માયા સારાભાઈ, હેમલતા ધોળકિયા અને રત્ના પાઠક-શાહ

16 March, 2023 06:12 PM IST  |  Mumbai | JD Majethia

ઍક્ટિંગની જીવતી-જાગતી ગાથા છે રત્નાબહેન. ‘હૅપી ફૅમિલી: કન્ડિશન્સ અપ્લાય’માં જે રીતે તેમણે પોતાની જાતને ઢાળી છે એ જોઈને ખરેખર કહેવાનું મન થઈ આવે - રત્નાબહેન સૅલ્યુટ

‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય

બહુ ઓછા ઍક્ટર એવા હોય જે આતિશ કાપડિયા જેવા સક્ષમ રાઇટરની ઉપર જઈ શકે, પોતે વિચાર કરી શકે. તો મારે કહેવું છે કે રત્ના પાઠક-શાહ એવાં અભિનેત્રી છે જે સક્ષમ રાઇટર લાવ્યા હોય એમાં પણ પોતાનું ઍડ કરે; એટલું જ નહીં, તે બૉડી-લૅન્ગ્વેજથી માંડીને બીજી બધી બાબતોમાં પણ નવું લાવે.

સૌથી પહેલાં તો તમારો આભાર. દરેકેદરેક ગુજરાતી પ્રેક્ષકનો આભાર. આજ સુધી તેમણે એટલો પ્રેમ આપ્યો છે, સન્માન આપ્યું છે એ બધા માટે ખૂબ-ખૂબ આભાર. ફરી એક વાર તેમણે અમારા વધુ એક પ્રોગ્રામને વધાવી લીધો. ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ને એટલા સારા રિવ્યુ બધેથી મળ્યા છે જેની ખરેખર કોઈએ કલ્પના નહોતી કરી. ઇન્ડિયામાં અત્યારે ફાસ્ટેસ્ટ વ્યુઅર ગ્રોઇંગ જો કોઈ વેબસિરીઝ હોય તો એ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ છે અને એને આ સ્તર પર લઈ જવાનું કામ તમે સૌએ કર્યું છે.

આ રિવ્યુ પછી હું તમને એમ જ કહીશ કે જો તમે હજી એ ન જોઈ હોય તો તમે ખરેખર કશું મિસ કર્યું છે. આજે જ જોઈ લો અને ફૅમિલી સાથે બેસીને જુઓ. આપણે ત્યાં એવી ફરિયાદ થતી રહી છે કે ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય એવી વેબસિરીઝ નથી આવતી તો એ મહેણું ભાંગવાનું કામ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ કરે છે. તમારા ઘરના એકેએક મેમ્બરને ધ્યાનમાં રાખીને અને સાથોસાથ એકેએક વ્યક્તિની આચારસંહિતા ધ્યાનમાં રાખીને આ શો ડિઝાઇન કર્યો છે અને ખાસ વાત. અત્યારે એના ચાર એપિસોડ આવ્યા છે, પણ શુક્રવારે એટલે કે આવતી કાલે રાતે વધુ એપિસોડ ઑનલાઇન આવી જવાના છે. આ સિરીઝ અમે એવી રીતે પ્લાન કરી છે કે પહેલાં ચાર એપિસોડ આવે અને એ પછી દર શુક્રવારે બબ્બે એપિસોડ આવે અને ત્રણ શુક્રવાર સુધી આ દોર ચાલે. ફરી એક વાર હું કહીશ કે ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ તમે જુઓ જ જુઓ. તમારા જ જેડી અને આતિશ કાપડિયાએ વેબસિરીઝને ફૅમિલી એન્ટરટેઇનરનું રૂપ આપ્યું છે જે આપણે ત્યાં પહેલી વાર થઈ રહ્યું છે.

આ શોનાં એટલાં બધાં વખાણ થાય છે કે ન પૂછો વાત. સૌથી વધારે વખાણ બે બાબતનાં થાય છે. એક, આતિશ કાપડિયાના લખાણનાં અને બીજા, શોના કાસ્ટિંગનાં. મારે આતિશના લખાણનાં આ જે વખાણ થાય છે એ વિશે વાત કરવી છે, પણ એને આપણે જરા બાજુ પર રાખીએ અને અત્યારે આવીએ કાસ્ટિંગની વાત પર કે આ કાસ્ટિંગ અમે કર્યું કઈ રીતે? ઘણા લોકો આ સવાલ પૂછે છે, કારણ કે આ શો માટે અમે પહેલી વાર આઉટ-ઑફ-બૉક્સ કાસ્ટિંગ કર્યું છે.

સામાન્ય રીતે કાસ્ટિંગમાં એવું હોય કે તમારાં પાત્રો બંધબેસતાં બાંધો કે પછી કદ-કાઠી અને કલાકારની એ પ્રકારની ટૅલન્ટ હોય એટલે તમે તેમને કાસ્ટ કરો. આવી જે વ્યક્તિ હોય તેનું નામ તમે પેપર પર લખીને રાખી દો. પછી જે સમયે તમારે પ્રોગ્રામ બનાવવાનો હોય એ સમયે તમારે જોવાનું હોય કે તે કેવા વ્યસ્ત છે, શો કરી શકે એમ છે કે નહીં, તેમને શો ગમે છે કે નહીં અને અગત્યની વાત, તમારા બજેટમાં બંધ બેસે છે કે નહીં. આ અગત્યનાં પાસાંઓને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું હોય. આ બધાં પાસાં વચ્ચે તમે અમુક કલાકાર માટે ક્લિયર હો અને અમે એક કલાકાર માટે ક્લિયર હતા. એ હતું હેમલતાનું કૅરૅક્ટર.

રત્ના પાઠક-શાહ. 

હેમલતાના પાત્રમાં અમને તે જોઈએ જ જોઈએ એ એકદમ ક્લિયર હતું. અહીં તમને એક બીજી વાત પણ કહું. કાસ્ટિંગ અમારી મરજી મુજબ ન હોય. અમે જેના માટે શો કરતા હોઈએ એ પ્લૅટફૉર્મ કે ચૅનલની પણ એમાં મંજૂરી હોવી જોઈએ. આ મર્યાદા ગણો કે પછી ખાસિયત, અમને ખબર જ હતી અને એમ છતાં હેમલતા માટે અમે શ્યૉર હતા કે એ રોલમાં તો અમને રત્ના પાઠક-શાહ જ જોઈએ. 

આતિશ જ્યારે શો લખતો હતો, અમે જ્યારે એની ચર્ચા કરતા હતા ત્યારે અમારી વચ્ચે પણ એ જ વાત ચાલતી કે આ તો રત્નાબહેન જ કરે. રત્નાબહેનને અછડતી વાત પણ કરી રાખી હતી એટલે જ્યારે વાત આવી કે તરત અમે રત્નાબહેનને મળ્યા, તેમને શો સંભળાવ્યો અને રત્નાબહેન પણ એક જ મિનિટમાં માની ગયાં. અમારી પાસે ઑપ્શન હોય, પણ રત્નાબહેન જેવાં સક્ષમ અભિનેત્રીની વાત હોય એવા સમયે ઘણી વાર અમારી મર્યાદાઓ બંધાઈ જતી હોય. અમે તેમની પાસે એવું કંઈ લઈ જઈએ જે તેમને છાજે એવું હોય. રત્નાબહેન ઘણી વાર આવી વાતો મારી પાસે સાંભળે ત્યારે મને કહે પણ ખરાં કે તું મારા માટે વધારે વખાણ કરે છે; પણ આ મીન, આઇ બિલીવ ઇટ. ગુજરાતીમાં એક ઉક્તિ છે : સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ લેવાય. એટલે અમારે રત્નાબહેન માટે કંઈ કરવું હોય તો વિષય પણ એવો હોવો જોઈએ જે રત્નાબહેનને શોભે અને તો જ સોને પે સુહાગા થાય. એકેએક રિવ્યુ, કૉમન મૅનથી માંડીને ક્રિટિક્સના રિવ્યુ, એક સિંગલ ઓપિનિયન છે કે રત્નાબહેન આઉટસ્ટૅન્ડિંગ છે, સુપર્બ છે, લાજવાબ છે, બેજોડ છે. 

આ પણ વાંચો: બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...

જો તમને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની માયા સારાભાઈએ મજા કરાવી હોય તો તમે હેમલતાને જોશો તો ખરેખર મૂંઝાઈ જશો. તમે માયા સારાભાઈની આ રોલમાં કલ્પના પણ ન કરી હોય એવો રોલ તેમણે કર્યો છે. તમને ટૂંકમાં કહું તો માયા સારાભાઈ આ રોલમાં તમને મોનિસા જેવી લાગશે અને આ રત્નાબહેનની રેન્જ દેખાડે છે. 

રત્નાબહેનની કામ કરવાની જે પ્રોસેસ છે તે એટલી સુંદર છે કે તમને એ જોતાં-જોતાં પણ ઘણું શીખવા મળે. બહુ ઓછા ઍક્ટર એવા હોય જે આતિશ કાપડિયા જેવા સક્ષમ રાઇટરની ઉપર જઈ શકે, પોતે વિચાર કરી શકે. તો મારે કહેવું છે કે રત્નાબહેન એવાં અભિનેત્રી છે જે સક્ષમ રાઇટર લાવ્યા હોય એમાં પણ પોતાનું ઍડ કરે; એટલું જ નહીં, તે બૉડી-લૅન્ગ્વેજથી માંડીને બીજી બધી બાબતોમાં પણ એટલું જ નવું લાવે. તમને એક નાનકડી વાત કરું. 
રત્નાબહેને ત્રણ જગ્યાએ અલગ-અલગ ચાલ લીધી છે. એ ચાલ તમે જોશો તો તમને સમજાશે કે આ એ જ કરી શકે જે નખશિખ કલાકાર હોય. જોજો તમે, તમને મજા પડી જશે. મારે તો આ બધા વિશે ખૂબબધું લખવું છે, પણ આપણે બીજી પણ વાતો કરવાની છે એટલે અત્યારે આ ટૉપિકને એક વાક્યમાં વિરામ આપું. રત્નાબહેનની અદ્ભુત અભિનયક્ષમતાએ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ને ચાર ચાંદ લગાવી દીધા છે. તેમનું કાસ્ટિંગ અમારા માટે હુકમનો એક્કો પુરવાર થયો છે. જે વિચાર્યું હતું એના કરતાં પણ ખૂબ વધારે સારી રીતે તેમણે આખા શોને ઉપાડી લીધો છે. જો તમે માયા સારાભાઈના ફૅન રહ્યા હો તો તમારે અત્યારે જ આ શો જોવો જોઈએ. યાદ રાખજો મારા શબ્દો, એ તમને જરા પણ ડિસઅપૉઇન્ટ નહીં કરે, ગૅરન્ટી મારી.
રત્નાબહેન પછી વાત કરવાની હોય તેમની સાથે જેણે પેર બનાવી હોય એવા ઍક્ટરની. પણ ના, મારે એ વાત અત્યારે નથી કરવી. હમણાં આપણે વાત કરીએ તેમના દીકરાના પાત્રમાં જેણે રત્નાબહેનને ટક્કર મારે એવો અભિનય આપ્યો છે તે અતુલ કુલકર્ણીની. અતુલને હું ઑલમોસ્ટ પચ્ચીસેક વર્ષથી ઓળખું.

અઢી દશકા પહેલાં એક નાટક આવ્યું હતું ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’. આ ગુજરાતી નાટકમાં ગાંધીજીનું પાત્ર જેણે કર્યું હતું તે અતુલ કુલકર્ણીને સ્ટેજ પર જોઈને હું આભો રહી ગયો હતો. મરાઠી માણસ અને તે માણસ આટલી અદ્ભુત ગુજરાતી બોલે! બસ, એ દિવસથી નક્કી કર્યું હતું કે એક વખત અતુલ સાથે કામ કરવું છે. એ કામ કરવાનો મોકો કેવી રીતે આવ્યો અને કઈ રીતે અતુલ ‘હૅપી ફૅમિલી : કન્ડિશન્સ અપ્લાય’ના બોર્ડ પર આવ્યો એની વાત હવે આપણે કરીશું આવતા ગુરુવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia ratna pathak Web Series