મારો લગાવ જોઈને રાખીએ ઉપરવટ જઈને મને ચિત્કારની ડેટ કરી આપી

25 June, 2019 02:31 PM IST  |  | જે જીવ્યું એ લખ્યું: સંજય ગોરડિયા

મારો લગાવ જોઈને રાખીએ ઉપરવટ જઈને મને ચિત્કારની ડેટ કરી આપી

અને સુજાતાનો રિવેન્જ પૂરો થયોઃ બૂંદિયાળનું લેબલ લઈને ફરતી સુજાતા મહેતા માટે ‘ચિત્કાર’ એક ચૅલેન્જ હતું, જેને તેણે ઉપાડી લીધી અને દેખાડી દીધું કે જો યોગ્ય પાત્ર અને સારી સ્ક્રિપ્ટ મળે તો કોઈ ઍક્ટર ક્યારેય બૂંદ‌િયાળ નથી હોતો. નાટકના એક દૃશ્યમાં સુજાતા મહેતા.

‘ચિત્કાર’ના પહેલા શોના પહેલા અંક પછી શફી ઈનામદાર કલાકારોને મળવા ગ્રીનરૂમ તરફ જતા હતા અને મને વચ્ચે મળી ગયા. મને જોઈને તેમણે સામેથી કહ્યું, ‘નાટક બહોત બઢ‌િયા હૈ, બહોત અચ્છા બના હૈ.’

આ અમારા નાટકનો પહેલો રિવ્યુ. નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ વખતે જ મને અણસાર આવી ગયો હતો કે નાટક કયા સ્તરનું બન્યું છે. નાટકનો ગ્રાફ ક્લાઇમૅક્સ સુધીમાં તો ટોચને આંબી જવાનો હતો એની પણ મને ખબર હતી, જ્યારે શફીભાઈએ તો પહેલા જ અંક પછી આ આગાહી કરી દીધી હતી એટલે હું સમજી ગયો કે નાટક જેમ-જેમ આગળ વધશે એમ-એમ એ કેવો રંગ પકડશે અને ઑડિયન્સને કેવી મજા કરાવશે.

પહેલો શો પૂરો થયો, ઑડિયન્સે અમારા લીડ સ્ટાર દીપક ઘીવાલા અને સુજાતા મહેતાને તાળીઓથી વધાવી લીધાં. અહીં સુજાતા મહેતાનો રિવેન્જ પૂરો થયો હતો. લોકોએ સુજાતાનાં ખોબલે-ખોબલે વખાણ કર્યાં અને શું કામ ન કરે, અદ્ભુત કામ કર્યું હતું, એવું અદ્ભુત કામ જેની તોલે કોઈ આવી ન શકે.

આમ અમારા નાટકનો પહેલો શો સફળતાપૂર્વક પાર પડ્યો અને નાટકના રિપોર્ટ ખૂબ સારા આવ્યા, પણ ખાટલે મોટી ખોડ, પછીના રવિવારે અમારો શો નહોતો, બે કારણસર; એક તો એ કે ૨૩મી જાન્યુઆરીની ડેટ અમારી પાસે નહોતી અને બીજું કારણ હતા બરજોર પટેલ. બરજોર પટેલના નાટક ‘પેઇંગ ગેસ્ટ’માં દીપક ઘીવાલા હતા અને તેમનો રવિવારે શો હતો. અમારે વાત થયા મુજબ ‘પેઇંગ ગેસ્ટ’ના શોને અમારે ઍડ્જસ્ટ કરવાના હતા. આ શો પતી ગયા પછી અમારે બહુ ઍડ્જસ્ટમેન્ટ કરવાનાં નહોતાં, કારણ કે કદાચ ‘પેઇંગ ગેસ્ટ’નો ત૨૩ જાન્યુઆરીએ છેલ્લો શો હતો.

૨૩ જાન્યુઆરીના અમારો શો નહોતો, પણ ૨૬મી જાન્યુઆરીની જાહેર રજાના દિવસે મને એક ડેટ જયહિન્દ કૉલેજની મળી હતી. એ દિવસોમાં હું રોજેરોજ બધાં થ‌‌િયેટરમાં તારીખો માટે ધક્કા ખાતો. રોજ જઈને થિયેટરોમાં બેસું અને ડેટ માટે માથું ખાઉં. હિન્દુજામાં શર્મા મૅનેજર હતા તેમને જઈને મળતો. બિરલા માતુશ્રીમાં ત્યારે મૅનેજર પાવરીસાહેબ હતા, તેમને મળતો, પાટકર હૉલમાં સામ કેરાવાલા બધું સંભાળતા, તેમને મળતો, તેજપાલમાં ટ્રસ્ટી હતા ભાઈશેઠ સાહેબ, તેમને મળતો. આવી જ રીતે જયહિન્દ કૉલેજમાં રાખી નામની એક છોકરી બધું સંભાળતી, તેને હું રોજ મળતો. રાખીનું કામ આમ તો કૉલેજનું ઍડ્‍મિન સંભાળવાનું હતું, પણ સાથોસાથ એ ઑડિટોરિયમનું કામ પણ જોતી.

ઑડિટોરિયમમાં તેને મેઇન્ટેનન્સ સિવાય ખાસ તો કંઈ જોવાનું રહેતું નહીં એટલે બેઉ કામ સાથે થઈ શકતાં. એ સમયે આઇએનટી અને જયહિન્દ કૉલેજ વચ્ચે ઍગ્રીમેન્ટ હતું કે માત્ર ને માત્ર આઇએનટીને જ એ ઑડિટોરિયમમાં શો માટે પ્રાધાન્ય આપવામાં આવશે. જો આઇએનટી શો ન કરે તો અને તો જ બીજા પ્રોડ્યુસરને ઑડિટોરિયમની ડેટ આપવામાં આવે. આઇએનટીના કર્તાહર્તા બચુભાઈ સંપત પોતે જ બીજા પ્રોડ્યુસરને એ ડેટ આપી દેતા હતા. જયહિન્દવાળા એમાં કાંઈ માથું મારતા નહીં, પણ હું તો રોજ જયહિન્દ જઈને રાખીને મળું અને કહેતો રહું કે જો આઇએનટી નાટક ન કરે તો ૨૫મીનો શો મને કરવા દેવામાં આવે. મેં કહ્યું એમ, આ નક્કી કરવાના અધિકાર રાખીના નહોતા, પણ રાખીએ નાટક માટેની મારી લગન જોઈને આઇએનટીને સામેથી ફોન કર્યો કે તમે ૨૬મી જાન્યુઆરીએ શો ન કરતા હો તો મારે એ ડેટ સંજયને આપવી છે. આઇએનટીએ પણ વિચારવિમર્શ કરીને કહ્યું કે અમે શો નથી કરવાના. આમ ડેટ રિલીઝ થઈ અને મને મારી પહેલી ડેટ મારી મહેનતથી મળી ગઈ.

૧૯૮૩ની ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની જાહેર રજા.

સમય સાંજે પોણાઆઠ વાગ્યાનો અને સ્થળ જયહિન્દ કૉલેજ.

ઓપનિંગ પછીના રવિવારે શો નહીં કરીને આમ તો અમે સારું કર્યું હતું, કારણ કે એ દિવસે ડર્બી હતી. દર વર્ષે જાન્યુઆરીના અંત ભાગમાં ડર્બી થાય છે. મને યાદ છે કે એ વર્ષે ૨૩ જાન્યુઆરીએ ડર્બી હતી. ડર્બીનું મહત્ત્વ હવે ઘણું ઓછું થઈ ગયું છે, પણ એ સમયે ડર્બીમાં ગુજરાતીઓ હોંશેહોંશે ભાગ લેતા, જેને લીધે ડર્બીવાળા રવિવારે ગુજરાતીઓનું ક્રીમ ક્રાઉડ નાટક જોવા ન જાય.

રવિવાર ગયો અને ત્રણ દિવસ પછી ૨૬મી જાન્યુઆરીનો જયહિન્દ કૉલેજનો શો આવ્યો. હાઉસફુલ. કરન્ટ બુકિંગમાં શો ફુલ થઈ ગયો અને એ પછી નાટકે ક્યારેય પાછું વળીને નથી જોયું. માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી અને કલાકારોની અદ્ભુત ઍક્ટિંગને કારણે ‘ચિત્કાર’ના એ પછીના શો સતત હાઉસફુલ રહ્યા. ૧૯૮૧માં નાટક આવ્યું હતું, ‘આજે ધંધો બંધ છે’, આ નાટકના લેખક પ્રવીણ સોલંકી, દિગ્દર્શક ફિરોઝ ભગત અને શરૂઆતમાં કલાકારો હતાં પરેશ રાવલ અને ઝંખના દેસાઈ. એ નાટક પણ આટલું જ મારમાર ચાલ્યું હતું. ૧૯૮૨માં આવેલું ‘રમત શૂન ચોકડીની’ પણ આવું જ બમ્બાટ ચાલ્યું હતું અને ૧૯૮૩માં આવ્યું અમારુ ‘ચિત્કાર’.

‘ચિત્કાર’ નાટકે ગુજરાતી રંગભૂમિને ઘણીબધી રીતે બદલી નાખી. ‘ચિત્કાર’ પહેલું એવું નાટક હતું જેણે પ્રેક્ષકોનો વ્યાપ બહુ મોટા પાયે વધારી દીધો. ‘ચિત્કાર’ પહેલાં ગુજરાતી રંગભૂમિ વર્ટિકલ હતી એટલે કે સબ્જેક્ટ ખૂબ સારા હોય, પ્રોડક્શનની ક્વૉલિટી બહુ સારી હોય, પણ નાટક જોવા ક્રીમીલેયર જ આવતું. એ વખતે ૨પ રૂપિયા અને ૩૦ રૂપિયાની આગળની ટિકિટો એક વાર વેચાઈ જાય પછી પાછળ બેસવા કોઈ તૈયાર થાય નહીં એટલે પાછળની સીટો ખાલી રહે. ક્રીમ ક્રાઉડ પાછળ બેસવામાં નાનપ અનુભવતો પણ ‘ચિત્કાર’ નાટકે આખી શિકલ બદલી નાખી. મિત્રો, નાટકનો પ્લાન જ્યારે આગળને બદલે પાછળથી પૅક થવા માંડે ત્યારે માનવું કે નાટક રેકૉર્ડતોડ બન્યું છે.

શ્રાવણનાં વધામણાં: તમે જો શ્રાવણ મહિનો રાખવાના હો અને જો તમને ઇચ્છા હોય કે મસ્ત ફરાળી આઇટમ ખાવી છે તો લો, તમારી સામે પ્રસ્તુત છે ‘ગિરગામ કટ્ટા’નું ફરાળી મિસળ.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા અઠવાડિયે ‘મિસળ હાઉસ’ની મેં વાત કરી હતી, જે બધાને ખૂબ ગમી હતી. અનેક ઈ-મેઇલ આવી અને મેસેજ પણ ઘણા આવ્યા અને લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી. ઘણા વાચકોએ પૂછ્યું કે શ્રાવણ મહિનો નજીક આવે છે ત્યારે ફરાળી મિસળ અને મહારાષ્ટ્રિયન ફરાળી આઇટમ ક્યાં મળે છે એના વિશે કહો. મૂળ તો આ અઠવાડિયે હું તમને બીજી વાનગીની વાત કહેવાનો હતો, પણ એને બાજુએ મૂકીને હું અત્યારે તમારા માટે ફરાળી ફૂડ ટિપ્સ લઈને આવ્યો છું.

બોરીવલીમાં ચંદાવરકર રોડ પર એક રેસ્ટોરાં છે, નામ એનું ‘ગિરગામ કટ્ટા.’ કટ્ટા એટલે આપણી સાદી બમ્બૈયા ભાષામાં અડ્ડો કહેવાય, એટલે કે આ રેસ્ટોરાંના નામનો અર્થ થાય ગિરગામ અડ્ડો. ઓરિજજિનલ ગ‌િરગામમાં જે મહારાષ્ટ્રિયન ફૂડની દુકાનો હતી, પણ સમય જતાં ધીરે-ધીરે ગ‌િરગામમાંથી મહારાષ્ટ્રિયનની વસ્તી ખૂબ ઓછી થઈ ગઈ અને એ લોકો મુંબઈના પરા વિસ્તારમાં એટલે કે ડોમ્બિવલી, થાણે, બોરીવલી, પાર્લા-ઈસ્ટમાં સ્થાયી થવા માંડ્યા. આ લોકોને ધ્યાનમાં રાખીને આ ‘ગ‌િરગામ કટ્ટા’ રેસ્ટોરાં ચાલુ થઈ છે. આ રેસ્ટોરાંમાં મળતું ફરાળી મિસળ તો મેં બીજી અનેક જગ્યાઓએ ખાધું છે પણ ‘ગિરગામ કટ્ટા’માં મળતા ફરાળી મિસળમાં નાળ‌િયેરના દૂધમાં બનાવેલું સિંગનું ઉસળ, બટાટાની ભાજી, ફરાળી ચેવડો, વેફર વગેરે નાખીને આપે.

આ પણ વાંચો : કૃત્રિમ વર્ષા પ્રયોગની અવગણના કેમ?

ફરાળી સાબુદાણાનાં વડાં, સાબુદાણાની ખીચડી એ બધું તમને બધી જગ્યાએ મળે પણ ફરાળી થાલીપીઠ, ફરાળી બટાટાવડાં, ફરાળી ઉસળ અને પૂરી આપે, ફરાળી ઉસળ અને એની સાથે ભાજી પણ આપે. આવું અગાઉ મેં ક્યાંય નથી જોયું. ‘ગ‌િરગામ કટ્ટા’માં ફક્ત મહારાષ્ટ્રિયન ફરાળી આઇટમ મળે એવું નથી, બીજી સાઉથ ઇન્ડિયન આઇટમ અને બીજી બધી આઇટમો પણ છે. ઉસળ, સાદું મિસળ, દહીં મિસળ પણ અહીંનાં બહુ સરસ છે. મને આ રેસ્ટોરાંમાં સૌથી વધારે ફરાળી મિસળ ભાવ્યું. બોરીવલી અને એની આસપાસના સબર્બના મારા વાચકોને મારે ખાસ કહેવાનું કે ચંદાવરકર રોડ પર આવેલા ‘ગિરગામ કટ્ટા’માં એક વાર ખાસ જજો અને ફરાળી મિસળ ટ્રાય કરજો, જલસો પડી જશે.

Sanjay Goradia columnists