આજે પણ હડકવા પર કન્ટ્રોલ કેમ નથી?

28 September, 2022 02:21 PM IST  |  Mumbai | Jigisha Jain

હડકાયા કૂતરાના કરડવાથી હડકવા થાય અને વ્યક્તિ મરી શકે એ સત્યથી આપણે વર્ષોથી અવગત છીએ. આટલી જાગૃતિ છતાં ભારતમાં હડકવાને કારણે લોકો આજે પણ મરી રહ્યા છે. આજે જાણીએ કે આ સમસ્યા કેમ આટલી ગંભીર છે અને એનું કાયમી સોલ્યુશન શું હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

દસ દિવસ પહેલાં પુણેમાં ૧૪ વર્ષના છોકરાને શેરીનું કૂતરું કરડ્યું હતું અને તેનાં માતા-પિતાએ તેના પર ખાસ ધ્યાન ન આપ્યું. તેના ઘાવ પર ફક્ત હળદર લગાડતાં રહ્યાં અને એ છોકરાને હડકવા થઈ ગયો, જેને લીધે મૃત્યુ પામ્યો હતો. એના ૪-૫ દિવસ પછી જ ૬૭ વર્ષનાં એક બહેનને પણ મોઢા પર કૂતરું કરડ્યું હતું. દરેક પ્રકારની ટ્રીટમેન્ટ લીધા પછી પણ તેમને બચાવી શકાયાં નહોતાં. આમ એક જ અઠવાડિયામાં પુણે જેવા ઍડ્વાન્સ શહેરમાં બે જણનાં મૃત્યુ હડકવાને લીધે થયાં હતાં. લેટેસ્ટ રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડના એક વર્ષની અંદર હડકવાના કેસ બમણા થઈ ગયા છે. 

દેશમાં પરિસ્થિતિ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ દુનિયામાં હડકવાના કારણે નોંધાતા મૃત્યુદરમાં ૩૬ ટકાનું યોગદાન ભારત તરફથી છે એટલે કે એટલાં મૃત્યુ ભારતમાં થાય છે. લગભગ ૨૦,૦૦૦ લોકો હડકવાને કારણે દર વર્ષે મૃત્યુ પામે છે. ભારતમાં શેરીમાં રખડતા કૂતરાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. એક અંદાજિત આંકડા મુજબ ત્રણ કરોડથી વધુ સ્ટ્રે ડૉગ્સ ભારતમાં છે જે માણસો સાથે જ હજારો વર્ષોથી જીવે છે. 

હાલમાં કેરલામાં ૧૨ વર્ષની દીકરી હડકવાને કારણે મૃત્યુ પામી એટલે ફરી એક વાર દેશભરમાં આ રોગ માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ વર્ષે એકલા કેરલામાં ૧ લાખ લોકોને કૂતરું કરડ્યું હતું અને ૨૧ લોકો હડકવાને કારણે મૃત્યુ પામ્યા હતા. 

હડકવા માટે ઇન્જેક્શન્સ 

કૂતરું કે બીજું કોઈ પ્રાણી કરડવાથી વ્યક્તિને જે ઘાતક વાઇરલ ઇન્ફેક્શન થાય છે એને રેબીઝ એટલે કે હડકવા કહે છે. આ રોગનો કોઈ ઇલાજ નથી, પણ હા એને રોકી શકવાનો આપણી પાસે એક જ માર્ગ છે અને એ છે રસી. હડકવાની રસી કૂતરું કરડે એના ૨૪ કલાકની અંદર જ તરત લઈ લેવી જરૂરી છે. એના સિવાય કૂતરું કરડી જાય પછી હડકવા ન થાય એના માટે પાંચ ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવે છે. સૌથી પહેલું ઇન્જેક્શન જ્યારે કૂતરું કરડે કે તરત અથવા એ જ દિવસે દેવું જરૂરી છે. પછી કરડ્યાના ત્રીજા દિવસે, સાતમા દિવસે, ૧૪મા દિવસે અને છેલ્લું અઠ્યાવીસમા દિવસે લેવાનું હોય છે. પાંચ ઇન્જેક્શનનો આ ડોઝ પૂરો કરવો ખૂબ જરૂરી છે. એને અધવચ્ચેથી છોડી દઈએ તો હડકવાથી સંપૂર્ણ રીતે બચી ન શકાય. આ ઉપરાંત એક વાર કૂતરું કરડ્યું અને પાંચ ઇન્જેક્શન લઈ લીધા બાદ એક વર્ષની અંદર ફરીથી એ કરડે તો ફક્ત બે ઇન્જેક્શન જ લેવાં પડે છે. કૂતરું હડકાયું છે કે નહીં એ ખબર ન હોવાને કારણે જો તમને ક્યારેય પણ એ કરડે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન લઈ જ લેવાં
હિતાવહ છે. 

પ્રાણીઓમાં રસીકરણ 

રેબીઝ એક એવો રોગ છે જે પ્રાણીઓમાં થાય છે. મોટા ભાગે એ કરડવાથી થાય છે, પરંતુ જરૂરી નથી કે કોઈ પણ કૂતરા કે પ્રાણીના કરડવાથી રેબીઝ થાય. પ્રાણીને ખુદને રેબીઝ હોય તો એ બીજા પ્રાણી કે મનુષ્યને આ રોગ આપી શકે છે, જેના માટે દરેક પ્રાણીને રસી આપવી જરૂરી છે. જે વ્યક્તિઓ પ્રાણીઓના સંપર્કમાં વધુ આવતી હોય તેઓ પણ આ રસી લે છે. એ વિશે વાત કરતાં પ્રાણીઓના ડૉક્ટર ડૉ. જિનેશ શાહ કહે છે, ‘પ્રાણીઓને દર વર્ષે રેબીઝની રસી આપવી જરૂરી છે પરંતુ દર વર્ષે એમને રસી આપવાનું આ કામ એટલું ગંભીરતાથી પૂરું થતું નથી જે થવું જોઈએ. ઘણા પાળતુ પ્રાણીઓને પણ લોકો દર વર્ષે રસી આપતા નથી તો પછી શેરીમાં રખડતા શ્વાનોની તો ક્યાં વાત કરીએ. અમે પ્રાણીઓના ડૉક્ટર્સ અને પ્રાણીઓ સાથે સતત સંપર્કમાં રહેતા લોકોએ પણ દર વર્ષે આ રસી લેવાની હોય છે. આ બાબતે ગંભીર થઈએ તો હડકવાનો પ્રશ્ન ઘણી હદે કાબૂમાં લઈ શકાય.’ 

સુપ્રીમ કોર્ટમાં કેસ 

શેરીમાં અનહદ ભસતા, રોડ પર ગાડીની પાછળ ભાગતા અને કોઈ પણ વ્યક્તિને ગમે ત્યાં બચકું ભરી લેતા શેરી કૂતરાઓના કિસ્સાઓ આપણા માટે નવા નથી, જ્યારે સામે પક્ષે એમના પર માણસો દ્વારા જ થતી ક્રૂર હિંસાના વિડિયોઝ પણ એટલા જ જોવા મળે છે જે હજારો વર્ષોથી એક સોહાર્દપૂર્ણ સંબંધમાં ભંગ થયાની ચાડી ખાય છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો હડકવાને લીધે કેરલાની ૧૨ વર્ષની છોકરીના થયેલા મૃત્યુ પછી ઉખેળવામાં આવેલો, જેના માટે જસ્ટિસ સંજીવ ખન્ના અને જે. કે. મહેશ્વરીની બેન્ચ દ્વારા એ સજેશન આપવામાં આવ્યું છે કે કૂતરાઓની વધતી સંખ્યા એક પ્રૉબ્લેમ છે જેના માટે લોકલ ઑથોરિટી અને કાનૂન જવાબદાર છે. કોર્ટે લોકોને સહાનુભૂતિ અને દયા વચ્ચેનો ભેદ સમજવાની સલાહ આપી. કેરલા સરકારને કૂતરાઓની વસ્તીને કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપવામાં આવી. 

કૂતરાની વસ્તી પર કાબૂ 

પણ શું એનાથી કામ પતી જશે? એ વિશે ચોખ્ખી ના પાડતાં ડૉ. જિનેશ શાહ કહે છે, ‘બર્થ કન્ટ્રોલ મેથડ્સ ઘણી અસરકારક છે. એનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ એમાં કોઈ બેમત નથી. આ એક લાંબા ગાળાનું કાયમી સોલ્યુશન છે પરંતુ એ પ્રશાસને કરવાનું છે. એના સિવાય આપણે સિટિઝન તરીકે શું કરી શકીએ એ પણ વિચારવાનું છે. કૂતરાની વસ્તી કાબૂમાં લાવવા માટે શેરી કૂતરાની માલિકી, ખોરાકની સુલભતા કે અવેલેબિલિટી ઘટાડવી અને કચરાનું યોગ્ય મૅનેજમેન્ટ કરવું પણ જરૂરી છે. સમજવા જઈએ તો કૂતરાઓ ત્યાં વધુ આવશે જ્યાં એમને ખોરાક મળી રહેશે. જે એરિયામાં કચરાના ઢગલેઢગલા જોવા મળશે એ એરિયામાં કૂતરાઓની સંખ્યા ઘણી વધુ રહે છે. એટલે આપણે કચરાને રોડ પર ફેંકવાને બદલે ડસ્ટબિનમાં ફેંકીએ એ જરૂરી છે. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં શેરી કૂતરાઓ માફકસર જ હશે એ હકીકત છે.’ 

ખવડાવવું કે નહીં?  

મે મહિનામાં દિલ્હી હાઈ કોર્ટે કૂતરાઓને રેસિડેન્શિયલ એરિયામાં એમને ખોરાક આપવાની પરમિશન આપી હતી. જે બાબતે કોર્ટે કબૂલ્યું હતું કે એને કારણે ચોક્કસ કૂતરાઓની જનસંખ્યામાં વધારો થશે, જે ઇચ્છનીય નથી. પરંતુ પ્રાણીઓને પણ ડિગ્નિટી સાથે જીવવાનો અધિકાર છે. જ્યારે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેરલાની છોકરીને લઈને જે અપીલ થઈ હતી એમાં કહેવામાં આવેલું કે જો આવો કોઈ અણબનાવ બને તો એ કૂતરાને ખોરાક આપનાર લોકોને એને માટે જવાબદાર ઠેરાવી શકાય. એ જોતાં કહી શકાય કે નવાઈ નથી કે જેમ મુંબઈમાં કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ છે એમ થોડા સમયમાં કૂતરાઓને ખોરાક આપવા પર પણ પ્રતિબંધ આવી જાય. 

શું કરી શકાય? 

કૂતરાઓને હાડકાવા, એમનાથી દૂર રહેવું કે એમને સમાજથી દૂર કરવા એ કોઈ ખાસ સોલ્યુશન નથી. ઘણા લોકો હડકવાને કારણે કૂતરાઓને નફરત કરે છે અને એને રંજાડે છે, મારે છે, જે ખોટું છે એમ સમજાવતાં ડૉ. જિનેશ શાહ કહે છે, ‘પહેલી વાત તો એ કે જો તમારા એરિયામાં કોઈ કૂતરું હોય કે બે-ચાર કૂતરા હોય એને જો તમે ખવડાવવાની જવાબદારી લીધી છે તો એને વૅક્સિન આપવવાની અને બર્થ કન્ટ્રોલ માટેની એની સર્જરી પણ કરાવવાની જવાબદારી તમે તમારા એરિયાના લોકો માટે લો. એ બન્ને બાબતો કૂતરાને ખાવાનું ન આપવા કે એને મારીને ભગાડી દેવા કરતાં બેટર સોલ્યુશન છે. ઊલટું જે કૂતરું તમારા એરિયામાં છે એને તમે ઓળખો છો તો એ કૂતરું બહારના કૂતરાઓને તમારા એરિયામાં નહીં આવવા દે. આમ એ જાણીતું, વૅક્સિન ધરાવતું કૂતરું કે કૂતરાઓ તમારા એરિયામાં હશે તો ઊલટું કોઈ તકલીફ નહીં થાય.’ 

શેરી શ્વાનોની સંખ્યા પર કાબૂ જરૂરી

ઑગસ્ટમાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ એક અરજીના જવાબમાં લેખિતમાં આપ્યું હતું કે મુંબઈમાં ગયા વર્ષે ત્રણ લાખ લોકોને શેરી કૂતરું કરડ્યું હતું, જેના ઉપાય સ્વરૂપે તેમણે ઍનિમલ બર્થ કન્ટ્રોલ સર્જરી માટે સ્ટરિલાઇઝેશન સેન્ટર્સ વધારવાની વાત કરી હતી. કૂતરાની સંખ્યા ઓછી હશે તો રસીથી કાબૂ કરવાનું સરળ બનશે.

columnists Jigisha Jain