કાશ્મીરીઓને પોતીકાપણાનો અહેસાસ કરાવવાનો સમય છે

Published: Aug 20, 2019, 15:16 IST | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા | મુંબઈ

સરકાર પાસેથી જોખમ ઉઠાવીને પણ જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખવી અને પોતે બેજવાબદારીભરી મૂર્ખાઈ કર્યા કરવી એ ક્યાંનો નાગરિક-ધર્મ?

કાશ્મીરીઓને પોતીકાપણાનો અહેસાસ કરાવવાનો સમય છે
કાશ્મીરીઓને પોતીકાપણાનો અહેસાસ કરાવવાનો સમય છે

એક સોસાયટીમાં પચીસ પરિવાર રહેતા હતા. સોસાયટીના છોકરાઓ મકાનના કમ્પાઉન્ડ અને ગાર્ડનમાં રમે. એમાં એક પરિવારના છોકરાઓના કેટલાક મિત્રો બહારથી રમવા આવતા. એ બહારના છોકરાઓ ભારાડી હતા. એ છોકરાઓ અવારનવાર સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓમાં લિસોટા કરતા, ગાર્ડનમાંથી ફૂલો તોડતા કે સોસાયટીનાં નાનાં બાળકોને પજવતા. એ છોકરાઓ જેમના ઘરે આવતા હતા એ સભ્યનું ધ્યાન એ તરફ દોરવામાં આવ્યું હતું છતાં પરિસ્થિતિ એમ જ રહી હતી. ત્યાં એક વાર તો હદ જ થઈ ગઈ. એમાંના એક છોકરાનો બૉલ એક ગાડીના આગલા કાચને એટલો જોરથી વાગ્યો કે કાચના ફુરચા ઊડી ગયા. જેમની ગાડી હતી તેમણે કમિટીને ફરિયાદ કરી. કમિટીના સેક્રેટરીએ જેમના છોકરાઓના એ દોસ્ત હતા એ સભ્યને બોલાવીને કહ્યું કે તમારા છોકરાઓના દોસ્તો આપણી સોસાયટીની પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડે છે. તેમની વિરુદ્ધ અમને ઘણી ફરિયાદો મળી છે અને અમે તમારું ધ્યાન પણ દોર્યું હતું. હવે તેમણે સોસાયટીના એક સભ્યની ગાડીનું નુકસાન કર્યું છે. એ તમારે ભરપાઈ કરવું પડશે અને ભવિષ્યમાં એ છોકરાઓ આવી હરકત ન કરે એની તમારે ખાતરી આપવી પડશે. નહીં તો પછી એ છોકરાઓને હવેથી આપણી સોસાયટીમાં રમવા દેવામાં નહીં આવે. પેલા ભાઈ તો આ સાંભળીને રાતાપીળા થઈ ગયા અને સેક્રેટરી સાથે ઝઘડવા માંડ્યા. તેમની સામે દલીલો કરવા લાગ્યા કે આ તો અમારા અધિકાર પર તરાપ છે, અમે આ જોહુકમી સાંખી નહીં લઈએ. પછી તો તેમણે સોસાયટીમાં પોતાની નિકટ હતા એવા એક-બે સભ્યોને પણ ઉશ્કેર્યા અને સોસાયટીના સભ્યો બે ભાગમાં વહેંચાઈ ગયા.

ધારો કે તમને કોઈ પૂછે કે આ કિસ્સામાં તમે કોની સાથે રહો? ઘણાખરા લોકો કહેશે કે સેક્રેટરીએ જે પગલું લીધું એ બરાબર હતું. સોસાયટીની સલામતીની જવાબદારી તેમની હોવાથી તેમણે કડક પગલાં લેવાં પડે. તો બીજા કેટલાક કહેશે કે સોસાયટીમાં આવી જોહુકમી ન ચાલે. કોઈ પણ સભ્યનાં સગાંસંબંધીને તેમના ઘરે આવતાં રોકવાનો કોઈને હક નથી. એ લોકો તો આ મામલાને લોકશાહીવિરોધી અને માનવ અધિકારના હનન તરીકે ઓળખાવીને અદાલતમાં જવાની ધમકી પણ આપી શકે અને તેમની એ દલીલમાં તેમને દેશ જ નહીં, દુનિયાના કહેવાતા બૌદ્ધિકોનો સાથ પણ મળે!

તાજેતરમાં કેન્દ્ર સરકારે બંધારણની કલમ-૩૭૦ની કાપકૂપ કરીને એને બિનઅસરકારક બનાવી જમ્મુ-કાશ્મીર રાજ્યની પુનર્રચના કરી એને તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દીધા. સરકારનું આ પગલું કાશ્મીરમાં છેલ્લા ચારેક દાયકાથી વકરેલા આતંકવાદ અને અલગાવવાદને ખતમ કરવા માટે લેવામાં આવ્યું છે. ૭૦ વર્ષ પહેલાં અમુક ખાસ પરિસ્થિતિમાં બંધારણમાં કલમ-૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને દેશનાં અન્ય રાજ્યો કરતાં વિશેષ દરજ્જો અપાયો હતો. એનો ધ્વજ અલગ, એના કાયદા અલગ, ભારતીય નાગરિકો દેશના અન્ય કોઈ પણ રાજ્યમાં જઈને વસવાટ કરી શકે, પણ કાશ્મીરમાં ન કરી શકે, ત્યાં પોતાની જમીન ન લઈ શકે. આવા કેટલાક ખાસ અધિકારો કાશ્મીર પાસે હતા. એ કલમને કારણે કાશ્મીર બીજાં બધાં રાજ્યોથી પોતાને આગવું ગણે, પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક લાભો એને અન્ય રાજ્યો કરતાંય વધારે મળે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ રાજ્યમાં પાડોશી પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ શરૂ કરી અને પછી તો આતંકને માટે કાશ્મીર મોકળું મેદાન બન્યું. આ આતંકવાદે હજારો નિર્દોષોના જીવ લીધા. ભારતમાં રહેલું આ રાજ્ય ભારતવિરોધી પ્રવૃત્તિ અને વિચારસરણીનો જાણે અડ્ડો બની ગયું હતું. ભારતની અખંડિતતાને જોખમાવતી આ સ્થિતિનો ઉકેલ સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિએ લાવવો જોઈએ, પરંતુ એ માટે નિયત અને હિંમત બન્ને જોઈએ. આઝાદીનાં ૭૦ વર્ષ પછી વર્તમાન સરકારે આ પગલું ભર્યું ત્યારે આપણા કેટલાક રાજકીય પક્ષો અને બૌદ્ધિકોએ પેલા સોસાયટીના સભ્યો જેવી જ કાગારોળ મચાવી છે. કાશ્મીરમાં અલગતાવાદની ભઠ્ઠી જલતી રાખનારાઓ કાશ્મીરી પ્રજાને ડરાવી રહ્યા છે અને સરકારના પગલાથી તેમનું સર્વસ્વ લૂંટાઈ જશે એવી બીક દેખાડીને તેમની કાનભંભેરણી કરી રહ્યા છે.

હકીકતમાં આ પગલાને પરિણામે વર્ષોથી ખાસ દરજ્જો ભોગવતું કાશ્મીર હવે દેશના અનેક રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક બની ગયું છે. દેશનાં અન્ય રાજ્યોના નાગરિકોને મળે છે એ બધા જ અધિકાર અને સૌની પાસેથી અપેક્ષિત છે એ તમામ ફરજો હવે કાશ્મીરીઓનાં પણ બની ગયાં. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ગુજરાતી, રાજસ્થાની, પંજાબી, મરાઠી, બંગાળી, આસામી કે અન્ય કોઈ પણ રાજ્યના નાગરિક જેટલા ભારતીય છે એટલા જ કાશ્મીરીઓ કે લદ્દાખીઓ પણ ભારતીય બની ગયા છે. કહેવાતા સ્પેશ્યલ સ્ટેટસે તેમને આપેલી બંધિયાર, પછાત અને આતંકિત જિંદગીને બદલે આ નવી વ્યવસ્થામાં તેમને દેશના વિકાસના ફળમાં હિસ્સેદાર બનવાની તક મળવાની છે. કરોડો ભારતીયો સાથે એકરૂપ થવાની તક મળવાની છે. અલબત્ત, બદલામાં તેમણે પોતાનું ખાસ સ્ટેટસ ગુમાવ્યું છે, પરંતુ જે કલમ હેઠળ તેમને એ સ્થાન મળ્યું હતું એ તો કામચલાઉ જ હતી. એ કંઈ હંમેશ માટે રહેવાની નહોતી. વળી એણે તેમને આટલાં વર્ષોમાં શું આપ્યું એનો પણ તેમણે વિચાર કરવો જોઈએ અને પેલા તેમને ડરાવનારા કે ચડાવનારાઓની અસલિયત પણ હવે કાશ્મીરીઓએ બને એટલી જલદી ઓળખી લેવાનો સમય પાકી ગયો છે. ઇન ફૅક્ટ સરકારના આ પગલાથી તેમનો ગરાસ લૂંટાયો છે એટલે તેઓ ભુરાયા થયા છે અને તેઓ કાશ્મીરમાં અશાંતિ પેદા કરવા ટાંપીને બેઠા છે એટલે જ સરકારે જમ્મુ-કાશ્મીરમાં સલામતીનાં કડક પગલાં લીધાં છે. કાશ્મીરીઓને ઉકસાવવાની વૃત્તિવાળાઓને નજરકેદ રાખ્યાં છે. સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા અફવા ફેલાવાય છે એટલે કમ્યુનિકેશનની એ ચૅનલો પણ બંધ કરી દેવાઈ છે. આ બધાં જ પગલાં ત્યાંની જનતાનાં હિતમાં લેવાયાં છે અને આ અરસામાં ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ એ હકીકત પુરવાર કરે છે કે સરકારનાં પગલાં જમ્મુ-કાશ્મીરના લોકોની સલામતી માટે જરૂરી હતાં.

આ પણ વાંચો : બીજાથી જુદા તરી આવવા બેવકૂફી કે હલકાઈ પર ઊતરી જવાય?

પરંતુ આપણા વિપક્ષો, કહેવાતા બૌદ્ધિકો અને આપણો પાડોશી દેશ અત્યારે આ પગલાને લોકશાહીની હત્યા અને જોહુકમીભર્યું કહીને વખોડી રહ્યા છે. પાકિસ્તાન ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામ કરવાના બેફામ પ્રયાસ કરી રહ્યું છે. દેશના શાસકોએ દેશના હિતમાં હિમ્મતભર્યું કદમ ઉઠાવ્યું છે ત્યારે આપણા સૌની પણ નાગરિક તરીકે કેટલીક ફરજો છે. આ તબક્કે મૂંઝાયેલા અને ગભરાયેલા કાશ્મીરીઓને દેશવાસીઓએ પોતીકાપણાનો અહેસાસ કરાવવાની જરૂર છે. વડા પ્રધાને તેમને દિલમાં જગાવેલી શ્રદ્ધા દૃઢ થાય એવાં વાણી અને વ્યવહાર દેશની આમપ્રજા પાસેથી અપેક્ષિત છે. ‘હવે તો કાશ્મીરી છોકરીઓ સાથે શાદી કરી શકાશે’ જેવી વાહિયાત કમેન્ટ કરનારા પોતાની ગંદી વૃત્તિ અને ભદ્દી પ્રકૃતિથી દેશના નેતૃત્વના હાથ નબળા પાડવાનું કામ કરી રહ્યા છે. સરકાર પાસેથી જોખમ ઉઠાવીને પણ જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખવી અને પોતે બેજવાબદારીભરી મૂર્ખાઈ કર્યા કરવી એ ક્યાંનો નાગરિક-ધર્મ?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK