જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

26 February, 2021 11:01 AM IST  |  Mumbai | Jamnadas Majethia

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

‘જનની.’
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
મારી ઇચ્છા છે કે આ ગીત હું તમને બધાને લખીને સંભળાવવાને બદલે ગાઈને સંભળાવું, પણ લાચારી છે કે આપણે આ રીતે શબ્દોથી જ વાત કરવાની છે. ગાઈને સંભળાવવાનું મન થવાનું કારણ એ કે મારી બા નાનપણમાં અમને બધાને આ કવિતા ગાઈને સંભળાવતી. મીઠો અવાજ અને એવી જ રાગની સમજણ પણ. એમ જ થાય કે બાને સાંભળતો રહું. અત્યારે મારા સદ્નસીબ જુઓ કે ૧૫ જ દિવસમાં હું મારા નવા શો સાથે તમારી સામે ફરી આવું છું. તમારા જેવા શુભેચ્છકોનો અને ઈશ્વરનો ખૂબ આભાર કે જે ટીવી-સિરિયલ હું બીજાના ઘરે જઈને જોતો હતો એ જ ટીવી-સિરિયલ ‘વાગ્લે કી દુનિયા’ આજે હું લોકોના ઘરે-ઘરે પહોંચાડું છું અને ઉપર કહી એ નાનપણમાં સાંભળેલી કવિતાના શીર્ષક ‘જનનીની જોડ’થી શીખેલા ‘જનની’ શબ્દના અર્થ અને એની મહિમાની વાત પરથી બનેલી ‘જનની’નું નિર્માણ કરી રહ્યો છું. મારા માટે આ ખુશીની વાત છે તો મારા પ્રિય વાચકો, તમારા માટે પણ એ ખુશીની જ વાત છે. આ નવી સિરિયલ ‘જનની’ તમારા સૌના મનોરંજન માટે આવી રહેલી એક નવી ચૅનલ ઇશારા પર આવશે. રોજ સાંજે ૭થી ૯ વાગ્યા સુધી ફૅમિલીના મનોરંજન માટેના શો છે, જેમાં સોમથી શુક્ર સાડાસાત અને સાડાનવ વાગ્યે ‘જનની’ આવશે. ‘વાગ્લે કી દુનિયા’ જેમ સબ ટીવી પર જામી ગઈ છે એમ જ આશા રાખીએ કે તમારો પ્રેમ અને આદર ‘જનની’ પણ પામે.
જનની શબ્દોમાં જ પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ અને આદર એમ દુનિયાનાં દરેક ઇમોશન્સ સમાયેલાં છે. મને લાગે છે કે જનની શબ્દ જણવા પરથી આવ્યો હશે. જણવું એટલે પેદા કરવું કે પછી ક્રીએટ કરવું. મા સંતાનો જણે એટલે તેને જનની કહેવાય. જનની કેવી અદ્ભુત વ્યક્તિ છે. દુનિયાના અબજો લોકોનો સર્વે કરવામાં આવે અને તેમને પૂછવામાં આવે કે તેમના જીવનમાં સૌથી ગમતું શ્રેષ્ઠ પાત્ર કયું તો લગભગ લોકોનો પહેલા નંબર પર તેમની જનનીનું જ નામ આવશે. એનાં
કારણો અનેક છે, પણ એ અનેક
કારણોમાંનું સર્વશ્રેષ્ઠ કારણ જો કોઈ હોય તો એ કે જનની પાસેથી વ્યક્તિએ મેળવેલો નિઃસ્વાર્થ પ્રેમ.
એવું નથી હોતું કે મા સાથે મતભેદ કે ઝઘડા નથી થતા કે પછી માના સ્વભાવમાં ઊણપ નથી હોતી; પણ હા, માના પ્રેમમાં, માના સ્નેહ અને માની લાગણીમાં કુદરતી રીતે ક્યારેય ઊણપ નથી હોતી. આપણે દુનિયાની બીજી વ્યક્તિની જેમ આપણાં કામ કે સ્વાર્થ માટે સાચવી લેતા હોઈએ છીએ એમ મા સાથે પણ કરતા થઈ જાય તો દુનિયાની કેટલી માતાઓની લાગણી દુભાતી ઓછી થઈ જશે. માને-જનનીને આપણે કોઈ પણ રીતે, કંઈ પણ કહી શકીએ. તું’કારે પણ બોલાવી શકીએ. એનું કારણ એ જ કે એ અધિકાર આપણને જનનીએ પોતે જ આપ્યો છે અને આપણે, એનો આપણા તરફનો આ સ્નેહ ગ્રાન્ટેડ લઈએ છીએ અને જીવનમાં, સંસારમાં એવા વ્યસ્ત થઈ જઈએ છીએ અને એ જ જનનીને દુખી કરતા હોઈએ છીએ જેણે આપણને સુખ સિવાય કશું આપ્યું નથી હોતું.
મારે એક વાત કહેવી છે કે જે માના ન થાય તે દુનિયામાં ક્યારેય કોઈના કંઈ ન થઈ શકે.
માને કંઈ પણ કહી દેવું બહુ સહેલું છે. તેને ખરાબ ન લાગે એવું આપણે ઘણાં ઘરમાં જોતાં-જોતાં મોટા થયા હોઈએ છીએ. એમાં વાંક ક્યારેક આપણા ઘરના વડીલોનો, તો ક્યારેક આપણા પિતાઓનો અને ક્યારેક માતાનો પોતાનો પણ ખરો. તેણે તેના સ્વમાન માટે માથું ઊંચક્યું હોત તો કદાચ આ નોબત ન આવી હોત, પણ આ તેને ખબર છે અને એમ છતાં તેણે એવું ન કર્યું. કારણ, ઘરમાં કંકાસ ન થાય, ઘર ભાંગે નહીં એટલે તેણે એવું કરવાનું વિચાર્યું સુધ્ધાં નહીં અને તેના આ સ્વભાવને આ જ લોકો અબળા માનીને જોતા રહ્યા. બીજા સમજે ત્યાં સુધી તેણે કોઈ વાંધો ન ઉઠાવ્યો, પણ તેનાં સંતાનોએ તેના આજીવન કરેલા ત્યાગની કદર ન કરી તો દુઃખ થયું. તમને થોડા દિવસ પહેલાં મેં એક લેખમાં જણાવ્યું હતું કે તમે તમારા જીવનની સ્ટોરી લખો અને એને બહુ જ રસપ્રદ અને ઇન્સ્પાયરિંગ બનાવો તો આવી જ વાત છે ‘જનની’ સિરિયલની.
એક મા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હોય, ૧૦-૧૦ સંતાનોને ઉછેરી શકે અને એ જ સંતાનો જ્યારે પોતાની માને મોટી ઉંમરે સાચવવાની વાત આવે ત્યારે જવાબદારી એકબીજાના માથે નાખે છે. માબાપને સાચવવાની જવાબદારી વહેંચી લેવામાં વાંધો નથી. આજકાલનું બધાનું જીવન અને જીવનશૈલી એવાં થઈ ગયાં છે કે મોટાં શહેરો, મોટા પરિવારોમાં એ સિવાય ઘણી વાર રસ્તો પણ નથી હોતો, પણ એ બધું એવી રીતે થવું જોઈએ કે માબાપને જરીકેય ઓછું ન આવે અને એમાં પણ એકલી પડી ગયેલી મા જેણે હંમેશાં પોતાનો સમય, પોતાનું જીવન પરિવાર માટે ખર્ચી નાખ્યું છે તેને તો અણસાર સુધ્ધાં આવે. સિરિયલમાં વાત એવી જનનીની છે જેણે પોતાનું સ્વમાન એટલી હદે જતું કર્યું છે કે ક્યારેય સ્વાવલંબી થવાનું વિચાર્યું પણ નહીં. હવે આ ઉંમરે કેવી રીતે સ્વાવલંબી થઈ શકે અને શા માટે થવું પડે છે? એ વાતનો વિષય છે અમારી નવી સિરિયલ ‘જનની’નો.
મને જ્યારે શોના લેખકે એની વનલાઇન સંભળાવી ત્યારે કહ્યું હતું કે ‘બચપન મેં સારે ભાઈ લડતે હૈં કિ મા મેરી હૈ, મા મેરી હૈ... વો હી જબ બડે હો જાતે હૈં તો કહતે હૈં, મા તેરી હૈ, મા તેરી હૈ...’
આ વનલાઇન સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.
મારે અત્યારે પણ કહેવું છે મારી બાને કે મેં જાણ્યે-અજાણ્યે ક્યારેય તારી સાથે બોલવામાં કે વ્યવહારમાં ભૂલ કરી હોય કે તને પ્રેમ આપવામાં કે આદરમાં આપવામાં ઓછો પડ્યો હોઉં તો છોરું સમજીને મને માફ કરી દેજે. આ સિરિયલ બનાવવા પાછળનો મારો એકમાત્ર હેતુ છે કે દુનિયાની દરેક જનનીને તેનો અધિકાર, તેનું સ્વમાન, તેને મળવા પાત્ર પ્રેમ અને આત્મવિશ્વાસ મળે અને આ બધું હું એટલે કરી શકું છું બા કે નાનપણમાં કરેલી વાર્તાઓ, સંસ્કારોના સિંચનના અને ‘જનની જોડ સખી નહીં જડે રે લોલ...’ જેવી કવિતાઓ દ્વારા તેં મારું ઘડતર કર્યું છે. એક એવા માણસનું ઘડતર કર્યું છે જે લાગણીશીલ હોવાનો ગર્વ અનુભવતાં-અનુભવતાં અત્યારે પણ આ વાત લખતી વખતે રડી પડે છે. આ ‘જનની’ સિરિયલ હું મારી જનની શાંતાબહેન નાગરદાસ મજીઠિયા અને દુનિયાની દરેક જનનીને અર્પણ કરું છું અને આશા રાખું છું કે દુનિયામાં મા સાથેના સંબંધોમાં ખરેખર સારો બદલાવ લાવે.
આ શોની વાત થતી હતી ત્યારે મારા એક લેખક-મિત્ર પંકજ ત્રિવેદી બેઠા હતા. તેમણે વાત સાંભળીને બહુ સરસ વાત કહી. મા અને પિતાના પ્રેમ આમ તો સરખા જ હોય, પણ પિતા કરતાં માનો પ્રેમ થોડો વધારે કેમ હોય, કારણ કે તે તો ૯ મહિના પહેલાંથી જ પેટમાં ઉછેરાતી બાળકની પહેલી ક્ષણથી જ સંતાનને પ્રેમ કરતી હોય છે. જ્યારથી જણે છે ત્યારથી આ જનની તમને પ્રેમ કરે છે તો એ દરેક માતાઓને અને દરેક માતાઓને પ્રેમ કરતી દરેક વ્યક્તિને મારી વિનંતી છે કે આ સિરિયલ જોજો, તમને જરૂર મજા આવશે. હા, ઇશારા ચૅનલ નવી છે એટલે એને શોધવામાં થોડો સમય જતો રહેશે, પણ ૧ માર્ચથી આ સિરિયલ જોઈને મને જરૂર કહેજો કે કેવી લાગી. સોમવારથી શરૂ થશે. ચૂકતા નહીં, તમને તમારી મા પ્રત્યેનો બધો પ્રેમ યાદ કરાવી દેશે અને તમે ખોટા હશો ત્યાં તમને સહેજ ટપારીને સાચી દિશામાં લઈ આવવાનું કામ પણ કરશે.

JD Majethia columnists