અને સમય આવ્યો ચિત્કારને અલવિદા કહેવાનો

20 August, 2019 03:54 PM IST  |  મુંબઈ | જે જીવ્યું એ લખ્યું- સંજય ગોરડિયા

અને સમય આવ્યો ચિત્કારને અલવિદા કહેવાનો

આવજો વ્હાલા ફરી મળીશું: ‘ચિત્કાર’ અને લતેશ શાહને છોડવાનું નક્કી કર્યા પછી ૨૧૦મા શોએ મેં બન્નેને છોડી દીધાં. આગળનો કોઈ પ્લાન હતો નહીં અને આવતી કાલે સવારે શું કરીશ એ પણ વિચાર્યું નહોતું.

રિપ્લેસમેન્ટ સાથેનો ‘ચિત્કાર’નો એ ભાઈદાસનો શો હાઉસફુલ હતો અને એટલે જ મૅનેજર સુરેશ વ્યાસને ટેન્શન હતું. એ દિવસે વિનય પરબે મને મૉરલ સપોર્ટ આપ્યો અને આખા શોમાં એ મારી બાજુમાં ઊભો રહ્યો. કર્ટન ઊપડ્યો, નાટક શરૂ થયું, ઇન્ટરવલ પડ્યો અને શો પૂરો થયો. શો સુપરડુપર હિટ રહ્યો અને ‘ચિત્કાર’ નાટકે મુકેશ રાવલને મુખ્ય અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા.

રફ્તાર આગળ વધતી રહી અને ‘ચિત્કાર’ સતત આગળ વધતું ગયું. લગભગ બે વર્ષના સમયગાળામાં અમે નાટકના ૨૦૦ શો પૂરા કર્યા. ૨૦૦ શો પર અમે નક્કી કર્યું કે આ પ્રસંગને યાદગાર બનાવવા માટે આપણે ટ્રોફી બનાવીએ. એ ટ્રોફીની ડિઝાઇન મેં મારા મિત્ર સતીશ રાણા સાથે બેસીને બનાવી હતી. ડિઝાઇનનો મૂળભૂત આઇડિયા મારો અને એને કાગળ પર લેવાનું કામ સતીશ રાણાનું. સતીશ અત્યારે તો કાગળ અને બીજા મટીરિયલની થેલીના બિઝનેસમાં છે અને તેનું કામકાજ બહુ મોટું છે. એ વખતે અમારી લાઇનમાં જ હતો. ખૂબ સારો ફોટોગ્રાફર અને નાટકો પણ ડિરેક્ટ કરે. આ સતીશ રાણા નામ યાદ રાખજો, આગળ ઉપર પણ તેનું નામ આવશે. મેં અને સતીશે ટ્રોફીની ડિઝાઇન તૈયાર કરી અને એની ફોટોપ્રિન્ટ તેણે મને કરાવી આપી. એ ટ્રોફીની ડિઝાઇન એ મુજબની મેં વિચારી હતી કે એની ઉપરની બાજુએ ઘડિયાળ હોય અને નીચે સુજાતાનો ફોટો હોય. આવું કરવાનો મોટો ફાયદો એ કે ટ્રોફી માત્ર શોપીસ બની રહેવાને બદલે એની યુટિલિટી પણ અકબંધ રહે અને ટ્રોફીની ટ્રોફી પણ લાગે. જ્યારે સમય જુઓ ત્યારે એમાં તમને ‘ચિત્કાર’ નામ વંચાય અને ૨૦૦ પ્રયોગ પણ દેખાઈ આવે. મિત્રો, ગુજરાતી નાટક માટે ૨૦૦ પ્રયોગ બહુ મોટું લૅન્ડમાર્ક ગણાય. આજે ચૅરિટી શો વધ્યા છે એટલે એ થોડું આસાન બન્યું છે, પણ એ સમયે તો ચૅરિટી શો જૂજ થતા. મોટા ભાગના શો રવિથી રવિ અને વચ્ચે જાહેર રજાનો લાભ મળે તો એ દિવસે થાય અને છતાં ‘ચિત્કાર’ નાટકે ૨૦૦ પ્રયોગ પૂરા કર્યા અને એ પછી પણ એ અવિરત ચાલતું રહ્યું.

નાટકનો ૨૦૦મો શો તેજપાલમાં ભજવાયો હતો અને એ શોમાં એ સમયની જાણીતી મૉડલ પર્સિસ ખંભાતા ચીફ ગેસ્ટ હતી. પર્સિસના હાથે બધાને ટ્રોફી આપવામાં આવી હતી. એ ટ્રોફી આજે, ૩૪ વર્ષે પણ મારી પાસે સચવાયેલી પડી છે. ટ્રોફી જોઉં ત્યારે મારી આંખ સામે એ બધા દિવસો તાજા થઈ જાય છે. આ ટ્રોફીને મેં મારી સફળતાની નિશાની રૂપે નહીં, પણ મારા સંઘર્ષના એ સમયની યાદી તરીકે જતનથી સાચવી રાખી છે.

આ ૨૦૦ શો દરમ્યાન મારા અને લતેશભાઈના મતભેદો ચરમસીમાએ પહોંચવા માંડ્યા હતા. મારા માટે કામ કરવું હવે મુશ્કેલ બનવા માંડ્યું હતું. એક દિવસ મેં નક્કી કર્યું કે હું હવે ‘ચિત્કાર’ અને લતેશ શાહ એમ બન્નેને છોડી દઈશ અને મેં મારા નિર્ણયની જાણ લતેશભાઈને કરી દીધી.

૨૧૦. યસ, ‘ચિત્કાર’નો ૨૧૦મો શો મારો અંતિમ શો અને એ પછી મેં ‘ચિત્કાર’માંથી વિદાય લઈ લીધી. મેં નક્કી કર્યું હતું કે હું હવે મારી રીતે જીવનમાં આગળ વધીશ. મિત્રો, મારે કહેવું છે કે વીતેલા સમયે મને જીવનમાં ઘણુંબધું શીખવાડ્યું. હું એક મિડલ-ક્લાસ ફૅમિલીમાંથી આવતો હતો, જે ફૅમિલી મિડલ-ક્લાસ મૉરાલિટી ધરાવતી હતી. આ લાઇનમાં દાખલ થયો એ પહેલાં, ૧૮ વર્ષ સુધી ક્યારેય વરલીથી આગળ વધ્યો નહોતો. જીવનમાં પહેલી વાર માહિમમાં લાબેલા મેડિકલ સ્ટોરમાં નોકરીએ લાગ્યો ત્યારે મને મારી આજુબાજુનું બધું નવું-નવું લાગતું, ટ્રેનમાં બેસીને જવાનું અને ટ્રેનમાં પાછા આવવાનું. એ દરમ્યાન હું બારીની બહાર નજર કરીને એકિટશે એ દુનિયા જોયા કરતો. કારણ કે મારી દુનિયા તો ખેતવાડી અને ખેતવાડીની આસપાસનો વિસ્તાર જ હતો. એ સિવાયની દુનિયા વિશે મને ખબર જ નહોતી. એ વખતે કોઈ છોકરી સિગારેટ પીતી દેખાય તો મને આઘાત લાગતો. મને હજી પણ યાદ છે ફિરોઝ ભગતનું એક નાટક, નામ હતું એનું ‘છાને પગલે આવ્યું મોત’, એમાં જિજ્ઞાસા દેસાઈ નામની ઍક્ટ્રેસ હતી, જે વૅમ્પનો રોલ કરતી. આ જિજ્ઞાસા જ્યારે સિગારેટ પીતી ત્યારે મારા આખા શરીરના રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. કોઈ છોકરી ગાળ બોલે તો પણ મારા શરીરમાં ધ્રુજારી આવી જતી. આમાં છોકરીઓને ખરાબ કહેવાનો હેતુ નથી, પણ કહેવાનો અર્થ એ છે કે હું કેટલો ભોળો (બીજા શબ્દોમાં કહું તો બાઘો) હતો. મારું ફલક એકદમ નાનું હતું. મને એ નાના ફલકમાંથી બહાર કાઢવાનું કામ આ વીતેલાં વર્ષોએ કર્યું હતું, અઢળક અનુભવો આપ્યા હતા. એ અનુભવોના આધારે હું પાકટ થયો. અનુભવો બધા પ્રકારના હતા. સારા-નરસા, તીખા-મીઠા બધા પ્રકારના. ‘બાઝાર’ માટે જ્યારે લતેશભાઈએ સાગર સરહદીના ઘરે બોલાવ્યો ત્યારે મારે બાથરૂમ જવું હતું. મને બાથરૂમ દેખાડવામાં આવ્યું એટલે હું અંદર ગયો અને અંદર જઈને હું આભો જ બની ગયો. મેં મારી લાઇફમાં પહેલી વાર માર્બલના પથ્થર જડેલું બાથરૂમ જોયું. મને બહુ નવાઈ લાગી હતી કે જે જગ્યાએ કમોડ છે ત્યાં જ બાજુમાં શાવર છે. નાહવાનું પણ ત્યાં જ. આ વાત મારા કન્સેપ્ટમાં હતી જ નહીં. ટૉઇલેટ તો અમારી ચાલીમાં કૉમન હતું અને નાહવા માટે ઘરમાં એક મોરી હતી. આ બન્ને કામ સાથે થાય જ કઈ રીતે? કહેવાનો મતલબ એ કે જીવનમાં પહેલી વાર મેં ઘણીબધી વસ્તુઓ ૧૮-૧૯ વર્ષની ઉંમર પછી અનુભવી હતી. અગાઉ ક્યારેય મારા મનમાં આવી જ ન હોય એવી ઘણીબધી વાતો મેં એ પછી જોઈ હતી. હું ઈંડામાંથી બહાર આવી રહ્યો હતો.

...અને લતેશભાઈથી મારે છૂટા પડવાનું થયું.

મેં નક્કી કર્યું કે હવે હું મારી રીતે કામ કરીશ અને મારી રીતે નાટકો બનાવીશ.

છૂટા પડતી વખતે મારી પાસે કોઈ બૅકઅપ પ્લાન નહોતો, કોઈ ગણતરી નહોતી. મેં ક્યારેય એવું વિચાર્યું જ નહોતું કે જમીન પર પગ ટેકાય પછી જ લતેશભાઈનો હાથ છોડવો.

બસ, ‘ચિત્કાર’ના ૨૧૦મા શો પછી હું ત્યાંથી નીકળી ગયો.

ફૂડ ટિપ્સ

મિત્રો, અમારા નાટક ‘બૈરાઓનો બાહુબલી’ના શો માટે મારે હિંમતનગર જવાનું થયું. આ હિંમતનગર અમદાવાદથી ‌બે કલાકના અંતરે છે. અમે લોકો અમદાવાદથી બાય રોડ ટેમ્પો ટ્રાવેલરમાં રવાના થયા અને હિંમતનગર આવે એ પહેલાં જ મેં ઑર્ગેનાઇઝરને પૂછી લીધું કે અહીં ખાવા જેવું શું છે?
દાલબાટી, મને જવાબ મળ્યો. મિત્રો હિંમતનગરમાં દાલબાટી ખૂબ ખવાય છે. આમ તો આ દાલબાટી એ રાજસ્થાની આઇટમ છે એટલે સ્વાભાવિક રીતે તમને વિચાર આવે કે હિંમતનગરમાં દાલબાટી કેવી રીતે આટલીબધી ખવાય છે. સમજાવું તમને. હિંમતનગરથી રાજસ્થાન બૉર્ડરનું પહેલું ગામ રતનપુર માત્ર ૭૦ કિલોમીટર જ દૂર છે. દોઢ કલાકમાં તમે ગુજરાત આવી શકો. આને કારણે અહીંના ખાનપાનમાં અને રહેણીકરણીમાં પણ થોડી અમસ્તી રાજસ્થાનની છાંટ જોવા મળે. દાલબાટી પણ આ જ રીતે હિંમતનગરમાં આવી ગઈ. હિંમતનગર જ નહીં, આ આખા પંથકમાં દાલબાટી ખૂબ જ ખવાય છે. આપણે તો તપાસ કરી કે હવે હિંમતનગરમાં બેસ્ટ દાલબાટી ક્યાં મળશે?

તપાસ કરતાં ખબર પડી કે હરિઓમની દાલબાટી ધી બેસ્ટ. દાલબાટીની હિંમતનગરમાં શરૂઆત જ હરિઓમે કરી છે અને એને જ લીધે અહીં મોટા ભાગના દાલબાટીવાળાનું નામ ‘હ’ પરથી પાડવાની ફૅશન થઈ ગઈ છે. હરિ ને હરિયાણા ને હિન્દુસ્તાન ને હરકાંત ને એવી અનેક દાલબાટીની રેસ્ટોરાં તમને હિંમતનગરમાં જોવા મળે પણ એ બધામાં મોતીપુરા સર્કલ પાસે આવેલી હરિઓમની દાલબાટી અવ્વલ દરજ્જાની છે.

આ પણ વાંચો : કાશ્મીરીઓને પોતીકાપણાનો અહેસાસ કરાવવાનો સમય છે

રેસ્ટોરાંમાં દાખલ થતાંની સાથે જ મેં જોયું કે જમણી બાજુએ બાટી બનાવવાનો મોટો ભઠ્ઠો હતો. આ ભઠ્ઠામાં લાલઘૂમ થઈ ગયેલા કોલસા હોય, એમાં ઘઉંનો લૂઓ નાખી એને પકવવામાં આવે અને એ શેકાઈ જાય એટલે એને બહાર કાઢી લેવામાં આવે. બહાર કાઢેલો આ લૂઓ કોલસાના સંસર્ગમાં આવીને એકદમ કાળોમેષ થઈ ગયો હોય એટલે એને હાથથી સાફ કરીને એના પરથી બધી મેષ ખંખેરી નાખવાની અને પછી એ ગરમાગરમ પીરસવામાં આવે. મિત્રો, આ બાટી સ્વાદમાં એટલી સરસ અને પૉકેટ માટે એટલી સસ્તી કે તમે કલ્પના પણ ન કરી શકો. એક બાટીના ૧૦ રૂપિયા. બાટી પીરસે એટલે તમારે એને ચૂરમા જેવો ભૂકો કરી નાખવાનો, ભૂકો થઈ જાય એટલે એક જણ આવીને એના પર અમૂલનું ચોખ્ખું ઘી નાખી જાય અને પછી એક જણ આવીને વાટકો ભરીને લસણવાળી દાળ આપી જાય. સાથે લીંબુ, કાંદા અને લસણની ચટણી. તમારે દાળ પેલા ચૂરમામાં નાખી દેવાની અને દાળભાત ખાઓ એ રીતે ખાઈ લેવાનું. જો તમને તીખાશ ઓછી લાગે તો તમારે લસણની ચટણી નાખવાની. બાટીના ૧૦ રૂપિયા અને સાથે આ બધું ફ્રી. ખાવામાં બકાસુર હોય તો એ પણ ચાર બાટી પછી પાંચમી બાટી માગે નહીં એની ગૅરન્ટી. એનો અર્થ એ કે ૪૦ રૂપિયામાં તમારું જમવાનું પૂરું. મિત્રો, આ દાલબાટી બહુ પૌષ્ટિક હોય છે, એના જેવું ઉત્તમ ખાવાનું બીજું કાંઈ નથી. હવે તમે જ્યારે હિંમતનગર જાઓ ત્યારે રસ્તા પર જ તમને દાલબાટીવાળા દેખાવાનું શરૂ થઈ જશે, પણ તમે જરા તપાસ કરશો તો હરિઓમ તમને મળી જશે. એક વખત એની દાલબાટી ખાજો. ઓરિજિનલ રાજસ્થાની ટેસ્ટનો અનુભવ તમને થશે.

Sanjay Goradia columnists