત્ત થયા અને ઘણી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કર્યું.’ 

તહેવારોની મજા

પ્રસંગોની વાત કરતાં દિવાળીના નાસ્તા વિષે ભારતીબહેને યાદ કરાવ્યું, “પહેલાં ચેવડો, મઠિયાં, પાપડી, ઘૂઘરા, ચોરાફળી, સક્કરપારા, મોહનથાળ, સુંવાળી સેવ, મગજ - એમ જાતજાતના નાસ્તા બનતા. અમારા ઘરમાં વહુઓ પણ આ બધું જ બનાવે છે અને મને એ વાતનો ગર્વ છે.”

બીજી પેઢી : અહીં ફેનિકા કહે છે, ‘અમે જોયું કે પહેલાં જે રીતે દિપાવલીમાં આડોશ-પાડોશમાં નાસ્તા મોકલાવતા, એવા વાટકી-વહેવાર માટે હવે પ્રતિસાદ નથી મળતો. લોકોને ખાસ આવા વહેવાર હવે પસંદ નથી, એવું લાગે છે, પણ અમે આજેય એ દિવસોને નથી ભૂલી શકતા.’

તહેવારોમાં પહેલાં જેટલા મહેમાનો આજે પણ ભારતીબહેનને ઘરે આવે છે. મહેમાનોની બાબતમાં અહીં સમય બદલાયો નથી. પહેલાંની પેઢીની જેમ ઘરે આવનારા મહેમાનોની પહેલાં જેવી જ આગતાસ્વાગતા થાય છે. 

ફેનિકા આ વિષે કહે છે, “તમને આશ્ચર્ય થશે કે અમારે ઘરે દોઢ દિવસના ગણપતિમાં દર વર્ષે લગભગ ૮૦૦થી વધારે મહેમાનો હોય છે. દાદા-દાદી પાર્કમાં મારાં મમ્મી ઘણાં કાર્યરત છે, એમને નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા ‘વૃંદા મહિલા મંડળ’ ચાર સખીઓ સાથે શરૂ કર્યું. આજે પંદર વર્ષ પછી એમાં પણ સભ્યોનો ખૂબ વધારો થયો, તેઓ યોગ શીખવાડવા પણ જાય છે અને ત્યાં પણ તેઓ એટલાં જ કાર્યરત છે. પપ્પાના પણ ઘણા મિત્રો છે. એને કારણે અમારે ઘણા લોકો સાથે સંબંધ અને સંપર્ક છે. એથી જ અમારું ઘર તહેવારોમાં પહેલાંના જમાનાના લોકોની જેમ મહેમાનોથી ભર્યું હોય છે, એની અમને ખૂબ ખુશી છે.”

ભારતીબહેનના પરિવારના દરેક સદસ્ય સમાન વિચારધારા ધરાવે છે. વડીલ એમનાથી નાના સભ્યોને સમજે છે અને નાના સભ્યો વડીલોના વિચારોને અનુસરે છે. આ પરિવારને મળીને ખાતરી થાય છે કે પેઢીઓ વચ્ચે કોઈ અંતર નથી અને એનો શ્રેય દરેક સભ્યને જાય છે.

જ્યારે ઘર લીધું

વર્ષ ૧૯૬૯માં ભારતી શાહનાં પરિવારે ઘર લેવાનો નિર્ણય કર્યો. બોરીવલી પશ્ચિમના જામલી ગલીમાં વન રૂમ કિચન રૂ. ૧૨,૦૦૦ના ભાવે મળી ગયા. જોકે સ્થિતિ નહોતી એમ જણાવીને ભારતીબહેન કહે છે, ‘અમારી પાસે હિંમત સિવાય કોઈ મૂડી ન હતી. મારી ફ્રેન્ડે કહેલું એક વાક્ય મારા વ્યક્તિત્વનું વર્ણન અને મારા જીવનનું સૂત્ર બની ગયું હતું: ‘ભારતી તું ન હારતી’. દર મહિને ૪૦૦ની આવકમાંથી ૩૦૦ રૂપિયા ઘરપેઠે ભરવા પડે. દીકરો એક વર્ષનો હતો અને ૧૦૦ રૂપિયામાં મારે આખો મહિનો ઘર ચલાવવાનું હતું. બધાનું પેટ ભરાય અને ઘરખર્ચમાં રાહત થાય એટલે આખું અઠવાડિયું બન્ને ટંક ચા-પાંવને દૈનિક આહારમાં અમે સ્થાન આપ્યું. અમારી પાસે વાસણ પણ આંગળીને વેઢે ગણાય એટલાં જ હતાં. માત્ર એક સ્ટોવ હતો, એક મારી મમ્મીના ઘરની કાંસાની થાળી અને નાનો ડિનર સેટ. ફક્ત રવિવારે એક ટંક આખી રસોઈ બનાવવી, એવો અમારો નિયમ! આમ, સાડા ત્રણ વર્ષ અમે ચા-પાંવ ખાઈને કાઢ્યાં અને ધીરેધીરે બિપીનનું પ્રમોશન થયું, મેં ઘરના ખર્ચાને પહોંચી વળવા ફિનાઇલ, સાબુ બનાવવાનું કામ શરૂ કર્યું અને ભણતર પણ શરૂ કર્યું. એ દરમ્યાન દીકરી મિત્તલનો જન્મ પણ થઈ ગયો હતો. ખર્ચો અને જવાબદારી બમણી થઈ ગઈ. આમ, કરકસર કરતાં મેં પહેલાં ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટસ્ટિક્સમાં બી.એ.ની ડિગ્રી લીધી.

આ પણ વાંચો : ઔર ભલા ક્યા માંગું મૈં રબ સે, મુઝે તેરા પ્યાર મિલા

ગુજરાતી તથા હિન્દીમાં એમ.એ. કર્યું અને ગુજરાતી અને સોશિયલ સાયન્સ વિષય લઈ બી.એડ્. પણ કરી લીધું અને મને વર્ષ ૧૯૭૬માં એમ. કે. હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી મળી. આગળનું જીવન હસતાં-રમતાં થોડા-ઘણા સંઘર્ષો સાથે ચાલતું રહ્યું. મારા જીવનનું સૂત્ર જ એ છે કે હરો, ફરો ને મજા કરો. જુવાનીના આટલા પડકારો પછી પણ મારું જીવન ખૂબ સુખી છે. અમે અમેરિકા, લંડન, દુબઈ, સિંગાપોર, મલેશિયા અને ભારતમાં ચાર ધામ જેવી અનેક સફર કરી છે.’

columnists