ઘાને પંપાળવાનો નહીં, એની સર્જરી કરવાની

15 October, 2019 01:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઘાને પંપાળવાનો નહીં, એની સર્જરી કરવાની

અંતિમ વિદાય : ‘ચિત્કાર’ના શો સમયે હેમરાજ શાહ, મુકેશ રાવલ, સુજાતા મહેતા અને અન્ય મહાનુભાવો.

જે જીવ્યું એ લખ્યું

મિત્રો, અનુસંધાનના ભાગરૂપે તમને વાત કરી દઉં. આપણી વાત ચાલતી હતી ‘ચિત્કાર’ની. મેં ‘ચિત્કાર’ છોડી દીધાની વાત કહી તમને અને એ પછી આપણે બીજી અનેક જાણવા જેવી વાતોની પણ ચર્ચા કરી. ભાઈદાસ ઑડિટોરિયમનો ઇતિહાસ પણ જોયો અને ‘પ્રીત, પિયુ ને પાનેતર’ની વાતો પણ કરી. મહેશકુમાર ઍન્ડ પાર્ટીના ઉદય અને એના મધ્યાહ્‍નને પણ જોયો અને કિશોરકુમારના જીવનમાં કેવી રીતે સ્ટેજ-શો આવ્યા એની પણ વાતો કરી.

હવે આપણે ફરી મૂળ વાત પર આવીએ છીએ.

‘ચિત્કાર’ના ૨૦૦ શો પૂરા થયા. ૨૦૦મા શોની ટ્રોફી પણ મેં ડિઝાઇન કરી અને એ ૨૦૦મા શોએ ટ્રોફી-વિતરણ પૂરું કરીને મેં ‘ચિત્કાર’ છોડી દીધું. પગ મૂકવા જમીન નહોતી અને મેં લતેશ શાહનો હાથ છોડી દીધો હતો. આગળ શું થવાનું છે એની ખબર નહોતી, કોઈ ગોઠવણ પણ નહોતી કરી અને સાચું કહું તો એના વિશે વિચાર્યું પણ નહોતું. સમયના ગર્ભમાં હવે શું છે એ જાણવાની મેં ક્યારેય કોશિશ નથી કરી અને એનું એક કારણ પણ છે. મિત્રો, હું ક્યારેય સમસ્યાથી ભાગ્યો નથી કે સમસ્યાથી ક્યારેય ડર્યો નથી. સમસ્યા જેવી આવે એને હું એમની એમ સ્વીકારી લઉં, પ્રેમથી વધાવી લઉં અને પછી શાંતચિત્તે એ સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો વિચારું અને મને હંમેશાં રસ્તો મળ્યો છે. આ જ મારો સ્વભાવ છે અને આ જ સ્વભાવને કારણે હું આજના આ મુકામ પર છું.
‘ચિત્કાર’ છોડવાનું કારણ અગાઉ અનેક વખત તમને કહ્યું છે. ત્યાં કામ કરવું મારા માટે મુશ્કેલ બની ગયું હતું. રોજ મરી-મરીને જીવવા કરતાં કાં તો પૂરેપૂરું જીવી લેવું અને નહીં તો કાયમ માટે મરી જવું. આ બે જ રસ્તા હોય. ત્રીજો કોઈ રસ્તો હોય જ નહીં. હું દૃઢપણે માનું છું કે જીવનમાં જવાબ પણ બે જ છે, ‘હા’ અને ‘ના’. આ બે જવાબ સિવાયના બાકીના બધા જવાબ ગલ્લાંતલ્લાં છે. ગલ્લાંતલ્લાં એણે જ કરવાં પડે જેની પાસે સ્પષ્ટતા નથી, જેની પાસે સમસ્યા સામે લડવાની ક્ષમતા નથી.
કાશ્મીરમાંથી કલમ-૩૭૦ કાઢી નાખવામાં આવી ત્યારે કૉન્ગ્રેસતરફી ઘણા મિત્રો સાથે મારે અઢળક દલીલો થઈ હતી. તેમનું કહેવું હતું કે આ સ્ટેપ બીજેપીને ભારે પડશે. હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવવાનો વારો આવશે. કાશ્મીર લેવાની લાયમાં હવે નરેન્દ્ર મોદીએ ગુજરાત પણ ગુમાવવું પડશે. મારો જવાબ હતો કે એવું થાય તો પણ વાંધો નહીં, પણ સમસ્યાનો અંત આવવો જોઈએ. એક વાર નિર્ણય લેવો પડે અને એક વાર ફુલસ્ટૉપ મૂકવું પડે. ઘાને પંપાળવાનો ન હોય, એની સર્જરી કરવાની હોય. સર્જરી કરો તો જ ઘાની પીડામાંથી બહાર નીકળાય. બસ, એવી જ રીતે, મેં પણ નક્કી કરી લીધું હતું કે મારે ઘાને પંપાળવો નથી. મારું જે થવું હોય એ થાય, પણ હું અહીં રિબાઈ-રિબાઈને જીવવા નથી માગતો.
મારમાર ચાલતું ‘ચિત્કાર’ છોડીને નીકળી ગયો એ કંઈ જીવનમાં લીધેલો મારો પહેલો નિર્ણય નહોતો. અગાઉ પણ મેં આ રીતે નિર્ણય લીધા જ હતા અને ‘ચિત્કાર’ પછી પણ મેં આ પ્રકારના નિર્ણયો લીધા છે. ઑનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી. જાત સાથે પ્રામાણિક રહેવાનું. જાત સાથે ક્યારેય રમત રમવાની નહીં એ એક સિદ્ધાંત રાખ્યો છે. મારા જીવનના આમ ત્રણ સિદ્ધાંત છે. અત્યારે વાત નીકળી છે તો બાકીના બન્ને પણ કહી દઉં. જીવનમાં ક્યારેય જરૂરિયાત કરતાં વધારે રાજકારણ કરવું નહીં અને અકારણ રાજકારણથી હંમેશાં દૂર રહેવું. આ વાત મેં માત્ર મારા પૂરતી જ સીમિત નથી રાખી, મારા સર્કલમાં પણ આ જ વાત લાગુ પડે છે. જરૂરિયાત વિના કે પછી અકારણ રાજકારણ રમનારાઓને હું મારાથી દૂર કરી દઉં, એનાથી એક ચોક્કસ અંતર બનાવી લઉં. અગત્યનો અને ત્રીજો સિદ્ધાંત, જરૂરિયાત કરતાં વધારે જૂઠું બોલવું નહીં.
છેલ્લે કહ્યા એ બન્ને સિદ્ધાંતો જો મેં ન પાળ્યા હોત તો કદાચ ‘ચિત્કાર’ સાથે હું જોડાયેલો રહી શક્યો હોત, પણ મારે એવું કરવું નહોતું અને હું નીકળી ગયો. બેચાર દિવસમાં તો નાટકલાઇનમાં વાત ફેલાઈ ગઈ કે સંજયે ‘ચિત્કાર’ છોડી દીધું છે અને જોતજોતામાં મને બે નાટકોમાં કામ કરવા માટે ઍક્ટિંગની ઑફર આવી.
એક હતું જગદીશ શાહનું નાટક અને બીજી ઑફર હતી અમિત દિવેટિયાના નાટક માટેની. લેખક રાજેન્દ્ર શુક્લ, દિગ્દર્શક અમિત દિવેટિયા અને પ્રોડ્યુસર જે. અબ્બાસ. આ બે નાટકોમાંથી મેં અમિત દિવેટિયાના નાટકની ઑફર સ્વીકાર, નામ હતું ‘હિમકવચ’. રાજેન્દ્ર શુક્લ જેને અમે પ્રેમથી ‘રાશુ’ કહેતા. તેઓ આજે હયાત નથી, પણ મારા માટે ઍક્ટર તરીકે એ વખતે સૌથી વધુ જો કોઈએ રોલ લખ્યા હોય અને મને ધ્યાનમાં રાખીને જો કોઈએ સૌથી વધારે પાત્રો તૈયાર કર્યાં હોય તો એ હતો રાશુ. એનો હું માનીતો અભિનેતા અને એ રાશુનો જમાનો હતો. અસંખ્ય નાટકો તેમણે લખ્યાં હતાં અને એક પછી એક હિટ નાટક તેઓ આપતા જતા હતા. રાશુ સાથે ‘હિમકવચ’ સિવાય તેમનાં બીજાં બે નાટકો પણ કર્યાં, એક હતું ‘સંગાથ’ અને બીજું હતું ‘સટોડિયો હર્ષદ’. આ નાટકોમાં પણ તેમણે જ મારું નામ સજેસ્ટ કર્યું હતું. મારી પાસે બીજું કોઈ કામ નહોતું એટલે મેં ફટાક દઈને એ નાટકો માટે હા પાડી દીધી હતી. પાપી પેટ કા સવાલ હૈ, મારે ખિસ્સાખર્ચી કાઢવાની હતી અને બીજી વાત, આટલા વખતમાં મને એટલું સમજાયું હતું કે જો તમે એક દિવસ ઘરમાં બેસી રહ્યા તો એ દિવસ તમારો વેડફાઈ ગયો અને મિત્રો, જીવનને ક્યારેય એમ વેડફતા નહીં. હું જોઉં છું કે અનેક મિત્રોની કરીઅર આવા વેડફાટ વચ્ચે ખરાબ થઈ રહી છે. બેઠા કરતાં બજાર ભલી. બેસી રહેવા કરતાં કામ કરવું. ઓછા પૈસા મળે તો પણ કરવું, કારણ કે એ કામથી તમને પૈસા મળશે અને અનુભવ પણ મળશે. અનુભવથી મૂલ્યવાન બીજું કશું નથી.
‘ચિત્કાર’ પછીની સંઘર્ષગાથા આગળ વધારીશું આવતા મંગળવારે...

ફૂડ ટિપ્સ

ગયા અઠવાડિયે અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’ના ત્રણ શો કલકત્તા (આજના કોલકાતામાં)માં હતા. કલકત્તાની ગુજરાત ક્લબ છેલ્લાં ૪પ વર્ષથી દુર્ગાપૂજાના તહેવારમાં થિયેટર ફેસ્ટિવલ કરે છે, જેમાં ત્રણ-ચાર નાટકનો સમાવેશ થાય. આ થઈ પ્રારંભિક વાત, કલકત્તા કેવી રીતે પહોંચ્યા એની. હવે આવી જઈએ આપણે આપણી ફૂડ-ટિપ પર.
કલકત્તા જવાનું બન્યું હોય અને મિષ્ટી દહીં અને રસગુલ્લા ખાધા વગર પાછા આવો તો કેમ ચાલે, પણ આ વખતે મને આ બન્ને આઇટમ કરતાં પણ વધારે મજા જો આવી હોય તો એ કલકત્તાની ફેમસ રાધાબલ્લભીમાં. રાધાબલ્લભી એ એક ખાવાની આઇટમ છે. આ નામ અગાઉ મેં ક્યારે સાંભળ્યું નહોતું. મારા રેગ્યલુર વાચક, જાણીતા લેખક અને મિત્ર એવા રાજુ દવે સાથે વાત થઈ ત્યારે તેમણે આગ્રહ કર્યો કે તમે કલકત્તામાં છો તો રાધાબલ્લભી ખાસ ખાજો. મને થયું કે આ વળી કઈ બલાનું નામ છે.
તપાસ કરતાં ખબર પડી કે અનેક દુકાનમાં આ રાધાબલ્લભી મળે છે, પણ જો બેસ્ટ રાધાબલ્લભી ખાવી હોય તો બલરામ મલિકની દુકાનમાં મળે. કે. સી. દાસ અને ગંગુરામ રસગુલ્લા અને મિષ્ટી દહીં માટે ખૂબ પૉપ્યુલર. આ ઉપરાંત આ બન્ને દુકાનના સંદેશ પણ બહુ સરસ હોય છે. રસગુલ્લા અને સંદેશમાં આ બે મીઠાઈવાળા પછી જો કોઈનું નામ આવે તો એ છે આ બલરામ મલિક. બલરામ મલિકની કલકત્તામાં અનેક બ્રાન્ચ છે.
રાધાબલ્લભી એ મુખત્વે સવારનો નાસ્તો છે. મેંદાના લોટમાં આખું જીરું અને બાકીનું મોણ નાખીને એની કણક બનાવે અને પછી અડદની દાળ બાફીને એમાં મસાલો નાખી એનું પૂરણ બનાવવામાં આવે. આ પૂરણનું હલકું સ્ટફિંગ કરીને એને તળી નાખવાની. આપણી જે કચોરી હોય છે એની જગ્યાએ પૂરી. આને દાલપૂરી પણ કહેવામાં આવે છે. આ સૉફ્ટ પૂરી (લોચા પૂરી) હોય અને એની સાથે છાલવાળા બટાટાનું શાક આપે. બટાટાની ભાજીનો મસાલો પણ ટિપિકલ નથી, એ બનાવવાની રેસિપી પણ અલગ જ છે. બંગાળઆખામાં રાધાબલ્લભી પ્રખ્યાત છે. મેં તો એનો ટેસ્ટ બહુ મોડો-મોડો કર્યો, પણ તમે જો ક્યારેય કલકત્તા જાઓ તો ભૂલ્યા વ‌િના બલરામ મલિકમાં રાધાબલ્લભી ટેસ્ટ કરજો. તમારી સવાર સુધરી જશે.

columnists Sanjay Goradia