જનસંઘના ઉમેદવાર વિનોદ જાની અને કાર્યકર નરેન્દ્ર મોદી

08 October, 2019 02:38 PM IST  |  મુંબઈ ડેસ્ક | જે જીવ્યું એ લખ્યું: સંજય ગોરડિયા

જનસંઘના ઉમેદવાર વિનોદ જાની અને કાર્યકર નરેન્દ્ર મોદી

કનોડિયા કથા: મહેશકુમાર અને નરેશ કનોડિયાનો સંઘર્ષ એવો તો રોમાંચક છે કે જો કોઈ ધારે તો એના પર ફિલ્મ બનાવી શકે.

જે જીવ્યું એ લખ્યું

‘તમે અમારા શો કરતા નથી તો આમાં અમારું ઘર કેમ ચાલે?’
મહેશકુમાર ઍન્ડ પાર્ટીના શોને મળતા રિસ્પૉન્સને જોઈને શાંતિભાઈ દવેએ કિશોરકુમારના શોનું કામ શાહ-ત્રિપુટીને સોંપ્યું અને એ પછી કિશોરકુમારની સક્સેસને લીધે શાહ-ત્ર‌િપુટીએ મહેશકુમાર ઍન્ડ પાર્ટીની અવગણના શરૂ કરી દીધી. મહેશકુમાર ઍન્ડ પાર્ટી પણ ખૂબ ચાલતી અને હાઉસફુલ શો લેવા માંડી હતી, પણ પછી શાહબંધુઓ મહેશ કનોડિયા સાથે થોડું દુર્લક્ષ કહેવાય એવું વર્તન કરવા લાગ્યા અને કિશોરકુમાર સ્ટાર બની ગયા પછી તો આખું વર્તન જ બદલાઈ ગયું હતું. થોડો વખત મહેશ કનોડિયાએ રાહ જોઈ, પરંતુ પછી પણ કોઈ સુધારો ન થયો એટલે તેઓ શાહભાઈઓ પાસે ગયા અને જઈને તેમણે કહ્યું કે ‘તમે અમારા શો કરતા નથી તો આમાં અમારું ઘર કેમ ચાલે?’
શાહભાઈઓએ ગલ્લાંતલ્લાં કર્યાં એટલે મહેશભાઈએ કહ્યું કે એમ ન ચાલે, તમે અમારી સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે. અભય શાહ અને રાજુ શાહની કમાન છટકી. તેમણે કૉન્ટ્રૅક્ટ મગાવ્યો અને મહેશભાઈની સામે જ તેમણે એને ફાડી નાખ્યો અને કહ્યું, ‘લે ભાઈ, આ તારો કૉન્ટ્રૅક્ટ ફાડી નાખ્યો. આજથી તું છુટ્ટો અને અમે પણ છુટ્ટા.’
હકીકત તો એ હતી કે આ કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ જાય એ મહેશભાઈને પણ જોઈતું હતું. પાર્ટી ખૂબ સારી ચાલતી હતી એટલે તેમને પોતે શો કરવા હતા, જે આ શાહબંધુઓ આપતા નહોતા. કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો એટલે મહેશભાઈ આવ્યા પારસ પબ્લિસિટીવાળા વસાણીકાકા પાસે. એ સમયે રુદ્ર દેસાઈ નામના એક ભાઈ હતા, જે આ પ્રકારના મ્યુઝિકલ શો કરતા. વસાણીકાકાએ મહેશભાઈ અને આ રુદ્ર દેસાઈને ભેગા કરી દીધા અને રુદ્રભાઈને કહ્યું કે તું આમનો મૅનેજર બની જા.
આમ મહેશકુમાર ઍન્ડ પાર્ટીને પોતાની નવી અને સ્વતંત્ર ઓળખ મળી અને તેમણે ડાયરેક્ટ શો કરવાનું શરૂ કર્યું. મહેશકુમાર ઍન્ડ પાર્ટીને ખૂબ-ખૂબ-ખૂબ સરસ રિસ્પૉન્સ મળ્યો અને તેમના અઢળક શો થવા માંડ્યા.
થોડા સમય પછી તો નરેશ કનોડિયા પણ પાર્ટીમાં જોડાયા. એ સમયે તેમનું નામ જૉની જુનિયર હતું. પાર્ટીનું પોસ્ટર જો કોઈને યાદ હોય તો એમાં લખાતું, ‘મહેશકુમાર ઍન્ડ પાર્ટી વિથ જૉની જુનિયર’.
મિત્રો, આ વાત થઈ મહેશકુમાર ઍન્ડ પાર્ટીના સંઘર્ષની કથાની. એ પછી તો મહેશકુમારની જર્ની ખૂબ લાંબી ચાલી. મહેશભાઈ મ્યુઝિકના ક્ષેત્રમાં ખૂબ નામના કમાયા તો નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારનું પદ દીપાવ્યું. બન્ને ભાઈઓએ અનેક ફિલ્મોનું મ્યુઝિક પણ મહેશ-નરેશના નામ હેઠળ આપ્યું અને પછી મહેશ કનોડિયા રાજકારણમાં દાખલ થયા. ‌ગુજરાતના પાટણ મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદસભ્ય પણ બન્યા. નરેશ કનોડિયા પણ ગુજરાત રાજ્યના વિધાનસભ્ય બન્યા. આજે નરેશ કનોડિયાનો દીકરો હિતુ ગુજરાતનો વિધાનસભ્ય છે. આ સિદ્ધિ નાનીસૂની નથી તો બીજી તરફ અમિત દિવેટિયાની સિદ્ધિઓ પણ કંઈ નાનીસૂની નથી.
ફિલ્મ અને નાટકલાઇનનો નિયમ છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ. અમિત દિવેટિયાની ઉંમર થઈ છે એટલે હવે વધારે જોવા નથી મળતા, પણ એક સમયે અમિતભાઈ અને વિનોદ જાની કૉલેજકાળમાં શંકરસિંહ વાઘેલાના મિત્રો હતા. શંકરસિંહ પછી આરએસએસમાં અને ત્યાંથી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ગુજરાતના મુખ્ય પ્રધાન પણ બન્યા. અમિતભાઈ પાસે પણ રાજકારણનો ઑપ્શન હતો, પણ તેમણે નમ્રતા સાથે ના પાડીને શંકરસિંહબાપુને કહ્યું કે મારી સ્ટેટ બૅન્કની નોકરીને કારણે હું તમારી સાથે પૉલિટિક્સમાં ભાગ ન લઈ શકું.
શંકરસિંહ વાઘેલા ચીફ મિનિસ્ટર બન્યા ત્યારનો તમને એક કિસ્સો કહું...  
એ સમયે અમિતભાઈ મુંબઈમાં નોકરી કરતા, બૅન્કમાં તેઓ ક્લર્ક હતા. તેમના ઘરે ફોન પણ નહોતો. શંકરસિંહ વાઘેલાએ તેમના બૅન્કના નંબર પર ફોન કર્યો અને કહ્યું કે અમિત દિવેટિયાને આપો. ફોન ઉપાડનારાએ પૃચ્છા કરી કે તમે કોણ બોલો છો એટલે સામેથી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કહો તેમને કે ગુજરાતના ચીફ મિનિસ્ટર વાત કરવા માગે છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં તો જાણે ધરતીકંપ આવી ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું. સોપો પડી ગયો.
વિનોદ જાની પણ એક સમયે પૉલિટિક્સમાં આવ્યા હતા અને જનસંઘ વતી તેઓ મ્યુનિસિપલ કૉર્પોરેશનનનું ઇલેક્શન લડ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે જનસંઘની માતૃસંસ્થા, બધા સંઘના કાર્યકરો જનસંઘના ઉમેદવારને મદદ કરવાનું કામ કરતા. એ સમયે એક યુવાન નવો-નવો સંઘમાં જોડાયો હતો, એ યુવાન વિનોદ જાનીને ઇલેક્શનનાં કામોમાં હેલ્પ કરવા નિયમિત આવતો. એ યુવાન એટલે નરેન્દ્ર મોદી. હા, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાજપેયી, અડવાણી અને કેશુભાઈ પટેલને જિતાડવા માટે જેમ મહેનત કરી હતી એવી જ રીતે વિનોદ જાનીને પણ જનસંઘમાંથી જિતાડવા મહેનત કરી હતી.
એ ઇલેક્શનમાં વિનોદ જાની હારી ગયા. તેમને માત્ર ૪૦ જ વોટ મળ્યા હતા, કારણ કે ત્યારે કૉન્ગ્રેસનો દબદબો હતો. જોકે એ પણ એટલું જ સાચું છે કે ત્યાર પછી તેઓ ફરી લડ્યા અને કૉર્પોરેટર પણ બન્યા. એ પછી તેઓ વિધાનસભાના ઇલેક્શનમાં ભાગ લેવાના હતા, પણ એ દિવસોમાં તેમને હાર્ટ-અટૅક આવ્યો એટલે અમિતભાઈએ જ દોસ્તીદાવે ઠપકો આપીને કહ્યું કે ભાઈ, તું અત્યારે તારી તબિયત સાચવ અને આ
બધી જફા છોડી દે. બીજા લોકોએ પણ આ જ સલાહ આપી એટલે વિનોદ જાનીએ પોતાની જાતને વિધાનસભા ઇલેક્શનમાંથી બહાર
કાઢી લીધી.
મિત્રો, અંગ્રેજીમાં એક કહેવત છે : ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. અર્થાત, કાલ્પનિક કથાઓ કરતાં સત્યકથા વધારે રોચક હોય છે અને એટલે જ મને સત્યકથામાં બહુ રસ પડે છે. કાલ્પનિક કથાના વળાંક તમે ક્યારેક કલ્પી પણ શકો, પણ સત્યકથાના વળાંક હંમેશાં અકલ્પનીય રહ્યા છે.

ફૂડ ટિપ્સ
મિત્રો, થોડા સમય પહેલાં મારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’ની ભરૂચની ટૂર હતી. ભરૂચ સ્ટેશન સામે મુનશી મીઠાઈવાળા નામની દુકાન છે. મને એક મિત્રએ કહ્યું હતું કે મુનશીની મલાઈ ઘારી બહુ ફેમસ છે. સુરતની બદામ-પિસ્તા ઘારી મેં ખાધી છે, માવા ઘારીનો પણ ટેસ્ટ કર્યો છે. સ્વાભાવિક રીતે મને થયું કે આ મલાઈ ઘારી શું છે એ જાણવું તો પડે. મેં જઈને દુકાનમાં ડિમાન્ડ કરી તો મને કહેવામાં આવ્યું કે મલાઈ ઘારી ફક્ત ઑર્ડરથી જ બનાવવામાં આવે છે. મેં તેમને સમજાવ્યા કે મારે તો માત્ર ચાખવા માટે જોઈએ છે, હું કંઈ બે-ચાર કિલો લેવા માટે નથી આવ્યો એટલે તેમણે મને કહ્યું કે આવતી કાલે ૧૦૦ કિલો મલાઈ ઘારીનો ઑર્ડર છે એટલે એમાંથી તમને ટેસ્ટ કરવા પૂરતી મળી જશે. બીજા દિવસે મારે તેમની કાંટાપોળ વિસ્તારની મેઇન બ્રાન્ચે જવાનું હતું.
કાંટાપોળની આ દુકાનને હમણાં ૧૨પ વર્ષ થવાનાં છે. આ દુકાન બહુ જાણીતી છે. હરગોવિંદદાસ બેચરદાસ મોદી નામના એક લેખકે ૧૯૧૭માં એક પુસ્તક લખેલું, જેનું નામ હતું ‘ભરૂચ શહેરનું વર્ણન’. આ પુસ્તકમાં પણ મુનશીની મીઠાઈનું વર્ણન છે, જેમાં લખ્યું છે...
ખાટા-મીઠા લીંબુ જે, પાન પતરવેલીના દીઠા તે
મીઠાઈની દુકાન છે એક, મુનશીની કહેવાયે નેક
કોપરા પાક, મેસુબ પાક જે, અમૃત પાક તો દીઠો તેહ
સાલમપાક અને ગૂંદરપાક, દેશોમાં વખણાયેલ અથાગ
મેં અનેક જાણીતી દુકાનો જોઈ છે, મીઠાઈઓ પણ અનેક જગ્યાએ ખાધી છે, પણ આ રીતે એ દુકાનનો, એ દુકાનની વરાઇટીનો સાહિત્યમાં ઉલ્લેખ આવે એવું મેં પહેલી વાર જોયું. હવે વાત કરીએ મલાઈ ઘારીની. આ મલાઈ ઘારી મોઢામાં મૂકો કે તરત જ ઓગળી જાય એટલી સૉફ્ટ છે. ગળાશ પણ ઓછી એટલે મોઢું ભાંગે નહીં. સુરતની ઘારીની તો વાતો પુષ્કળ સાંભળી હશે, પણ એક વખત આ મલાઈ ઘારી ટેસ્ટ કરજો. તમને સાચે જ સુરતની ઘારી જેવી જ મજા આવશે.

columnists Sanjay Goradia