મુહૂર્તના સમયે જ પ્રોડ્યુસર ને લતેશભાઈ વચ્ચે વાંક

07 May, 2019 02:41 PM IST  |  મુંબઈ | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

મુહૂર્તના સમયે જ પ્રોડ્યુસર ને લતેશભાઈ વચ્ચે વાંક

મિત્રો, આજના આ આર્ટિકલની શરૂઆત એક માહિતીદોષના સુધારા સાથે કરવાની છે. ગયા વીકમાં કહ્યું હતું કે પોરબંદરના ખ્યાતનામ ઉદ્યોગપતિ દેવકરણ નાનજી મહેતાએ આ જ નામ સાથે એક શરાફી પેઢીની શરૂઆત કરી જે સમય જતાં બૅન્કમાં કન્વર્ટ થઈ અને દેવકરણ નાનજીનું ટૂંકું નામ દેના બૅન્ક થયું અને પછી એ જ નામ ઑફિશ્યલ પણ બન્યું. મિત્રો, રંગભૂમિના એન્સાયક્લોપીડિયા ગણાય એવા નિરંજન મહેતાએ કહ્યું કે દેવકરણ નાનજી અને નાનજી કાલિદાસ મહેતા એ બન્ને બિલકુલ અલગ પરિવાર છે. આ માહિતીદોષ માટે આપ સૌ દરગુજર કરશો એવી આશા છે. તેમણે એ પણ જણાવ્યું કે દેના બૅન્કના સ્થાપક દેવકરણ નાનજીના દીકરા પ્રાણલાલભાઈ હતા. આ પ્રાણલાલભાઈને રંગભૂમિમાં ખૂબ ઊંડો રસ હતો. તેમના પ્રમુખપદ હેઠળ ગુજરાતી રંગભૂમિની શતાબ્દી ઊજવાઇ હતી. રંગભૂમિ પ્રત્યેના સ્નેહને કારણે તેમણે બૅન્કમાં કલાકારોને નોકરી આપી હતી.

‘ચિત્કાર’નું બધું કાસ્ટિંગ પૂરું થયું અને ચાલુ રિહર્સલ્સે વૉર્ડબૉય ભોપાનું પાત્ર સહાયક દિગ્દર્શક ગુણવંત સુરાણીને સોંપવામાં આવ્યું તો બેબી રુચિતાને શોધી લાવવાનું કામ સુજાતા મહેતાએ કર્યું અને આમ અમારા નાટકનાં રિહર્સલ્સ આગળ વધ્યાં. આગળ વધતાં પહેલાં એક વાત કહી દઉં કે હજી સુધી અમારા નાટકનું નામ નક્કી થયું નહોતું અને બીજું એ કે રિહર્સલ્સ ચાલુ કરતાં પહેલાં રિહર્સલ્સની જગ્યાની પણ એક નાનકડી વાત છે.

મેં તમને કહ્યું હતું એમ, અમારી પાસે રિહર્સલ્સ માટે રૉબર્ટ મની હાઈ સ્કૂલ એક માત્ર ઑપ્શન હતું, જ્યાં મને રિહર્સલ્સ કરવાનું જરા પણ ગમતું નહોતું. વાતાવરણ એકદમ માંદલું અને ડિપ્રેસિવ લાગતું હતું. ફાર્બસ સભાગૃહના હૉલમાં ઑલરેડી બીજાનાં રિહર્સલ્સ ચાલુ હતાં. એ સમયે બિરલા ક્રીડા કેન્દ્રની પાછળના ભાગમાં દરિયાકિનારા પાસે બોટહાઉસ નામની જગ્યા હતી. આ જગ્યા અત્યારે તો બંધ છે. આ જગ્યાએ મોટા ભાગે શૈલેશ દવેનાં રિહર્સલ્સ થતાં. બિરલા ક્રીડા કેન્દ્રના પહેલા માળે પણ રિહર્સલ્સ થતાં, પણ અમે એ જગ્યાએ જવાનું ટાળતા, કારણ કે ત્યાં પડઘા ખૂબ પડતા. રિહર્સલ્સ માટે અમે એવી જગ્યા શોધતા હતા જે અમને પરવડે, ડિપ્રેસિવ ન હોય અને પડઘા પણ ન પડે. એ સમયે લતેશ શાહનું ઘર કાલબાદેવીમાં હતું, જેની બાજુમાં ભાંગવાડી થિયેટર હતું, જે હવે તો હતું ન હતું થઈ ગયું છે. એ ભાંગવાડી થિયેટરના માલિકોએ થિયેટર બંધ કરીને શૉપિંગ આર્કેડ ખોલવાનું વિચાર્યું હતું, જેનો ભાંગવાડી રહેવાસી સંગઠને વિરોધ કર્યો હતો અને કોર્ટમાંથી સ્ટે લઈ લીધો હતો. બિલ્ડિંગ આખું તૈયાર હતું, પણ સ્ટેને કારણે ત્યાં કોઈ હતું નહીં અને બિલ્ડિંગ આખું ખાલી હતું.

હું એ બિલ્ડિંગમાં ઘૂસીને જોઈ આવ્યો. ત્યાં ઉપરના માળે એક મોટો હૉલ હતો. મને તો જગ્યા જોતાં જ ગમી ગઈ અને લાગ્યું કે અહીં રિહર્સલ્સ થઈ શકે એમ છે અને આમ પણ જે જગ્યાએ ભાંગવાડી થિયેટર હતું એ જગ્યાએ અમને રિહર્સલ્સ કરવા મળે એનાથી વિશેષ અમારા માટે બીજું શું હોય.

મેં એ જગ્યાના કર્તાહર્તા સાથે વાત કરીને ૫૦ રૂપિયા પ્રતિ દિવસના ભાવે એ જગ્યા રિહર્સલ્સ માટે બુક કરી લીધી. મિત્રો, રૉબર્ટ મની હાઈ સ્કૂલમાં દરરોજનું ભાડુ ૧૭ રૂપિયા અને ફાર્બસ હૉલનું ભાડુ ૩૫ રૂપિયા, જેની સામે આ જગ્યાનું ભાડુ એ બન્ને જગ્યાના ટોટલ જેટલું અને એ પછી પણ મેં એ જગ્યા ફાઇનલ કરી એનાં કારણો છે. જગ્યા ખરેખર સારી હતી. હકારાત્મક વાઇબ્રેશન્સ મળતાં હતાં. એક વિશિષ્ટ પ્રકારની શાંતિ હતી ત્યાં અને અમને વધારે કલાક કામ કરવું હોય તો એ પણ થઈ શકે એમ હતું. બીજી ખાસ વાત, અમારા નાટકમાં એવા કોઈ કલાકારો નહોતા જે ઍક્ટિંગ સિવાય બીજું કોઈ કામ કરતા હોય. દીપક ઘીવાલા અને સુજાતા મહેતા એ સમયે માત્ર નાટકો જ કરતાં એટલે અમે વધુ સમય નાટકનાં રિહર્સલ્સ કરી શકીએ એમ હતાં.

જગ્યા બુક થઈ એટલે અમે નાટકના મુહૂર્તની તૈયારી શરૂ કરી. મુહૂર્તના દિવસે ફાઇનૅન્સર-કમ-પ્રોડ્યુસર બિપિન મહેતા અને તેમના મિત્રો, જેઓએ બધા સાથે મળીને નાટક બનાવવાનું નક્કી કર્યું હતું એ બધા આવ્યા હતા. એ જ દિવસે તેમને લતેશભાઈ સાથે કંઈક પ્રૉબ્લેમ થયો. કદાચ લતેશભાઈએ તેમને બરાબર ટ્રીટ નહીં કર્યા હોય એવું તેમને લાગ્યું એટલે નારાજગી સાથે તેમને થોડો ગુસ્સો પણ આવ્યો હતો. બીજા દિવસે હું જયારે બિપિનભાઈ પાસે પૈસા લેવા ગયો ત્યારે તેમણે મને કહ્યું કે જો સંજય, નાટકની કામગીરી આગળ વધાર અને જેમ-જેમ પૈસાની જરૂર પડતી જાય એમ-એમ મગાવતો જા, પણ હવે અમે લોકો ત્યાં આવવાના નથી. અમે હવે સીધા શો જોવા આવીશું. બધો હિસાબ તું સંભાળજે.

આમ, બિપિનભાઈ અને લતેશભાઈ વચ્ચે હું સેતુ બન્યો. આ બાજુ બિપિનભાઈને શાંત પાડું અને તેમને કહું કે લતેશભાઈના મનમાં કંઈ નથી, તમે જરા પણ ખરાબ લગાડો નહીં. પેલી બાજુએ હું લતેશભાઈને પણ સમજાવું કે આપણે જતું કરવાનું શીખતા રહેવાનું, આપણે કોઈ પણ હિસાબે આ નાટક પૂÊરું કરવું છે, કામ ક્યાંય અટકવું ન જોઈએ, બિપિનભાઈ પૈસા આપવા ઊભા જ છે. એ વખતે લતેશભાઈ થોડા અગ્રેસિવ નેચરના હતા. કાંતિ મડિયા તો તેમને ‘જેહાદી’ કહીને જ બોલાવતા. મને એક કિસ્સો યાદ આવે છે, લતેશભાઈ ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં નાટકો કરતા હતા ત્યારે તેમણે આઇએનટી સામે બળવો પોકારેલો, આઇએનટીની જુનિયર કલાકારો પ્રત્યે, નવા કલાકારો પ્રત્યે અન્યાયી નીતિ છે એવું તેમને લાગતું હતું. બાકી નવા કલાકારો તો મોટા ભાગે ચૂપ રહેતા, પણ લતેશભાઈએ ચૂપ રહેવાને બદલે બળવો કર્યો. આઇએનટી કૉમ્પિટિશનમાં તેમનું એક નાટક હતું. એ ભજવવાનો વારો આવ્યો અને કર્ટન ખૂલ્યો ત્યારે તેમણે સ્ટેજ પર આવીને કહ્યું કે અમે આ આઇએનટીની અન્યાયી નીતિ સામે વિરોધ નોંધાવીએ છીએ અને એ વિરોધના ભાગરૂપે અમે આ નાટક અહીં, સ્ટેજ પર નહીં ભજવીએ. આ નાટક આજે બહાર રસ્તા પર ભજવાશે અને લતેશભાઈએ નાટક રસ્તા પર કર્યું હતું. એ નાટકનું નામ હતું ‘ગેલેલિયો.’ એ સમયે સમગ્ર રંગભૂમિમાં આ સમાચારથી સન્નાટો પ્રસરી ગયો હતો.

ફૂડ-ટિપ્સ

હ્યુસ્ટન, હ્યુસ્ટનથી બોલિંગગ્રીન અને પછી ત્યાંથી અમારે શો માટે જવાનું હતું કૅનેડા. કૅનેડામાં અમારા પાંચ શો હતા, પહેલો શૉ હતો ઍડ્મિંગ્ટનમાં. બોલિંગગ્રીનથી ઍડ્મિન્ટન બાય રોડ ૪૦ કલાકનો રસ્તો હતો અને નાટકમાં બે દિવસનો ગૅપ હતો એટલે દરરોજ ૨૦-૨૦ કલાક ડ્રાઇવ કરીને અમે આગળ વધવાનું નક્કી કર્યું. વચ્ચે ક્યાંય મોટેલ દેખાય તો એમાં થોડો આરામ કરીને ફરી પાછા નીકળી જવાનું અને આમ કૅનેડાની બૉર્ડર પાર કરીને ઍડ્મિંગ્ટન પહોંચ્યા. ઍડ્મિંગ્ટનમાં શો પૂરો કરીને અમારે કેલગરી જવાનું હતું અને ત્યાંથી અમારો શો રઝાઇના હતો. બધું બરાબર ચાલ્યું અને અમે જેવા કેલગરીથી રઝાઇના જવા વૅનમાં ગોઠવાયા ત્યારે ખબર પડી કે વૅનની પાછળની સિગ્નલ લાઇટ ચાલુ નથી થતી. અમે ગૂગલ પર મિકેનિકની શોધ કરી અને સીધા પહોંચ્યા ડાઉનટાઉન મિકેનિક પાસે. રિપેરિંગમાં વાર લાગે એમ હતી એટલે અમે બધા ફરવા નીકYયા અને ફરતાં-ફરતાં મારું ધ્યાન ગયું એક રેસ્ટોરાં પર, નામ એનું ‘ધી કૂપ.’ રેસ્ટોરાંના મેનુ પરથી મને ખ્યાલ આવ્યો કે આ એક વીગન રેસ્ટોરાં છે. વેજ અને નૉનવેજ રેસ્ટોરાં તમે સાંભળી હશે, પણ આ વીગન રેસ્ટોરાં તમે સાંભYયું નહીં હોય.

વીગન એટલે માત્ર શાકાહારી નહીં, અતિ શાકાહારી. નૉનવેજ તો નહીં જ ખાવાનું પણ સાથોસાથ દૂધ પણ નથી લેવાનું. દૂધ બંધ એટલે ચા-કૉફી બંધ. દૂધમાંથી બનતાં દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ, કેક, પેસ્ટ્રી, ચીઝ, પનીર, ઘી, માખણ અને મીઠાઈઓ સહિત બધું બંધ. એવું નહીં કે માત્ર ગાય કે ભેંસનું દૂધ બંધ. ઊંટ કે બકરીનું દૂધ પણ નહીં લેવાનું. તમે સોયાબીન મિલ્ક પી શકો કે પછી કોકોનટ મિલ્ક લઈ શકો. યુરોપ, અમેરિકા, કૅનેડા જેવા દેશોમાં વીગન ફૂડનું ચલણ ખૂબ વધ્યું છે. હવે આપણે ત્યાં ઇન્ડિયામાં પણ એનું પ્રમાણ ખાસ્સું થઈ ગયું છે. અંધેરીમાં એક વીગન રેસ્ટોરાં પણ છે. જોકે એમ છતાં વીગનમાં ખાસ ઑપ્શન્સ આપણે ત્યાં મળતાં નથી; પણ અમેરિકા અને કૅનેડામાં તો તમને વીગન આઇટમમાં ખૂબબધી ચૉઇસ મળે. ચા-કૉફીમાં સોયા મિલ્ક નાખવામાં આવે છે, જેનો ટેસ્ટ તમને રેગ્યુલર ચા જેવો જ આવે. તમને વીગન ચીઝ પણ મળે. આ વીગન ચીઝ બદામમાંથી બનાવવામાં આવે. તમને પીઝા પર આ આમન્ડ ચીઝ નાખી આપવામાં આવે. અમેરિકા કે કૅનેડા જેવી જગ્યાએ ફરવા ગયા હો ત્યારે તમે ગૂગલ કરશો તો તમને પુષ્કળ વીગન રેસ્ટોરાં મળશે. વીગન વરાઇટીનો ટેસ્ટ જો તમને એક વાર ભાવી ગયો તો તમને ખરેખર મજા પડી જશે. વીગન ફૂડ હેલ્થ માટે ખૂબ સારું છે.

જોકસમ્રાટ:

કોઈ પણ મહિલાને તેના લક્ષ્ય સુધી પહોંચવાથી કોઈ રોકી શકશે નહીં.

બસ, રસ્તામાં કોઈ પાણીપૂરીવાળો ન આવવો જોઈએ.

આ પણ વાંચો : કૉલમ: એક કિસ્સા પરથી શીખવા મળેલો પાઠ પૂરા દેશના હિતમાં ઉપયોગી બન્યો

જેહાદીનો ગેલેલિયો : સાયન્ટિસ્ટ ગેલેલિયોના નામ પરથી બનાવવામાં આવેલા નાટકનો શો આઇએનટી કૉમ્પિટિશનમાં આવ્યો ત્યારે કર્ટન ખોલતાની સાથે જ લતેશ શાહે અનાઉન્સ કરી દીધું હતું કે આ નાટકનો પર્ફોર્મન્સ સ્ટેજ પર નહીં, રસ્તા પર થશે. આ ઘટના પછી કાન્તિ મડિયા લતેશભાઈને જેહાદી કહીને બોલાવતા.

columnists